મોજીસ્તાન - 78 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 78

મોજીસ્તાન (78)

તભાભાભા બાબાની વાત સાંભળીને એકદમ મુંજાઈ ગયા હતા.પોચા માસ્તરે માઇક પકડીને એકવાર એમની સામે જોયું.સભા પોચા માસ્તરને સાંભળવા એકકાન થઈ રહી હતી.

ભાભાએ ઉભા થઈને હુકમચંદને કહ્યું, " મારી તબિયત જરા બગડી હોય એમ લાગે છે.હું ઘેર જાઉં છું સભામાં જે નક્કી થાય એ મને જણાવી દેજો."

"સમસ્ત ગામવાસી ભાઈઓ,હું આજ એક વાત કહેવા આપ સૌ સમક્ષ ઉભો થયો છું. તભાભાભા મારી વાત સાંભળો,તમારા લીધે જ આજ આ સભા થઈ છે.તમે તમારો મહિમા સાંભળ્યા વગર ચાલ્યા જાવ એ કેમ ચાલે ! મારી વિનંતી છે કે સરપંચ હુકમચંદ અને તખુભાબાપુ તભાભાભાને બેસાડે." કહી પોચા સાહેબે સ્ટેજ પર બેઠેલા હુકમચંદ અને તખુભા સામે જોયું.

હુકમચંદે ઉભા થઈ તભાભાભાને પરાણે બેસાડી દીધા.તખુભાએ પણ કહ્યું, "એમ હાલતું થઈ નો જવાય, પોચા માસ્તર આજ પહેલીવાર બોલવા ઉભા થયા છે, બેહો હેઠા.."

તભાભાભાને હવે છૂટકો નહોતો.બાબો બોલાવવા આવે તો જ મેળ પડે,પણ બાબો તો પોબરા ગણી ગયો હતો.એનો આખો દાવ આજ ઊંધો પડવાનો હતો.

ભાભાએ મોઢું બગાડીને બગાસું ખાધું.પોચા માસ્તરને ખાઈ જતી નજરે તાકી રહેવા સિવાય એમનાથી અત્યારે કંઈ થઈ શકે એમ નહોતું.

ભાભા તરફ એક સ્મિત ફરકાવીને પોચા માસ્તરે બોલવાનું શરૂ કર્યું.

"હા, તો ભાઈઓ હું મારી વાત શરૂ કરતાં પહેલાં આપ સૌની માફી માંગી લઉં છું.કારણ કે મારે કારણે જ આ ગામને ઘણું સહન કરવું પડ્યું છે.આ વાત આમ તો આજે દબાઈ જવાની હતી પણ ના છૂટકે મારે જાહેર કરવી પડી રહી છે.''

સભામાં શાંતિ છવાઈ ગઈ.લોકો વિસ્મયપૂર્વક પોચા સાહેબને જોઈ રહ્યાં હતાં.હબો,ચંચો અને રઘો પોચા સાહેબની વાત સાંભળીને સભામાંથી સરકવા લાગ્યા હતા.

પોચા સાહેબે આગળ ચલાવતા કહ્યું, "આપ સૌ જે લખમણિયા ભૂતના પ્રકોપથી બચવા ભાભાના કહેવાથી યજ્ઞનું આયોજન કરવા ભેગા થયા છો એ કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જે ભૂતને ભાભાએ ભગાડ્યું હોવાની વાતો એ કરી રહ્યા છે એવું કંઈ છે જ નહિ. ભાભા તદ્દન જૂઠું બોલીને એમનો મહિમા વધારવા માંગે છે."
સભામાં ગણગણાટ ચાલુ થઈ ગયો.લોકો ભાભા તરફ જોવા લાગ્યા.ભાભાએ નજરો નીચી કરી લીધી હતી.વાતવાતમાં તાડુંકી ઉઠતાં તભાભાભા સાવ શાંત થઈને બેઠા હતા એની લોકોને નવાઈ લાગી રહી હતી.પોચા સાહેબે ભાભા પર એક નજર નાંખીને વાત આગળ વધારી....

"એ ભૂતને ઉભું કરનાર કોઈ બીજું નહિ પણ હું પોતે જ હતો.એ ભૂત હકીકતમાં ભૂત હતું જ નહિ, મેં ભૂતનો વેશ હબાને અને રઘલાને પહેરાવ્યો હતો.ગામનો રખડેલ ચદું ચારમીનાર પણ મારા આ કારસ્તાનમાં સામેલ હતો.મેં આ ભૂત ઊભું કરીને સૌ પ્રથમવાર ભાભાને ડરાવ્યા ત્યારે એમણે અઢીસો વરસ પહેલાં મરી ગયેલો કરસનનો વડવો લખમણિયો જ ભૂત થયો હોવાનો ગપગોળો હાંકયો હતો.ભાભા ભૂતની કોઈ વિધિ જાણતા જ નથી,એ પોતે મહાન પુરાણી હોવાની ડંફાસો ઠોકીને ગામને ઊંધા રવાડે ચડાવી રહ્યાં છે.ભણેલ ગણેલ આ લાભુ દાગતર એમના વખાણ કરતા થાકતો નથી,પણ હું તમને આજે જણાવી દઉં છું કે ભાભાને કોઈ જાતનું જ્ઞાન નથી.ડોકટરે હમણાં એમનું જે પ્રશસ્તિગાન કર્યું એમાંનો એક પણ શબ્દ સાચો નથી.બાબો કોઈ સત્યનારાયણ ભગવાનનો અવતાર ફવતાર નથી.મફતની તુમાકું અને માવા ખાનારો, રસ્તે ચાલ્યા જતા લોકોની સળી કરીને નાસી જનારો અને સાવ વંઠી ગયેલ છોકરો છે.
હા એક વાત ખરી કે એ ઘણો જ બુદ્ધિશાળી છે,પણ એની બુદ્ધિ એણે અવળા માર્ગે વાપરી. મને એણે રંગેહાથ પકડ્યો અને ભૂતનું રહસ્ય દબાવી રાખવાની શરતો મૂકીને મને સાવ ખંખેરી લીધો.."

સભામાં ટાકણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ હતી.પોચા સાહેબે કેવી રીતે બાબાએ એમને પકડ્યા,અને કેવી શરતો રાખી હતી અને આજે મુખ્ય પાટલાની બોલી બોલવા માટેનું દબાણ કર્યું એ બધું જ કહી નાંખ્યું. અને છેલ્લે ઉમેર્યું,

"ગામલોકો, મારો અપરાધ હું કબૂલ કરું છું.પણ મારા અપરાધની આડમાં ભાભા એમનું શાસ્ત્ર આડેધડ હાંકીને ગામને ઉલ્લુ બનાવી રહ્યાં હતાં એ મારાથી સહન થયું નહિ. આપ સૌ મને જે સજા કરશો એ મંજુર છે.મને મારવો હોય તો હું અહીં જ ઉભો છું.મારી સામે કેસ કરવો હોય તોય ભલે,ગામ જે સજા કરશે એ મને મંજુર છે.પણ ભાભાના અજગર ભરડામાં ગામ પીસાય એ મને મંજુર નથી.આ ભૂત પ્રકરણની તમામ જવાબદારી હું મારા માથે લઉં છું, ચંચો,હબો અને રઘલો સાવ નિર્દોષ છે.એ લોકોને હું પૈસા આપતો હતો એટલે એ લોકોએ મેં કહ્યું એમ કર્યું હતું.એટલે એ ગરીબને માફ કરીને એના ભાગની સજા પણ મને જ કરવા હું આપ સૌને વિનંતી કરું છું.'' આમ કહી પોચા માસ્તર સ્ટેજ પર જ પલાંઠી વાળીને બેસી ગયા.

ગામલોકો અને સ્ટેજ પર બેઠેલા ગામના આગેવાનો હજી પોચા સાહેબના વક્તવ્યની અસરમાંથી બહાર આવ્યા નહોતા.આખરે હુકમચંદ ઉભો થયો.પોચા સાહેબનો હાથ પકડીને એને ખુરશીમાં બેસાડ્યા.

હુકમચંદે માઇક આગળ આવીને બોલવાનું શરૂ કર્યું,

"ભાઈઓ પોચા સાહેબે જાહેરમાં પોતાનો ગુન્હો કબૂલ કર્યો છે.જે કંઈ સજા આપણે એમને કરીએ એ માન્ય છે.પણ હું આજે એક વાત કહીશ કે આવી હિંમત કોઈ કરી શકે નહિ. જે ખતરનાક કારસ્તાન એમણે કર્યું છે એને કારણે સૌથી વધુ નુકશાન તખુભાને થયું છે.એમને દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડયું.રઘલો કે હબલો જે કોઈ હોય એણે તખુભાને પાટું માર્યું હતું.સવજીની વાડીએ ભજિયાંના કાર્યક્રમમાં અમને બધાને લાફા મારીને એ લોકો નાસી ગયા હતા.મારા માણસોને પણ એ લોકોએ ભૂત બનીને માર માર્યો હતો...."

હુકમચંદની વાત સાંભળીને સભા માં બધા બોલવા લાગ્યા.

"અમને બાપ દીકરાને વાડીએ મારેલા...એ હબલાને જીવતો નહિ છોડું, રઘલો ઈની માનો હાંઢ, સાલો હરામી..." મીઠાલાલે ઉભા થઈને રાડ પાડી. એ સાથે જ સભામાં ગોકીરો વધી પડ્યો.જેને જેને લખમણિયાએ પરચો બતાવ્યો હતો એ બધા જ બોલવા મંડ્યા.એક બે જણાએ પગમાંથી જોડા કાઢીને પોચા માસ્તર પર ઘા કર્યા.સભાનો ગુસ્સો વધુ પડતો ફાટી પડે એ પહેલાં તખુભા ઉભા થઈને માઇક પાસે આવ્યા.

"ખબરદાર,જો કોઈએ કંઈ ચાળો કર્યો છે તો.તમારા બધા કરતા મને વધુ નુકસાન થયું છે છતાં મેં પગમાંથી જોડા કાઢ્યા નથી.બધા માપમાં રેજો.પોચા માસ્તરે ભૂત ઉભું કરીને આખા ગામની મેથી મારી છે એ જો એમણે કીધું ન હોત તો આપણને કોઈને ખબર પડવાની નો'તી.પોતાના મેલા લૂગડાં જાહેરમાં ધોવા ઈ કોઈ નાની માના ખેલ નથી.છત્રીની છાતી જોવે.તમારામાંથી કોઈ હરીશચંદરનો દીકરો નથી,પણ ગામની હાજરીમાં તમે કેવા કેવા કરતુત કર્યા છે ઈ કહેવાની છે કોયનામાં હિંમત ? અટલે પોચા માસ્તરનો ગુનો માફ કરી દેવાય એમ તો નથી,પણ થોડીક માપમાં સજા કરશું.પણ તમારા કોઈને કાંય હક નથી ઈ હમજી લેજો."

તખુભાએ પોચા માસ્તર સામે જોયું.એ બે હાથ જોડીને બેઠા હતાં. એ જોઈ તખુભાને દયા આવી ગઈ.

"આમાં હવે શું નિર્ણય લેવો ઈ પંચાયતમાં નક્કી થશે.આજ આપણે આ મિટિંગ પુરી થઈ ગયેલી જાહેર કરીએ છીએ.તભાભાભા અને પોચા માસ્તર બેયનો નિર્ણય હવે પાંચ ડાયા માણસો કહે એ મુજબ કરવામાં આવશે.પણ ઈ પહેલા કોઈએ પોચા માસ્તરને કે તભા ગોરને કંઈ કહેવું કરવું નહીં,જો કોઈ કાંઈ ચાળો કરશે તો મારા હાથનો માર ખાશે આ કહી રાખું છું. ચાલો હવે બધા સવસવના ઘરે જાવ.સભા આંયા પુરી થાય છે." કહું તખુભા બેસી ગયા.

લોકો પોચા માસ્તર અને તભાભાભા સામે ડોળા કાઢતાં કાઢતાં ઉઠવા લાગ્યા.એ બંને જણ આજ ગામના રોષનો ભોગ બની જાત, પણ તખુભાએ સમયસુચકતા વાપરીને બંનેને બચાવી લીધા હતા.

વજુશેઠ આ ફોડલો ફૂટવાથી ઘણા ખુશ હતા.હુકમચંદ કંઈક નફરતથી ભાભાને જોઈ રહ્યો હતો.રવજી સવજી પણ ગુસ્સે થયા હતા.અને ડોકટર લાભુ રામણીના અફસોસનો કોઈ પાર નહોતો.

ભાભાને બાબા પર ગુસ્સો તો આવ્યો જ હતો,પણ હવે એમને પોતાની ભૂલ પણ સમજાઈ હતી.માણસ જ્યારે ખોટા કામમાં સફળ થઈ રહ્યો હોય ત્યારે એને એ કામ પણ સાચું જ લાગતું હોય છે.પોતે જે કરે છે એમાં કશું જ ખોટું નહિ હોવાનું પોતાના અંતરાત્માને સમજાવતો હોય છે.પણ નિશ્ફળતાનું કલંક લાગી જાય પછી જ માણસની બુદ્ધિ કામ કરવા લાગતી હોય છે.જે રાંડ્યા પછીના ડહાપણ જેવું સિદ્ધ થતું હોય છે.ભાભાને ખબર જ હતી કે તેઓ જે કરી રહ્યાં છે એ સાવ ખોટું અને ગામની આંખમાં ધૂળ નાખવાનું જ કામ છે,પણ એ વખતે તેઓ પોતે મહાન હોવાનો વહેમ ધરાવતા હતા,અધૂરી વિદ્યાના અભિમાને એમની આંખો પર પાટા બાંધી દીધા હતા જેથી સાચું ખોટું જોવાની તેમની વૃત્તિ જ રહી નહોતી.પુત્રપ્રેમમાં ધૃતરાષ્ટ્ર બની ગયા હોવાથી બાબો શું કરી રહ્યો છે એના વિશે એમણે ક્યારેય ધ્યાન આપ્યું નહોતું.ગામના લોકો બાબાના તોફાન અંગે ફરિયાદ લઈને આવે ત્યારે બાબાને બે શબ્દો કહેવાને બદલે ઉલ્ટા ફરિયાદી પર શ્રાપ વરસાવવા લાગતા હતા. હબા સાથે હોય કે ગામના બીજા લોકો સાથે કે છોકરાઓ સાથે લડીને આવતા બાબાને હંમેશા સત્યનારાયણ ભગવાનનો અવતાર ગણાવીને ભાભાએ ખૂબ છાવર્યો હતો.જેનું અત્યંત વરવું પરિણામ આજ આવીને ઉભું રહ્યું હતું.

બાબાને કારણે આખા ગામની હાજરીમાં પોચા માસ્તરે ભાભાની આબરૂના લીરેલીરા કરીને એમને કશું જ આવડતું ન હોવાની જાહેરાત કરી હતી.હવે ભાભા ગામના ઊંચું મોં કરીને પણ ચાલી શકે એવી સ્થિતિમાં રહ્યા નહોતા.ગામે ભલે હજી કોઈ ન્યાય તોલ્યો નહોતો,પણ ભાભાને ખ્યાલ આવી જ ગયો હતો કે એમને હવે આ ગામ છોડવું જ પડવાનું છે. જે ગામના ઉદ્ધારક પોતે જ હોવાનું માનતા હતા એ ગામમાં હવે પુત્રના પરાક્રમને કારણે પગ મુકવા જેવું પણ રહ્યું નહોતું.

ભાભા એમનું નિરાશવદન અને નંખાઈ ગયેલું બદન લઈને હળવેથી ઉઠીને ઘર તરફ ચાલવા લાગ્યા.તખુભાની ધમકીને કારણે કોઈ કશું બોલ્યુ તો નહિ પણ ભાભા કોઈની સાથે નજર મિલાવવી ન પડે એટલે નીચું જોઈને ચાલતા હતા.લોકોની ભાલા જેવી નજરોથી પોતે રગેરગમાં વીંધાઈ રહ્યાં હોવાનું તેઓ અનુભવી રહ્યાં હતાં.એક એક ડગલું તેઓ કોઈ ઊંચા પહાડ પર ચડી રહ્યા હોય એટલો થાક લાગી રહ્યો હતો.

"છોકરા બાપનું માથું ઊંચું ન કરી શકે તો કંઈ નહીં પણ બાપને ભરી બજારે હેઠું જોઈને હાલવું પડે એવું કરે એવા તો નો જ હોવા જોઈએ..!" તભાભાભાની પીઠ પર પાછળ ચાલ્યા આવતા વજુશેઠે એ શબ્દોની લાકડીનો ઘા કર્યો.પણ ભાભા કોઈ જવાબ આપી શકે એવી સ્થિતિમાં નહોતા.



*

સભામાં જે રીતે ટેબ્લો પડ્યો એ જોઈ ટેમુ તરત જ બહાર નીકળ્યો હતો,બાબાને એણે ફોન લગાડ્યો પણ બાબાએ ફોન સ્વીચ ઓફ કર્યો હતો. ટેમુએ તરત જ બાબાના ઘર તરફ મારી મૂકી.

ટેમુ બાબાના ઘેર પહોંચ્યો ત્યારે બાબો થેલો લઈને ઘરની બહાર નીકળી રહ્યો હતો.એની પાછળ ગોરાણી બુમો પાડતા હતા કે, "અરે તું અત્યારે ક્યાં ઉપડ્યો દીકરા.તું ઉભો રે,તારા બાપુજીને તો આવવા દે.અત્યારે તને ટેશને મુકવા કોણ આવશે...?"

ટેમુને જોઈ બાબો ઉભો રહી ગયો.ગોરાણીએ ટેમુને જોયો એટલે તરત એ ટેમુને કહેવા લાગ્યા, "આમ જો તારો ભાઈબંધ અત્યારે ક્યાંક બહારગામ જાય છે.અને ક્યાં જાય છે એ પણ મને કહેતો નથી.તારી સાથે આવે છે ? તમે બેય ક્યાં અમદાવાદ જાવ છો ?"

ટેમુએ બાબા પાસે જઈને એના કાનમાં હળવેથી કહ્યું, "ક્યાંય જવાની જરૂર નથી. તેં એવો કોઈ મોટો ગુન્હો નથી કરી નાખ્યો કે તારે ગામ મૂકીને ભાગી જવું પડે.ચાલ બેગ ઘરમાં મૂકી દે અને મારા ઘેર આવી જા.તારો દોસ્ત ટેમુ બેઠો છે ત્યાં સુધી તારો વાળ પણ વાંકો થવા નહિ દવ.કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે તને હાથ પણ લગાડે.ચાલ મારી સાથે.."

ટેમુએ બાબાના હાથમાંથી બેગ આંચકી લઈને ગોરણીને આપતા કહ્યું, "લો મા, આ બેગ ઘરમાં મૂકી દયો.બાબો આજે મારા ઘેર રોકાવા આવવાનો છે.અમે બેય અમદાવાદ જવાના હતા પણ આજે મારે એક કામ આવી ગયું એટલે એ પહેલાં પતાવવું પડે એમ છે.તો બાબો હમણાં બે ચાર દિવસ મારા ઘેર રહેશે, કારણ કે ઘણું લખવાનું ભેગું થઈ ગયું છે. બાબો મને મદદ કરવાનો છે."

"તો સારું દીકરા, હું એને એ જ કહેતી હતી કે આમ એકાએક તું બહારગામ શેમાં જઈશ. અતારે તો બસય આવતી નથી." ગોરાણીએ બાબાની બેગ લઈને ઘરમાં જતાં કહ્યું.

બાબો હજુ કશું જ બોલ્યા વગર સુનમુન થઈને ઉભો હતો.ટેમુએ એનો હાથ ખેંચીને ચાલવા માંડ્યું.બાબો ચાવી દીધેલા પૂતળાની જેમ એની પાછળ ખેંચાયે જતો હતો.એના ચહેરા પરથી નૂર ઉડી ગયું હતું !

પોચા માસ્તર ધાર્યા હતા એટલા પોચા નહોતા નીકળ્યા !

(ક્રમશઃ)