Jivan Sathi - 35 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 35

આન્યાની નજર સમક્ષ પોતાની સાથે પાર્ટીમાં જે બન્યું હતું તે તાદ્રશ્ય થઈ ગયું પરંતુ મોમને આ બધું કઈરીતે કહેવું તે વિચાર માત્રથી તેનાં હોઠ બીડાઈ ગયા કારણ કે, મોમને આ વાત કર્યા પછી ઘરમાં કેવું વાતાવરણ સર્જાશે..? અને પછી તો ક્યારેય આ રીતે ઘરમાંથી નીકળી નહીં શકાય.. તે વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠી અને તેના હોઠ સીવાયેલા જ રહ્યા તે માત્ર એટલું જ બોલી શકી કે, " બસ વહેલી પાર્ટી પુરી થઈ ગઈ મોમ " અને તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. આજે તેને ઊંઘ પણ આવવાની ન હતી અને તે મનોમન વિચારી રહી હતી કે, " ક્યારે કોલેજ જવું અને ક્યારે સ્મિત ઉપર આ બધીજ ભડાસ કાઢું ? અને તે સમસમી રહી...

આન્યાએ ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ તેને ઊંઘ આવી જ નહીં અને તેનું મન વિચારોના ચકરાવે ચડી ગયું હતું તે વિચારી રહી હતી કે, સ્મિતને મેં આવો નહતો ધાર્યો, આટલું હાયર એજ્યુકેશન લઈ રહ્યા બાદ, અરે મેડિકલ લાઈનમાં ગયા પછી આવી હરકતો જે અનએજ્યુકેટેડ માણસો કરે તેવી કરતાં સ્મિતને જરાપણ શરમ નહીં આવતી હોય..!! હું તેને કદી માફ નહીં કરી શકું અને કદાચ કદીપણ તેની સાથે સંબંધ પણ નહીં રાખું. આના કરતાં તો પેલા અજાણ્યા દિપેનભાઈ સારા જે મને ઓળખતા પણ નહોતા તો પણ મને પોતાની સગી બહેનની જેમ તેમની પાસે સાચવીને રાખી અને મારા મમ્મી પપ્પા મળી જાય તે માટે અથાગ પ્રયત્નો પણ કર્યા અને મારા મમ્મી પપ્પા મળી જતાં તુરંત જ તેમણે મને મારા મમ્મી પપ્પાને પ્રેમથી સુપ્રત કરી. અને આ સ્મિત જે મારી સાથે ભણેલો છે મને નાનપણથી ઓળખે છે તેણે મારી સાથે આવું કર્યું..!! તે સમજે છે શું તે તેનાં મનમાં. આવવા દે કાલે તેને કૉલેજમાં એટલે તેની વાત છે....
બસ, આવા બધા વિચારોમાં અને વિચારોમાં ક્યારે થોડીકવાર માટે આન્યાની આંખ મળી ગઈ તેની તેને ખબર જ ન પડી અને સવાર પડતાં જ મોમ તેનાં રૂમમાં આવી અને પ્રેમથી તેને જગાડવા લાગી.
મોનિકા બેન: અનુ, ઉઠ બેટા તારે કોલેજ જવાનું મોડું થઈ જશે.

મોમ તો બૂમો પાડી રહી હતી પરંતુ આન્યાને તો એમ જ લાગ્યું કે હજુ હમણાં તો રાત પડી છે એટલી વારમાં સવાર ક્યાંથી થઈ જાય.‌ અને તે બોલી પણ ખરી કે, " હજી હમણાં તો હું સૂઈ ગઈ છું મોમ એટલી વારમાં સવાર ક્યાંથી થઈ ગઈ ? "

મોનિકા બેન: અરે, તું રાત્રે પાર્ટીમાંથી આવી ત્યારની સુતી છે બેટા હવે ઉઠ તારે કોલેજ જવાનું છે અને આન્યા આળસ મરડતાં મરડતાં ઉભી થઈ અને વોશરૂમમાં ગઈ. કોલેજ જવા માટે રેડી થઈને બહાર આવી તો ડેડી ડાઈનીંગ ટેબલ ઉપર ચા નાસ્તો કરી રહ્યા હતા અને તેની રાહ જ જોઈ રહ્યા હતા. તેણે પણ ફટાફટ ડેડની બાજુમાં બેસીને પોતાની ફેવરિટ હોટ કોફી પીધી અને પછી ડેડ સાથે કોલેજ જવા માટે નીકળી.

આજે તેનું દિલ ભણવામાં પણ લાગતું ન હતું બસ તે રાહ જોઈ રહી હતી કે સ્મિત ક્યારે ફ્રી પડે અને તે સ્મિતનો ઉધડો લે.

સ્મિત ખૂબજ લેઈટ નાઈટ ઘરે ગયો હતો તેને પણ તેનાં ઘરે જતાં વેંત તેનાં ડેડીએ બરાબર ખખડાવ્યો હતો અને ફરીથી તે આવું કંઈપણ કરશે તો તેને ઘરમાં પેશવા દેવામાં નહીં આવે તેવી તેને ધમકી પણ આપી હતી.

સવારે તે થોડો મોડો જ ઉઠ્યો અને ઉઠ્યા પછી પણ તેને ચક્કર જ આવતાં હતાં તેથી તેની મોમે તેને આજનો દિવસ કોલેજ ન જવા અને આરામ કરવા જ કહ્યું પહેલા તો તેણે "ઓકે મોમ" કહીને બેડ ઉપર લંબી જ તાણી દીધી પણ પછીથી એકદમ તેને આન્યા યાદ આવી ગઈ એટલે એક જ ઝાટકે તે બેડમાંથી ઉભો થઇ ગયો અને મનમાં ને મનમાં બોલી પડ્યો કે, " ઑ માય ગોડ આજે તો કોલેજ જવું જ પડશે અને આન્યાને મળવું જ પડશે, કાલે જે બન્યું તે પછી ખબર નહીં તેણે મારા વિશે શું વિચાર્યું હશે અને તે મારી સાથે વાત પણ કરશે કે નહીં..?? " અને તે ફટાફટ તૈયાર થઇ ગયો અને કોલેજ જવા માટે નીકળી ગયો. આજે લેક્ચર પણ એવા હતા અને પ્રેક્ટિકલના પણ પીરીયડ હતા તેથી છૂટતી વખતે જ આન્યાને મળાશે તેમ તે રસ્તામાં જતાં જતાં વિચારી રહ્યો હતો.

દરરોજની જેમ આજે પણ સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કારને ટેકો દઈને ઉભો હતો પરંતુ આજે તે થોડો ડિસ્ટર્બ હતો તેને ખબર હતી કે આજે મારું આવી જ બનવાનું છે છતાં બેસબરીથી આન્યાની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તેને મળું અને "સોરી" કહી દઉં.

આન્યાને દૂરથી આવતાં જોઈને સ્મિત, આન્યાના ચહેરા ઉપરના ભાવ પારખવાની કોશિશ કરી રહ્યો હતો. આન્યા તેની નજીક આવી પણ તે આન્યાની આંખમાં આંખ ન મીલાવી શક્યો પોતે જે કર્યું હતું તેને માટે તે શરમિંદા હતો પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું તે થઈ ગયું તેનું કોઈ ઓપ્શન નથી તેવું તે વિચારી રહ્યો હતો આન્યા નજીક આવી એટલે.... વધુ હવે પછીના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
23/2/22


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED