Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-23

વેદાંશ ભારે હ્રદયે અને અતિશય દુઃખ સાથે અમદાવાદ છોડી ક્રીશાને લઈને બેંગ્લોર પહોંચી જાય છે.

વેદાંશ અને ક્રીશા બંને ક્રીશાની મમ્મીના ઘરે જઈને જમ્યા અને પછી આરામ કર્યો. વેદાંશે પોતાની ઓફિસની બાજુમાં જ એક ફ્લેટ રેન્ટ ઉપર લઈ લીધો અને ક્રીશાએ અને વેદાંશે પોતાના લગ્નજીવનની શુભ શરૂઆત તે ઘરમાંથી જ કરી.
બે બેડરૂમ, હૉલ, કીચનના આ ઘરની વેદાંશ તેમજ ક્રીશા પોતાના મીઠાં મધુરા સ્વપ્નથી ખૂબજ સુંદર સજાવટ કરે છે.
********************
સાન્વીને રેગ્યઞુલર દવા આપવામાં આવે છે પરંતુ કંઈ પણ ફરક દેખાતો નથી એટલે તેના પપ્પા ડૉ.અપૂર્વ પટેલને ફોન કરીને એ દિવસની સાંજની એપોઈન્ટમેન્ટ લઈ લે છે અને સાન્વીને બતાવવા માટે લઈ જાય છે.

ડૉ.અપૂર્વ શાંતિથી સાન્વીના પપ્પાની બધી જ વાત સાંભળે છે અને પછી સાન્વીને પણ તપાસે છે પણ સાન્વીની પરિસ્થિતિમાં કંઈજ ફરક નથી પડ્યો તે વાત પણ તે નોટિસ કરે છે. પછી સાન્વીના પપ્પાને ડૉ.અપૂર્વ જણાવે છે કે સાન્વીને ઠીક થતાં લગભગ એકાદ વર્ષ લાગી જશે. ત્યાં સુધી તમારે હિંમત રાખીને અને ભગવાન ઉપર ભરોસો રાખીને તેની રેગ્યુલર દવા કરવી જ પડશે. અને તેને ગાયનેકોલોજીસ્ટે ડીલીવરી માટે કઈ તારીખ આપી છે તે પણ પૂછે છે.

સાન્વીના પપ્પા મોહિતભાઈ જણાવે છે કે બે મહિના પછીની સાન્વીને ડીલીવરી માટેની તારીખ આપેલી છે.

ડૉ.અપૂર્વ સાન્વીના મમ્મી-પપ્પાને સમજાવે છે કે જ્યાં સુધી સાન્વી બાળકને જન્મ ન આપી દે ત્યાં સુધી તેને વધારે સાચવવી પડશે. અને સાન્વીના મમ્મી-પપ્પા સાન્વીને નાના બાળકની જેમ સાચવે છે.અને તેની મમ્મી પ્રતિમાબેન પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવીને નાના બાળકને સમજાવે તેમ સમજાવ્યા કરે છે કે, " જલ્દીથી સાજી થઈ જા બેટા, તું હવે માતા બનવાની છે.ક્યાં સુધી આમ વિચારોમાં ખોવાયેલી રહીશ બેટા" અને પછી પોતે જ રડી પડે છે. સાન્વીના પપ્પા દરરોજ વેદાંશ સાથે ફોન ઉપર વાત કરે છે અને રોજે રોજના સમાચાર વેદાંશને જણાવતાં રહે છે.

સાન્વી હજી કોઈને ઓળખતી ન હતી. કદાચ, ઓળખવાનો પ્રયત્ન જ ન હતી કરતી. તેના વર્તનમાં એટલો ફેર પાડ્યો હતો કે, તે હવે પહેલા જેટલી ગુસ્સે ન હતી થતી કે ન તો તે કોઈની ઉપર છુટ્ટી વસ્તુઓ ફેંકતી. તે પોતાની કોઈ અલગ જ દુનિયામાં જાણે ખોવાયેલી રહેતી હતી. મમ્મી પ્રતિમાબેન અને પપ્પા મોહિતભાઈ વિચાર્યા કરતાં હતાં કે હવે તો કોઈ ઈશ્વરનો ચમત્કાર થાય અને અમારી દીકરી અમને પાછી મળે તો સારું અને ભગવાનને ખૂબજ પ્રાર્થના કર્યા કરતા હતા.

સમય પસાર થયે જતો હતો. સાન્વીના વર્તનમાં કોઈ ફેર પડતો ન હતો. હવે તેની ડીલીવરીની તારીખ નજીક આવી ગઈ હતી તેથી પ્રતિમા બેન અને મોહિતભાઈને થોડી વધારે ચિંતા રહ્યા કરતી હતી. આ વાત તેમણે વેદાંશને પણ જણાવી તેથી વેદાંશ અને ક્રીશા ઓફિસમાંથી પંદર દિવસની રજા લઈ અમદાવાદ આવી જાય છે.

વેદાંશ ક્રીશાને લઈને સાન્વીને મળવા માટે આવે છે. ક્રીશા સાન્વીના મમ્મી-પપ્પાને પગે લાગે છે અને પછી વેદાંશ તેને સાન્વીના રૂમમાં લઈ જાય છે. ક્રીશા પણ સાન્વીની આ હાલત જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે. મોહિતભાઈ વેદાંશને અને ક્રીશાને પોતાના ત્યાં જ રોકાઈ જવા આગ્રહ કરે છે.

પરિસ્થિતિ જોઈને ક્રીશા પણ વેદાંશને સાન્વીના ઘરે જ આપણે રોકાઈ જવું જોઈએ તેમ સમજાવે છે અને એ રાત્રે બંને ત્યાં જ રોકાઈ જાય છે.

પરોઢીયે ચાર વાગે સાન્વીને દુખાવો શરૂ થાય છે અને તેને હોસ્પિટલમાં લઈ જવી પડે છે. હોસ્પિટલ લઈ જતાં સુધીમાં સાન્વીની તબિયત વધારે બગડતી જાય છે. ડૉ.સીમા પંડ્યા ખૂબજ હોંશિયાર અને કાબેલ ગાયનેકોલોજીસ્ટ છે. જે સાન્વીને તરત જ ઑપરેશન થિયેટરમાં લઈ જાય છે.

સાન્વીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી શું થાય છે. વાંચો હવે પછીના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/4/2022