મોજીસ્તાન - 81 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 50

    "તારી વાત તો સાચી છે લિઝા..! પરંતુ આને હું હમણાં નહીં મારી શ...

  • ભાગવત રહસ્ય - 83

    ભાગવત રહસ્ય-૮૩   સ્કંધ-3 (સર્ગ લીલા) સંસાર બે તત્વોનું મિશ્ર...

  • નિતુ - પ્રકરણ 38

    નિતુ : ૩૮ (ભાવ) નિતુની ઈચ્છા કરતા પણ વધારે સારી રીતે લગ્નનો...

  • અઘૂરો પ્રેમ - 1

    "અઘૂરો પ્રેમ"પ્રિય વાંચક મિત્રો... ઘણા સમય પછી આજે હ...

  • ભીતરમન - 44

    મેં એની ચિંતા દૂર કરતા કહ્યું, "તારો પ્રેમ મને ક્યારેય કંઈ જ...

શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 81


હબાએ આજ ઘણા દિવસ પછી દુકાન ખોલી હતી.પોચા સાહેબે એને ભૂત બનીને લોકોને ડરાવવાની નોકરી આપવાની વાત કરી ત્યારે પહેલા તો એ ખુદ ડરી ગયેલો. કારણ કે જો પકડાઈ જવાય તો લોકો મારી મારીને ટાંટિયા ભાંગી નાખે એવું આ કામ હતું.પણ પછી પોચા સાહેબે આખો પ્લાન સમજાવ્યો ત્યારે એને રસ પડ્યો હતો.પોચા સાહેબ આવું શા માટે કરતા હતાં એ પ્રશ્ન પણ એને થયેલો.પણ પોચા સાહેબે જે રકમ આપવાની વાત કરી હતી એને કારણે હબાએ વધુ પૂછપરછ નહોતી કરી.

ભાભા અને બાબા પ્રત્યે હબાને પહેલેથી જ દાઝ હતી.ભૂત થઈને પહેલો જ શિકાર તભાભાભાનો કરવાનો હતો એટલે એ તરત તૈયાર થઈ ગયેલો.

આખરે ભૂત પ્રકરણ પૂરું થયું એટલે હવે હબો આજે દુકાને આવ્યો હતો.ઝાપટઝૂપટ કરીને ડબલા લુછતા હબલાને જોઈ નગીનદાસ સિવવાનું પડતું મૂકીને હબા પાસે આવ્યો. નીનાને જોવા આવેલા મહેમાનોને આ હબાએ જ પાછા વાળીને સોડા પીવડાવી હતી ત્યારથી નગીનદાસ હબાનો મિત્ર બની ગયો હતો.

"આવો આવો નગીનદાસ,કેમ છો ? મજામાં ? પાન ખાવું છે ? તાજા જ લાવ્યો છું.લ્યો બનાવું તમારા માટે."હબાએ નગીનદાસને આવકારતાં કહ્યું.

"તો એમ કર હબા, હું ઘેર ચાનું કહી આવું. પહેલા આપણે ચા પીએ. પછી પાન ખાશું..!" નગીને હસીને કહ્યું અને ઘર તરફ મોં રાખીને નિનાને બે રકાબી ચા મુકવાનું કહ્યું.

નગીનદાસ હબાની દુકાનના બારણાંમાં બેઠો.હબાને ખબર જ હતી કે ગઈ કાલે જે બન્યું હતું એની જ વાત નગીનદાસ કરશે.
પણ નગીનદાસે બીજો જ સવાલ કર્યો,

"હું શું કહું છું હબા, આપડે એક કામ હતું..!"

"બોલોને, થાય એમ હશે તો જરૂર
કરી દેશું..!"

"મારા સાળા પાસે બહુ રૂપિયા છે. પણ એની બેનને એક ફદીયું'ય દેતો નથી.ભાવનગરમાં ચાર દુકાનું હાલે છે ટેલરની !'' નગીનદાસે આજુબાજુ જોઈ, કોઈ આવતું નથી એની ખાતરી કરીને હળવેથી કહ્યું.

હબો આંખો ફાડીને નગીનદાસને તાકી રહ્યોં. નગીનદાસ એના સાળાની વાત શું કામ કરતો હશે એ એને સમજાયું નહીં.

"તો ઈમાં હું શું કરું ભલામણહ !''હબાએ કહ્યું.

"હું ઈમ કવ છું કે તું જો સાથ આપે તો મારા સાળાને આપણે ખંખેરી લેવો છે. તું તારે તારું મેં'નતાણું જે થાય ઈ તને મળી જાશે...!"

'આ નગીનદાસ ! મારો બેટો કેવી વાત કરે છે.સગા સાળાને ખંખેરી લેવો છે ! જમાઈને દસમો ગ્રહ એટલે જ કદાચ કહેતા હશે !" હબો મનોમન વિચારી રહ્યોં.

"તો શું કહે છે તું ? મદદ કરીશ ? આપણે તો પાડોશી કેવાવી. એકબીજાને કામ નો આવવી તો શું કામનું.જો ને તે'દી તેં મે'માનને પાછા વળ્યા નો'તા ?"

"પણ એવું નો કરાય.તમે બનેવી ઉઠીને સાળા ને..."


"અલ્યા તને ખબર્ય નથી.ઈમને ગમે એટલા વાપરવા હોય તો ચ્યાંય પાછા પડતાં નથી. પણ બેનને દેવાની વાત આવે એટલે ખિસ્સામાં એરું બેહી જાય છે !'' નગીનદાસે હબાનું વાક્ય અધવચ્ચેથી કાપીને કહ્યું.

"તો આમાં મારે શું કરવાનું છે ?" હબાએ કહ્યું.

"હું ઈમ કવ સુ કે તું ભૂતનો વેહ કાઢી મારા સાળાને પરચો બતાવ્ય. તારે ઈમ કે'વાનું કે પાંચ લાખ રૂપિયાનો બેનને ટેકો કર્ય.તારે મારો ગઢો હાહરો દુલો સઈ હતો એનો આતમો બોલું છું ઈમ કે'વાનું.હું ઈની માહિતી ભેગી કરી લાવીશ.તારે ઈ પરમાણે રોલ કરવાનો..!"

હબો અંદરથી હલી ગયો.પોચા સાહેબની નોકરીમાંથી છૂટ્યો ત્યાં આ નગીનદાસ નવો કોન્ટ્રાકટ લઈને આવ્યો હતો.પણ હબો જાણતો હતો કે ભૂતની નોકરી કેટલી જોખમી છે ! આ તો ઠીક ગામડું હતું,અહીં બધા ઓળખતા હોય એટલે થોડી શરમ પણ પડે તો છૂટી જવાય પણ ભાવનગરમાં પકડાયા તો પોલીસવાળા પૂંઠા ફાડી નાંખે !

"નગીનદાસ મારું માનો તો આવું નો કરો ભાઈશાબ. જોવો આપેલું ને તાપેલું બહુ લાબું હાલતું નથી.સગામાં આવું નો કરાય..!'' હબાએ કહ્યું.

"જો હબા, સલાહની નઈ સહકારની જરૂર છે.આ તો તું મારો દોસ્ત છો અટલે તને પે'લી ઓફર કરી છે.તું હા પાડય તો ભલે નકર ચંચિયો કે રઘલો તો ના નથી જ પાડવાના.દસ દસ હજારમાં તો ઘૂઘરા જેવા થઈ જશે..!''

"તમારા સાળા પાંહેથી તમે પાંચ લાખ પડાવવા માંગો છો ને અમને ખાલી દહ હજાર જ ?" હબાના હાથમાંથી બરણી પડતાં પડતાં રહી ગઈ !

"ઈ તો ચંચિયા અને રઘલાનો ભાવ છે.તને સાવ દહ થોડા હોય ?"

"તો મારો શું ભાવ દેશો ?" હબાએ પાન કાપતાં કહ્યું.

"તને તો બા..આર હ..જ્જાર પુરા દેવા પડે..હેહેહે"

હબાને કાતરનો છુટ્ટો ઘા કરવાનું મન થયું.
' મારો બેટો બાર હજારમાં મારૂ લિબું નીચોવી લેવા માંગે છે.'

બરાબર એ વખતે જ નીના ચાની કિતલી અને બે રકાબી લઈને આવી.નગીનદાસે બેઉ રકાબી હબાના કાઉન્ટર પર મૂકીને બંનેમાં ચા રેડી.કિતલી નીનાને પાછી આપીને એને જવા કહ્યું.

હબો ચુપચાપ ચા પીવા લાગ્યો.નગીનદાસ આટલો હરામખોર માણસ હશે એની એને ખબર જ નહોતી.

'સગ્ગા સાળાનું સ્હખ આ નાલાયકથી જોવાતું નથી.ઈ બચાડાએ મે'નત્ય કરી હશે તંયે ઈને ચાર ઠેકાણે દુકાનું થઈ હશે.કાંય કોઈનું લૂંટી થોડું લીધું હોય ?કરમના ફળ ભોગવવા જ પડે સે.આ તભાભાભનો દાખલો મોઢા મોર્ય તો સે.માઈ ગિયું આપણે હવે કોઈ પાપમાં પડવું નથી.બાર હજાર હાટું કોકના બાર વાગી જાય એવું કરીને કયા ભવે સૂટવું ? અને પકડઈ જ્યા હોવી તો આ નગીનદાસ પછેડી ખંખેરીને ઉભો રઈ જાય એવો જ સે.ઈના સગ્ગા સ્હાળાને વેતરી નાખવા તિયાર થિયો હોય તો હું વળી કઈ વાડીનો મુળો ?'

ચા પીતા પીતા હબો વિચારતો હતો. નગીનદાસને પાંચ લાખનો આઈડિયા ગઈકાલે પંચાયતમાં જે બન્યું એના પરથી આવ્યો હતો.

"તો પાક્કું ને ? આજ રાતે પલાન બનાવીએ. મારા ગઢા હાહારા બે વરસ પેલા ઉલ્લી જ્યા છે.ઇમનું નામ દુરલભભાઈ હતું પણ બધા એમને દુલા સઈ તરીકે ઓળખતા.હું મારા સાળાનાં કુટુંબની અને મારા ગઢા હાહારાની બધી વિગત તને લાવી આપીશ.પછી તારે દુલા સઈનું ભૂત થઈને મારા મોટા સાળા બીપીનને બીવડાવવાનો..! આમ તો સાવ ફાટણીયા છે.એક જ વાર તું દર્શન આપીશ એટલે બીજે જ દિવસે પાંચ લાખ પોગાડી દેશે.ઘણાય રૂપિયા છે એની પાંહે પણ મારા બેટા બેન બનેવીની સામુંય જોતા નથી ! પણ તમે લોકોએ ગામમાં જે કમાલ કરી'તી ઈ જોઈને તો હું ફિદા થઈ જ્યો છું હબા..!"

"જોવો નગીનદાસ, આ કામ બહુ જોખમી છે.સગ્ગા સાળાનું કરી નાખવું ઈ માણસાઈના નામે મીંડું કે'વાય.પાછું ખાલી બાર હજારમાં તો...."

"તો ઈમ કે ને કે ઓછા પડે છે ? હાલ્ય પંદર આપીશ બસ ? હવે બીજું કાંય નો બોલતો..!"

"મારે આ કામ નથી કરવું.જાવ તમે ચંચિયા કે રઘલા પાંહે દહ હજારમાં જ કરાવી લ્યો." કહી હબાએ પાન પાછું મૂકી દીધું.હવે નગીનદાસને પાન પણ ખવડાવવાની એની ઈચ્છા નહોતી.

"તો પાડોશી ધરમમાં દીહાળી જ ચાંપવી છે ઈમ ને ? અમે તને ખાસ ભયબન હમજવી શી અટલે બે પૈસા રળવાનો ચાન્સ આપ્યો.પણ ભાગ્યમાં જ ભમરો હોય પછી ઠેબા જ ખાવ તમે.પોસા માસ્તરે ગધેડો બનાવ્યો હોત તોય પૈસા લયને તું હોંચી હોંચી કરવા તિયાર હતો. અને અમે જરાક મદદ માંગવી તો સતવાદીનું પૂછડું થઈ જાવ છો..!" નગીનદાસ ખિજાઈ ગયો.

"મારે અધરમ કરીન ધરમ નથી કરવો.પોસા શાબે ઇમના સગા વાલાનો ઘડો લાડવો કરવાનું નો'તું કીધું.પોસા શાબ્યે ખાલી બાર પંદર રૂપડીમાં અમને ભૂત નો'તા બનાવ્યા.હંધિય જવાબદારી ઇમણે માથે લીધી'તી. પાસું કાલ્ય જોયું ને ? અમને તણયને નિર્દોષ જાહેર કરીને હંધોય ગુનો ઇમણે પોતાની ઉપર લય લીધો.અટલે તમે પોસા શાબ્યનું નામ તો લેતા જ નય..!" હબાને પણ હવે ગુસ્સો આવતો હતો.

"તું તો ભાઈ ભારે નીકળ્યો.તો પછી કૂકડો હોય તો જ સવાર પડે ઈમ નો માનતો. અને તારેય મારૂ કામ પડશે,કાંય નહિ પડે ? તે'દી અમેય ભાષણ આપશું." કહી નગીનદાસ ઉભો થઈ ગયો.

હબાએ એની સામું પણ ન જોયું.

*

"હબા, હાલ્ય હુકમચંદ બોલાવે સે.રઘલાને સ્હોતે બોલાયો સે.પણ કાલ્ય રાતે ઈનું એક્સિડન થય જયું સે.જાદવો ને ભીમલો ડોકટર હાર્યે અમદાવાદ લયમેં જીયા સે !" દુકાનની સાફ સફાઈ કરતા હબાને થોડીવાર પછી આવેલા ચંચાએ કહ્યું.

"રઘલો તો સાલું મિટિંગે જ વ્યો ગ્યો'તો.ઈનું એક્સિડન ચીમ કરતા થિયુ ? અને હુકમસંદને આપડું સુ કામ સે ? મારે કાંય આવવું નથી.
હવે શાંતિથી ધંધો કરવા દયો.આ બધા લફડા મારે હવે નથી કરવા..!"

"પણ કર્યા સે ઈનું હું ? ઈમ પોસા માસ્ટર કે એટલે આપડને કંઈ નિર્દોસ નહિ છોડે.તને અટલે જ ઇમણે બોલાયો સે.કુલડીમાં ગોળ ભાંગી જાતો હોય તો તને શું વાંધો સે ભલામાણહ ! પસી ધંધો જ કરવાનો સે ને.નકામો પોલીસ કેસ થાશે તો દુકાન,દુકાનના ઠેકાણે પડી રે'શે..હાલ્ય સાનોમાનો !''
ચંચાને પણ હવે બુદ્ધિ આવી હતી.

ચંચાની વાત સાંભળીને હબો નાછૂટકે દુકાન બંધ કરીને એની સાથે હુકમચંદના ઘેર ગયો. હુકમચંદ એમની બેઠકના ઢોલિયા પર લાંબા થઈને હુક્કો ગગડાવતા હતા.હબો અને ચંચો જઈને દિવાલનો ટેકો લઈને ઉભડક બેઠા.

"સરખા બેહી જાવ.રઘલો નો આવ્યો ?" હુકમચંદે ચંચાને પૂછ્યું.

"ઈ હાળો ચ્યાંક ભટકાણો સે કાલ્ય રાતે.અટલે જાદવો ને ભીમલો ઈને લઈને દાગતર હાર્યે અમદાવાદ જ્યા સે."

"દાગતર ઈને અમદાવાદ લઈ જ્યા ? દાગતર પોતે ?" હુકમચંદે આશ્ચર્યથી પૂછ્યું.

"રઘલાની ઘરવાળીએ ઈમ કીધું મને.બીજી મને કાંય ખબર્ય નથી.તમે દાગતરને ફોન કરી લેજો ને!" ચંચાએ કહ્યું.

હુકમચંદે તરત જ ડોકટરને ફોન લગાડ્યો.

"બોલો હુકમચંદજી ?ખાસ કામ ન હોય તો હું પછી ફોન કરું ? કારણ કે હું ગાડી ચલાવુ છું..!"ડોકટરે ફોન ઉચકીને કહ્યું.

"કામ તો ખાસ નથી, પણ મને સમાચાર મળ્યા છે કે તમે રઘલાને અમદાવાદ લઈ જાવ છો ? શું થયું છે એને ?" હુકમચંદે કહ્યું.

"કાલે રાતે ઘેર જતો હશે તે ગમે તેમ ચક્કર આવ્યા ને પથ્થર ઉપર પડ્યો. કરોડરજ્જુ ભાંગી ગઈ છે.એટલે ઓપરેશન કરવું પડે એમ છે.બીજું કોઈ વાહન તાત્કાલિક મળે એમ નહોતું એટલે પછી હું જ એ બિચારા ગરીબને લઈ જાઉં છું,ચાલો પછી નિરાંતે વાત કરીશ.." કહી ડોકટરે ફોન કાપી નાંખ્યો.

ડોકટરે આપેલો જવાબ સાંભળી જાદવ અને ભીમાને ડોકટરની સમજદારી પ્રત્યે માન થયું. રઘલો પણ મનોમન ડોકટરને ભગવાન ગણવા લાગ્યો.

હુકમચંદે ફોન મૂકીને હબા સામે જોયું. એટલે હબાએ હસીને કહ્યું,

"બોલો સર્પસ શાબ્ય.ચીમ અમને બોલાયા છે ?"

હુકમચંદે હુક્કાની નળીમાં જોરથી હવા ખેંચીને ધુમાડાંના ગોટા હબા અને ચંચા તરફ છોડયા. પછી જોરથી ખોંખારો ખાઈને કહ્યું,

"તમે ત્રણેય જણાએ પોચા સાહેબના કહેવાથી ભૂતનો વેશ કાઢ્યો અને ગામની પથારી ફેરવી નાંખી. લોકો આ ગામમાં છોકરીઓ દેતા બંધ થઈ ગયા છે. ગામના છોકરાવ વાંઢા રખડશે.
બીજું નાના છોકરાંના મગજમાં ભૂતની બીક ઘુસી ગઈ છે.અડધા તો બીકના માર્યા દિવસે પણ બહાર નીકળતા નથી.કેટલીય ગર્ભવતી વહુઓના ગર્ભપાત ભૂતની બીકે થઈ ગયા છે. બે ચાર ઘરડા માણસો પણ ભૂતની બીકે હાર્ટ એટેકનો ભોગ બન્યા છે.અને અમારી જેવા ગામના આગેવાનોને તમે બે બદામના નાલાયકોએ ધોલ થપાટ મારીને ભાગી ગયેલા છો. તખુભાને ત્રણ મહિના ખાટલે નાખી દીધા હતાં.તમે લોકોએ બે પૈસા ખાતર આખા ગામને જોખમમાં મૂકી દીધું છે.પોચા માસ્તર કહે એટલે તમને નિર્દોષ છોડવામાં નહિ આવે સમજ્યા ?"

ચંચો અને હબો વિચારમાં પડી ગયા.સરપંચ જે કહેતા હતા એમાંનું કશું જ બન્યું હોવાનું એ બંનેની જાણમાં આવ્યું નહોતું.કોઈ છોકરાનું વેવીશાળ ભૂતને કારણે અટકી નહોતું પડ્યું. કોઈની વહુને કસુવાવડ પણ થઈ નહોતી.
અને કોઈ ડોસો હાર્ટ એટેકથી મર્યો નહોતો.છતાં હુકમચંદ કેસને અઘરો બનાવી રહ્યાં હતાં.

"તો બોલો..તમારી સામે પોલીસ કેસ શું કામ ન કરવો ? ગામના લોકોનું મારી ઉપર બહુ પ્રેશર છે, તમને જેલભેગા તો કરવા જ પડશે." હુકમચંદે ફરી ધુમાડો હવામાં ફગાવ્યો.

"સર્પસ શાબ્ય, તમે કીધું એવું તો કાંય અમે હાંભળ્યુ નથી....!" હબાએ હળવેથી હિંમત કરીને કહ્યું.

"અટલે હું આંય ટાઢા પોરના ગપ્પા ઠોકું છું ? બધા તમને કહેવા નથી આવતા.મારી પાસે ફરિયાદોના ઢગલા થયેલા છે.તમે હરામખોરો બે પૈસા માટે થઈને ભૂત બની શકતા હોવ તો કાલ ઉઠીને કોણ જાણે બીજા કેવા કેવા ધંધા કરવા માંડો.કોકને ભૂતવેશે મળીને પૈસા પણ કઢાવો. કોકના ગળે ટુંપો પણ દઈ દો.તમારું કાંઈ ઠેકાણું નથી એટલે સમાજ માટે, ગામ માટે અને આ દુનિયા માટે તમને છુટ્ટા ફરવા દેવા એ મોટું જોખમ છે. એટલે તમને જેલમાં જ રાખવામાં સૌની સલામતી છે એમ ગામ કહે છે બોલો !"

"એક રાતમાં ગામ તમને ચ્યારે આવીને આ બધું કય જીયું ? અમને તો કોયે કાંય કીધું નથી..!" હબાએ ફરી ઝીણો સ્વર કાઢ્યો. હબાને નગીનદાસે કહેલી વાત યાદ આવી ગઈ. હુકમચંદ કહેતો હતો એ પ્રમાણે જ નગીનદાસને પૈસા કઢાવવાનો આઈડિયા આવ્યો હતો.

"તું બહુ દલીલ કરવા માંડ્યો છો.સવજીની વાડીએ તેં જ મને માર્યો'તો ને ? તારું તો હું ખાસ રીપેરીંગ કરાવવાનો છું." હુકમચંદે હબાને કહ્યું.

"શેઠ સાહેબ,અમે તમારી ગાય છીવી.તમે જિમ કેશો ઈમ કરવા તિયાર છીવી. પણ અમને બસાવી લ્યો.હું જેલમાં જશ તો મારી ઘયડી માનું શું થાશે ? " કહી ચંચાએ હુકમચંદના પગ પકડી લીધા.એ જોઈ હબાએ પણ હાથ અડાડયો.

"ઈ હંધુય પે'લા વિચારવું પડે.કાળા કામ કરતા પહેલાં પરિણામનો વિચાર કરવો પડે.રાંડ્યા પછી ડા'પણ કંઈ કામનું નહિ સમજ્યો ? ચાલ આઘો મર..!" કહી હુકમચંદે ચંચાને પાટું માર્યું.

"સર્પસ શાબ્ય હવે જે થાવાનું હતું ઈ તો થય જયું સે.અમારી ભૂલ થઈ ઈ અમે કબૂલ કરવી છવી. તમે મા બાપ ગણાવ, હવે જો પોલીસ કેસ કરવાનો જ હોય તો કરી દયો બીજું હું ? તમે ઈમાં રાજી હોવ તો ઈમ ! જે થાશે ઈ જોયું જાશે ! " કહી હબો દૂર જઈ દિવાલના ટેકે બેઠો.

"હા ઈતો પોલીસવાળાના સોટા પડશે એટલે છઠ્ઠીનું ધાવણ સ્હોતે ઓકાવી નાખશે..!" હુકમચંદે કહ્યું.

"અમને આંય આ બધું કે'વા જ બોલાયા સ ? કે પસી કાંય બીજું કામ હતું ?" હબાએ કહ્યું.

હુકમચંદ હબા સામે જોઇને મૂછમાં હસી રહ્યાં. એમના દિમાગમાં એક આઈડિયા ઝબકી રહ્યોં હતો !

( ક્રમશ: )