Sacho Prem books and stories free download online pdf in Gujarati

સાચો પ્રેમ

મરી તો હું હમણાં જાઉં, પણ આ દિલનું શું?
જે તારું નામ લઈને રોજ ધબકે છે.
પ્રેમમાં મરી જવું એ બહુ મોટી વાત નથી,પોતાના પ્રેમને ખુશ જોઈને જીવવું એ મોટી વાત છે.આપણો પ્રેમ આપણી સાથે હોય કે આપણાથી દૂર હોય શું ફેર પડે છે? સવાલ તો એમની ખુશીનો છે ને?
એ ખુશ છે ને? આ ભાવના જ્યાં સુધી માણસમાં જીવંત હોય ત્યાં સુધી એ પ્રેમ આપણા હૃદયમાં ધબકાર બનીને જીવતો હોય છે. આપણો પ્રેમ આપણો ધબકાર બનીને સદાય આપણી સાથે રહેતો હોય એનાથી સવિશેષ બીજું શું જોઈએ?
પ્રેમ ન મળતા મરી જવું તે કેટલા અંશે વ્યાજબી છે? પ્રેમનું બીજું નામ સમર્પણ છે. જો તમે તમારા પ્રેમ માટે સમર્પણ ન કરી શકો તો તમે બીજું કંઈ જ કરી શકો તેમ નથી. પ્રેમનો સાવ સીધો સાદો નિયમ છે કે, 'તમે જેને પ્રેમ કરો છો,એ વ્યક્તિ ખુશ રહે.' તે આપણી સાથે હોય તોય ભલે,અને ન હોય તો પણ ભલે.
દુનિયામાં બહુ ઓછા લોકો હશે જેમને પોતાનો પ્રેમ મળે છે.જેની સાથે જીવનની હરએક ક્ષણ જીવવા મળે છે.પણ દરેકના નસીબમાં આવા સંજોગ લખેલા નથી હોતા. જ્યારે સંજોગો મળતા નથી ત્યારે સંજોગોને અનુકૂળ થઈ જઈને એકબીજાને ખુશ રાખવાની જવાબદારી આપણી છે.કોઈ એક વ્યક્તિને દોષ દઈને પોતાના જીવનને બરબાદ કરવાનો શો અથૅ?આપણા હૃદયમાં એક નામ ધબકે છે,એ નામને કાયમ ધબકતું રાખવાની જવાબદારી આપણી છે.
મેળવી લેવું એ પ્રેમ નથી,પણ આપણી પાસે જે કંઈ છે તે સમર્પણ કરી દેવું એ પ્રેમ છે. જે પ્રેમમાં લાગણીઓ કરતા માગણીઓને વધારે મહત્વ આપવામાં આવે છે,એ પ્રેમ જરૂરિયાત સંતોષાતા પૂરો થઈ જાય છે. કદાચ એ પ્રેમ હોતોજ નથી. પણ હા, હેતુસિદ્ધિ માટે પ્રેમ શબ્દોનો ઉપયોગ જરૂર થયો હશે. પ્રેમમાં માગણીઓને નહી,પણ લાગણીઓને સ્થાન હોવું જોઇએ.
પ્રેમ એટલે મારી નજરે સમર્પણથી વિશેષ બીજું કંઈજ નથી.તમે જેને પ્રેમ કરો છો તેને ખુશ રાખો,તેમની માન મર્યાદા, ઈજ્જત, સન્માન જાળવવાના હંમેશા પ્રયત્ન કરો. આપણો પ્રેમ આપણી સાથે હોય કે આપણાથી દૂર હોય,પણ તેની ગરિમા જાળવવી એ બંને પાત્રોની ફરજ છે.
પ્રેમમાં નિષ્ફળતા મળતાં એવું કોઈ કામ ન કરવું જોઈએ કે,જેના કારણે આપણો પ્રેમ, આપણો પરિવાર બદનામ થાય. જે પ્રેમ આપણે ખાનગીમાં કયોૅ છે તો એની નિષ્ફળતાનો ઢંઢેરો દુનિયા સામે કરવાની કોઈ જરૂર નથી.પ્રેમ મળવો એ નસીબની વાત છે. જો જીદ કરીને પ્રેમ મેળવી શકાતો હોત તો કૃષ્ણની બાજુમાં રાધા નહિ, રુકમણી હોત.આ વાત જાણવા છતાં આપણે સ્વીકારી શકતા નથી.
પ્રેમ શું છે?ખરેખર આપણે પ્રેમને જાણ્યો જ નથી. પહેલી નજરનો પ્રેમ શું સાચે જ પ્રેમ છે? ના. તે માત્રને માત્ર આકર્ષણ છે. પહેલી નજરનો પ્રેમ સમય પસાર થતાંની સાથે જ ઓછો થઈ જાય છે.આવો પ્રેમ હંમેશા માણસના જીવનમાં ઉદાસી અને ભય ફેલાવે છે,સમગ્ર જીવનને નકારાત્મકતાથી ભરી દે છે. માણસના જીવનમાં જે હકારાત્મક પરિવર્તન લાવે એજ સાચો પ્રેમ.
પ્રેમ એ કોઈ પક્ષી નથી કે જેને તમે કેદ કરીને રાખી શકો,અને તેના પર પોતાનો માલિકી ભાવ દર્શાવી શકો, પ્રેમ ક્યારે બંધનમાં બંધાય જ નહીં.પ્રેમ સુગંધ છે, પ્રેમ શ્વાસ છે, પ્રેમ વિશ્વાસ છે. તમે એને કેવી રીતે બાંધી શકો? જો તમે પ્રેમને જીવનની હર ક્ષણે માણવા માંગતા હોવ,તેની સાથે જીવવા માગતા હોવ તો પ્રેમને મુક્ત રાખો. પ્રેમ એક કુમળા છોડ જેવો છે.તમે એને જેટલું ખુલ્લું આકાશ આપશો એ એટલો જ વિસ્તાર પામશે. પણ ના,અહીં દરેકને પ્રેમમાં અધિકાર જોઈએ છે,હક જોઈએ છે.જ્યાં હક અને અધિકાર આવી જાય ત્યાં હંમેશા વિવાદ સર્જાય છે.વિવાદ અને વિખવાદની વચ્ચે પ્રેમ ગુંગળામણ અનુભવે છે.અંતે, પ્રેમ થાકી જાય છે, હારી જાય છે, અને મરણ પામે છે.
પ્રેમમાં સફળતા મળવી એ નસીબની વાત છે. બદનસીબે નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતાને પચાવવાની આપણામાં તાકાત હોવી જોઈએ.આપણે જેને પ્રેમ કરીએ એ વ્યક્તિ ખુશ રહે એ જરૂરી છે, કોની સાથે ખુશ રહે છે એ બાબત ગૌણ હોવી જોઈએ.
પ્રેમ તો પ્રેમ છે વા'લા.બસ,એ પ્રેમને માણો. પ્રેમમાં સાથે વિતાવેલી એ અદભુત ક્ષણોને યાદ કરીને જીવન જીવો. પોતાની આંખો બંધ કરીને જમણો હાથ તમારા હૃદય પર મૂકો,અને યાદ કરો એ પ્રેમને.તમને તમારો એ પ્રેમ દેખાશે,મહેસુસ થશે,જે તમારા રોમે રોમને એક દિવ્ય જ્યોતથી પ્રકાશિત કરી દેશે.જે પ્રેમે તમને જીવન જીવતા શીખવું છે,તે પ્રેમ તમને ક્યારે મળવાની પ્રેરણા આપે જ નહીં. કદાચ મરવાની પ્રેરણા તમને તમારો પ્રેમ આપે તો સમજી જજો કે એ પ્રેમ હતો જ નહીં.
"મરવાથી જો મહોબ્બત મળતી હોય તો,
આ લે ઈશ્વર, પહેલી ખંજર હું હૈયે ભોકું.
પ્રેમ માણસને જીવન જીવતાં શીખવે છે, જીવનની હરએક ઘટનાને સહજતાથી સ્વિકારતાં શીખવે છે.સુખ હોય કે દુઃખ પ્રેમ હંમેશા આપણી સાથેજ હોય છે, તો પછી નિષ્ફળતા મળતાં મોતને વહાલું કરી લેવું યોગ્ય છે?

લેખન:- પિંકલ પરમાર "સખી"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED