પુરુષ રડતો હોય ત્યારે કેવો લાગે? આ વિષય પર પહેલા અનેક વાર લખાઈ ગયું છે, પણ બહુ ઓછા લોકો હશે જે એ પુરુષના રુદન પાછળના કારણોને સમજવાનો પ્રયાસ કર્યો હશે.
પુરુષોને બાળક કે સ્ત્રીની જેમ મન મૂકીને રડવાની ક્યારે છુટ આપવામાં આવી જ નથી.સમાજે પુરુષને સિંહ અથવા પહાડ સાથે હંમેશા સરખાવ્યો છે, પણ એ લોકો ભૂલી જાય છે કે બહારથી પથ્થર જેવો દેખાતો અથવા દેખાવાનો ડોળ કરતો પુરુષ ખૂબ જ લાગણીશીલ હોય છે. સ્ત્રી કરતા કદાચ પુરુષ વધુ લાગણીશીલ અને ભાવુક હોય છે, પણ એમને ક્યારેય રડવાની કે લાગણીઓને વ્યક્ત કરવાની છુટ મળી નથી અથવા આ સમાજના લોકોએ પુરુષને આવી કોઈ મોકળાશ આપીજ નથી.
બાળક ઘરમાં રમતા રમતા પડી જાય,એ દ્રશ્ય જોઈને પિતાનું હ્રદય એક ક્ષણ માટે ધબકાર ચૂકી જાય છે,પણ એની નોંધ નથી લેવાતી. કારણકે મા ની મમતા આગળ એ છુપાઈ જાય છે. જેના ઘરમાં દીકરી હોય એ ઘરનો પુરુષ ભલે સાવજ કહેવાતો હોય પણ એ સાવજની સવારી માં જગદંબા (એની દીકરી) રોજ કરે છે. પોતાની દીકરીને પીઠ પર બેસાડીને રમાડતો પુરુષ શું લાગણીશીલ નથી હોતો? પોતાના જીવથી વ્હાલી દિકરીની કન્યા વિદાય વેળાએ પથ્થર જેવું કાળજું લઈને આખી જીંદગી જીવનારો માણસ પણ પીગળી જાય છે. જેની આંખોમાંથી કદીએ ન વરસી હોય એ ગંગા જમના કન્યા વિદાય વેળાએ વહેવા લાગે છે.આપણે કેટલાયને કહેતા સાંભળીએ છીએ કે આ એક પ્રસંગ છે, રીત રીવાજ છે ,આમાં આટલું રડવાનું ન હોય,પણ સમજાવનાર વ્યક્તિને ક્યાં ખબર હોય છે કે એક પુરુષે (પિતાએ) શું ગુમાવ્યું છે.એવા લોકોએ એક વાર કવિ દાદનું
"કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો."
આ ગીત અચૂક સાંભળી લેવું.
જીવનમાં એવા કેટલાય પ્રસંગો બને છે જ્યારે પુરુષને રડવું હોય છે, એના હૃદય પર વધી રહેલા ભારને ઓછો કરવો હોય છે,પણ એ ક્યાં જઈને રડે? કોની આગળ રડે? એજ એને સમજાતું નથી. કંઈ કેટલી પીડાઓ, કંઈ કેટલી વ્યથાઓ પુરુષ એના હૃદયમાં લઈને રોજ ફરતો હોય છે,પણ અફસોસ એને એક પણ જગ્યા મળતી નથી,જયાં જઈને એ પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકે.
પુરુષ એ છુપી લાગણીનો ભંડાર છે. પુરુષની ભાવનાઓ સંસારની જવાબદારીના બોજ નીચે એટલી દબાઈ જાય છે કે એને વ્યક્ત કરવાનો સમય નથી મળતો. હૃદય પર વધી રહેલો ભાર માણસને થકવી નાખે છે, પણ અફસોસ આ થાકને ઉતારવા માટે એની પાસે કોઈ વિસામો નથી હોતો.
પુરુષના જીવનમાં એકાદ વ્યક્તિ એવી હોવી જોઈએ જેના ખભા પર માથું મૂકીને રડી શકાય, જેને ભેટીને રડી શકાય, કાંતો કોઈ પ્રેમાળ વ્યક્તિના ખોળામાં માથું મૂકીને રડી શકાય. પણ અફસોસ સાથે કહેવું પડે છે કે વર્તમાન સમયમાં આવા વ્યક્તિ મળવા ખૂબ જ મુશ્કેલ છે,જે સામેવાળી વ્યક્તિની ભાવનાઓને સમજી શકે. ભાવનાઓને સમજી ન શક્યાનો કોઈ વસવસો નથી હોતો પણ કોઈ વ્યક્તિ પોતાના હૃદયને આપણી સામે ખુલ્લું મુકીને વાત કરી શકે એટલી લાયકાત પણ આજના વ્યક્તિઓ ગુમાવી ચૂક્યા છે.
પુરુષ માતાની લાગણીને માન આપે તો માવડિયો, પત્નીનું કહ્યું માને તો બૈરીધેલો,ઘરમાં રહે તો ઘરકૂકડી, બહાર રખડે તો રખડું,પૈસાની બચત કરે તો કંજૂસ, પૈસા શોખ માટે વાપરે તો ઉડાવ, બાળકોને કોઈ વાંકે મારે તો જાલિમ, પોતાના પરિવાર માટે લાગણીશીલ હોય તો એ પુરુષને પાણી વગરનો કહેવાય છે. આ બધી ઉપમા પુરુષને આપી કોણે? એ વાત સમજવા જેવી નહીં પણ ખરેખર વિચારવા જેવી છે. પુરુષનું વર્તન હંમેશા સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે, પણ આ વાત આપણે સૌ જાણતા હોવા છતાં માનવા તૈયાર નથી. કારણ કે અહીં પુરુષ પ્રત્યેની વિચારધારા દરેકના મતે અલગ અલગ છે. જેને કોઈ એક ચોક્કસ બીબામાં ઢાળવી ખુબજ મુશ્કેલ છે.
એક સુંદર વાક્ય છે "જો પોતાની વ્યક્તિ પાસે હદય ખોલ્યું હોત તો આજે ડોક્ટર પાસે હદય ખોલવાનો સમય આવ્યો ન હોત." પણ આપણે ક્યારેય પુરુષને એવો સમય આપ્યો છે ખરો? ક્યારેય પુરુષના મનની વાતોને જાણવાનો,તેની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કર્યો છે ખરો?
પુરુષ કયારેક થાકી જાય છે,તો ક્યારેક પોતાના લોકો સામે હારી જાય છે. ત્યારે તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. પોતાની લાગણીઓને એ ક્યારેય શબ્દ રૂપે તો ક્યારેક આંસુ રૂપે વ્યક્ત કરવા માંગે છે.પણ એને એવી તક મળતી નથી અથવા એવી તક આપવામાં નથી આવતી.જ્યારે પુરુષને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાની તક નથી મળતી જેની સીધી અસર તેના વર્તન પર દેખાઈ આવે છે. આ બદલાતા વર્તનને સમજવાનો પ્રયાસ ના તો એનો પરિવાર કરે છે,ના તો એનું કહેવાતું મિત્રમંડળ.
ક્યારેય કોઈએ પુરુષના રૂમાલની તપાસ કરી છે ખરી? તમને ક્યારેક સમય મળે તો તપાસ કરજો.તેમાં અસંખ્ય આંસુના ડાઘ જોવા મળશે,જે એણે એકાંતમાં વહાવ્યા છે. ઘરના ઓશીકા પરની ભીનાશ તો ક્યારેક ચાદરના કોઈ એક છેડા પરની ભીનાશને અનુભવવાનો આપણે કદી પ્રયાસ કર્યોજ નથી. અનુભવવાની વાત તો છોડો ,પણ આપણી તેના પર નજર સુદ્ધાં પડતી નથી અને પડે પણ ક્યાંથી? કારણ કે દરેકના મનમાં એક જ વિચાર હોય છે કે '"પુરુષ કંઇ થોડો રડે!" એને પણ રડવું છે, પણ કેવી રીતે રડે? એને તો સમાજે વિવિધ ઉપમા આપીને બાંધી દીધો છે. કોઈને ખ્યાલ પણ નહી હોય કે "સ્ત્રીના પાલવ કરતાં ઓશિકાના કવરે પુરૂષના આંસુને સૌથી વધારે લુછ્યા હોય છે."
પુરુષ પાસે પણ એક હૃદય છે,જે ધબકે છે.તેમાં પણ લાગણીઓ છે,ભાવનાઓ છે,એમનું હૈયુ ક્યારેક ખુશીમાં નાચી પણ ઊઠે છે તો ક્યારેક ઉદાસ પણ થાય છે. પુરુષ દુનિયાદારીની તમામ જવાબદારી પોતાના માથા પર લઈને ફરતો હોય છે. એમાં એ ક્યારેક હારી પણ જતો હોય છે. આવા સમયે પોતાની જાતને હળવી કરવી હોય છે.મનના ભારને આંસુ વડે થોડો હળવો હોય છે, પણ સવાલ એ છે કે,એ જાય કયા?
વર્તમાન સમયમાં કોઈ પુરુષ તમારી સામે રડી શકતો હોય તો પોતાની જાતને નસીબદાર સમજો, કારણ કે એ વ્યક્તિએ તમારા પર ભરોસો મૂક્યો છે.તમારી સમક્ષ આંસુ વહાવતા પુરુષને કોઈ અપેક્ષા નથી, પણ એક ભરોસો છે કે,આ વ્યક્તિ મને સમજી શકે છે. બસ, તમે એ ભરોસાનું માન રાખી એને ક્ષણિક સાચવી લેવાનો પ્રયાસ કરજો.
આખી દુનિયા જીતી શકનારો પુરુષ ક્યારેક પોતાના લોકો સામે હારી જાય છે. જેમને પોતાના માન્યા હોય એ જ વ્યક્તિ જ્યારે દિલ પર શબ્દોના ઘા કરી જાય ને ત્યારે પહાડ જેવા પુરુષની આંખમાં પણ આંસુ આવી જાય છે. પુરુષની આંખમાં આવેલા આંસુ એ એની કમજોરી નથી,પરંતુ બહારથી પથ્થર દેખાતા માણસમાં પણ એક હૃદય ધબકે છે, આંસુ એ વાતનો પુરાવો છે.
ટૂંકમાં કહું તો જ્યારે કહેવાનું મન થાય ત્યારે કહી દેવું અને જ્યારે રડવાનું મન થાય ત્યારે રડી લેવું. રડી લેવાથી હૈયા પરનો ઘણો બધો ભાર હળવો થઈ જાય છે.
પુરુષની લાગણીઓને સમજવામા હું અને તમે ક્યાંકને ક્યાંક કાચા પડ્યા છીએ. આપણને પુરુષના હસતા ચહેરા પાછળની વેદનાને વાંચતા નથી આવડતું.જે આપણા છે, જે આપણું છે, તેમના ચહેરા જોઈને આપણને કેમ સમજાતું નથી કે, અમને કંઈ કહેવું છે? જો તમારા માંથી એકાદ જણને પણ ચેહરો વાંચતા આવડે તો તરત જ સામેવાળી વ્યક્તિને કહી દેવાનું કે,"આવ મને ભેટીને રડી લે."
પુરુષની વેદનાઓ જ્યારે હદથી વધારે વધી જાય, પીડાઓ જ્યારે અસહ્ય બની જાય,કહેવાનું મન હોવા છતાં જે વાત કહી ના શકાય તેમ હોય ત્યારેજ પુરુષ આંસુનો સહારો લે છે. જે શબ્દો વ્યક્ત થઈ નથી શકતા એજ શબ્દો આંસુ રૂપે બહાર નીકળે છે.
તમારા ખભે માથું મુકીને કોઈ રડી શકે તો સમજી જજો કે,તમારામાં પણ એક હદય ધબકે છે. બાકી સમજી જવાનું કે મારામાં જે ધબકે છે એ હદય નહી એક પથ્થર છે.
લેખન:- પિંકલ પરમાર "સખી"