રાજવી : પ્રીતની નવી રીત - 25 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 25

(૨૫)

(નેમકુમારનું મનોમંથન ચાલી રહ્યું છે. તે માતા પિતાને મનાવે છે. હવે આગળ...)

હજી તો બે દિવસ પહેલાની જ વાત છે, સત્યભામા અને કૃષ્ણ મહારાજ મારા અસ્તિત્વને જ આવરી બેઠા હતા. એ ભૂલાય પણ કેવી રીતે જાણે કે તે સૌથી વધારે કરુણ દિવસ હશે.

ભાભી મારા પર કોપ્યાં હતાં. ભાઈનો રોષ ભલે વ્યક્ત નહોતો થયો, પણ એ છૂપો રહે એમ પણ નહોતું. ભાભી તો જાણે મારા પર ભારોભાર કડવાશ ઠાલવતા હોય એમ બોલતાં હતાં.

"આટલી બધી બનાવટ ન કરી હોત તો તમારી હોંશિયારી ઓછી ન થઈ જાત."

"ભાભી, મેં બનાવટ કરી?"

મેં આટલું કહ્યું ત્યાં તો જાણે બળતામાં ઘી હોમાયું.

"હા, એક વાર નહીં, પણ સો વાર બનાવટ. પરણવાની મરજી નહોતી તો પછી આટલો બધો ઠાઠમાઠ, દેખાવ એ બધું શું કરવા કર્યો?"

હું જવાબ આપવા ગયો તો પાછા કહે કે,

"નથી સાંભળવું... મારે તમારી એકપણ દલીલ નથી સાંભળવી. ખુશીથી કહી શકો છો કે મેં તો ના પાડી હતી, પણ તમે સૌએ પરાણે હા પડાવી. જાણે નાના કીકલા હતાં તે બધાએ મનાવ્યા ને માની ગયા."

ગુસ્સાના માર્યા રડી પણ ના શકયા. ભાઈએ પણ કહ્યું કે,

"તારી ભાભી સાચું કહે છે, નેમ. તે પહેલેથી ના પાડી હોત તો આટલી બધી માથાફોડ ના થાત."

"પણ ભાઈ, યૌવનમાં માનવી ભૂલ કરી બેસે છે. એમ માનીને તો મને ક્ષમા આપો."

"યૌવનમાં માનવી પરણવાની ભૂલ કરે, વૈરાગી થવાની નહીં."

ભાભીએ ગુસ્સામાં કહી દીધું અને થોડીવાર તો અમે હસતા રહ્યા.

"ના મેં ભૂલ કરી હા પાડવાની, અને હવે ભૂલ સમજાઈ. એટલે સુધારું છું."

"એટલે અમે બધા ભૂલોવાળી જ જીંદગી જીવીએ છીએ, એમ જ ને."

ભાઈએ મને પૂછ્યું.

"ના, હું એમ તો કેમ કહી શકું? આ તો મારો વ્યક્તિગત દ્રષ્ટિબિંદુ છે."

"પણ આ બધો ઉહાપોહ વહોરવાની શું જરૂર પડી? અને જો પરણવું નહોતું તો વરઘોડો ચડતા પહેલાં ના પાડવી હતી. પણ આવું બહાનું કાઢીને નાટક કરવાની શું જરૂર હતી."

"પણ જયારે મારા દિલમાં પ્રકાશ પડે ત્યારે જણાવું ને?"

હું બોલી રહું ત્યાં જ ભાભીનો ગુસ્સો આવ્યો,

"મોટા પ્રકાશવાળા ન જોયા હોય તો... કોઈનો જીવ ના લેવાનો પ્રકાશ મળ્યો હોય તો તમને જ... બાકી ભાઈ, આજસુધી તો આવું નહોતું સાંભળ્યું."

"નેમ, તારી ભાભી તો આજે ન સંભળાવવાનું પણ સંભળાવશે. પણ એની એટલી વાત તો સાચી છે કે રાજુલ તો તારી પાછળ મરવા પડી છે."

ભાઈએ કહ્યું.

"મારી પાછળ એ શું કામ મરે છે?"

"શા માટે? તે ગાંડી છે, તે મૂર્ખી છે એટલે, બસ."

ભાભી રડતા રડતા બોલી પડયા.

"મારું એક કામ કરો... એને સમજાવી આવો કે આવું ન કરે. અને હું તો હજી એને મળ્યો પણ નથી."

"સ્ત્રીને મરી ફીટવા માટે પતિને મળવાની જરૂર નથી પડતી, સમજયા."

ભાભી બોલ્યા તો મારાથી આશ્ચર્ય સાથે બોલી ગયો કે,

"પણ હું કયાં એનો પતિ છું?"

"અહીં જ આપણી પુરુષોની ભૂલ થાય છે. આપણે લગ્નને જ મહત્વ આપીએ છીએ. લગ્ન વિના પતિપત્નીની ભાવના ન વિકસે. અથવા તો એ વિચારને સ્થાન ન હોય એમ માનીએ છીએ. કારણ, આપણે અંતરના ભાવોને બુદ્ધિ આગળ જીતવા દેતા નથી. પણ નારીનું અંતર તો એકવાર જેને માટે ભાવ જાગ્યો એને જ ઝંખ્યા કરવાનું. એ માટે કોઈ વિધિની જરૂર નથી પડતી."

"પણ મેં તો એવો કોઈ જ ભાવ જાગે એવું કંઈ નથી કર્યું."

"તો વરઘોડે ચડયા હતા એ શું હતું? એનાથી વધારે શું બાકી રાખ્યું હતું."

ભાભીએ કહ્યું.

"પણ આપણે તો અંતરની વાત કરીએ છીએ?"

હું બોલ્યો.

"અને હા... એનું અંતર એના હાથમાં નથી, પણ તને સોંપાયેલું છે. બોલ, હવે તારે એ માટે શું કહેવાનું છે?"

ભાઈ ગુસ્સામાં કહ્યું.

"તો પછી.. એ મને સમજવાનો પ્રયત્ન કરે. મારા હ્રદયને સમજે."

"અને તમારે એના હ્રદયને સમજવાનો પ્રયત્ન નહીં કરવાનો એમ જ ને?"

ભાભીએ પૂછેલા પ્રશ્નનો જવાબ મારી જોડે નહોતો.

"તમે જ મને કોઈ માર્ગ બતાવો?"

કંટાળીને હું બોલ્યો.

"પહેલાં તું એને તારી ઈચ્છાને અનુકૂળ બનાવ."

ભાઈએ કહ્યું.

"પણ એને મારા માર્ગે વાળવાનો મને કોઈ અધિકાર ખરો?"

"અધિકાર ભલે ન હોય, પણ આજે મારી પાસે એક એવા સમાચાર આવ્યા છે કે એ તારી ફરજ થઈ પડે છે. રાજુલ બીજા કોઈ સાથે પરણવા તૈયાર નથી અને એના માતા પિતા દ્રિધામાં પડયા છે. તે સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ સફળતા મળે એમ લાગતું નથી. એટલે જો તારા નિર્ણયના કારણે તેની આખી જિંદગી બગડતી હોય તો...."

ભાઈ આગળ કંઈ ના બોલી શકયા અને ગળામાં અવાજ રૂંધાઇ ગયો.

"એની જિંદગી ના બગડે તે જોવાની ફરજ મારી."

મેં પણ કહી નાંખ્યું.

"શું કરશો?"

ભાભીએ મને પૂછ્યું.

"એને મળીશ, મારો માર્ગ સમજાવીશ... અને પછી જોઈશ કે ભાવિએ મારા માટે કયો માર્ગ નિર્માણ કર્યો છે."

થોડીવાર શાંત બેસી રહ્યા પછી મેં મૌન તોડતા કહ્યું,

"ભાઈ મને એક સગવડ કરી આપો. ઉગ્રસેન રાજા પર એટલો સંદેશો મોકલો કે નેમ રાજુલને એકવાર મળવા માંગે છે, અને મને મળવાની અનુજ્ઞા આપે."

"અરે, હવે તમને પેસવા પણ કોણ દે?"

ભાભીએ જરા મશ્કરીમાં પણ વધુ તો રોષમાં જ કહી નાંખ્યું.

"તારામાં એટલી આત્મશ્રદ્ધા તો છે ને?"

ભાઈએ મને પૂછયું.

"હા... અને મને તમારા બધામાં પણ શ્રદ્ધા છે કે મારો રસ્તો સાચો જણાશે તો તમે કોઈ મને નહીં રોકો."

"ત્યારે ગયા હતા ત્યારે જ મળવું હતું ને?"

ભાભીએ કહ્યું.

"ભૂલ થઈ ગયો, ઓ ભાભી... હવે તો મને ક્ષમા આપો."

"ક્ષમા ત્યારે મળશે જયારે રાજુલ તમને ક્ષમા આપશે."

બસ... ભાભીનું એ છેલ્લું વાક્ય મારે માટે સાચું માર્ગદર્શક બની ગયું.