કુમાઉ યાત્રા - ભાગ- 4 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુમાઉ યાત્રા - ભાગ- 4

કુમાઉ ટુર ભાગ - 4

આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે ચોથો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.
આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.

છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ સાંજે લગભગ ચાર વાગ્યા આજુ બાજુ મારા મિત્રના ઘરે પહોંચ્યા. મિત્રનું ગામ મુખ્ય રોડથી નીચે ઉતરતા જ શરૂ થઈ જાય છે. જેવા મુખ્ય રોડથી નીચે ઉતરિયે તરત એક ગેટ જેવું છે. એજ આ ગામનો મુખ્ય ગેટ છે. અને ત્યાંથી જ ગામની શરૂઆત થઈ જાય છે. ત્યાં શરૂ થતાંજ આર્ટ્સ કોલેજ છે. જે કુમાઉ યુનિવર્સિટીમાં આવે છે. જેમ જેમ નીચે ઉતરીએ તેમ ગામ છે. છુટા સવાયા વિસ્તારમાં ગામ પથરાયેલું છે. પહાડોમાં ગામડાની રચના આવીજ કંઈક હોય છે. બધા ઘર નજીક નથી હોતા થોડા થોડા દૂર હોય છે.

મિત્રના ઘરે જઈ એમના માતા-પિતાને પ્રણામ કર્યા. વડીલોને પ્રણામ કરી આર્શીવાદ લેવા એ આપણી સંસ્કૃતિમાં છે. હું જયારે પણ વતનમાં જવ ત્યારે ઘરે પહોંચીને પહેલા માતાપિતાના આર્શીવાદ લવ. માતાપિતાના આશિષ ભગવાનના આશિષ સમાન છે પણ આજ કાલના ફોરવર્ડ સંતાનો એ ભુલી રહ્યા છે. એના માટે થોડે ઘણે અંશે માતાપિતા પણ જવાબદાર છે. આજે નાતાલના દિવસે એપિસોડનો આ હિસ્સો લખી રહ્યો છું. આજના દિવસે તમે જોશો કે ઘણા બધા હિંદુ માતા-પિતા પોતાના સંતાનને સંતા ક્લોઝ બનાવશે, વીરોધ એ વાતનો નથી પણ આજ માતા-પિતા રામનવમી કે જન્માષ્ટમીના દિવસે સંતાનને શ્રીરામ કે કૃષ્ણના વેશમાં તૈયાર કરતા જોવા નહીં મળે. બાળકોને આપણી સંસ્કૃતિ અને ધર્મ વિશે અવગત કરાવવાની પ્રથમ ફરજ માતાપિતાની જ છે. બાળકોને ફોરવર્ડ બનાવવા એ ખોટું નથી પણ સાથે સાથે સંસ્કારી પણ હોવું જોઇયે. ફેશન કે વેસ્ટર્ન કપડાં પહેરવા અને આધુનિક હોવાને કોઈ સનલગ્નતા નથી. ગામડામાં ધોતી અને ઝબ્બો પહેરનાર વડીલ પણ મોબાઈલનો ઉપયોગ જાણતા હોય છે, એકલા દેશના ગમે તે ખુણે જઇ શકતા હોય છે. મેટ્રો,ટ્રેનમાં અને વિમાનમાં પણ મુસાફરી કરી શકતા હોય છે. અને અમુક ઓલા ફાટેલા પેન્ટની ફેશન વાળાને કઈ ટ્રેન ક્યાં પ્લેટફોર્મ પર આવશે એની પણ ખબર નથી હોતી. હવે મુખ્ય વાત ઉપર...

મિત્રના ઘરે જઈ સામાન રાખી અને ફ્રેશ થયો. સાંજ થવા આવી હતી સૂર્યાસ્ત નજીકમાં હતો. ધીમે ધીમે ઠંડી પોતાની અસર બતાવી રહી હતી. એવામાં મસ્ત ગરમ ગરમ ચા આપવામાં આવી. આવી પહાડોની ગુલાબી ઠંડીમાં જો ચા મળી જાય તો પછી તો પૂછવું જ શુ, મજા મજા થઈ જાય. ચા કપના બદલે સ્ટીલના ગ્લાસમાં આપવામાં આવી હતી જેની માત્રા પણ વધુ હતી. દરેક ચુસકીની મજા લીધી. ઠંડીમાં ચાની દરેક ચુસકી ગરમીનો અહેસાસ કરાવે છે. મને એક હિંદીમાં એક શાયરી યાદ આવે છે.

जैसे जैसे इन सर्दियों में कोहरा हुआ,
चाय के साथ मेरा इश्क़ और गहरा हुआ ।
-अज्ञात

ટુંકમાં ચા, ઠંડી અને પહાડોની સુંવાળા સંબંધ છે. ઘરના ફળિયા માંથી સુંદર પહાડો સાથે સૂર્યાસ્ત દેખાઈ રહ્યો હતો. સુંદર પહાડો, આથમતો સૂર્ય, નીચેના ગામડામાં ક્યાંક ચુલો પ્રગટાવવાને લીધે ઉડતા ધુમાડાના ગોટા અલગ તરી આવતા હતા. એટલામાં મિત્રએ કહ્યું કે છત ઉપરથી નજારો જોવાની મજા આવશે તો હું છત ઉપર ચડી ગયો. મકાન બે માળનું હતું. હમણાં બનેલ હોવાથી RCC નું હતું બાકી પહાડોના મકાન અલગ પ્રકરના હોય છે.

છત ઉપરથી સંધ્યા દર્શનનો અદભુત નજારો હતો. સૂર્ય સંપૂર્ણ આથમી ચુક્યો હતો. એ ભાગનું આકાશ હળવા કેસરી રંગથી રંગાયેલ ભાસતું હતું. ચારે તરફ શાંતિ વર્તાઈ રહી હતી. હવે ધીમે ધીમે ઠંડી વધવાની હતી. પહાડોમાં સૂર્ય આથમે એટલે તુરંત જ ઠંડીનો અહેસાસ થવા લાગે. બાકીની ક્ષણો સુંદર સંધ્યા જોવામાં અને વાતો કરવામાં ગુજારી. પછી અમે પણ નીચે ઉતર્યા. થોડો સમય બેઠક રૂમમાં બેઠા અને નાનીમોટી ચર્ચા કરી.

જમવાનું તૈયાર થઈ ગયું હોવાથી અમે ભોંયપથારી એ જમવા બેઠા. જમવાનું મેનુ પહાડી અને રેગ્યુલર મિક્સ હતું. જો મડુઆની રોટી મળી હોતતો 100% પહાડી થઈ જાત. આપડે જેમ બાજરો જમીએ એવી રીતે ત્યાં અમૂકવાર મડુઆની રોટી પણ ખાવામાં આવે છે. બાકી આપણી જેમજ ઘઉંની રોટી, લીલી ભાજી અને દાળ હોય. ત્યાંના મેનુમાં લીલી ભાજીની સબજી અને દાળ તો હોય જ. મારા મેનુમાં પણ રાઈ પત્તીની ભાજી અને પનીરનું શાક અને રોટી હતી. સાથે ગાયના દૂધની બનેલ મીઠી ખીર હતી અને સાથે ગુજરાતી ઓની મનગમતી છાશ પણ ખરી. અહીં છાસ સીધી પીવાને બદલે એનો વઘાર કરી અને પીવામાં આવે. અમે પણ ગરમાગરમ મસાલેદાર છાસની મજા લીધી. આમેય ઠંડીમાં ગરમ છાશ પીવાની મજા કંઈક ઔર જ છે.

જમ્યા બાદ રૂમમાં જ થોડું વોકિંગ કરી હું પણ મારી પથારીમાં ગોઠવાયો. રજાઈ ઓઢીને બેઠા બેઠા આજની ફોટો મેમરી સોસીયલ મીડીયામાં અપડેટ કરી. આજકાલની જનરેશનને આ ઘેલું ગજબ છે કોઈ નવી જગ્યાએ જાય એટલે ત્યાં ફોટો લેવાના અને સોસીયલ મીડિયામાં પોસ્ટ કરવાના, એને મન આ એકજ મજા છે. એ લોકો ત્યાંની પ્રકૃતિ ને માણવાની મજા ભૂલી જાય છે. જો ભુલથી પણ એ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ ના થઇ શકે તો એની મજા જ જતી રહે. મને ટેવ ખરી પણ સમય મળે તો, ફરજીયાત નહિ. જેતે લોકેશનના ફક્ત યાદી અને જાણકારી પૂરતા ફોટો લઈ બીજો સમય એને માણવામાં વિતાવવાનો. અમૂકવાર રહી પણ જાય ફોટો ક્લિક કરવાનું અને પોસ્ટ કરવાનું પણ જરાય અફસોસ નહિ કરવાનો. આખા દિવસનો થાક અને મસ્ત ઠંડી પછી નિંદર તો આવેજને...

રાત્રે સમયસર સુઈ ગયેલો અને થાક પણ હતો ઉપરાંત પહાડની સુંદર આબોહવા અને ઠંડી જેથી સુંદર મજાની નિંદર આવી ગઈ અને સવારે 6 વાગ્યા આજુબાજુ વગર એલાર્મેં નિંદર ઉડી ગઈ. રજાઈની બહાર નીકળતા અનુભૂતિ થઈ કે ઠંડી તો સારી એવી હતી. જેથી વુલન જેકેટ પહેર્યું અને બંદા ઉપડ્યા છત તરફ, પહાડની સુંદર સવારને મનમાં ભરી લેવા માટે. છત ઉપર પહોંચતા જ ઠંડી હવા શરીરને સ્પર્શ કરીને ઠંડીનો અહેસાસ કરાવી ગઈ. હવાની ગતી તેજ હતી ઉપરાંત એની સાથે પહાડની ઠંડી સફર કરતી હતી. પરંતુ વાતાવરણનો માહોલ ખુબજ સુંદર હતો જેના માટે ઠંડી સહન કરવી પોસાય એમ હતી. સૂર્યોદયની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ આગળનો પહાડ આડો આવવાથી સંપૂર્ણ સૂર્યનારાયણના દર્શન હજુ શક્ય બન્યા ન હતા. પુર્વ દિશા તરફનું ગગન કેસરી રંગનું દેખાતું હતું. (Image-8) અને એની બાજુની દિશા લાઈટ ગુલાબી કલરનું દેખાતું હતું. (Image - 9). કુદરતે જાણે અલગ અલગ કલરના શેડમાં કલર પૂર્યા હોય એવી અનુભુતી થતી હતી. ચારે બાજુ નીરવ શાંતિ પથરાયેલ હતી. આવા ઠંડીના માહોલમાં કામ વગર કોઈને બહાર નીકળવું ના પોસાય. જો કે કામ હોય તો નીકળવું પડે. સવારમાં વહેલા 5.30 વાગે મિત્રના પિતા કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી નીકળેલા. મન ભરીને કુદરતી સૌંદર્યને માણ્યા પછી નીચે આવી ગયો. લગભગ 7.30 વાગ્યા આજુ બાજુ સૂર્યોદય થતા ફરીથી છત પર ગયો અને સુંદર અને સ્ફૂર્તિસભર પહાડી સવારની મજા લીધી. એનો એક નાનકડો વીડિયો પણ બનાવેલ છે જે તમને યુ-ટ્યુબ અથવા આ તારીખની મારી ફેસબુક ટાઇમલાઈનમાં જોવા મડી જશે. ફેસબુક પેજમાં પણ આ વીડિયો મુકેલ છે. ત્યાંના સુંદર મહોલના વર્ણન માટે મારી પાસે શબ્દો નથી પરંતુ વિડિઓ એનું કામ બખૂબી નિભાવશે એની મને પાક્કી ખાતરી છે. કેમેરા અને ટેકનોલોજી આ એક ફાયદો પણ છે. કે જે આપણે જે આંખે જોયું એ દૂર રહેલને પણ તમે બતાવી શકો.

આજે રાનીખેત કૌસાની માટે આગળની સફર પણ કરવાની હતી જેથી હું દૈનિક કાર્યક્રમ માં ગોઠવાયો. ઉતાવળ હોવાથી ઠંડા પાણીથી નહાવું પડ્યું, એમાં થયું એવું કે મિત્રએ બાથરૂમમાં મોટી ડોલમાં પાણી ગરમ કરવા ઇમર્સન હીટરનો રોડ રાખેલ. મને ઉતાવળ હોવાથી મેં ઉપરથી હાથ નાખીને જોયું તો મને પાણી નહાવાના ખપ પૂરતું લાગ્યું જેથી ગંગે ચ યમુને ચ....એમ કરીને શરૂ પડી ગયો. પણ ઉપરનું થોડું પાણી ઓછું થયું પછી ખબર પડી કે નીચેનું પાણી તો ઠંડુ છે, ટૂંકમાં સાપે સસુંદર ગળ્યા જેવી હાલત થઈ. પછી શુ કરે...ફરીથી પાણી ગરમ થવામાં ખુબજ સમય લાગે એટલે પછી ઠંડા પાણીથી ફટાફટ સ્નાન પતાવી દીધું. જેથી ઠંડી ઉડી ગઈ.

સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો હોવાથી, હવે નાસ્તો કરવા બેસી ગયા. સવારના નાસ્તામાં આલુ-ગુટખા, રોટી અને સાથે ગરમા ગરમ ચા તો ખરીજ. આલુ-ગુટખા નામ ઉપરથી કદાચ સમજાઈ ગયું હશે પણ સાદી ભાષામાં કવ તો પહાડી બટેટાની સૂકી ભાજી...બસ થોડી ઘણી વઘાર કરવાની પદ્ધતિ અને મસાલા અલગ હોય. મને ખુબજ મજા આવી ગઈ. આમેય બટેટા આપણું મનપસંદ શાક છે. પેટ ભરીને બ્રેકફાસ્ટ કમ લંચની મજા લીધી જેને આપડે બ્રન્ચ પણ કહીયે છીએ. ટૂંકમાં પહાડી મહેમાનગતિ નો અનુભવ ખુબજ સારો રહ્યો. અને પહાડી ડિશનો પણ. પછી થોડો સમય મિત્રના 1 વર્ષના દીકરા સાથે રમવામાં વિતાવ્યો.

મિત્રના દીકરા સાથે રમતા રમતા નીચે રાઉન્ડ લગાવ્યો. નવા મકાનની બાજુમાં જૂની ઢબનું બિલકુલ પહાડી મકાન આવેલું છે. (Image-10) એ પણ બે માળનું છે. જેની બાંધણી જોવા જઇયે તો પહાડના પથ્થરને યોગ્ય ઘાટ આપી એની દીવાલ બનવામાં આવે અને ઉપરની છત પથ્થરના ટુકડા માંથીજ બનાવમાં આવે. મકાનની બાજુમાં નીચે ગાય, ભેંસ અને નાનકડું વાછડું બાંધેલું હતું. તે પોતાની મસ્તીમાં મશગુલ થઈ ઘાસ ખાવાની મજા લઈ રહ્યા હતા. મકાનથી આગળ થોડો ફળિયાનો ભાગ અને પછી નાનકડી ડેલી હતી. ફળિયાની દીવાલ પણ એકાદ મિટરની નાના પથ્થર માંથી બનાવેલ હતી. ત્યાંથી થોડે નીચે ઢોળાવમાં બીજું મકાન આવેલું હતું. (Image - 11) બહાર નીકળતા સીધો કાચો એટલે કે ધુળીઓ રસ્તો ઉપર તરફ ગામમાં જઈ ને સીધો ઉપરની મુખ્ય સડકને મળતો હતો. જે રસ્તે અમે બસમાં આવ્યા હતા અને એજ રસ્તે જવાનું હતું.

હવે બધો સામાન પેક કરી ને અમેં સવારે 10.30 વાગ્યા આજુ બાજુ રાનીખેત તરફ જવા નીકળ્યા. આ વખતની મારી ટ્રીપ કંઈક અલગ હતી કારણકે હવે પછીની મુસાફરી બસમાં કે કારમાં નહિ પરંતુ હીરો ડેસ્ટિની દ્વારા થવાની હતી. આગળની જગ્યામાં બન્નેની બેગ રાખી દીધી અને એક નાનકડી લેપટોપ બેગ મારા ખભે લગાવી કારણકે અત્યારે સ્કૂટી (હવે હું હીરો ડેસ્ટિની ને સ્કૂટી કહીશ જેથી લખવામાં સરળતા રહે) મિત્ર ચલાવાનો હતો. પહાડોમાં ટુ-વિલર પર મુસાફરી કરવાનો મારો આ પ્રથમ અનુભવ હતો. રાનીખેત પહેલા ઉપરની મુખ્ય સડક ઉપર આવેલ મનિલા દેવીના બે મંદિરના દર્શન પણ કરવાના હતા. ત્યાં મુખ્ય મંદિર ગામથી બિકીયાસેન જતા રસ્તે લગભગ 3 કિલોમીટર દૂર હતું જે તલ્લા કે તલ્લી માતા મંદિર તરીકે ઓળખાય છે. કુમાઉ ભાષામાં તલ્લા એટલે નીચેનું એવી અનુવાદ થાય. ઉપરાંત ગામથી ડોટિયાલ રામનગર તરફ જતા 7 કિલોમીટર દુર બીજું મંદિર આવેલ છે જેને મલ્લા અથવા મલ્લી માતા એટલેકે ઉપરનું મંદિર તરીકે ઓળખે છે. અમારે બિકીયાસેન વાળા રસ્તે જવાનું હોવાથી પ્રથમ અમે મલ્લી માતા મંદિરના દર્શન કરવા ઉપડ્યા. મુખ્ય રોડ થી લગભગ 1 કિલોમીટર ઉપરની બાજુ આ મંદિર આવેલું છે. ત્યાં જવાનો રસ્તો સાંકડો અને કાચો છે. ત્યાં જતા રસ્તામાં પાણીની મોટી ટાંકી આવેલી છે જેના થકી પાણીનો સપ્લાય આજુબાજુના 8-9 ગામમાં આપવામાં આવે છે. અહીં ગ્રામ પંચાયત પણ દરેક ગામમાં નથી હોતી પણ આજુબાજુના અમુક ગામના ગ્રુપની વચ્ચે એક પંચાયત હોય છે. જે મારા મિત્રના ગામમાં આવેલ છે. અહીં ગામ નાના ઉપરાંત વસ્તી ઓછી હોવાને કારણે આવી વ્યવસ્થા હશે. ત્યાંના રસ્તે જતા સ્કૂટીમાં પાછળ બેઠા બેઠા મને કંઈક અલગ જ અનુભૂતિ થઇ રહી હતી. કારણકે આ પ્રથમ મુસાફરી હતી. ચડાણ જોતા એવું લાગે કે સ્કૂટી આગળ જશે કે અટકી જશે ? કે પછી પાછળ પડછે અને સ્લીપ થશે ? આવા વિચાર આવતા હતા. વાહન ચલાવતા આવડતું અને અનુભવ હોવાથી ડર નહોતો લાગતો એ બવ સારી બાબત હતી. હજુ તો નજીકના દિવસોમાં ઘણા અનુભવ લેવાના અને શીખવાનું બાકી હતું. મંદિર પહેલાનો 200 મીટર જેવો રસ્તો થોડો ચડાણ વાળો અને રેતી-પથ્થર વાળો હતો જેથી ચડાણમાં તકલીફ પડી ત્યાં હું સ્કૂટી માંથી ઉતરી ગયો અને ચાલતો ચાલતો મંદિર સુધી પહોંચ્યો. કદાચ નાની મોટી તકલીફની આ શરૂઆત હતી. પણ એનાથી દૂર નતુ ભાગવાનું પણ એનો હિંમતથી સામનો કરવાનો હતો. અમે મંદિર પહોંચ્યા ત્યાં કેટલાક વાંદરા હતા. ત્યાંના અમુક વાંદરા લાલ મો વાડા અને માપના કદના હોય છે. સ્કૂટી નીચે પાર્ક કરી ઉપર લગભગ 50 જેવા પગથિયાં ચડી મંદિર જવાતું હતું. વાંદરા સામાન લઈ જશે એ બીકે અમે સામાન સાથે લઈ ને મંદિર પર પહોંચ્યા. ઉપર મંદિરમાં નીરવ શાંતિ પ્રવર્તેલ હતી. અમારા બેવ સિવાય ત્યાં કોઈ નહતું. ત્યાં મંદિર સિવાય એક શાળા હતી. કદાચ તે ચાલુ હોય ત્યારે આ પટાંગણમાં બાળકોનો અવાજ ગુંજતો હશે. માતાજીના દર્શન કર્યા અને આગળની સુખદ યાત્રા માટે પ્રાર્થના કરી. (Image -12) મંદિરના ઇતિહાસને લઈને મારા મિત્રએ જાણકારી આપી જે નીચે મુજબ છે.

મલ્લા માતા મંદિરને લઈને એક પૌરાણિક કથા પ્રચલિત છે. પહેલા ફક્ત તલ્લા માતા મંદિર જ હતું. એ સમયે કોઈ અપ્રિય ઘટના પહેલા માતાજીના મંદિર માંથી અવાજ આવતો જે લોકોને સાવચેત કરી દેતો હતો. કાળ ચક્રમાં કોઈ સમયે એ ક્ષેત્રમાં બહારથી બળદની ખરીદી માટે ત્યાં વેપારી આવેલા, જેઓને બળદની એક જોડ પસંદ આવી, પરંતુ ભાવતાલમાં એના મલિક જોડે સોદો ના થયો. એ લોકોને એ બળદ એટલા ગમી ગયા કે જેના કારણે એ લોકોએ બળદને ચોરીને લઈ જવાનો પ્લાન કર્યો. એ રાતે તેઓ જેવા બળદ ચોરી કરવા ગયા કે માતાજીના મંદિર માંથી એના માલિકને ચેતવવા માટે અવાજ આવ્યો જેથી તેઓએ પોતાનો પ્લાન કેન્સલ રાખી અને આ ચમત્કારી મૂર્તિને પોતાના પ્રદેશમાં લઈ જવાની યોજના બનાવી. તેઓએ ખુબજ પ્રયત્ન કર્યો પણ મુર્તિ પોતાના મુળ સ્થાનથી ખસેડવી શક્ય બની નહીં, પણ આ ખેંચ તાણમાં માતાજીનો એક હાથ મૂર્તિથી છુટો પડી ગયો જેથી તેઓ એ લઈને ચાલતા થયા પરંતુ થોડું અંતર કાપતા જ માતાજીના હાથનું વજન એટલુ વધી ગયું કે વજનને કારણે એ લોકો હાથને મંદિર જે જગ્યા એ છે ત્યાં છોડીને જતા રહ્યા.જેથી અહીં માતાજીના હાથની સાથે એમની મુર્તિની સ્થાપના કરવામાં આવી અને મલ્લી માતા મંદિરની સ્થાપના થઇ. કહેવાય છે કે જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંદિર માંથી અવાજ આવેલો, કોઈ સ્ત્રીએ એ સાંભળેલ પરંતુ બહાર નીકળી એને નજરઅંદાજ કરી પછી ઘરમાં જતી રહેલ જેથી એ પછી અવાજ આવતો બંધ થઈ ગયો. અત્યારે પણ માતાજીની મૂર્તિની નીચે માતાજીનો હાથ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

હવે અમે મનીલા માતાજીના મુખ્ય મંદિર તરફ જવા નીકળ્યા. મલ્લી માતા મંદિર થી એ મંદિરનું અંતર લગભગ 10 કિલોમીટર જેવું હશે. પહાડી રસ્તો તો ખુબજ સુંદર હોય જ છે એની આપને પણ જાણકારી હશે. અને ઘણા બધાયે જોયો પણ હશે. અહીંનો રસ્તો પણ ખુબજ સુંદર હતો. આજુ બાજુમાં દેવદારના લગાવેલ વૃક્ષ રસ્તાની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. એ સિવાય પાઈનના ઝાડ પણ ખરા. રોડની બન્ને બાજુ નાનું નાનું ઘાસ ઉગી નીકળ્યું હતું. હવે અમે મનીલા માતાના મુખ્ય મંદિર એટલેકે તલ્લી માતા મંદિર પહોંચી ગયા હતા. (યુ-ટ્યુબમાં વિડિઓ મુકેલ છે) મંદિર મુખ્ય રોડ ઉપર જ આવેલું છે જે રોડથી થોડી ઉપર ઊંચાઈ ઉપર છે. નીચે પાર્કિંગ માં સ્કૂટી પાર્ક કરી ને પગરખાં ઉતારી ને મંદિર તરફ જવા નીકળ્યા. લગભગ 25 જેવા પગથિયાં ચડીયે એટલે મંદિરની બહારનું પટાંગણ આવે છે. પગથિયાં ચડવાનો રસ્તો ઉપરથી સુંદર છત દ્વારા કવર કરવામાં આવ્યો છે જેથી વરસાદમાં યાત્રીઓને તકલીફ ના પડે. ઉપર ચડતા સામે ઘાસના મેદાન જેવું છે જેની વચ્ચે ચાલવા માટે લાલ પથ્થર થી રસ્તો બનાવેલ છે. રસ્તો પુરો થાય ત્યાં એક મુખ્ય બિલ્ડીંગ છે જેને સતસંગ ભવન કહે છે અને ડાબી બાજુ માતાજીના મંદિરમાં જવાનો સુંદર ગેટ દેખાઈ આવે છે. આ પહેલા બે ટોકરા આવે છે જેના અવાજની પણ અનુભૂતિ કરી. મંદિરના દ્વાર પર સામેની બાજુ થી જોતા ડાબી બાજુ શ્રી હનુમાનજી અને જમણી બાજુ શ્રી કાળ ભૈરવ દેવતાં મુર્તિ સ્વરૂપે બિરાજમાન છે. મૂર્તિની નીચે "આદિ શક્તિપીઠ મનિલા" લખાણ કોતરેલી કાળા કલરની તકતી મુકેલ છે. મુખ્ય દરવાજામાં દાખલ થતા મંદિરનું મુખ્ય પટાંગણ આવી જાય છે. ડાબી બાજુ રૂમ આવેલા છે. જમણી બાજુ યજ્ઞશાળા આવેલી છે અને એની બાજુમાં અડીને માતાજીનું મંદિર આવેલું છે. મંદિરમાં માં દુર્ગા મનિલા માતાજીના સ્વરૂપે બિરાજે છે. મનિલા માતા કત્યુરી વંશના રાજાઓની કુળદેવી છે. જુનું મંદિર રાજા બ્રહ્મદેવ રાજા બ્રહ્મદેવ દ્વારા બાંધવામાં આવેલું છે. મંદિરનો જીર્ણોદ્ધાર 1976-77 માં કરવામાં આવ્યો છે. મંદિરની અંદર માતા દુર્ગા અને વિષ્ણુ ભગવાનની કાળા પથ્થરની બનેલ સુંદર અને પવિત્ર મૂર્તિ આવેલી છે જેના દર્શન માત્રથી પરમ શાંતિનો અનુભવ થાય છે. માતાજીના દર્શન કરીને અમે પણ પાવન થઇ ગયા.

મંદિરની સામેના ભાગે એક મોટા હોલમાં મ્યુઝિમની રચના કરેલ છે જેમાં ઉત્તરાખંડના અને ખાસ કરીને કુમાઉ વિસ્તારના મહાન રાજાઓ, દેવતાઓ જેમકે ગોલું દેવતા, નાગર્જન દેવતા, બધાન દેવતા અને જિયા રાની વગેરેની સુંદર મૂર્તિઓની સ્થાપના કરેલી છે. મને આ મ્યુઝિમ ગમ્યું કારણકે બાળકો આ જોવે અને એમને આપડા વીર વંશજો અને દેવો વિશે જાણકારી મળે. આપડી સંસ્કૃતિ વિશે પણ જ્ઞાન થાય.

મંદિરની પાછળના ભાગે ઉપર હિમાલય દર્શન માટેની સુંદર વ્યવસ્થા રાખેલી છે.અહીંથી હિમાલયના બરફાચ્છિત શિખરોનો નયનરમ્ય વ્યુ દેખાય છે. (Image-13) ત્યાં જોયા પછી એટલી તૃપ્તિનો અનુભવ થાય કે ત્યાંથી ધ્યાન હટાવી જ ન શકાય. એ ઉપરાંત અહીં વહેલી સવારના યોગા અને ધ્યાન કરવા માટે એક ભવનનું નિર્માણ કરેલ છે જેનું મુખ હિમાલય બાજુ છે અને એ બાજુની આખી દીવાલ કાચ માંથી પારદર્શક બનાવેલી છે. આ સતસંગ ભવનનો પાછળનો ભાગ છે અને આની નીચે તીર્થયાત્રીઓ ને રહેવા માટેની પણ વ્યવસ્થા છે. સારો એવો સમય મનિલા માતાજીના સાનિધ્યમાં વિતાવ્યાં બાદ અમે હવે રાનીખેત તરફ પ્રયાણ કરવાનું હતું. સમય લગભગ 11.30 થવા આવ્યા હતા અને હજુ રાનીખેત માટે લગભગ 80 Km ની મુસાફરી કરવાની હતી. જે પહાડી રસ્તાઓ માટે ઘણી કહી શકાય. આમતો આ એપિસોડ ને રાનીખેતમાં જઈને પુરો કરવાની ધારણા હતી પરતું ઘણો લાંબો ઉપરાંત ત્રીજો એપિસોડ પોસ્ટ કર્યાનો ઘણો સમય થઈ ગયો છે. અમુક બે-ત્રણ વાચક મિત્રોના મેસેજ પણ આવી ગયા છે કે ચોથો એપિસોડ ક્યારે મુકો છો ? જેથી વધુ સમય ના લેતા અહીં આ એપિસોડ પુરો કરું છું. અને હવે પછીનો એપિસોડ ખુબજ જલ્દી લઈને આવીશ એનો વાયદો કરું છું.

હવે પછીની મુસાફરી પાંચમા એપિસોડમાં ચાલુ રહે છે. જુના અને નવા એપિસોડ માટે મારી ટાઇમલાઈન અથવા ફેઅબુક પેજ અથવા વોટ્સએપ કરવું ત્યાંથી મળી જશે.

જૂની પોસ્ટની લિંક કોમેન્ટમાં છે.

મારી મુસાફરીના દરેક એપિસોડ માટે #Kumautour2021bydhaval ફોલો કરવું.

ટુરને લગતી અન્ય માહિતી અને બુકિંગ માટે વોટ્સએપમાં મેસેજ કરવો અથવા ફેસબુક પેજને લાઈક કરવું. મારી દરેક પોસ્ટ ઉપરાંત ટુરિઝમને લગતી માહિતી ફેસબુક પેજ ઉપરાંત યુ-ટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થતી હોય છે. બન્ને માટે નીચે લિંક આપેલી છે.

વોટ્સએપ : 09726516505

ફેસબુક પેજ : https://m.facebook.com/Enjoye.Life/

યુટ્યુબ માટે લિંક :
મિત્રના ઘરથી પહાડનો વ્યુ :https://youtube.com/shorts/0S8CnextcjE?feature=share

મનિલા તલ્લી માતા મંદિર : https://youtu.be/Fi-Y0LDywFk