વૃંદાવન ટાઉનશીપના મકાન નંબર દસમાં પંકજ અને રાગિણી રહેતા હતા. પંકજ એચ.ડી.એફ.સી બેંકમાં મેનેજર હતો અને તેની પત્ની રાગણી એક આદર્શ ગૃહિણી હતી. પતિની ખુશી માટે રાગિણી વધુ ભણેલી હોવા છતાં તેણે નોકરી કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. બન્નેને સંતાનમાં એક માત્ર દીકરી હતી અને એનું નામ હતું તુલસી.
પંકજ બેંકમાં જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. પોતાને ગમતી ઘડિયાળને તે પોતાના કાંડે બાંધી રહ્યો હતો. ત્યાં જ તેની નજર આજની તારીખ ઉપર પડી 14 Feb. 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે. હા આ એક દિવસ પ્રેમીઓના નામે. લોકો ફેબ્રુઆરી મહિનાની ઘણા સમયથી ખૂબ જ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. પોતાના દિલમાં કોઈના પ્રત્યે સંતાડીને રાખેલી લાગણીઓને વ્યક્ત કરવાનો આજે એક અનેરો અવસર હતો. પશ્ચિમી સંસ્કૃતિમાં ફેબ્રુઆરી મહિનામાં ઉજવાતાં દિવસોની આપણા દેશના યુવાનો દ્વારા પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આવા અનેક વિચારોના વમળ પંકજના મનમાં આકાર લઈ રહ્યા હતા. ત્યાં જ રાગિણીએ રસોડામાંથી બૂમ મારીને કહ્યું કે આજે ઓફિસે નથી જવાનું કે શું?
પંકજ ઓફિસે જવા માટે નીકળ્યો. આજે રસ્તા પરની દુકાનો પર ખૂબ જ ભીડ જોવા મળી રહી હતી. લોકો પોતાના પ્રિયપાત્ર માટે ગિફ્ટ,કાર્ડસ લેવા માટે જાણે પડાપડી કરતા હોય એવું તેને લાગી રહ્યું હતું. ચાર રસ્તા પાસે આવેલા બગીચામાં પણ આજે માનવ મહેરામણ ઊભરાય રહ્યો હતો. પંકજ આવા અનેક દ્રશ્યો જોતા જોતા બેંકમાં પહોંચ્યો અને સીધો પોતાની કેબીનમાં જતો રહ્યો. ખબર નહીં કેમ પણ આજે પંકજ ને કંઈ કામ કરવાનું સૂઝતું નહોતું. અને કામ સુઝે પણ ક્યાંથી? કારણકે એનું દિલ સતત એક વ્યક્તિને યાદ કર્યા કરતું હતું અને એ વ્યક્તિનું નામ હતું સ્વાતિ. કોલેજકાળના દિવસો પંકજ ને યાદ આવવા લાગ્યા અને એમાંય ખાસ સ્વાતિ.
સ્વાતિ અને પંકજ એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. તેમના પ્રેમ વિશે આખી કોલેજ જાણતી હતી. લોકો તેમને સારસબેલડી ની જોડ કહેતા હતા. સ્વાતિને પંકજ નો સાથ ખુબ જ ગમતો હતો.જાણે કે તે પંકજ વગર સાવ અધૂરી હોય અને પંકજ સ્વાતિ વગર અધૂરો. વીતી ગયેલા દિવસો અને ઘટનાઓ આજે તેના સ્મૃતિપટ પર ફરીથી પાછા આવવા લાગ્યા. વહી ગયેલા સમયની અને છોડી ને જતી રહેલી વ્યક્તિની યાદોએ આજે પંકજની આંખોમાં આંસુ લાવી દીધા હતા. ખિસ્સામાંથી રૂમાલ કાઢવાની પણ તેને ફૂરસદ નહોતી. એટલે તેણે પોતાના આંસુને ડાબા હાથની બાયથી લુછી નાખ્યા. એટલામાં જ અરવિંદ સાહેબની કેબીનમાં આવ્યો અને બોલ્યો લો....સાહેબ ગરમાગરમ ચા. અરવિંદની નજર સાહેબ પર પડી એટલે એણે તરત જ પૂછી લીધું સાહેબ કંઈ થયું છે? પંકજ પરિસ્થિતિ પામી ગયો અને કહ્યું કે ના કઈ નથી થયું. બસ કોઈકની યાદ આવી ગઈ. હશે સાહેબ, જે થઈ ગયું એ થઈ ગયું, હવે એને યાદ કરીને શો અર્થ? હું જાણું છું કે આજની તારીખ અને આજનો દિવસ જ એવો છે જે તમને નહીં પણ તમારા જેવા કેટલાય લોકોની આંખોમાં આંસુ લાવી દેતો હશે. પોતાના પ્રથમ પ્રેમને ભૂલી જવો એટલો સહેલો નથી,પણ શું કરીએ તમે જ કહો સાહેબ? ભૂતકાળનો પ્રેમ ભૂત જેવો હોય છે જે આપણને દુઃખ સિવાય બીજું કંઈ આપી શકતો નથી. તમે તો મારા કરતાં વધુ સમજદાર છો હવે તમને મારે શું સમજાવવું? ચાલો હું બીજા લોકોને ચા આપી આવું. એમ કહીને અરવિંદ કેબિનની બહાર નીકળી ગયો.
પંકજ ચા પીતા પીતા પોતાની જાતને ભૂતકાળ તરફ ઢસળીને લઇ જતો હતો. એ સાચા દિલથી સ્વાતિને પ્રેમ કરતો હતો. છતાં ખબર નહીં કેમ સ્વાતિએ પંકજ સાથે દગો કર્યો. લાગણીશીલ સ્વભાવ અને વધુ પડતી કાળજી સ્વાતિને બંધનરૂપ લાગી હશે કે પછી એણે પણ રૂપ અને રુપિયો જોઈને બીજાનો સાથ મેળવી લીધો હશે. આવા અનેક વિચારો એના મગજમાં ઘૂમરાવો લઇ રહ્યા હતા. સ્વાતિની યાદોમાં એણે કેટલાય વર્ષો બરબાદ કરી નાખ્યા. પોતાની જાતને તો ક્યાંક પોતાની સાથે જોડાયેલી દરેક વ્યક્તિને અન્યાય કરી રહ્યો હતો. આ વાતને વર્ષો વીતી ગયા છતાં તે સ્વાતિને માફ કરી શકતો નહોતો અને માફ કરી દે તો પણ શા માટે? અને માફી આપે તો પણ કઈ વાતની માફી આપવી એ ખુદ આજે પંકજ સમજી શકતો નહોતો.
અરવિંદ સાહેબની કેબીનમાં આવ્યો અને જોયું તો સાહેબ આંખો બંધ કરીને ખુરશી પર આરામ કરી રહ્યા હોય તેવું લાગ્યું. પણ સાહેબના ગાલ ઉપર સુકાયેલા આંસુના ડાઘ જોઈને તે પૂછ્યા વગર ઘણું બધું સમજી ગયો. અરવિંદે સાહેબની પાસે જઈને તેમના ખભા પર હાથ મૂક્યો. પોતાના શરીર પર કોઈના સ્પશૅનો અહેસાસ થતાં જ પંકજની આંખો ખુલી ગઈ. અરવિંદની સામે જોઇને એમણે એક જૂઠું હાસ્ય આપ્યું. અને બીજી તરફ અરવિંદે પણ સાહેબને વળતા હાસ્યથી જવાબ આપ્યો અને કહ્યું કે સાહેબ બેંક બંધ કરવાનો સમય થઈ ગયો છે. અહીં રોકાવું છે કે ઘરે જવું છે? પંકજે કહ્યું કે ઘરે તો જવું જ પડશે ને કારણકે ત્યાં રાગિણી મારી રાહ જોતી હશે. અને એમાંય આજે વેલેન્ટાઈન ડે છે. અરવિંદે સાહેબને કહ્યું કે હા સાહેબ, આજે તમે મારા બેનને એક સુંદર મજાની ભેટ લઈ આપજો. પંકજે કહ્યું કે હા. પણ શું લઈ જવું એ મને કંઈ સમજાતું નથી. એટલે તરત જ અરવિંદે કહ્યું કે એક સરસ મજાની સાડી લઈ જજો અને એ પણ તમારા મનગમતા રંગની. મનગમતા રંગોની વાત સાંભળતાની સાથે પંકજની આંખો સામે પીળો રંગ રમવા લાગ્યો કારણ કે પીળો રંગ સ્વાતિની સાથે જોડાયેલો હતો. અરવિંદે કહ્યું કે હવે બહુ વિચારવા રહેશો ને તો દિવસની જેમ આ રાત પણ વિચારોમાં વહી જશે. અરવિંદની વાત સાંભળીને પંકજના ચહેરા પર હાસ્ય આવી ગયું. અને અરવિંદના ખભા પર હાથ મુકીને આભાર દોસ્ત કહીને તે પોતાની કેબિનમાંથી બહાર નીકળી ગયો.
ઘેર જતી વખત પંકજની આંખો સાડીની દુકાનને શોધી રહી હતી ત્યાં જ એની નજર શહેરની ભવ્ય દુકાન લાડલી પર પડી. પંકજ પોતાનું બાઇક ઊભું રાખીને સાડીની દુકાનમાં ગયો. દુકાનદારે ગ્રાહકનુ ભાવભીનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે "બોલો સાહેબ આપને શું જોઈએ છે?" પંકજે કહ્યું કે મારે એક સુંદર સાડી જોઈએ છે ભાવની ચિંતા ના કરશો. પંકજની વાત સાંભળીને દુકાનદારે પંકજને એક પછી એક જૂદી જૂદી ડિઝાઈનની અવનવા રંગોની સાડીઓ બતાવી રહ્યો હતો. છતાં પંકજની નજર કંઈક ખાસ શોધી રહી હોય એવું દુકાનદારને લાગ્યું એટલે દુકાનદારે તરત જ પૂછી લીધું કે સાહેબ તમારે કેવી ડિઝાઇનની અને કેવા રંગની સાડી જોઈએ છે. પંકજે કહ્યું કે મને ડિઝાઇનની તો ખબર નથી પણ રંગની ખબર છે. દુકાનદારે કહ્યું કે એમાં શરમાવછો શું? તમે મને રંગ કહો. પંકજે કહ્યું કે મારે પીળા રંગની સાડી જોઈએ છે. દુકાનદારે હસતા હસતા કહ્યું કે પીળો રંગ બહુ ખાસ લાગે છે? પંકજે કહ્યું કે હા બહુ ખાસ રંગ છે સમજી લો કે પીળો રંગ એ મારી પ્રીતનો રંગ છે.
દુકાનદારે પીળા રંગની સાડીઓનો ઢગલો પંકજની સામે કરી દીધો અને કહ્યું કે લો સાહેબ હવે તમે કોઈ એક સારી સાડી પસંદ કરી લો. પંકજે સાડીના ઢગલામાંથી એક સાડી પસંદ કરી લીધી. દુકાનદારે સાડી પેક કરી આપી અને પંકજ દુકાનદારને પૈસા આપીને દુકાનની બહાર નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં જ એણે એક અવાજ સંભળાયો "મને પીળા રંગમાં એક બનારસી સાડી બતાવો." એ અવાજથી તેના હૃદયના તાર ઝણઝણી ઉઠ્યા. એણે બીજા કાઉન્ટર પર નજર કરી તો ત્યાં સ્વાતિ હતી. સ્વાતિને જોઈને તેના હૃદયના ધબકારા વધી ગયા,અને તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો. હવે શું કરવું? શું ના કરવું એ વિચારમાં પડી ગયો.
વર્ષો પહેલા સ્વાતિએ કરેલી બેવફાઈ જાણે એક જ ક્ષણમાં ભુલાઈ ગઈ. જેની યાદો એ આજે આખો દિવસ આંસુ આપ્યા એ આંસુને પણ એક ક્ષણમાં ભૂલી ગયો, અને ભુલાય કેમ નહીં કારણ કે તેની સામે તેનો પહેલો પ્રેમ ઉભો હતો.
પંકજ હિંમત કરીને સ્વાતિ પાસે ગયો અને કહ્યું કે "સ્વાતિ કેમ છે તું?" સ્વાતિને પણ પંકજને જોઈને ખૂબજ નવાઈ લાગી અને તેના ચહેરા પર ખુશીની લહેર આવી ગઈ, પણ એ ખુશીની લહેર સ્વાતિના ચહેરા પર બહુ લાંબો સમય ટકી શકી નહીં. તેની આંખના આંસુ પાંપણ પર આવીને અટકી ગયેલા જોઇને તેને સાંત્વન આપ્યું.
સ્વાતિએ પંકજને કહ્યું કે હું જાણું છું કે તે મને વર્ષો પહેલા આઝાદ કરી દીધી હતી પણ તે મને આજ દિન સુધી માફ નથી કરી. હું તારા પ્રેમને, તારી લાગણીઓને સમજી શકી નહીં. પ્રેમના નામે મે તારી સાથે રમત રમી છે. તું મને દેવી માનીને પૂજતો હતો છતાંય મેં તારા નિસ્વાર્થ પ્રેમને ઠોકર મારી દીધી હતી,અને તારી સાથે બેવફાઈ કરી હતી. સ્વાતિની આંખ માંથી આંસુ વહી રહ્યા હતા છતાંય એ બોલેજ જતી હતી. પંકજ તારાથી દૂર જઈને પણ હું ક્યાં ખુશ છું? જે ખુશી માટે મેં તને તરછોડ્યો હતો એ ખુશીઓ પણ હવે ક્યાં મારા જીવનમાં રહી છે? મારા જીવનમાં હવે કંઈ નથી રહ્યું. છે તો બસ દુઃખ, દર્દ અને વેદનાઓના ભંડાર. તું મને છોડીને ગયો પછીના થોડાક વર્ષોમાં મને વાસ્તવિકતાનું ભાન થઈ ગયુ હતું. મેં શું છોડ્યું અને શું મેળવ્યું એનો તાળો મેળવવામાં જ મારું જીવન વેળફાઈ રહ્યું છે.
પંકજે સ્વાતિને પૂછ્યું કે "તને આટલા વર્ષોમાં એકવાર પણ મારી યાદ ના આવી?" પંકજના એક જ સવાલે સ્વાતિના હૈયા પર વજ્રાઘાત કર્યો. સ્વાતિએ કહ્યું કે મને તારી રોજ યાદ આવતી હતી. કોઈ ક્ષણ એવી નહોતી કે મને તારી યાદ આવતી ન હોય પણ હું શું કરી શકું? કારણકે મેં જાતે જ મારા પ્રેમને ઠોકર મારી હતી. કેવી રીતે હું તારી પાસે આવું અને તારી માફી માંગુ? મારા ગયા પછી તારા દિલ પર શું વીતી છે એ હું સારી રીતે જાણું છું. તું ભલે મારાથી દુર હોય છતાંય હું સતત તારી પાસે હતી. તારા જીવનમાં આવેલા દરેક ચડાવ ઉતાર ને હું સારી રીતે જાણતી હતી. સોશિયલ મીડિયાનો આ એક તો ફાયદો છે. પંકજ પૂછ્યું કે શું તું મારી ફ્રેન્ડબુકમાં છે? સ્વાતિએ કહ્યું કે હા. પણ એક જુઠા નામથી. કારણ કે મને ખબર છે કે તું મને ક્યારેય માફ કરી ન શકે એટલે જ મારે આમ કરવું પડ્યું હતું. વરસો વીતી ગયા છતાંય તે મને માફ કરી નથી.હા, હું આઝાદ જરૂર થઈ ગઈ છું પણ તારી સાથે કરેલા ગુના ના ભાર નીચે હું આજે પણ દબાયેલી છું.શું તું મને માફ નહીં કરે?
સ્વાતિના આ સવાલ સામે પંકજ લાચાર બનીને ઊભો હતો. પોતે શું કહેવું તેનું ભાન પણ પંકજને ના રહ્યું. કદાચ ગુસ્સામાં કઈ વધારે બોલાઈ જશે એના કરતા આ જગ્યા છોડી દેવી વધારે હિતાવહ એને લાગી. પંકજે સ્વાતિને કહ્યું કે હવે હું ઘેર જાઉં, રાગીણી મારી રાહ જોતી હશે. એમ કહીને પંકજ સીધો કેશ કાઉન્ટર પાસે પહોંચ્યો. પંકજે દુકાનદારને પૈસા આપ્યા અને એક કોરો કાગળ માગ્યો. થોડીવાર પછી પંકજે એ કાગળ દુકાનદારને આપ્યો અને સ્વાતિ તરફ ઈશારો કરીને કહ્યું કે પેલા મેડમને આ કાગળ આપી દેજો એટલું કહીને પંકજ દુકાન માંથી બહાર નીકળી ગયો.
સ્વાતિ પોતે પસંદ કરેલી સાડી લઈને કેશ કાઉન્ટર પર આવી અને કહ્યું કે લો, આ સાડીને પેક કરી દો અને બીલ આપો. દુકાનદારે કહ્યું કે તમારી સાડીનું બિલ ચૂકવાઈ ગયું છે અને એમણે મને આ એક ચિઠ્ઠી તમને આપવા કહ્યું છે લો, આ ચિઠ્ઠી.
સ્વાતિએ ચિઠ્ઠી ખોલી તો તેમાં લખ્યું હતું કે "મેં તને આઝાદ કરી હતી અને આજે માફ પણ કરું છું." પંકજના હાથે લખાયેલા વાક્યને વાંચીને સ્વાતિ દોડતી દોડતી તેને શોધવા માટે દુકાનની બહાર નીકળી પણ અફસોસ ક્યાંય પંકજ દેખાયો નહીં. બહાર દેખાઈ રહ્યો હતો તો એ માત્ર એકલતાનો અંધકાર.
લેખન:- પિંકલ પરમાર "સખી"