પ્રાયશ્ચિત - 87 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રાયશ્ચિત - 87

પ્રાયશ્ચિત પ્રકરણ 87

રાત્રે ૧૦ વાગ્યે ઉપરની બર્થ નીચે કરીને સૌએ હવે આરામ કરવાનું નક્કી કર્યું. વહેલી સવારે ત્રણ સવા ત્રણે ટ્રેન મથુરા પહોંચી જતી હતી. સૌએ પોતપોતાના મોબાઇલમાં ત્રણ વાગ્યાનું એલાર્મ ગોઠવી દીધું.

કેતન જો કે એલાર્મ વાગે તે પહેલાં જ અઢી વાગે ઉભો થઇ ગયો હતો અને બ્રશ વગેરે કરી લીધું હતું. દાઢી કરવાની મનાઈ હતી. ફ્રેશ થઈને એ પાછો પોતાની બર્થ ઉપર આવી ગયો. ત્રણ વાગે મહેતા પરિવાર પણ જાગી ગયો હતો. વચ્ચેનું બર્થ નીચે પાડી દઈને બધા ફરી પાછા લોઅર બર્થ પર બેસી ગયા. સવા ત્રણ વાગે મથુરા સ્ટેશન આવી ગયું.

મથુરા પ્લેટફોર્મ ઉપર ઉતરીને કેતન થોડીવાર ઊભો રહ્યો. એ પહેલીવાર મથુરા આવી રહ્યો હતો. એક પણ પૈસો એણે પોતાના માટે વાપરવાનો નહોતો. હવે ક્યાં જઈને ન્હાવા ધોવાનું કરવું એ જ એને સમજાતું ન હતું.

મથુરામાં ધર્મશાળાઓ તો ઘણી હતી પરંતુ કેતન અબજોપતિ નો દીકરો હતો. હંમેશાં ફાઈવ અને સેવન સ્ટાર હોટલોમાં ઉતરતો હતો. ધર્મશાળામાં એણે કદી પગ પણ નહોતો મૂક્યો.

અને ધર્મશાળામાં સાવ મફત થોડું રહેવાતું હશે ? માની લો કે કોઈ ધર્મશાળામાં પોતે પહોંચી પણ ગયો પણ રિસેપ્શન કાઉન્ટર ઉપર ૫૦ કે
૧૦૦ રૂપિયા પણ એ લોકો માગે તો શું જવાબ આપવો ? આવા બધા મનોમંથનમાં કેતન ઉભો હતો.

" અરે કેતનભાઇ.. તમે ઉભા કેમ છો ? તમે તો અમારા કુટુંબીજન જેવા છો. તમે અમારા માટે આટલું બધું કર્યું તો હવે આ યાત્રામાં તમારે અમારી સાથે જ રહેવું પડશે. તમને ધર્મશાળામાં ન ફાવે તો આપણે બધા હોટલમાં ઉતરશું. અમને એટલી તો સરભરા કરવા દો." મહેતા અંકલ બોલ્યા.

" નવું શહેર છે. એકથી બે ભલા. સાથે હશું તો બધા રસ્તા નીકળશે. અને હવે તમારે મથુરામાં કે વૃંદાવનમાં અમારા મહેમાન તરીકે જ રહેવાનું છે. તમે તો અમારી જિંદગી જ બદલી નાખી છે કેતનભાઇ. ભાવના કહે છે એમ તમે તો અમારા માટે દેવદૂત છો. " મહેતા અંકલે પોતાની લાગણી વ્યક્ત કરી.

" વડીલ તમે મને શરમાવો નહીં. મેં તો મારી ફરજ બજાવી છે. હું કોઈની પણ તકલીફ જોઈ શકતો નથી. આપણે પટેલ ગુજરાતી સમાજમાં જ જઈએ. ફાઈવ સ્ટાર હોટલમાં તો અવારનવાર ઊતરું છું આ વખતે આ અનુભવ પણ લઈ લઉં." કેતન બોલ્યો.

કેતન ને એમ જ લાગ્યું કે શશીકાંત મહેતા સાથે ટ્રેઈન ના એક જ ડબ્બામાં પોતાની ગોઠવણ કરનાર પણ ચેતન સ્વામી જ હતા !! જાણે કે બધું પૂર્વ નિયોજીત હતું. ઈશ્વરની લીલા ગજબ છે. એક ક્ષણમાં મારી ચિંતા દૂર કરી દીધી.

હવે સાદાં વસ્ત્રો તો ચોક્કસ ધારણ કરીશ પરંતુ આ બધાની હાજરીમાં હવે ભગવા વસ્ત્રો ધારણ કરવા મુશ્કેલ લાગે છે ચાલો જેવી ગુરુદેવની મરજી !

કેતકી પપ્પાનો અને કેતનનો બધો વાર્તાલાપ સાંભળી રહી હતી. આટલા મોટા માણસનું મેં કેવું અપમાન કરી નાખ્યું !! અને છતાં એણે ચૂપચાપ સાંભળી લીધું અને ઉપરથી આટલી મોટી અમારી હેલ્પ પણ કરી ! કઈ રીતે હું એની માફી માગુ ?

એ લોકો સ્ટેશનની બહાર નીકળ્યા અને રીક્ષાવાળા સાથે પટેલ ગુજરાતી સમાજની પૂછપરછ કરતા હતા ત્યાં જ બાજુમાં ઉભેલો એક યુવાન બોલ્યો.

તમારે પટેલ ગુજરાતી સમાજમાં જવું છે ને ? તો એના કરતા એક કામ કરો. ફુલ કટોરી સ્કૂલની સામે એન.આર.બી ભવન જતા રહો. ગોવર્ધન રોડ ઉપર છે. તમને ખરેખર મજા આવશે. કાઠીયાવાડી પટેલની આ સરસ મજાની ધર્મશાળા છે હું પણ ત્યાં જ ઊતર્યો છું.

" ખૂબ ખૂબ આભાર મિત્ર." કેતન બોલ્યો.

અને બે રીક્ષાઓ કરીને એ લોકો ગોવર્ધન રોડ ઉપર એન.આર.બી ભવન પહોંચી ગયા.

હજુ તો વહેલી સવારના ૪ વાગ્યા હતા. ૨ રૂમ બુક કરાવી દીધા. શશીકાંતભાઈ અને કેતન એક રૂમમાં અને બાકીનો પરિવાર બીજા રૂમમાં ગોઠવાઈ ગયા.

" આપણે હવે થોડો આરામ કરી લઈએ. ટ્રેનમાં તો સરખું સૂવા મળ્યું નથી. ત્રણ કલાકની ઉંઘ ખેંચી લેવાય તો જરા સ્ફૂર્તિ પણ આવી જશે. " મહેતા અંકલ બોલ્યા.

" જી અંકલ. તમારી વાત સાચી છે. હું પણ હવે આરામ જ કરું છું. " કેતન બોલ્યો.

૧૦ મિનિટમાં તો મહેતા સાહેબનાં નસકોરાં પણ બોલવા માંડ્યાં પરંતુ કેતન ઊંડા વિચારોમાં હતો.

સ્વામીજીએ પરોક્ષ રીતે એના ખાવા પીવાનો ભાર ઉપાડી લીધો હતો. કલ્પના પણ ન આવે એવી રીતે ઘટનાઓ બની રહી હતી. સાથે સાથે કોઈના દુઃખમાં ભાગીદાર બનવામાં સ્વામીજીએ એને નિમિત્ત બનાવ્યો હતો એ વાતનો એને આનંદ હતો.

ડબલ બેડમાં એ આડો પડ્યો પરંતુ સૂવાના બદલે ભગવાન શ્રીકૃષ્ણના જપ કરવા લાગ્યો. બીજા મંત્રો તો એને આવડતા ન હતા એટલે 'શ્રીકૃષ્ણ શરણમ મમ' નું માનસિક રટણ એણે ચાલુ કર્યું.

એણે ગુગલમાં વાંચ્યું હતું કે હજારો મંદિરો ગોકુળ મથુરા વૃંદાવન માં છે પરંતુ
કેતનને આ બધા મંદિરોમાં કોઈ રસ ન હતો. માત્ર બાકેબિહારી નું મંદિર શ્રીકૃષ્ણની જન્મભૂમિ નું મંદિર અને પ્રેમ મંદિર ખાસ જોવું હતું. વિશ્રામઘાટ ની આરતી જોવી હતી તો ગોવર્ધન પર્વત ની પરિક્રમા પણ કરવી હતી. વૃંદાવન જઈને નિધીવન ખાસ જોવું હતું.

શ્રીકૃષ્ણની ચેતના તો સર્વવ્યાપી છે. કોઈપણ એક મંદિરમાં ભાવથી દર્શન કરો એટલે સર્વ વ્યાપી ચેતનામાં બધે જ એ પ્રાર્થના પહોંચી જતી હોય છે એવું એ માનતો હતો. ભાવના અને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ફળે જ છે.

એકાદ કલાક આરામ કરીને એ ઊભો થઈ ગયો. બાથરૂમમાં જઈને એણે નાહી લીધું અને કુર્તો પાયજામો પહેરી લીધો. આ વસ્ત્રો એને હળવાં ફૂલ લાગ્યાં. નવાં વસ્ત્રો પહેરીને એ ફરી પદ્માસન લગાવી ધ્યાનમાં બેસી ગયો. મનોમન ચેતન સ્વામીનો ખૂબ આભાર માન્યો અને હવે પછીનું પથદર્શન કરાવવાની વિનંતી કરી. એ પછી એ સોફામાં જઈને બેઠો.

લગભગ સાત વાગ્યે દરવાજો ખટખટાવી ને કેતકી એના રૂમમાં આવી. પપ્પા તો હજુ ઘસઘસાટ ઊંઘતા હતા અને કેતન આરામથી બાજુના સોફામાં બેઠો હતો.

" મને માફ નહિ કરો ? તમને ઓળખ્યા વિના હું ખોટો ગુસ્સો કરી ગઈ. તમારું આટલું અપમાન પણ મેં કર્યું છતાં તમે અમારા માટે આટલું બધું કર્યું ! કયા શબ્દોમાં તમારી માફી માગું એ મને સમજાતું નથી ! " કેતકી પલંગના કિનારે બેસીને ધીમે રહીને બોલી.

" ભૂલી જવાનું. હું કંઈ પણ મનમાં રાખતો નથી. તમને પુરુષોના કડવા અનુભવો થયેલા છે એ હું સમજી શકું છું પણ તમે રીએકશન બહુ જલદી આપ્યું. જો કે હુ આ બધા માન અપમાનથી પર થઈ ગયો છું. કોઈ મને ગાળ દે તો પણ મને કોઈ અસર થતી નથી. હું તો એમ જ માનું કે મારું કોઈ પાપ કર્મ હશે તો જ મારે ગાળ સાંભળવી પડી. " કેતને જાણે કે ગીતા પચાવી હોય એવી રીતે વાત કરતો હતો.

" આટલી યુવાન ઉંમરે કેટલા ઉચ્ચ વિચારો છે તમારા ? કાશ બધા યુવાનોના વિચારો તમારા જેવા હોત !!" કેતકી બોલી.

" એ પણ ઈશ્વરની કૃપા જ છે કેતકી. અમેરિકાથી જ આધ્યાત્મિક રંગ લાગી ગયો છે. " કેતન બોલ્યો અને ત્યાં જ અવાજ સાંભળીને શશીકાંતભાઈ ની આંખ ખૂલી ગઈ.

" અરે... તમે તો નાહી ધોઈને બેસી ગયા !! " શશીકાંતભાઈ બોલ્યા.

" હું તો સૂતો જ નથી વડીલ. "

" પપ્પા ખૂબ જ ઉમદા વિચારો છે એમના. મારા ગઇકાલના વર્તન બદલ મેં માફી પણ માગી લીધી એમની. " કેતકી બોલી.

" માફી માગવી જ જોઈએ બેટા. આવા દેવ જેવા માણસ ઉપર તેં આટલો બધો ગુસ્સો કરી નાખ્યો !! તમારા લોકોની આ જ તકલીફ હોય છે. માણસને ઓળખતાં શીખો. કેટલી લાગણીથી એમણે મને પૂછેલું કે કેતકી કેમ આટલા ટેન્શનમાં છે ? " મહેતા અંકલ બોલ્યા.

" હા પપ્પા. મને પણ ખૂબ જ પસ્તાવો થાય છે. તમે હવે જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ. નીચે ચા પીવા જઇએ. " કેતકી બોલી.

" બસ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાઉં છું. ચા પાણી પીને પછી જ હું ન્હાવા જઈશ " મહેતા અંકલ બોલ્યા.

કેતનને આજે બધાંની સાથે ચા પણ મળી ગઈ. નવ વાગ્યા સુધીમાં બધાં ન્હાઈ ધોઈ તૈયાર થઈ ગયાં.

સૌથી પહેલાં દ્વારકાધીશ મંદિરનાં સુંદર દર્શન કરી લીધાં. કેતને સાચા હૃદયથી પ્રાર્થના કરી. ત્યાંથી એ લોકો જેલમાં જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો એ જેલ સંકુલ પાસે બનેલા શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની અંદર ફરીને દર્શન કર્યાં.

બપોરે જમવાનું પણ એન.આર.બી ભવનમાં અતિ ઉત્તમ હતું. લંચ ડિનર બ્રેકફાસ્ટ તમામ સગવડ આ વિશાળ ધર્મશાળામાં હતી. કેતનને ટ્રેનમાંથી જ એવા યજમાન મળી ગયા હતા કે જમવાનો અને ચા પાણીનો પ્રશ્ન ઊકલી ગયો હતો. એ લોકો કેતનને એક પણ પૈસો ખર્ચવા દેતા ન હતા.

કેતનને મંદિરો જોવામાં ખાસ રસ ન હતો એટલે બપોરે એણે આરામ કરવાનું જ પસંદ કર્યું. જ્યારે શશીકાંતભાઈ વગેરે મથુરામાં બે-ત્રણ કલાક ચક્કર મારી આવ્યા. સાંજે કેતન વિશ્રામઘાટ ની આરતી જોવા માટે ખાસ જોડાયો. અહીંની આરતી ખરેખર ભવ્ય હોય છે. કેતને દિલથી આરતીનો આનંદ માણ્યો.

બીજા દિવસે સવારનો પ્રોગ્રામ વૃંદાવનનો બનાવ્યો હતો. બે સ્પેશિયલ રીક્ષાઓ કરીને સવારે જ કેતન એ લોકોની સાથે નીકળી ગયો. અડધા કલાકમાં તો એ લોકો પહોંચી પણ ગયા.

પ્રેમમંદિર શ્રી કૃષ્ણની લીલાનું રસદર્શન કરાવતું મંદિર હતું એમ કહો તો પણ ચાલે. ગોપીઓની, શ્રીકૃષ્ણની, ગાયોની સુંદર આબેહૂબ જીવંત પ્રતિમાઓ બનાવીને ગોઠવી હતી. શ્રીકૃષ્ણના સમયનો અહેસાસ કરાવી દે એવી રીતે બધું ગોઠવ્યું હતું. કેતનને આ જગ્યા બહુ જ ગમી.

૧૨:૩૦ વાગી ગયા હતા એટલે એ લોકો ત્યાંથી ૧૧-ફ્લાવર કાફે માં જમવા ગયા. ત્યાં વ્રજ વિલાસ થાળીનો આનંદ માણ્યો.

લંચ પતાવીને એ લોકો નિધીવન જોવા ગયા. કહેવાય છે કે નિધીવનમાં ૧૬૧૦૮ વૃક્ષો છે જે રાત્રે ગોપીઓનું સ્વરૂપ બની જાય છે અને રાત્રે શ્રીકૃષ્ણ સાથે રાસલીલા રમે છે. સાંજ પછી ત્યાં કોઈને પણ પ્રવેશ નથી. પક્ષીઓ પણ ત્યાં રોકાતાં નથી. દરવાજા સાંજે બંધ થઇ જાય છે.

આ અદભુત વનમાં શ્રી કૃષ્ણલીલાની અનુભૂતિ કરી શકાય છે. આ વનનાં આંદોલનો રાધાકૃષ્ણની યાદ તાજી કરાવે છે. પ્રેમલક્ષણા ભક્તિનો નિધીવનમાં અહેસાસ થાય છે. જે પૂણ્યાત્માઓ સૂક્ષ્મ જગતનો અનુભવ કરી શકતા હોય તેમને અહી રાધાકૃષ્ણની ઝાંખી પણ થાય છે !!

ત્યાંથી એ લોકોએ બાંકેબિહારીના વિશાળ મંદિરની મુલાકાત લીધી અને ત્યાં દર્શન કર્યાં. આ મંદિરનાં દર્શન તો જન્માષ્ટમીની રાત્રે દ્વારકાધીશના મંદિર ની જેમ ટીવી ઉપર લાઈવ થતાં હોય છે.

ત્રણ મુખ્ય જગ્યાઓ જોઈને પછી એ લોકો સાંજે મથુરા પાછા આવી ગયા. ચાલી ચાલી ને બધા થાકી ગયા હતા. થોડીક વાર રૂમમાં આરામ કર્યો અને રાત્રે ૮ વાગે નીચે રેસ્ટોરન્ટમાં બધા જમવા ગયા.

જમ્યા પછી કેતન પોતાના રૂમમાં આવ્યો. એણે ઈશ્વરનો ખુબ ખુબ આભાર માન્યો કે એના યોગક્ષેમ ની જવાબદારી ઈશ્વરે ઉપાડી લીધી હતી. અત્યાર સુધી યાત્રામાં એને કોઈ જ તકલીફ પડી ન હતી.

હજુ શશીકાંતભાઈ બીજા રૂમમાં પરિવાર સાથે વાતો કરતા હતા. થોડી વાર પછી કેતકી એના રૂમમાં આવી. કેતન બેડ ઉપર તકિયાને અઢેલીને બેઠો હતો. કેતકી સાઈડમાં રાખેલા સોફા પર બેઠી.

" હું તમારા વિશે થોડું જાણી શકું ? તમારું કેરેક્ટર મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું છે. તમારા જેવા યુવાન મારી લાઇફમાં બહુ ઓછા જોયા છે. " કેતકી બોલી. એને કેતનમાં રસ પડયો હતો.

" હા હા ચોક્કસ. પૂછો ને જે પૂછવું હોય એ. મારું જીવન એકદમ પારદર્શક છે. " કેતને હસીને કહ્યું.

" તમે જામનગરમાં રહો છો ? ત્યાં તમે શું કરો છો ? તમારા મેરેજ થઈ ગયા ?"

" મારું મૂળ વતન સુરત. દોઢ-બે વર્ષથી જામનગર સેટ થયો છું. દાદા અને પપ્પા ડાયમંડના બિઝનેસમાં હતા. અમારી પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. હા મારાં લગ્ન ગયા વર્ષે થઈ ગયાં. મારી પત્નીનું નામ જાનકી છે. હું માનું છું આટલી માહિતી પૂરતી છે. " કેતને હસીને જણાવ્યું.

" વાઉ !! સાઉન્ડસ ઈન્ટરેસ્ટિંગ " કેતકી બોલી.

" તમારો હવે પછીનો શુ પ્રોગ્રામ છે ? આઈ મીન ક્યાં સુધી રોકાવાના છો ? ખબર નથી ભવિષ્યમાં તમારી સાથે ફરી મુલાકાત થશે કે નહીં !!" કેતકી બોલી.

" સાધુ તો ચલતા ભલા. બસ નીકળી પડ્યો છું. હજુ આવતીકાલ સુધી તો છું જ. પછી જગન્નાથપુરી જવાનો વિચાર છે. તમારું ટેન્શન તો હવે પૂરું થઈ ગયું છે એટલે તમે લોકો આરામથી ઘરે પાછા જઈ શકો છો. " કેતન હસીને બોલ્યો.

" હા તમારી વાત સાચી છે. છેલ્લા એક વરસથી પપ્પા સખત પરેશાન હતા. તમે તો અમારા ઉપર એટલો મોટો ઉપકાર કર્યો છે કે અમારી પાસે કોઇ શબ્દો જ નથી. વ્યાજ તો તમે માફ કરાવી જ દીધું પણ ઉપરથી પાંચ લાખ જેવી રકમ પણ ગિફ્ટ આપી. હું તો હજુ માની શકતી જ નથી. મારા મનની એક વાત કહું ? " કેતકી બોલી.

" હા કહો ને !! "

" માત્ર ૫ લાખની મૂડીમાં પેલો બુટલેગર મને ખરીદી લેવા માંગતો હતો. તમે જો મદદ ન કરી હોત તો મજબૂરીમાં મારો સોદો નક્કી જ હતો. પાંચ લાખ આપીને તમે એનો દસ લાખ નો હિસાબ ક્લીઅર કર્યો. બીજા અર્થમાં કહું તો તમે મને ખરીદી લીધી. તમે ઈચ્છો તો આગળના પ્રવાસમાં હું તમારી સાથે જોડાઈ શકું છું. મમ્મી પપ્પાને હું મનાવી લઈશ." કેતકી બોલી.

" ના..ના... કેતકી તમે એવું ક્યારેય પણ વિચારશો નહીં. હું જે માર્ગે છું એમાં આવી બધી બાબતોને કોઈ સ્થાન નથી. તમારા વિશે એવું વિચારવું પણ પાપ સમજુ છું. " કેતન બોલ્યો અને સાવધ થઈ ગયો. આ એક પરીક્ષા જ હતી.

" ઓકે. એઝ યુ વિશ... એન્ડ થેંક્યુ વેરી મચ અગેઈન. હું તમને ક્યારે પણ ભૂલી શકીશ નહીં. આ મારો મોબાઇલ નંબર છે. સેવ કરી લેજો. જિંદગી બહુ લાંબી છે." કહીને કેતકી ઊભી થઈ અને મોબાઈલ નંબર લખેલી ચિઠ્ઠી કેતનના હાથમાં પકડાવી દીધી.

" જી. " કેતન વધારે કંઈ બોલી શક્યો નહીં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Sagar Sonara

Sagar Sonara 3 અઠવાડિયા પહેલા

Sharda

Sharda 4 અઠવાડિયા પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 3 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા

Vipul Petigara

Vipul Petigara 4 માસ પહેલા