મોજીસ્તાન - 79 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 79

મોજીસ્તાન (79)

ગામની પંચાયતમાં ભરાયેલી સભામાંથી નીકળેલો રઘલો ધાધર વલુરતો વલુરતો એના ઘર ભણી જઈ રહ્યો હતો.અચાનક એના મગજમાં વિચાર આવ્યો કે જાદવો તો અત્યારે સભામાં બેઠો છે,એટલે એની ઘરવાળી એકલી જ હશે.પોચા માસ્તરના ઘેરથી એ છાનોમાનો ભૂતનો પહેરવેશ ચોરી આવ્યો હતો.રઘલાને આજ ભૂત બની,જડીને ડરાવવાની ઈચ્છા થઈ.ભૂતનો સ્વાંગ રચીને જડીને ધમકી મારવી હતી કે, 'જો તું ધૂળિયાને છોડીને રઘલા હાર્યે પ્રેમ નહિ કરે તો હું તને ખાઈ જઈશ.'

રઘલો ઉતાવળો ચાલીને એના ઘેર ગયો. લખમણિયા ભૂતનો ડ્રેસ થેલીમાં નાંખીને એ જાદવના ડેલા બહાર ઉભો રહ્યોં. જાદવના ઘરની પાછળ વાડો હતો; રઘલાએ વાડામાં જઈ ભૂતનો ડ્રેસ ધારણ કરવાનું નક્કી કર્યું.એ વાડામાંથી સીધું જાદવના ફળિયામાં અવાતું હતું એની પણ રઘલાને ખબર હતી.આજ પોચા સાહેબે ભૂતના નાટક પરથી પડદો હટાવી લીધો એટલે છેલ્લે છેલ્લે મેચ જીતવા બેટ્સમેન છગ્ગો ફટકારે એમ રઘલાને જડીને હાથ કરી લેવી હતી.

રઘલાએ ડેલા પાસેથી પાછળ જતા રસ્તે ડોકું કાઢ્યું.એ શેરીની પહેલી સ્ટ્રીટલાઈટ બંધ હતી,પણ થોડા દૂરના થાંભલાની લાઈટનો પ્રકાશ પડતો હતો.રઘલો ધીરે રહીને એ શેરીમાં આગળ વધ્યો.જાદવના વાડા ફરતે તાર બાંધીને એણે વાડ કરી હતી અને અંદર જવા માટે એક ઝાંપલી મૂકી હતી.વાડામાં એક ખૂણામાં ઉકરડો હતો. થોડા ખેતીવાડીના થોડા ઓજારો એક ઢાળીયામાં પડ્યા રહેતા. ઢાળીયામાં ગમાણ પણ હતી જ્યાં જાદવ પોતાની ભેંસ બંધતો, પણ એ ભેંસ સાથે તખુભાની ઘોડીનું એક્સિડન્ટ થયું પછી એ ઘોડી અને તખુભાની સારવારનો જે ખર્ચ આવેલો એમાં એ ભેંસ ખપી ગઈ હતી.એટલે ઘણા સમયથી એ ગમાણ સુની પડી હતી.

રઘલાએ કટાઈ ગયેલા વાળાથી ઝાંપલીનું કટાઈ ગયેલું તાળું ખોલીને વાડામાં પ્રવેશ કર્યો. ઢાળીયાનું અંધારું એને ખૂબ કામમાં આવવાનું હતું.થેલીમાંથી રઘલાએ ખોપરીનું હેલ્મેટ માથામાં ભરાવ્યું અને હાડપિંજરવાળો ડ્રેસ પહેરી લીધો.

રઘલાની આ પ્રવૃત્તિ વાડાના એક ખૂણામાં એના ગલુડિયાને ધવરાવી રહેલી કાબરી કુતરી ક્યારની જોઈ રહી હતી.રઘલો વાડામાં આવ્યો ત્યારે એ કાબરીએ એને ઓળખ્યો હોઈ કંઈક કામ માટે આવ્યો હશે એમ સમજીને ભસી નહોતી.આમેય એના ગલું ભૂખ્યા હતાં અને એ હમણાં જ ધરાઈને આવી હતી.

એ વિહાંઈ ત્યારે જડીએ એને શીરો ખવડાવીને એની સારી એવી સુવાવડ કરી હતી એટલે કાબરી જડીના ઉપકાર નીચે દબાયેલી હતી.આ રઘલો પણ ઘણીવાર એ કાબરીને બિસ્કિટ ખવડાવતો હતો.એટલે એ કશું બોલી નહોતી.પણ રઘલાએ જે વેશ કાઢ્યો એ જોઈને કાબરી એના ખાડામાંથી ઉભી થઈ હતી.રઘલાએ વાડામાં પડતું જાદવનાં ઘરનું બારણું ધકાવ્યું ત્યાં સુધી કાબરી ચૂપ રહી હતી.

જડી હજી હમણાં જ એના માટે રોટલા મૂકી ગઈ હતી. કાયમ એ વાડાનું બારણું બંધ જ કરી દેતી,પણ આજ કોઈ કારણસર અમથું જ વાસેલું હતું એટલે રઘલાએ જેવો ધક્કો દીધો એવું જ એ બારણું ખુલી ગયું.રઘલાએ વાડામાંથી જાદવના ફળિયામાં જેવો પગ મૂક્યો કે તરત કાબરીએ એના ગલુંના મોંમાંથી એના આંચળ છોડાવ્યા હતા.કાબરી રઘલાની મંછા પામી ગઈ હતી, એની મા સમાન જડીની ઈજ્જત ખતરામાં હોવાનો અણસાર એ શ્વાનસુંદરી પામી ગઈ હતી.

રઘલાની પાછળ જ કાબરીએ દોટ મૂકી.એના ગળામાંથી આવા સમયે ભસવાનો ખાસ અવાજ નીકળ્યો,જાણે કહેતી ના હોય કે,
"ઉભીનો રે'જે તારી જાતના રઘલા આજ તો તારી પિંડીયુંના લોશરા કાઢી નો નાખું તો મારું નામ કાબરી કુતરી નહિ...!"

રઘલો હજી બે કદમ જ આગળ ચાલ્યો હતો.કાબરી ભસી એટલે એણે પાછું વળીને જોયું.પોચા માસ્તરે એને કૂતરાં ભસે તો શું કરવું એ શીખવ્યું હતું એ મુજબ કાબરીને શાંત પાડવા રઘલો ખોપરી ઉતારે એ પહેલાં તો કાબરી આંબી ગઈ.રઘલાને પોતાની ઓળખાણ આપવાનો સમય કાબરીએ રહેવા દીધો નહિ.
આમેય કાબરી તો એને ઓળખતી જ હતી, પણ મા સમાન જડી એકલી હોય ત્યારે એ વાડામાંથી કોઈ બીજા પુરુષને ઘરમાં જવા દેવા માંગતી નહોતી.રઘલાએ ભલે ક્યારેક એને બે ચાર બિસ્કિટ ખવડાવ્યા હતા,પણ જડીના શીરા આગળ એની કોઈ કિંમત નહોતી.

કાબરી પગે ચોટે એ પહેલા રઘલો જાદવના ફળિયામાં ભાગ્યો.કૂતરું ભસે ત્યારે જો તમે ભાગો તો એ બમણા જોરે પાછળ પડતું હોય છે.કાબરી આજ રઘલાની પીંડી તોડવા પર તુલી હતી એટલે જોરથી ભસીને રઘલાની પાછળ દોડી. ફળિયું કંઈ બહુ મોટું નહોતું. સામેની બાજુ ડેલું અને એકબાજુએ જાદવનું ઓસરીવાળું બે ઓરડાનું મકાન હતું.એ મકાનની સામે દીવાલ હતી.વાડામાં પડતી ખડકીની બાજુમાં ઢોર બાંધવાનું ઢાળીયું અને ઓસરીને લગોલગ રસોડું હતું.રઘલાને ભગાવાની વધુ જગ્યા મળી નહિ એટલે ફળિયામાં ગોળ ગોળ ભાગવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહિ.

ફળિયામાં થયેલી ભસાભસ સાંભળી રસોડામાં ઢાંકોઢુબો કરીને હમણાં જ ઘરમાં જઈને એના પ્યારા ધૂળિયાના પડખામાં પડેલી જડી ચોંકી હતી.જાદવ વાળું કરીને ગામમાં, 'આવતાં કદાચ મોડું પણ થશે' એમ કહીને ગયો હતો.એ તકનો લાભ લેવા જડીએ એના વહાલા ધૂળિયાને બોલાવ્યો હતો,પણ ગામમાં આજ ખાસ મિટિંગ હોવાથી ધૂળીઓ પણ ત્યાં જવાનો હતો એટલે એ ખિજાઈ હતી,

"નયાં તારા ડોહાનું શું ડાટયું સે તે તારે વળી ગામની પંસાતમાં પડવા જાવું સે.જો તું નય આવ્ય તો પસી હું તારી હાર્યે બોલવાની જ નથ ઈ હમજી લેજે.મારી કરતા તન મિટિંગ વા'લી હોય તો નયાં ગુડા, પણ પસી જડીને ભૂલી જાજે..!"

"જડકી, તને જોઈને મારી સાતી થડકી. પણ આજ જાવા દે ભૂંડી, ગામમાં જગન થાવાનો સ તો ઈમાં કાંક કામ આવવી તો પરભુ રાજી રેય અન આપડો સાથ લાંબો હાલે.હું આપડી હાટુ જ જવ સુ,મારી વહાલી જડકી...!" ધૂળીયો પણ જડીને રાજી રાખતા શીખી ગયો હતો.

"તોય જો હું ડેલીની ખડકીને માલિકોરથી ભોગળ નય દવ.તને નયાંકણે નો મજા આવે તો ઝટ દયને આવતો રે'જે...હું તારી વાટ જોશ.તું ઘડીક મિટિંગમાં રયને આવતો જ રેજેને ભૂંડા..!'' જડીએ વિનવણી કરી હતી.

મિટિંગમાં જ્યારે ડોકટર ગોળા ગબડાવતાં હતા ત્યારે ધૂળીઓ કંટાળ્યો હતો.આના કરતાં તો જડકીએ ખડકી ખુલ્લી જ મેલી સે નયાં જ વ્યો જાવ." એમ વિચારીને ધૂળીઓ પંચાયતમાંથી નીકળીને એની જડીને છાતીએ જડી દેવા બડી બડી છલાંગો ભરીને ભાગ્યો હતો.

રઘલો જ્યારે ભૂતનો ડ્રેસ લઈ જાદવના ડેલા પાસેથી વાડામાં જવા ડેલા બાજુની શેરીમાં વળ્યો ત્યારે જ ધૂળીયો ત્યાં આવી પહોંચ્યો હતો.ડેલાના છજાનો પડછાયો એની પર પડતો હોવાથી ધુળીયો રઘલાને જોઈ શક્યો નહોતો. રઘલો વાડામાં અને ધૂળિયો ડેલીની ખડકીમાં એક સાથે જ પ્રવેશ્યાં હતા.


અચાનક કાબરી ભસવા લાગી એટલે જડી અને ધૂળિયો ગભરાયા હતા.જડીએ જલ્દી બહાર નીકળીને લાઈટ કરી તો ફળિયામાં ભૂત ગોળ ગોળ ફરી રહ્યું હતું અને કાબરી એની પિંડી તોડવા દોડી રહી હતી.ભૂત જોઈને જડીની છાતીના પાટિયા બેસી જવા લાગ્યાં. જાદવે કહ્યું હતું કે હવે એ ભૂત ક્યારેય નથી દેખાવાનું, કારણ કે તભાભાભાએ વિધિ કરીને એને ભગાડી મૂક્યું છે,પણ એ ભૂત તો આજ એની નજર સામે ફળિયામાં ગરબે રમી રહ્યું હતું.

"આ તો લખમણિયાનું ભૂત સે..પણ ભૂતની વાંહે કુતરી ચીમ ધોડે સે.જડકી તું ઘરમાં ગરી જા. હું ઢાળીયામાંથી ભેંસનો ડેરો ( ઢોર દોડીને ભાગી ન શકે એટલે એના આગળના બંને પગ વચ્ચે રહે એવું જાડું લાકડું ઢોરના ગળે બાંધવામાં આવતું.જેને ડેરો કે ડેરડો કહેવાય) લયન આજ આ લખણીયાને ભોંયભેગો જ કરી નાખું હાળાને !" જડીની પાછળ બહાર આવેલો ઘુળિયો એમ કહી ઢાળીયામાં દોડ્યો.એ ઢાળીયામાં રસોડાની દીવાલે ખીંતી સાથે ટીંગાઈ રહેલો ડેરો ઉપાડીને ધૂળિયો રઘલા પાછળ દોડ્યો.

રઘલાએ ધૂળીયાને ડેરો ઉગામીને આવતો જોયો એટલે એના મોતિયા મરી ગયા.બળુંકો ધૂળિયો એના રામ રમાડી દેશે એની એને ખબર હતી.કાબરી પણ યુક્રેનને જાણે અમેરિકાની મદદ મળી હોય અને એ બમણા જોરે રશિયાની પાછળ દોટ મૂકે એમ ધૂળિયાને જોઈને બળમાં આવી હતી.

રઘલો પળવાર માટે ધીમો પડ્યો કે તરત જ કાબરી એની પિંડીએ ચોંટી હતી.રઘલાના ગળામાંથી રાડ નીકળી ગઈ, "મરી જીયો..રે..
રે...હડય... હડય..." કહી એને વાંકા વળીને કબરીનું ડાચું પકડ્યું.પણ કાબરી ગળામાંથી અવાજ કાઢીને ઘુરકતી હતી.

રઘલો વાંકો વળ્યો એ જ સેકન્ડે ધુળીયાએ ઉગામેલો ડેરો એના ડેબામાં ઝીંકાયો હતો. જડભરત અને બળધિયા જેવા તાકાતવાન
ધૂળિયાનો એ એક જ ઘા કાફી થઈ પડ્યો.

રઘલો ઢેર થઈને લાંબો થઈ ગયો. ડેરાનું લાકડું અમથુંય થોડું જાડું હોય છે.એમાં ધૂળિયાની તાકત અને દાઝ પણ ભરી હતી.કોઈ માણસ જ્યારે દાઝે ભરાઈને ઘા કરે ત્યારે એની તાકાત બમણી થઈ જતી હોય છે.રઘલાના ગળામાંથી નિકળતો અવાજ પણ બંધ થઈ ગયો.

એક જ ઘાએ ભૂતના રામ રમી ગયા એ જોઈ ધૂળિયો ખુશ થયો.તભાભાભા હવે જગન કરે કે નો કરે ભૂતને મારી નાખવાનું પરાક્રમ એણે કરી બતાવ્યું હતું.

રઘલો હલતો નહોતો એટલે કાબરી એની પિંડીમાં પેસાડેલા દાંત બહાર કાઢીને ધૂળિયા સામે પૂંછડી પટપટાવી રહી હતી.

"જડકી ઝટ બાર્ય આવ્ય,જો મેં લખમણિયા ભૂતને ટાળી દીધો. મારો હાળો લોઈ પી જ્યો'તો આખા ગામનું." કહી ધૂળીયાએ ફરીવાર રઘલાને પાટું માર્યું.

જડી તરત જ ઘરમાંથી બહાર આવી.એ વખતે રઘલાને કળ વળી એટલે એના મોંમાંથી ઉંહકારો નિકળ્યો. એ જોઈ જડી દોડીને ઓસરીમાં ચડી ગઈ. ધૂળીઓ પણ ગભરાયો.પણ એના હાથમાં હજી ડેરો હતો. માણસના હાથમાં હથિયાર હોય ત્યારે કોઈ એને ડરાવે તો ડરનો માર્યો કોઈપણ માણસ એ હથિયાર ચલાવી દેતો હોય છે.ધૂળિયાએ પણ એવું જ કર્યું.કારણ કે એ જડબુદ્ધિ હતો,એને એટલી ભાન નહોતી કે ભૂત કદી મનુષ્ય દેહે ન હોય.એ ફળિયામાં પડેલા આદમીને ભૂત જ સમજતો હતો.આમેય લખમણિયા વિશે એણે જે કંઈ વાતો સાંભળી હતી એ મુજબ એણે લખમણિયાને આ રીતે જ ઓળખ્યો હતો.

ધૂળિયાએ ઉંહકારા કરતાં ભૂતની ખોપરી પર ડેરાનો ઘા કર્યો.પોચા સાહેબે બહુ વિચારીને ભૂતનો પહેરવેશ રચ્યો હતો.એ ખોપરી ભલે હાડકાંની દેખાતી હતી પણ અસલમાં એ લોખંડની હતી.ધૂળીઓ ખોપરી તૂટી નહિ એટલે બમણાં જોરે તૂટી પડયો.એ જ વખતે ડેલીની ખડકી કોઈએ બહારથી ખખડાવી હતી.

"મ્હેશ્યાની બા..આ...આ...ડેલી ખોલ્ય...!"

એ અવાજ જાદવનો હતો. તખુભાએ સભા બરખાસ્ત કરી એટલે એ ઘેર આવ્યો હતો. રઘલો હજી હલતો હતો,એના ડેબામાં પડેલા ડેરાએ એની કરોડરજ્જુ ભાંગી નાખી હતી.

"તેં જ લખમણિયાને મારી નાંખ્યો એમ કે'જે.મારું નામ નો દેતી,અને આ કૂતરીને ફરીન શેરો બેરો કરીન કવરાવજે અટલે ઈય કોયને કાંય નય કેય.." જાદવનો અવાજ સાંભળીને દર વખતની જેમ ઘુળિયો આ મુજબ કહીને ડેરો જડીને પકડાવીને વાડામાં ભાગ્યો.એ વખતે એને એ પણ ભાન રહી નહોતી કે કૂતરીને શીરો ન ખવડાવે તો પણ એ બનેલી બીના કોઈને કહી શકવાની નહોતી !

જડી બે ઘડી એમ જ ઉભી રહી.એ જ વખતે જાદવે ફરી બૂમ પાડી એટલે એણે દોડીને ડેલીની ખડકીની સાંકળ ખોલી નાંખી.

જાદવ અંદર આવ્યો એટલે જડીએ કહ્યું, "હારું થિયુ તમી ઝટ આવી જ્યા.જોવો આજ આપડા ઘરમાં ભૂતના પેટનો લખમણિયો
વાડામાંથી આયો'તો.કાબરી વાંહે ભંહતી ભંહતી ધોડી તે મેં આ ડેરો લયન ઈના ડેબામાં ઝીંકયો તે મારો રોયો લાંબો થય જ્યો સ.ઈનું ખોપરું જ ફાડી નાંખો આલ્યો આ ડેરો...!"

જાદવ ફાટી આંખે જડી અને ફળિયામાં પડેલા લખમણિયાના શરીર પર વારાફરતી તાકી રહ્યોં.
પોચા સાહેબે જે વાત કરી હતી એ મુજબ હબલો,ચંચિયો કે પછી રઘલો જ લખમણિયો હતા.હવે એને જોવાનું હતું કે ફળિયામાં પડેલો લખમણિયો કોણ છે અને શા માટે એના ઘેર આવ્યો હતો !

કાબરી કુતરી તો કશું બોલવાની નહોતી,પણ રઘલો હજી મરી ગયો નહોતો.જડી અને ધૂળિયાને એણે ઓરડામાંથી બહાર આવતા સગ્ગી આંખે જોઈ લીધા હતા. જો જાદવો થોડો મોડો આવ્યો હોત તો કદાચ ઘુળિયો રઘલાને મોતને ઘાટ ઉતારી દેત ખરો,પણ હવે એનું મોં બંધ કરવા ન જાણે એ શું ની શુંય માંગણીઓ કરશે એની ખબર જડી કે ધૂળિયાને ક્યાં હતી ?

(ક્રમશઃ)