" ગર્યમાં બારથી આવેલા મેમાન અનપાણી છોડે તો મેહુલો આવે." છોડી આમ બોલીને બરાબર ઈ ટાણે ભૂખ, ને માથે વરસતી ભાદરવાની અગનજાળને લીધે કછી છોરાની એક દૂબળી ગાવડી ચરતી ચરતી ધબ્બ કરતી હેઠે પડી. પડતાં વેંત ગાવડીનાં મોઢામાંથી વેંત એક જીભડી બાર નીકળી ગઈ ને આંખ્યું ઉઘાડી રહી જઈ. નાખોરામાંથી છેલ્લાં સુવાસનાં ફૂફાડે ધૂડની ડમરી ઉડી. કછી જુવાનને ઓલી છોડીની વાત હવે મનમાં ઉતરી ગય.ઈની ઈ ઘડીયે કછી આયાં આંબલી હેઠે પલોઠી વાળીને બેહી જ્યો. પલોઠી વાળી મનમાં ભગવાનનું નામ લેવા માંડી જ્યો. બધાએ ઘણો હમજાયો કે આમ લાંઘણ (ભૂખ્યા રહેવું) કર્યે વરહાદ નય આવે. ઓણનું વરા દેવ ગર્ય ઉપર રુઠો સે. નકર બધે દુકાળ હોય તોય ગર્યમાં થોડો જાજો તો વરહાદ હોય જ. પણ કછી એકનો બે નો થ્યો.ઓલી છોડીએ પણ બવ હમજાવ્યો અલ્યા ઉભો થા હું તો અમથી તારી ઠેકડી કરતી'તી પણ કછી માન્યો નય. આખો દાડો આમને આમ બેઠો રયો. રાત થય પણ કછી જુવાન નો ખાય,નો પાણી પીવે નો આંખ્યું ઉઘાડે.બેઠો બેઠો ભગવાનનું સમરણ કર્યા કરે. બે શાર ગોવાળિયાએ આખી રાત ઈનો સોકી પેરો ભર્યો. નકર તો રાતે આયા હાવજુ કે દીપડા આવી કછી જુવાનને ઉપાડી લે. બીજો દાડો થયો. નેહડે આ વાતની ખબર પડી. નેહડેથી માણા વસુટ્યું ,બધાએ બવ હમજાવ્યો પણ હવે તો કછી જુવાને આંખ્યું ઉઘાડવાની પણ બંધ કરી દીધી. એવું કે સે કે ખાલી ઈના હોઠ ફફડતા'તા ઈ તો લાકડું થઈ જ્યો તો. માણાએ ઈને ખૂબ હમજાવ્યો. પણ પાણાની મુરતી હાંભળે તો આ કછી જુવાન હાંભળે. ઈને ખાધ્યા પીદ્યા વગરનો ત્રીજો દાડો થ્યો. આભ ગોરંભાવા માંડયું. વાદળીયું ભેગી થાવા માંડી, ઘડીકમાં કાળું ડીબાંગ વાદળ થઈ જ્યું. વાતાવરણ પણ થીર થઈ જ્યું. ક્યાંયક આઘે આઘે હૂકાઈ ગયેલ ગળે મોરલો બોલ્યો. માણહોનાં જીવમાં જીવ આયો. નેહડાનું માણા બધું આયા ભેગું થઈ જ્યું. બધાને થયું હવે હમણે વરહાદ તૂટી પડહે. ઢોલીડો ઢોલ વગાડવા માંડી જ્યો. કછી જુવાનની આંખ બંધની બંધ જ હતી. તીજા દાડાની હાંજ થાવા આવી એવામાં ભેગી થેલી વાદળીયૂ વિખરાવા માંડી. સૂરજ આથમવા આયો. આભ પાસુ વાંજીયું નિહર્યું.માણા બધું નીરાસ થઈ વિખરાય જ્યું."
આંબલીની ડાળીઓમાંથી છળાઈને આવતો તડકો ત્રણેયને અકળાવી રહ્યો હતો. અમુઆતાની માંડેલી વાતમાં ને વાતમાં સુરજદાદો મધ્યાને આવી પહોંચ્યો હતો. વાત સાંભળવાની મજામાં ને મજામાં આજે કનોને રાધી ખાવાનું પણ ભૂલી ગયા હતા. જંગલમાં ગયેલા નોળિયાનો પરિવાર જંગલમાંથી ભોજન કરી પાછો આવી ગયો હતો. અહીંથી તે રોજ આવન-જાવન કરતા હશે. નોળિયા પરિવાર આ ત્રણેય સામે જોતા જોતા તેનાં ઘર તરફ રવાના થઈ ગયો.
"સોથે દાડે સોખ્ખા આભમાં આગના ગોળા જેવો સુરજદાદો માથે આવવા માંડ્યો. આખી રાત ધ્યાન રાખી બેઠેલા ગોવાળિયાના શરીજ પણ હવે જવાબ દઈ જ્યાં'તા. કછી જુવાનને હમજાવવામાં હવે કાંઈ બાકી નોતું ' ર્યું. માલધારીની છોડી ખાલી રાત્ય પૂરતી આ કછી જુવાનથી આઘી જાતિ'તી. હવાર પડતા એની પાહે આવી બેહી જાતી'તી.ઈને કછી જુવાનની ઠેકડી કરી ઈનું દુઃખ લાગતું'તું.પણ હવે સુ થાય? કછી જુવાન છેટો નિહરી જ્યો'તો. શાર શાર દાડાનાં વાણા વાય ગયા'તા. સોથા દાડાનો હૂરજ દાદો ટોશ ઉપરથી હેઠે ગળથોલિયા ખાવા જાતો'તો.કછી જુવાનનું સરીજ શાર દાડા થી ખાદ્યા પિધ્યાં વગરનું લાકડું થઈ જ્યું. ઈ બેઠો'તો નીયા ને નીયા ઢળી જ્યો.કછી જુવાને દેહ છોડી દીધો. માણા બધું ભેરુ થઈ જ્યું.બધે વાવડ ફેલાઈ જ્યાં.કછી જુવાનને આયા જ દેન(અગ્નિ સંસ્કાર) દેવાનું નક્કી થયું.પણ ઓલી છોડી કછી જુવાનને અળગો નોતો કરતી.છોડી ઈના મડાની હાર્યો હાર્ય બેહી રય. ચીતા ખડકી કછી જુવાનને ઈની ઉપર હુવરાવ્યો.
કનોને રાધી પણ અમુઆતા સાથે ગંભીર થઈ ગયા. સો વર્ષ પહેલાનું દ્રશ્ય ફરી ત્રણેયની નજર સામે આવી ગયું. પોતાના માલઢોર માટે જીવ આપી દેતા લોકો કેવા હશે? રાધીએ આંબલીને થડથી લઈ ઉપર સુધી જોઈ લીધી. તે એવું વિચારતી હતી કે આ આંબલી એ વખતની સાક્ષી છે. કનો મા ખોડીયારને આ વરહે સારા વરસાદ આપવા માટે મનોમન વંદન કરતો હતો. બપોરનો તડકો તપ્યો હોવાથી ચીબરીનાં બચ્ચા બખ્યમાં અંદર જતા રહ્યા હતા. ક્યારેક ક્યારેક એકલદોકલ બચ્ચું બહાર ડોકાઈ પાછું અંદર જતું રહેતું હતું. ચીબરી એક ડાળ ઉપર લપાઈને બેસી ગઈ હતી. "નેહડાનાં માલધારી બધા બહુ દુઃખી થઈ જ્યા. બસારો બારથી આવેલો જુવાન વરહાદની વાટે હોમાઇ જ્યો. માલધારીને એક તો ઈના માલ ટપોટપ મરતા'તા ઈનું દુઃખ હતું.ઈમાં અધુરામાં પુરૂ આ દાડો જોવાનો વારો આયો. કછીનાં બાપાએ રોતા રોતા છોરાની ચીતાને આગ આપી. ચીતા ભડ ભડ ભડકે બળવા માંડી. બધા માણાની આંખ્યુંમાં પાણી હતા. પણ આભમાં પાણી નમળે. ભડ ભડ ભડકે બળતી ચીતા જોઈને ઓલી છોડીને હુ લાગી જ્યુ! ઈણે હડી કાઢી ને કછી જુવાન બળતો'તો ઈ ચીતા ઉપર સડી ગય. બધા કાય હમજે હારવે ઈ પેલા તો માલધારીની છોડી ય કછી જુવાન હારે ભડ ભડ ભડકે બળવા માંડી જય. જોનારા કેસે કે ઈના મોઢે પીડાનો એક હરફ ય નો નિહર્યો.છોડીનું મોઢું હહતું'તુ. સારે બાજુ હાહાકાર થઈ જ્યો. બધા કાંઈ હમજે,વિસારે ત્યાં તો છોડીએ ઈનો દેહ કછી જુવાનની ચીતામાં ઢાળી દીધો. કછી જુવાનનો આતમો આઘે પોગે ઈ પેલા છોડીનો આતમો એની હંગાથે પોગી જ્યો. બધું બળીને રાખ થઈ જ્યુ.
ઘડીક અમુઆતા કશું બોલ્યા નહીં એની આંખમાં પાણી છલકાયા. રાધીને કનો પણ ઢીલા પડી ગયા. અમુઆતાએ બંને ખાંભી આગળ હાથ અડાડી નમન માથે ચડાવ્યું. ઉપરની ડાળખીએથી પાકીને ટબ્બા જેવી થઈ ગયેલો એક કાતરો નીચે પડ્યો. રસદાર મીઠા આંબલીનાં કાતરાનાં બે ભાગ કરી બંનેને એક એક આપી અમુઆતા બોલ્યા, "લો આ પરસાદી સે." પછી થોડા સ્વસ્થ થઈ ગળું ખોખરી બોલ્યા, "કછી જુવાનને માલધારી છોડીની ચીતાની જગ્યાએ હવે રાખનો ઢગલો પડયો હતો. માણા હજી બધુ આયા જ ઉભું'તું. ભગવાન જાણે હૂ થ્યુ? ક્યાંથી વાદળ સડી આયૂ? આભ ઘડીકમાં તો કાળું ડમર થઈ જ્યુ. વીજળીના કડાકા-ભડાકા થાવા માંડ્યા. માણા વિખાણું ને નેહડે માંડ માંડ પુગ્યું હહે. તીયા લગીમાં તો અનરાધાર મેહુલો તૂટી પડ્યો. પડ્યો તો એવો પડ્યો કે તણ દાડાને તણ રાત હૂધી એકધારો વરહ્યો. કછી જુવાનને માલધારી છોડીની ચીતાની રાખ વરહાદના પાણી હારે આખા ગર્યમાં ફરી વળી. કોણ જાણે કેવી દુવા લાગી કે ઈ વરહે કેદીએ નો થ્યુ હોય એવું ખડ આખા ગર્યમાં હાલી મળ્યું. માલધારીને ઈના ઢોરઢાંખર બધુ બસી જ્યુ. ગર્ય વળી પાસી લીલી કાસ થય જય. ઈ બેય પુનશાળી આત્માની આયા ખાંભીયું ખોડાણી. ગર્યના નેહડાવાળા બધા આ ખાંભીને કછીસતીમાનાં નામથી ઓળખે. નેહડે કોયની ગાવડી કે ભેંહ વિયાય ને દોવામાં રાગે નો પડતી હોય, આસળમાં ખાપરી થય હોય, વાછરું મરી જ્યુ હોય ને ગાવડી દોવા નો દેતી હોય તો આયા કછીસતીમાની માનતા રાખે એટલે ઢોરઢાંખર રાગે પડી જાય સે. જેની હારુ માનતા રાખી હોય ઈ ગાવડી કે ભેંહનાં ઘીનો દીવો આયા કછીસતીમાએ કરી જાય એટલે માનતા પુરી. લ્યો છોરાવ માલધારી આવા હોય જે ઇના માલઢોર હારુ થઈને પંડનો જીવ પણ આપી દયે.
ક્રમશ:...
(ગીરની વાતું,ગીરની રિત્યું,ગીરની કહાની સાંભળવા વાંચતા રહો. "નેહડો (The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. ૯૪૨૮૮૧૦૬૨૧