રાજવી : પ્રીતની નવી રીત - 42 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 42

(૪૨)

(સત્યભામા રાજુલને સમજાવી શકતી નથી અને કૃષ્ણ મહારાજ આગળ ગુસ્સો કરે છે. હવે આગળ...)

"થોડા વિચારમાં તો છું જ. સત્યભામા આવીને વધારે રોષે ભરાઈ છે. એ તો કહે છે કે આપણે બધાં નબળા એટલે જ રાજુલનો ભવ બગડયો."

કૃષ્ણ મહારાજે કહ્યું.

"એની રીતે એ સાચી છે, પણ આપણને એ નહીં સમજાય."

"તમને સમજાય છે, દેવી? એટલે હું તમને એ જ પૂછવા આવ્યો છું."

"મારા મનમાં પણ ઘણીવાર આ વાત ઘોળાય છે. કાલે જ મેં નેમ સાથે પણ વાત કરી. એમને આ બધી જંજાળ લાગે છે અને એમનો આત્મા મોક્ષ જ ઝંખે છે. એ ઝંખનાને સિધ્ધ કરવા એ આ બધું છોડવા માગે છે. એમને રાજુલને પણ એ જ કહ્યું. અને રાજુલ ગમે તે કારણે પણ એ બાજુ જવા પ્રેરાઈ. એમાં કોનો દોષ કઢાય?"

"મને પણ એમ જ લાગે છે."

રુક્મિણી બેઠી થઈને કૃષ્ણ મહારાજ બરાબર સામે બેસી ગઈ.

"આપણા જેવા સ્નેહાસક્ત માણસને એ ન જ સમજાય અને આપણા માટે એ શક્ય પણ નથી. મેં અમને જવાબમાં એ જ કહ્યું કે દિયરજી, તમારી વાત સાચી લાગે તો પણ સ્વીકારાય એવી નથી. કારણ ગમે તેટલી વેદના થાય તો પણ અમારાથી આ બધી અનુરાગની દુનિયા છોડાય જ નહીં."

"એને શું કહ્યું?"

"એ શું કહે? એ તો એમ જ કહે ને કે હું તો મારા માર્ગે જઈશ. કોઈ મારા માર્ગે આવે કે ન આવે, બીજાને એ ગમે કે ન ગમે, એ મારે નથી જોવાનું."

"તો પછી રાજુલને શા માટે ખેંચે છે?"

કૃષ્ણે શંકા રજૂ કરી.

"એ કયાં ખેંચે છે? રાજુલ પોતે ખેંચાય છે. અરે, હું તમારી પાછળ ગાંડી બનું એમાં કોનો દોષ? મારો કે તમારો?"

"આપણા બંનેનો..."

અને કૃષ્ણ મહારાજ અને રુક્મિણી નેમ રાજુલને ભૂલીને પોતાના સ્નેહની સમાધિમાં લીન થઈ ગયા.

ગિરનારના આભૂષણ રૂપ સહસ્ત્રાવન શોભી રહ્યું હતું. જાંબુફળ એમાં નીલમણિની માફક શોભા દેતાં હતાં. કામદેવના અસ્ત્રનાં તેજકિરણો સમા ઈન્દ્રવર્ણાનાં પુષ્પો વાતાવરણને મહેકાવી રહ્યા હતા. મોર તો કેકાધ્વનિથી અને એના નૃત્યથી આખું વન ગજાવ્યે જતા હતા. કંદબના પુષ્પોની સુકોમળ અને સુવાસિત શય્યામાં રસોન્મત્ત ભ્રમરો આરામ લેતા હતા.

એ સુંદર અને મનોહર ઉપવન નેમકુમારને ઘણું ગમી ગયું હતું. માલતી, જુઈ વગેરે ફૂલોની સુવાસથી મઘમઘતા વાતાવરણમાં એણને પ્રસન્નતા અને શાંતિ લાગતાં હતાં. અને એટલે જ એ સ્થાને એમને પોતાના દીક્ષિત જીવનના પ્રાંગણરૂપે સ્વીકારી લીધું હતું.

સહસ્ત્રાવનમાં નેમકુમારે પ્રવેશ કર્યો ત્યારે એમની સાથે કૃષ્ણ મહારાજ વગેરે સ્વજનો પણ પધાર્યા હતા. દેહ પરનાં સુંદર વસ્ત્રો તથા આભૂષણો કુમારે ઉતારીને કૃષ્ણ મહારાજના હાથમાં મૂકયાં, કૃષ્ણની આસુંભરી આંખો આજુબાજુના વાતાવરણને નિહાળવા અસમર્થ બની ગઈ.

"ભાઈ..."

કુમારે કૃષ્ણને બોલાવ્યા,

"આજથી હું તમારો મટી સૌનો બનવા મથીશ.  આશિષ આપો કે મારી સાધના સફળ થાય."

"ત્યાગીને સંસારીને આશિષ હોય?"

કૃષ્ણે સજળ નેત્રે જવાબ આપ્યો.

"હજી તો હું પણ તમારા જેવો જ છું, તમે મારા મોટાભાઈ છો. તો આર્શીવાદ આપો... બીજું કંઈ નહીં તો, સૌનું કલ્યાણ કરી શકું એવો તો આપી જ શકો ને."

કૃષ્ણ મહારાજે રડતી આંખે નેમકુમારને માથે હાથ ફેરવ્યો.

"સૂકી આંખે વિદાય આપો."

અને કુમાર છેલ્લીવાર રાજા સમુદ્રવિજયના પગે લાગ્યો.

"વત્સ, જગતનો તારણહાર બનજે."

પિતાએ આર્શીવાદ આપ્યા. વાતાવરણ પણ રડી રહ્યું હતું, ખાલી હસતા હતા માત્ર કુમાર પોતે.

"આજથી તું મારો પુત્ર મટી ગયો?"

અને એટલું બોલતાં બોલતાં રાજા સમુદ્રવિજય ચોધાર આસુંએ રડી પડ્યા.

"ના, પિતાજી... સૌનો બનીને સેવા કરવાની ઈચ્છા રાખું છું."

કુમાર પણ એ ક્ષણે થોડા નરમ બની ગયા.

નેમકુમારે સાધુવેશ ધારણ કર્યો ત્યારે તો કૃષ્ણ મહારાજ પણ લગભગ બેસૂધ જ થઈ ગયા.

ઓહ... આ શું? આટલી રિધ્ધિસિધ્ધિ અને એ બધું જ છોડીને ચાલ્યો ગયો? પણ મારે શા માટે શોક કરવો?

એ તો ધર્મજ્ઞ છે એટલે એનો એ જ માર્ગ હોય. હું જ રાજપુરુષ બની ખોટી ધાંધલમાં અટવાયા કરું છું. અને હવે તો એમાંથી નિવૃત્ત થવાની આશા જ નથી. નેમ, તું ગયો, તારું આત્મકલ્યાણ સાધવા અને મને આ ચક્કરમાં વધારે ને વધારે ફસાવતો ગયો.

કૃષ્ણ મહારાજની આંખો હવે તો અશ્રુભીની બનીને જ ન અટકી. એને તો વહેવા જ માંડયું.

નેમકુમાર થોડી વારે એમની પાસે આવ્યા ત્યારે એમના મસ્તક પર કેશ નહોતા. કૃષ્ણ મહારાજ નિઃશબ્દ બની ગયા. એમની આંખો ફાટી ગઈ હોય એમ કુમારના કેશવિહીન મસ્તક પર સ્થિર બની ગઈ.

ભારે અભેદ્ય અને વજ્ર જેવા હ્રદયવાળો... કૃષ્ણ મહારાજને વિચાર આવ્યો. કોઈ ઠેકાણે એ નહીં પીગળવાનો, લલિત લલનાઓના સોળ શૃંગાર જુએ કે અમારા સૌની અપરિમિત અને અસહ્ય મનોવેદના જુએ તો પણ એ તો એવો ને એવો જ અચલ.અને સ્થિર રહેવાનો. આ તે માનવતા કે દિવ્યતા... પણ માનવતાને પૂજાય અને દિવ્યતાથી તો અંજાઈ જવાય છે, કુમાર... તું માનવ જ રહેજે. મહામાનવ... માનવપુંગવ...

કૃષ્ણ મહારાજના વિચારો તો ચાલુ જ હતા.

અંતે સૌને યોગી નેમની વિદાય લેવી પડી. યોગી નેમ તો પ્રસન્નચિત્તે સૌના દુનિયા નિઃસ્પૃહ ભાવે, અનાસક્ત યોગે જોઈ રહ્યા હતા.

થોડા દિવસો વીત્યા.

અબધૂત નેમના ઉપદેશથી લોકો મુગ્ધ બનતા હતા. એમની વાણી સૌને તરબોળ કરી દેતી હતી  કૃષ્ણ મહારાજને પણ વિચાર આવ્યો કે નેમની આત્મસમૃધ્ધિ પણ જોવા જેવી તો હોવી જ જોઈએ.

કૃષ્ણ મહારાજે જયારે વનમાં પહોંચ્યા ત્યારે ચોમેર લોકોની ઠઠ જામી હતી. પશુપક્ષીઓ પણ જાણે શાંત બની ગયા હતા. યોગી નેમના વદન પરનું તેજ વાતાવરણને ઉજ્જવળ બનાવતું હતું.

"આ મહાત્માને સ્ખલિત કરનાર કોણ છે?"

દૂરથી જ કૃષ્ણ મહારાજ બબડયા.

યોગી નેમની પાસે જઈ તે નીચા નમ્યા.

"મને ક્ષમા આપો, યોગીરાજ..."

તેમનાથી અનાયાસે સહજભાવે બોલાઈ ગયું.

"મહાન છે તમારો અક્ષય જ્ઞાન ભંડાર, કેટલી મોટી સમૃદ્ધિ તમે પ્રાપ્ત કરી છે. આની આગળ એ લૌકિક ભંડારો તો શા વિસાતમાં. પણ અમે તો ભાઈની લાગણીથી પ્રેરાઈને જ એ પ્રમાણે કહેતા હતા."

અસંબ્ધપણે કૃષ્ણ મહારાજ બોલ્યે જતા હતા.