રાજવી : પ્રીતની નવી રીત - 22 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 22

(૨૨)

"સ્વામી... તારા..."

ધારિણીરાણી એકાએક બોલી ઉઠયા.

"હા... મારી મા..."

રાજુલે પણ એટલાજ સંકલ્પ અને મક્કમતાથી કહ્યું તો બધા તેને આશ્ચર્યથી જોઈ જ રહ્યા.

"માફ કરજો, પિતાજી રાજુલ અવિનય કરે છે એમ લાગે તો... પણ મા, તું પણ મને ન ઓળખી શકી કે આર્યકન્યાને એક જ પતિ હોય. એવું તો તે જ મને ભણાવ્યું છે."

"આર્યસ્ત્રીને... કન્યાને નહીં, કુંવારી કન્યાને તો સો વર ને સો ઘર."

ધારિણીરાણીએ કહ્યું.

"પણ હું કયાં કુંવારી છું? તમારા સૌની દ્રષ્ટિએ ભલે લાગે, બાકી મારા મનથી તો મેં એમને મારા સ્વામી માની જ લીધા છે."

"હવે એ બધી વાત પછી થશે. પણ એ પહેલાં તો એજ વિચારવાનું છે કે...."

બોલતાં બોલતાં રાણીએ ઉગ્રસેન રાજા તરફ જોયું અને રાજા સમજી ગયા હોય એમ બંને મૌન ધારણ કર્યું.

એટલામાં પ્રતિહારીએ આવીને રાજાના હાથમાં એક સંદેશપત્ર મૂકયો. એટલે રાજા ઊભા થયા અને કહ્યું કે,

"હું દરબાર જઉં છું... "

દરબારમાં જયારે ઉગ્રસેન રાજાએ પ્રવેશ કર્યો ત્યારે સૌના મસ્તક નીચા નમી ગયાં હતાં  સૌના મુખ પર શોક છવાઈ ગયો હતો. મંત્રી પણ ભીની આંખે ઊભા હતા પણ શું બોલવું તે સૂઝી નહોતું રહ્યું. ત્યાં જ,

"મંત્રીશ્રી, આ સમાચાર વાંચ્યા?"

કહીને રાજાએ તેમના હાથમાં પત્ર મૂક્યો.

"હા મહારાજ, અને મારું મન તો આમાં કહ્યું નથી કરતું."

"આજે મારાથી કંઈ કામકાજ નહીં થાય."

બોલીને રાજા સિંહાસન પરથી ઊભા થઈ મંત્રણાગૃહ તરફ ગયા અને મંત્રી તેમની પાછળ ગયા.

મંત્રણાગૃહમાં જતાં જ ઉગ્રસેન રાજાની સ્વસ્થતા ચાલી ગઈ. તેમની આંખોમાંથી આસું વહેવા માંડયા, પણ એ આસુંમાં રોષ હતો, પુત્રી માટે વાત્સલ્ય હતું. એ વિરોધી તત્વોએ એમને સાવ નિર્બળ બનાવી દીધા હતા.

"મહારાજ..."

મંત્રી બોલ્યા અને ગાદીની કિનાર આગળ એ બેસી ગયા.

તકિયાને અઢેલી ઉગ્રસેન કયાંય સુધી હાલ્યાચાલ્યા વિના બેસી રહ્યા. છેવટે તે બોલ્યા,

"મને બહુ લાગે છે... રાજુલને યોગ્ય પાત્ર ન જડે ત્યાં સુધી ઉતાવળ ન કરવી એ વિચારો મેં એને આટલી મોટી કરી... એનાં આસું મારાથી નથી જોવાતાં તૂટેલી આશાઓ અને રગદોળાઈ ગયેલા અરમાનો સાથે એ શી રીતે જીવી શકશે?... પણ આખરે હું રાજા છું... મારે પણ અમુક નિયમો અને પ્રણાલિકાઓ પાળવાનાં હોય છે. પીઠી ચોળેલ કન્યાને કયાં સુધી કુંવારી રાખી શકાય? ગમે ત્યાંથી એના માટે વર શોધવો.જ પડશે. અને.. મારે હાથેછ મારે મારા આદર્શનો ભૂક્કો કરવો પડશે. એને ગમે ત્યાં પરણાવી દેવી એટલે એનો સર્વનાશ નોતરવા બરોબર જ થાય. એ મારે હાથે નહીં થાય, મંત્રીજી. હું પણ પિતા છું. એના હ્રદયની ઈચ્છા વિના, ઉમળકા વિના એને ગમે ત્યાં ફેંકી દેવાની હિંમત મારામાં નથી."

"પણ મહારાજ, આપ થોડા સ્વસ્થ થાવ... આપણે પ્રયાસ કરીએ. ચારે દિશાઓ ઘૂમી વળીએ... એમના લાયક પાત્ર જરૂર મળી રહેશે."

"હું શું કહું? હું પોતે જ આટલો રોષે ભરાયો છું, છતાં એ કુમારના આકર્ષણમાં થી છૂટી શકતો નથી. તો પછી રાજુલને કયાં મોંએ કહું કે તું એને ભૂલીને બીજા સાથે પરણ."

"કઠણ હૈયું કરીને એ કહેવું પડશે અને કરવું પણ પડશે."

"મંત્રી, તમારે દિકરી નથી. તમને આવું થાય તો તમે શું કરો?"

"મહારાજ... મહારાજ... મારો આત્મા તો તમે જેવી વેદના અનુભવો છો તેવી જ અનુભવે છે. પણ આપણો વ્યવહાર, રાજપ્રણાલિકા અને કુળના આચાર આપણને કઠણ બનાવે છે."

"પણ એનું કોમળ હ્રદય કઠણ નહીં બને તો?"

"તો જોયું જશે... બાકી સ્ત્રીના હ્રદયની લાગણી અને વ્યથા બહુ લાંબો સમય ટકતા નથી."

"તમે મારી રાજુલને નથી ઓળખતા એટલે આમ બોલો છો."

રાજાએ પગ લાંબા કરતા કહ્યું.

"પછી મહારાજ, આપણે કૃષ્ણ મહારાજને આનો જવાબ તો મોકલવો પડશે ને?"

મંત્રીએ રાજાને બીજી વાત તરફ વાળવા કહ્યું.

"અરે, પણ એ પત્ર બરાબર વાંચી તો સંભળાવો. પછી જવાબ મોકલવાનો ખ્યાલ આવશે."

મંત્રીએ પોતાની કમરપટ્ટામાં થી પત્ર બહાર કાઢીને વાંચવા લાગ્યા,

"શ્રીયુત ઉગ્રસેન મહારાજની સેવામાં,

અમારા કારણે આપને જે માનભંગ, વેદના અને પારાવાર તકલીફ ભોગવવાં પડયાં છે એ માટે અમે સૌ આપની માફી માંગીએ છીએ. મારા કાકાશ્રી તો એટલા બધા દુઃખી થઈ ગયા છે કે આ કડવી ફરજ પણ મારે બજાવી પડી રહી છે.

કયાં શબ્દોમાં ક્ષમાયાચના કરવી એ પણ સમજણ નથી પડતી. છતાં અમારી સ્થિતિ સમજાવીશ તો મને આશા છે કે આપ અમારી વેદના પણ સમજી શકશો અને કદાચ ક્ષમા પણ આપી શકશો.

નેમને અમે ઘણો સમજાવ્યો. પશુઓની હિંસાના કારણે એ પાછો વળ્યો, પણ અમને લાગે છે કે એના અંતરમાં રાતદિવસ સંસાર અને વૈરાગ્ય વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. સંસાર તરફ એ વળ્યો એટલે અમને આનંદ થયો, પણ સંસારે એને એક નિમિત્ત આપ્યું અને એ એનાથી વિમુખ બની ગયો.

હવે એને એ માટે આગ્રહ કરવો ખોટો છે, કારણ ગમે ત્યારે એને એવું નિમિત્ત એક યા બીજા સ્વરૂપમાં મળી જ રહેવાનું. અને પછી આવું થાય તો તો વધારે વિષમ અને દુઃખદ બને.

એની સાથે અમે ઘણી દલીલો કરી. પણ એનો તો એક જ જવાબ છે કે મને સંસારમાં રસ નથી. મને એમાં જોડી રાખવાથી કોઈનું પણ કલ્યાણ નહીં થાય. અને સંસારના આટલા બધા દુઃખો અને કઠિનતાઓ જોઈ મને એના તરફ તિરસ્કાર છૂટયો છે. અને એટલા માટે જ મને વિચાર આવ્યો કે પરણીને ત્યાગ કરવો એના કરતાં ન પરણવું વધારે સારું.

હવે આને વધારે શું કહેવું? રાજુલને અમારા સૌના વતી આશ્વાસન આપજો. અને એ બાબતમાં અમારા લાયક કંઈપણ કામ હોય તો કહેજો. એના મનને ભયંકર આઘાત લાગ્યો હશે. પણ એની સાથે સ્વસ્થતાથી કામ લેજો.અને એનો યાદવકુળ પર બધો અધિકાર છે, એટલું તેને ખાસ કહેજો.

ફરી આપ સૌની ક્ષમા માંગીએ છીએ.

આપનો કૃષ્ણ."

મહારાજ.....