નેહડો ( The heart of Gir ) - 24 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 24

અચાનક સામતે કાણીયા પર હુમલો કરી દીધો. તાકાતથી ભરેલા અને યુવાનીનાં નશામાં મદહોશ સામત કાણીયા પર ઘણના ઘા જેમ પ્રહાર કરવા લાગ્યો. આવા હુમલાનાં અનુભવી કાણીયાએ પણ સામે પ્રહારો કર્યા. અને સામતનાં ડેબે એવું તો બટકું ભર્યું કે દર્દથી સામત ત્રાડો નાખવા લાગ્યો. સામતે જેમ તેમ કરી પોતાને છોડાવી કાણીયાનાં નાક પર જોરદાર પંજાનો પ્રહાર કર્યો. કાણિયાનું નાક તોડી નાખ્યું. તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. નાજુક અંગ ઉપર પ્રહાર થવાથી કાણીયો ઘડીક તો તમ્મર ખાઈ ગયો. માંદગીમાંથી ઉભા થયેલા કાણીયામાં પહેલા જેવી તાકાત તો રહી ન હતી. ને તેમાં ઉંમર પણ હવે સાથ દેતી ન હતી. બંનેના યુદ્ધથી ગીર ગાજી ઉઠ્યું. ઝગડતા ઝગડતા બંને પાણીમાં પડ્યા. બંને આખા પલળી ગયા. કાણીયાનાં ગ્રુપની સિંહણો પણ સામતને પાછળથી પંજા મારી ભગાડવા હુમલો કરવા લાગી. પરંતુ આજે સામત પૂરી તાકાત સાથે કરો યા મરો ના પ્રયત્નોથી તૂટી પડયો હતો. તે આ સિંહણોને પણ ડારતો જતો હતો. બંને સાવજ લોહીલુહાણ થઈ ગયા. વધારે ઘાયલ થવાય તો જંગલમાં બચી શકાતું નથી. અને કાણીયો આજે જાણી ગયો હતો કે મેદાન છોડવામાં જ શાણપણ છે. આજે દિલમાં જવાની અને મગજમાં મદહોશી ભરેલા યુવાન સામત સામે ટકવું મુશ્કેલ હતું. કાણીયાને નીચે પટકીને સામત હજી તેને ચૂંથી રહ્યો હતો. જીવ બચાવવા કાણીયાએ સામતને આંખ નીચે એક જોરદાર પંજો મારી દીધો. સામતે પીડાને લીધે તેને છોડી દીધો. કાણીયો તક મળતા ઉભો થઇ ગયો.
હવે બંને સિંહ ઘાયલ હતા. સિંહણો એક બાજુ ઉભી ઉભી સામતને ડારી રહી હતી. કાણીયોને સામત હજી હાફતા હાફતા ઘુરકિ રહ્યા હતા. બંને ગોળ ગોળ ફરી બીજા હુમલાનો લાગ ગોતી રહ્યા હતા. અચાનક કાણીયો મેદાન છોડી ભાગ્યો. હિરણ નદીને ઊભે કાંઠે દોડ્યો. પાછળ થોડું અંતર રાખી સામત પણ તેને દૂર ભગાવવા દોડી રહ્યો હતો. બીજો હુમલો તો સામત પણ કરી શકે એટલી શક્તિ તેનામાં રહી ન હતી. પરંતુ પોતાને જીત મળતા વિજેતા સાવજ હારેલા સાવજને ગ્રુપમાંથી અને વિસ્તારમાંથી બહાર ખદેડી દે છે. કાણીયાને દૂર સુધી ખદેડીને વિજય તિલક કરાવવા આવતા રાજાની અદાથી સામત ધીમે ધીમે હૂકતો, જ્યાં સિંહણનું ગ્રુપ હતું ત્યાં પાછો આવી ગયો. હારેલા રાજાની સિંહણ્યું પણ જીતેલા રાજાને તરત સ્વીકારી લેતી નથી. પાછા ફરેલા સામત સામે તે ઘૂરકવા લાગી ને તેનાંથી દૂર ભાગવા લાગી. બચ્ચાવાળી સિંહણ્યુ તો એના બચ્ચા લઈ ઊંડી ઝાડીમાં સંતાઈ ગયું. સામત પાસે ધીરજ ધરવા સિવાય કોઈ રસ્તો ન હતો. તે હિરણ નદીને કાંઠે ધૂણી ધખાવી બેઠો. ગ્રુપની જુનિયર સિંહણ કે જેનો દરજ્જો નીચો હતો. જેણે હમણાં જ યુવાનીમાં પગ મુક્યો હતો, તેણે મોડેમોડે સામતમાં રસ દેખાડ્યો. તે સામતની નજીક આવી આળોટવા લાગી. સામતે ઊભા થઈ તેની નજીક જવાની હિંમત કરી. યુવાન સિંહણ નદીની રેતમાં આળોટવા લાગી. સામતે તેને સૂંઘવાની ચેષ્ટા કરી એટલે યુવા સિંહણે પંજો મારીને તેને વધારે ઉત્તેજિત કર્યો. સામતે આળસ મરડી પોતાનો ડેબો સીધો કર્યો. રેતીમાં પાછલાં પગ ઘસ્યાં અને પ્રાણી સહજ મૂત્ર છોડી પોતાની ગંધ છોડી. સિંહણ ઊભી થઈ આગળ દોડી ગ્રુપની સિનિયર સિંહણોની નજરથી તેને દૂર મેદાનમાં લઇ ગઈ. ત્યાં મેદાનમાં જઈ સિંહણે પણ પેશાબ કરી તેની ઈચ્છા મજબૂત કરી. હવે સામતને યુદ્ધમાં લાગેલા ઘાવનું દર્દ પણ વિસરાઈ ગયું. તે ઘડીક બેસી ગયો. યુવાન સિંહણે સામત સાથે પોતાનું ઢીંઢુ ઘસી સામતને આમંત્રણ આપ્યું. સામત યુદ્ધનું ઈનામ મેળવવા ઉભો થયો, શરણે આવી પોતાની જાત ધરી દીધેલ યુવાન સિંહણ અને સામત એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા. સતત બે દિવસ સુધી આ જોડીએ સહવાસ માણી. ગીરમાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા અને પોતાનો વંશવેલો આગળ વધારવા યોગદાન આપ્યું.
જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ ગ્રુપની બીજી સિંહણ્યું પણ સામતની નજીક આવવા લાગી. સામતે પણ કોઈને પ્રેમથી તો કોઈને દબડાવી ધમકાવી અને હુમલો કરીને પણ બધી સિંહણ્યુંને વશ કરી લીધી. જંગલના ક્રૂર કાયદા પ્રમાણે પ્રેમની આ નેતાગીરી બદલવાની લડાઈમાં પાંચ-છ નાના સિંહ બાળને પોતાના જીવની આહુતિ આપવી પડી હતી. કાણીયાની બધી નિશાની સામતે મિટાવી દીધી. બચ્ચાનું મૃત્યુ થઈ જવાથી તેની માએ પણ સામતની શરણાગતિ સ્વીકારી લીધી.
જુના ઘા ભૂલી આખું ગ્રુપ એકમેકમાં સમાઈ ગયું.કુદરતનો આ નિયમ છે. સિંહણ્યું શિકાર કરવાના કામમાં લાગી ગઈ. સામતને તેનો લાભ મળવા લાગ્યો. તૈયાર શિકાર મળવા લાગ્યો. ભરપૂર શિકાર ખાઈને સામત વધુ બળવાન બની ગયો. હવે તેનું કામ તેના વિસ્તારમાં ગસ્ત લગાવવી અને બીજો કોઈ ઘૂસણખોર ઘૂસી ન જાય તેનું ધ્યાન રાખવાનું હતું. સામત જ્યારે નવરો હોય ત્યારે તેના વિસ્તારમાં ફરીને પ્રાણી સહજ મૂત્રનો સ્પ્રે કરી ઝાડનાં થડ પર પોતાની ગંધની છાપ લગાવતો જતો હતો. ક્યાંક કોઈક ઝાડનાં થડ સાથે પોતાના પંજા ઘસીને થડમાં પોતાનાં નીશાન બનાવતો હતો.તો કોઈ જગ્યાએ ઝાડનાં થડ સાથે પોતાનું શરીર ઘસીને પોતાની ગંધથી પોતાનો વિસ્તાર મજબૂત કરતો જતો હતો.
નર સિંહ જ્યારે કોઈ વિસ્તાર પર પોતાનો કબજો કરે છે. પછી તેને સાચવી રાખવા આવી મહેનત કરવી પડે છે. સાવજ ખુબ આરામ પ્રિય પ્રાણી છે અને વધારાનો સમય એ પોતાના વિસ્તારમાં ફરીને પોતાના સિક્કા લગાવે રાખે છે. ક્યારેક તે હુંકતો હોય છે. તેના હૂકવાનો (ગર્જના) અવાજ ખૂબ દૂર સુધી જાય છે. આ સાંભળી ઘૂસણખોર અને એકલા અટુલા રખડતા સાવજો આ ગ્રુપમાં ઘૂસવાની હિંમત કરી શકતા નથી.
મોટા ભાગે ચાર પાંચ કે તેનાથી પણ ઓછાં વર્ષમાં નર સાવજનાં શાસનનો અંત આવે છે.પરંતુ સામત ખૂબ તાકાતવાન અને તંદુરસ્ત હતો.સાથે સાથે ચપળ અને ચતુર પણ હતો.તેથી છેલ્લાં પાચેક વર્ષથી આ વિસ્તાર પર સામતનું શાસન જળવાઈ રહ્યું છે.તેનાથી પ્રથમવાર થયેલાં સિંહબાળ પુખ્ત થવા લાગ્યા છે. સિંહબાળમાંથી યુવાનીમાં પગ મૂકી ચૂકેલા નર બચ્ચાને તો સામતે ક્યારનાય ગ્રુપમાંથી ખદેડી દીધા છે. ચોમાસાની ઋતુમાં જૂનથી લઈ ઓક્ટોબર મહિના સુધી સિંહોનું સંવનન પૂરજોશમાં ચાલુ હોય છે. આ કારણે આ સમયમાં ગીરનાં જંગલમાં પ્રવેશ નિષેધ હોય છે. છેલ્લા અઠવાડિયાથી સામત અને રાજમતી સાથે સાથે જ જોવા મળતા હતા તેનું કારણ પણ આ ઋતુ જ હતી.
છેલ્લે એદણ્યનાં શિકાર પછી બંને નજરે ચડયા નથી. બંનેને જીપીએસ કોલર પણ પહેરાવેલા નહોતા. જો જીપીએસ કોલર પહેરાવેલા હોત તેને ટ્રેક કરીને તે ક્યાં છે તેના વાવડ મળી શક્યા હોત. સાવજોનું ગુમ થવું કંઈ નવી વાત નથી. ઘણી વખત એવું બને, કે મેટીંગ સિઝનમાં એકાંત માટે થઈ સાવજ અને સિંહણ ખૂબ ઊંડા અને ગાઢ જંગલમાં જતા રહે. જે ઘણા દિવસો સુધી દેખા દેતા નથી. પરંતુ જ્યાં એદણ્યનો શિકાર થયો તેની નજીક જ બે-ચાર કાગડા અને એક શિયાળ મરેલું મળી આવ્યું હતું. જેનાથી આખું વન તંત્ર એલર્ટ થઈ ગયું છે.અને સામત અને રાજમતીને ગોતવા દિવસ-રાત એક કરી રહ્યું છે.
ક્રમશઃ...
(કાગડા અને શિયાળનાં મોતનું કારણ શું હશે જાણવા વાંચતા રહો "નેહડો(The heart of Gir)"
લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621