રાજવી : પ્રીતની નવી રીત - 28 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 28

(૨૮)

(નેમકુમાર રાજુલને પોતાનો દ્રષ્ટિકોણ બતાવી રહ્યા છે. હવે આગળ...)

"તમે જ મને માર્ગ બતાવો, કુમાર. તમે જ મારે મન મારા સ્વામી અને મારા તારણહાર છો."

"સ્વામી... રાજકુમારી, પાછાં ભૂલ્યા. કોણ સ્વામી અને કોણ સેવક! આત્માની રીતે સૌ સરખા, કોણ ઊંચ અને કોણ નીચ? કદાચ તમારો આત્મા મારા આત્મા કરતાં પણ અનંતગણી વધારે શક્તિ ધરાવતો હોય. અને જયાં સર્વસ્વ ન્યોછાવર કરવાની આટલી પ્રચંડ શક્તિ દેખા દે છે, એ શું બતાવે છે?"

"પણ મારે તો આ બધા કુટુંબીજનોનો સામનો કરવાનો છે. તમે મુકત થઈ ગયા, પણ મારી સ્વતંત્રતા કયાં?"

"મુક્ત છે આત્મા, એને શા માટે બાંધો છો? એને બંધાવા દેવો પણ શા માટે?"

"મારે શું કરવું?"

"એ પણ મારે કહેવાનું? તમારું અંતર જયાં દોરે ત્યાં જવાનું."

"એ તો તમારી તરફ દોરાય છે."

"મારો પંથ તો ઘણો નિરાળો છે. ઘણો કઠિન છે. ચાલી શકશો એ રાહ પર? તમારે મન હું એક અને અનન્ય છું, પણ મારે મન તો 'સવી જીવ કરું શાસનરસી, ઐસી ભાવ દયા મન ઉલ્લસી' જેવું છે."

રાજુલનું અંતર પાછું ઘવાયું. શા માટે પોતે આ નિષ્કામી સાધુજનની પાછળ પોતાનું જીવન હોમી દેવા તૈયાર થઈ છે? એને નથી જીવનમાં કોઈ પ્રત્યે અનુરાગ કે માયા, એવાની પાછળ મારે કયા કારણે ઘસડાવું? રાજુલના મનમાં પ્રશ્ન થયો. અને પાછા કહે છે એમ કે તેમના પંથે તો ઘણા આવી શકે. એનો અર્થ એમ કે એને મન મારી કોઈ વિસાત નથી.

અચાનક એને ચક્કર આવી ગયા અને આખા શરીરે પરસેવો છૂટયો.

"માધવી... માધવી..."

એનાથી ચીસ પડાઈ ગઈ અને નેમકુમારે ધૈર્યથી કામ લેવાનો નિરધાર કર્યો.

વંટોળિયા શી માધવી ત્યાં દોડતી આવી. એની પાછળ વૃદાં અને શશિલેખા પણ. નેમકુમારને લાગ્યું કે તે આ સૌના ગુનેગાર છે અને આ દોષ એવો છે કે એને સ્વીકારો તો પણ દંડ મળે અને ના સ્વીકારો તો પણ દંડ મળે.

રાજુલ રડવા લાગી તો વૃદાંએ કદલીપત્રના પંખાથી પવન નાંખવા લાગી. નેમ તો નીચું જોઈ કોઈ ગહન વિચારમાં પડયા.

આ અનુરાગ... આ આસક્તિ... પ્રથમ મિલનમાં થી જ જો આટલી વેદના પ્રગટતી હોય તો જીવનભરના સંયોગ બાદ શું દશા થાત? વિયોગકાળે તો આ આત્મઘાત જ નોતરી લેત. રાજુલના કપાળ પરથી વાળ સરખા કરતાં વૃદાં બોલી,

"નેમકુમાર, તમારા અંતરમાં આટઆટલા વિલાપથી પણ કોઈ અનુકંપા જાગતી નથી."

"હવે રહેવા દો એ ચર્ચા, એમ દયા માંગે જીવન આખું ઓછું જવાનું છે?"

લેખાએ ગુસ્સામાં કહ્યું.

માધવીએ રાજુલના મોં આગળ જળપાત્ર ધર્યું. એમાંથી એક ઘૂંટડો ભરી રાજુલે આસું લૂછયાં.

"બહેનો, મારે ખાતર પણ હવે કુમારને દોષ ન દેશો. એમને એમની પ્રતિજ્ઞામાંથી ચલાયમાન કરી હવે મારે પાપના ભાગીદાર નથી બનવું."

"પણ...."

લેખા બોલતાં અચકાઈ.

"રહેવા દો... લેખા, એ આપણી નબળાઈ ગણાય. છતાં એક પ્રશ્ન તો મને થાય છે જ કે શા માટે મારા મનમાં એ આશા અને મનોરથો જગાવ્યા. પણ મારે એનો જવાબ નથી જોઈ તો.."

કુમાર સ્તબ્ધ થઈ ગયા. આ બાળા એમને હરાવી રહી હતી. પોતે ત્યાગી બની જે મેળવવા માંગતા હતા એ રાજુલ એ ક્ષણે ક્ષણે જાણે મેળવી ચૂકી હતી એમ એના મુખની તેજરેખાઓ અંકિત થઈ ગઈ હતી.

અને અચાનક રાજુલે હાથમાંથી રત્નજડિત કંકણો ઉતારતા તેને કહ્યું,

"આ સૌભાગ્યકંકણો મેં આજ સુધી તમને પામવાની આશાએ સાચવી રાખેલા. આજે એ તમારા ચરણે ધરૂં છું. કારણ તમારા જીવનમાં મારું જીવન ભળી ગયું છે... હવે એવા બહારી પ્રતીકની જરૂર નથી."

બંને સખીઓએ રાજુલનો હાથ પકડી લેતા કહ્યું અને સાથે જ બોલી પડી,

"આ શું કરે છે તું?"

"જે કરવું જોઈએ તે જ."

કોઈ અલગ દુનિયામાંથી બોલતી હોય તેમ રાજુલ બોલી,

"આવો નાથ છોડીને હવે અન્ય સાથે વરવાનું મારાથી નહીં બને. મન વચનથી  કુમાર જ મારા સ્વામી. હવે શરીરના સ્વામીને કયાં સ્થાન આપું?"

કુમાર સ્તબ્ધ થઈ ગયા, રાજુલ આટલું બધું ઉઘાડછોગે બોલી શકે એ જ એમના માનવામાં નહોતું આવી રહ્યું. પણ પછી તેમને યાદ આવ્યું કે આ રાજુલ નહીં, પણ તેમની પાછળ પોતાનું સર્વસ્વ બલિદાન કરનાર એક નારી આત્મા બોલે છે. નારીત્વની પરમકક્ષા એમને સંબોધતી હતી.

"આજ્ઞા કરો દેવ, હવે મારે શું કરવાનું છે?"

રાજુલ નેમના પગે પડી. નેમકુમાર તો શું બોલે તે જ વિમાસણમાં પડયા. જગતમાં ચરણે પડનાર કરતાં જેના ચરણે પડે તેની જવાબદારી વધી જાય. ભોગ આપનારને કોઈ તકલીફ નહીં પણ ત્યાગનારને તકલીફ થાય, મનની અકળામણ થાય.

નેમકુમારે રાજુલના બે હાથ પકડી લીધા અને વૃદાં, શશિલેખા હળવેથી બહાર જતાં રહ્યાં. બંનેની આંખમાંથી આસું વહાવ્યા જ કરતી હતી, એમનું હૈયું એમને હાથ નહોતું

"રાજુલ..."

"આર્યપુત્ર..."

કયાંય સુધી બંને એમને એમ બેસી રહ્યા.

"જીવનને આપણે યોગ્ય રીતે જીવી જવાનું છે. મનુષ્યજન્મ એળે ન જાય એ જોવાનું અને આપણે જાણીએ છીએ કે મનુષ્ય ધારે તો ઘણું કરી શકે. આત્મા સો પરમાત્મા."

નેમે શાંત વાતાવરણ ભંગ કરતાં કહ્યું.

"હા, દેવ..."

રાજુલે હામી પૂરાવી.

"અને આખરે મનુષ્ય એકલો જન્મે અને એકલો મરે. કોઈ કોઈનું દુઃખ લઈ ના શકે. મને વિચાર આવે છે કે આનો અંત કયાં? માટે જ દેવી, મારે તમને ક્ષમા આપવાની છે."

આ સાંભળીને રાજુલની આંખમાં આસું ઉમટયા.

"મને આ રીતે તમારાથી દૂર ના કરો."

કરૂણતાપૂર્વક રાજુલે કહ્યું.

"દૂર નથી કરતો રાજુલ, પણ મને જયારે મારો પોતાના દેહ જ પરાયો લાગે છે. ત્યાં તમારા દેહને પાસે કેમ રાખવો, એ પણ સવાલ છે."

"એ બધું સમજવા જેટલું જ્ઞાન મારામાં નથી. છતાં મારી તો તમને એક જ વિનંતી છે કે તમારા આત્માની ઉન્નતિમાં મારા આત્માની ઉન્નતિ કરવાની છે, એ ના ભૂલતા. તમે નૌકા જેવા છો, નૌકા પોતે તરે અને બીજાને તારે. તો તમે મને તારજો."

"જરૂર...."

"બસ હવે મારે તમને કંઈ જ કહેવું નથી. મારા આત્માની સિદ્ધિ માટેની જવાબદારી લઈને મને સાચી સૌભાગ્યવતી બનાવી. હવે મને કોઈ ફરિયાદ નથી."

"છતાં રાજુલ, વિચારી લેજો કે સંસારત્યાગ મહા કઠિન વસ્તુ છે. સંસારની આપત્તિઓ પણ માનવીને સુખદ લાગે છે. વૈરાગ્યનું જીવન મુશ્કેલ તો છે જ. એમાં ઘણું બધું સહન કરવું પડશે."

નેમકુમારે કહ્યું અને રાજુલે સસ્મિત જવાબ આપતાં બોલી,

"કસોટી કરો છો, આર્યપુત્ર. કરી શકો છો, અગ્નિપરીક્ષા પણ લઈ શકો છો છતાં એક વાત ના ભૂલતા કે સતી સ્ત્રી ભલભલા દુઃખો વેઠી શકે છે."

આખું વાતાવરણ નેમકુમારના મુખ પર છવાયેલા આત્મસંતોષથી અને રાજુલના આત્મત્યાગથી ઝળહળી ઊઠયું.