રાજવી : પ્રીતની નવી રીત - 45 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 45

(૪૫)

(રાજુલ દીક્ષા લેવા માટે પહેલાં ધારિણીને મનાવવા જાય છે. ધારિણી પિતાની મંજૂરી લેવા કહે છે. હવે આગળ...)

"પિતાજી..."

રાજુલે પિતા સૂતા હતા એટલે એમની નજીક જઈને એમને બોલાવ્યા.

"ઓહ, કોણ રાજુલ..."

ઉગ્રસેન રાજા તો એની પ્રસન્ન મુખમુદ્રા જોઈ એકદમ બેઠા થઈ ગયા.

"હા, આજે તમારી અનુજ્ઞા માગવા આવી. છું. મા ના પાડે છે, પણ છેવટે એને તમારી પર છોડયું છે."

જરાપણ પ્રસ્તાવના કર્યા વિના જ રાજુલે વાત શરૂ કરી. એની અધીરતા એના અંગેઅંગમાં થી છલકાઈ રહી હતી.

"બોલ... તને નારાજ કરવાનું બળ હવે મારામાં નથી."

"નેમકુમાર... અરે, બળ્યું, મારાથી કુમાર શબ્દ વીસરતો જ નથી. ભગવાન નેમનાથ અહીં વિહરતા વિહરતા આવવાના છે. મારે એમની પાછળ એવું જીવનવ્રત લેવું છે."

"એટલે તારે દીક્ષા ગ્રહણ કરવી છે?"

"હા... તમે બરાબર સમજી ગયા પિતાજી."

રાજુલ લાડ કરતી હોય એવા જ આનંદિત સ્વરે બોલી.

"મેં એમની પાછળ જવાનો સંકલ્પ કર્યો છે. એ કહેશે એમ કરીશ."

"સંકલ્પ કરીને અનુજ્ઞા માગવા આવી? તું પણ ભારે જબરી."

"માતા પિતાની અનુજ્ઞા વિનાનો સંકલ્પ સફળ ન થાય, એમના આર્શીવાદે જ એ ઉજ્જવળ બને."

"તું તો મા બાપને અળગા કરવાનો નિર્ણય કરી બેઠી છે. હવે વળી એમના આર્શીવાદ કેવા?"

ઉગ્રસેને કરુણાસભર હાસ્ય સાથે કહ્યું.

"તો તમે પણ માની માફક જ મારી સાથે વાત કરવાના?"

એટલામાં ધારિણીરાણી પણ ત્યાં આવી પહોંચ્યા.

"આ રાજુલ શું કહે છે?"

ઉગ્રસેન રાજાએ રાણીને પૂછ્યું.

"તમે સાંભળ્યું ને? આપણે તો બળવાનું જ છે."

"મા, તમે બંને આમ કરશો તો મારું ભાવિ જરાપણ નહિ સુધરે. આમની પણ નહિ રહું અને આમ પણ નહીં રહું. એક માર્ગે તો જવા દો. સાવ નિષ્ફળ જીવન જીવું એમ તો તમે નહીં જ ઈચ્છો ને?"

"રાજુલ, જનેતાને તો લાગે જ એને સ્થૂલનો મોહ છે. પણ અંતે તો એ હાનિકારક છે. પ્રેમ સૂક્ષ્મ છે. તારી ઉન્નતિમાં એ પ્રસન્ન છે. અમે બંને તારા જીવનમાં હવે કોઈ રોકટોક કરવા નથી માગતાં."

"પિતાજી હું તમારી પાસે રજા માંગવા આવી છું. આમ ઉદાસ થઈને આપશો?"

"દિકરી મને સમજ નથી પડી રહી કે હું શું કહું?"

ઉગ્રસેન રાજા પોતાના મનને સમજાવતાં જ હોય તેમ બોલવા લાગ્યા,

"હું સમજું છું કે તારું મન આ મહેલમાં નથી વસતું. એ તો કુમારની પાછળ જ છે. અને કુમાર મહેલ ત્યજી દીધું એટલે તું પણ આમ જ કરવાની."

"તમારી વાત સાચી છે, પિતાજી. અને હું આ કુમાર માટે નહીં પણ મારી આત્મા મારું કલ્યાણ સાધવા માંગું છું. પણ માતા પિતાની રજા વગર આ સાધના અધૂરી છે. હું તમારી સંમતિ વગર હું જઈ નહીં શકું."

"આમાં અમારી સંમતિની જરૂર શું કામ છે? આમ પણ તું કોઈ કાળે રોકવાની નથી. અમારો જીવ રજા આપવાનો ચાલવાનો નથી."

માતાએ કહ્યું તો રાજુલે લાડ કરતાં કહ્યું,

"મા, મને સમજવાનો પ્રયત્ન કર. તમારી રજા વગર મારી સાધના પૂરી નહીં થાય. હું....."

"ના દેવી, એમના ના કહો. આપણી અનુજ્ઞા વગર તે જઈ નહીં શકે. અને રહીને ખુશ રહી નહીં શકે. માટે દેવી એને અનુજ્ઞા આપો, અને એમની ખુશીમાં ખુશ થાવ. જા દિકરી, તારા આત્મકલ્યાણની સાધના કર. અને હા દેવી, તમે પણ હવે મનને જરા કઠણ કરતાં શીખો. અભિમાન લો કે આપણા ઘરે આવી પુત્રી પાકી."

પિતાના ગૌરવમાં પણ ભવ્ય કરુણા છુપાયેલી હતી. માતા પિતા પુત્રીના મસ્તકે હાથ ફેરવતાં કયાંય સુધી નીરવપણે બેસી રહ્યા.

ઉગ્રસેન રાજાની નગરીના પ્રજાજનો નગર બહારના ઉધાનમાં હિલોળે ચડયા હતાં. ભગવાન નેમનાથનાં વચનો એમના દેહને અને આત્માને પુલકિત કરતાં હતાં. સાથે સાથે રાજુલકુમારી નગરનો ત્યાગ કરવાનાં છે એ વાતે સૌના અંતરમાં થોડી ગમગીની પણ છવાઈ ગઈ હતી.

ઉધાનની મધ્યે પૂર્વાભિમુખ એક સુંદર સિંહાસન મૂકવામાં આવ્યું હતું. ચકોર જેમ ચંદ્રની સામે જ દ્રષ્ટિ કરે એમ સૌની દ્રષ્ટિ એના પર બેસેલા ભગવાન નેમનાથના મુખ પર જ મંડાયેલી હતી. સૌના નમસ્કાર ઝીલી ભગવાન નેમનાથે લોકોને આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એ વિષય પર થોડું વ્યાખ્યાન આપ્યું. ચારિત્ર્યની મહત્તા સમજાવી અને અંતે દીક્ષાની આવશ્યકતા પર વિવેચન કરવા માંડયું.

એ જ સમયે શ્રોતાજનોમાં એકાએક ખળભળાટ મચી રહ્યો. સૌની નજર પાછળ ગઈ. રાજુલ નત મસ્તકે સિંહાસન તરફ આવી રહી હતી.

"સંયમ, જ્ઞાન, સત્ય, દયા, ક્ષમા વગેરે ગુણોથી જ માનવી શોભે છે... મૂઢ બુધ્ધિવાળા જ ભોગોમાં ઉન્મત્ત બની સાચો માર્ગ ભૂલે છે... અને પ્રત્યેક જીવ તરફ, પ્રાણી માત્ર તરફ પ્રેમ કેળવે એ જ સાચો ધર્મ આચરી શકે. સૌના આત્મા સરખા છે. કોઈને પણ પીડવાનો આપણને હક નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મપણે અહિંસા આચરે એનો જ આત્મા કર્મબંધનોમાં થી મુક્તિ મેળવી શકે."

એટલામાં રાજુલ બિલકુલ સિંહાસનની સન્મુખ આવીને હાથ જોડીને ઊભી રહી.

"પ્રભુ... મારા જેવી માર્ગ ભૂલેલીને માર્ગ બતાવો."

તે બોલી અને ભરી સભામાં કોઈએ ચૂપકીદિની આદેશ દીધો ના હોય એમ સમગ્ર માનવ ગણ શાંત બની ગયો.

"રાજુલકુમારી... તમારો આત્મા જ તમારો સાચો માર્ગદર્શક. દરેક આત્મા પરમાત્મા છે."

"મારે જીવન તરી જવું છે. મુક્તિ મેળવવી છે."

રાજુલ એ જ અવાજે બોલી.

"મને આપની શિષ્યા બનાવો."

નેમનાથ મરકી રહ્યા.

"તથાસ્તુ..."

તેમના કંઠમાં થી એક જ શબ્દ નીકળ્યો.

"મારે આપના હાથે દીક્ષા ગ્રહણ કરવી છે. ત્યાગ વિના સિધ્ધિ નહીં એમ તો આપે જ હમણાં કહ્યું."

"હા, એ સાચી વાત છે. ચારિત્ર વિના મનુષ્ય જીવનને મોક્ષગામી બનાવવું એ અઘરું તો છે જ."

"મારે આપના માર્ગે આવવું છે."

"મારો માર્ગ સ્પષ્ટ છે. રાગ દ્રેષ રહિત બની આત્મધ્યાનમાં લીન થઈ જવાનું. અને એકદા એ બધાં આવરણો જશે એટલે આપોઆપ જ એમાંથી જ્ઞાનપ્રકાશના સહસ્ત્ર દીપકો પ્રજ્જવળી ઊઠશે."

"મને એ માર્ગની દીક્ષા આપો, પ્રભુ..."

રાજુલ બોલી.

અને ભગવાન નેમનાથે કરુણાસભર નેત્રોએ એની સંમતિ આપી.

રાજુલનો આત્મા શતશત દીપપ્રકાશે ઝગમગી ઊઠયો.