MOJISTAN - 76 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 76

મોજીસ્તાન (76)

આખરે તભાભાભાની વાત માન્ય રાખીને ગામમાં યજ્ઞ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું.ભાભાએ મુહૂર્ત જોઈને દિવસ નક્કી કર્યો. ગામની બહાર આવેલા શિવજીના મંદિરની જગ્યામાં યજ્ઞ કરવા માટે પસંદ કરવામાં આવી. કોને શું કામ સોંપવું એ નક્કી થયું.ગામના નાનામોટા દરેકને સહભાગી બનાવીને ધુમાડાબંધ જમણવાર કરવાનો હોવાથી ફાળો કરવો જરૂરી હતો.તખુભા અને હુકમચંદે એકાવનસોથી શરૂઆત કરી.વજુશેઠ, રવજી સવજી વગેરેએ પણ સારી એવી રકમ આ ફાળામાં નોંધાવી.

તભાભાભા ખુશ થઈ ગયા હતા.ઘણા સમયથી એમને ફરતા ગામના બ્રહ્મણોને જમાડીને એમનો દબદબો વધારવો હતો. આખરે એમના મનની ઈચ્છા પૂરી થઈ રહી હતી.

યજ્ઞમાં આહુતિ આપવા માટે એકસો એક કુંડ બનાવવામાં આવ્યા.મુખ્ય કુંડના પાટલા માટે બોલી બોલાવવાનું નક્કી થયું.મુખ્ય કુંડ આજુબાજુના દસ કુંડના પાટલા માટે પચ્ચીસ હજાર અને ત્યારબાદના દરેક કુંડના પાટલા માટે અગિયાર હજાર એકસો એક રૂપિયા નક્કી કરવામાં આવ્યા.

આ માટે થોડા દિવસ પછી પંચાયતમાં મિટિંગ રાખવામાં આવી. પંચાયતમાં બધા ગામલોકો
આવીને બેઠા હતા.સ્ટેજ પર બેઠેલા આગેવાનોમાં સરપંચ હુકમચંદ,તખુભા,રવજી સવજી, વજુશેઠ,પોચા સાહેબ અને તભાભાભા બિરાજ્યા હતા. સભાનું સંચાલન ડો. લાભુ રામાણીને સોંપવામાં આવ્યું હતું.

આગળની હરોળમાં મીઠાલાલ, જાદવ, ભીમો, ખીમો,હબો,ચંચો, નગીનદાસ દરજી વગેરે ગોઠવાયા હતા.બાબો અને ટેમુએ સ્ટેજ પરની વ્યવસ્થા સાંભળી હતી. આજ આખું ગામ એકત્ર થયું હોવાથી સૌના મનમાં ખુશી હતી.
ગામ પરથી ભૂતનો ઓળો ઓસરી ગયો હતો.ગામને ભયમુક્ત કરવા માટે તભાભાભાએ કરેલી વિધિ કામમાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.સ્ટેજ પર બેઠેલા પોચા સાહેબ બહુ દુઃખી હતા.એમણે બાબાને અને પેલા ત્રણ ભૂતનું પાત્ર ભજવનાર હબા,
ચંચા અને રઘલાને રૂપિયા ગણી દેવા પડ્યા હતા.એ ત્રણેય હવે દર મહિને બાબાની સેવા કરવાના હતા અને પગાર પોચા સાહેબના ગળામાં આવ્યો હતો. ભૂતને ઉભું કરવા બદલ પોચા સાહેબને ઘણો જ પસ્તાવો થઈ રહ્યો હતો.એમને થયેલી સજામાંથી છટકવાનો કોઈ રસ્તો તેઓ રાત દિવસ વિચારી રહ્યાં હતાં પણ બાબાએ કસેલો ગાળિયો એમનું ગળું દબાવી રહ્યો હતો.

પોચા સાહેબ સાવ પોચા પડીને સ્ટેજ પર બેઠા હતાં. વારેવારે તેઓ બાબા સામે ડોળા કાઢી રહ્યા હતા.એ જોઈ બાબો એમની પાસે આવ્યો. કાન પાસે મોઢું રાખીને બાબાએ કહ્યું, "હમણાં જ મુખ્ય પટલાની બોલી બોલાશે.ગમે તેટલા રૂપિયા ભલે થઈ જાય પણ મુખ્ય પાટલા પર તમારે જ બેહવાનું છે,તમારા પાપનું સાચું પ્રાયશ્ચિત કરવા માટે આ બહુ જરૂરી છે"

બાબાની વાત સાંભળીને પોચા સાહેબ કાળા પડી ગયા.બાબાએ દોઢેક લાખમાં તો ઉતારી દીધા હતા.હજી મુખ્ય પાટલે બેસાડીને બાબો ડાટ વાળવા બેઠો હતો.

પોચા સાહેબને કરંટ આપીને બાબાએ ટેમુના કાનમાં ફૂંક મારી.મુખ્ય પાટલા માટે પોચા માસ્તર બોલી બોલવાના છે.અને ગમે તમે થાય તો પણ તેઓ મુખ્ય પાટલો જવા દેવાના નથી.એટલે આપણે એ બોલે એનાથી હજાર રૂપિયા વધુ બોલવાના છે.હું કહું ત્યાં સુધી તારે ખેંચવાનું છે.."

"શું વાત કરે છે તું ? એ સાલ્લો ભીંડા કરતા'ય ચીકણો છે.એ કદી મુખ્ય પાટલા પર ન બેસે, અને બોલી પણ ન બોલે, બાબા તું ક્યાંક મને સલવાડી દઈશ. મારા બાપાને તું ઓળખે છે ને ? મારા કુલા તોડી નાંખશે યાર."ટેમુએ ગભરાઈને કહ્યું.

"તું તારે હું કહું એમ કરને.મારી પાસે એ પોચાનું તાળું ખોલવાની ચાવી છે."ટેમુના ખભા પર હાથ મૂકીને બાબો સ્ટેજના આગળના ભાગે જઈને પોચા સાહેબ પર નજર રહે એમ બેઠો.

"સમસ્ત ગામ લોકો આવી ગયેલા જણાય છે.દાગતર કાર્યક્રમ ચાલુ કરો." તભાભાભાએ
કહ્યું.

ડોકટર લાભુ રામાણી માઇક પાસે આવીને ઉભા રહ્યાં.માઇક પર આંગળી વડે ટકોરા મારીને 'હેલો..હેલો..' બોલીને માઇક ટેસ્ટ કર્યું અને કાર્યક્રમની શરૂઆત કરી.

"આજની મિટિંગમાં ગામના પ્રજાજનોને ઉપસ્થિત જોઈને મારુ હૈયું ગદગદ થઈ ગયું છે.આ ગામનો સંપ જોઈને મને અતિ અતિ અને અતિ આનંદ થઈ રહ્યો છે.એટલો અતિ કે જેની કોઈ ગતિ નથી. કેટલાંક લોકો આવા આનંદને પચાવી ન શકવાને કારણે તેમની મતિ ખોઈ બેસતા હોય છે.પણ હું ગામના આગેવાનો વતી વાત કરૂ છું ત્યારે ખૂબ લાગણી થતી હોવાનું અનુભવી રહ્યો છું.."

ડોકટરે આ પ્રમાણે શરૂઆત કરી એટલે સ્ટેજ પર બેઠેલા મહાનુભાવોના ભવાં તંગ થયા. વજુશેઠ અકળાયા અને બાજુમાં બેઠેલા હુકમચંદને કહ્યું, " આ ડફોળને શુંકામ દર વખતે લાવો છો, ગામમાં બીજો કોઈ માઈકમાં બોલે એવો તમને મળતો નથી ? તમે હાલને હાલ આની પાસેથી માઇક લઈ લો, નહિતર હું એક રૂપિયોય નહિ આપું.આ સાલ્લો વાતનું વતેસર કરી નાખશે.એની જ તુતી વગાડ્યા કરશે અને આપણો કાર્યક્રમ ટલ્લે ચડી જશે. હું સાચું કહું છું..!"

"થોડીવાર ખમો તો ખરા.મેં ડોકટરને કહ્યું છે કે આડી અવળી વાતો કર્યા વગર મિટિંગનું આયોજન જેના માટે થયું છે એ વાત જ કરજો.એટલે વાંધો નહિ આવે." હુકમચંદે વજુશેઠને ધીરજ રાખવા કહ્યું.

ડોકટરે સ્ટેજ તરફ નજર નાખીને આગળ ચાલાવ્યું, "તો દોસ્તો આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ.છેલ્લી મીટીંગમાં ગામ પર લખમણિયા ભૂતનો ઓછાયો હતો.તભાભાભા જેવા મહાન ઇન્સાનને કારણે આજે ગામ પરથી ભૂત કાયમ માટે યમદૂતને પ્યારું થઈ ગયું છે.ભાભાનો દાવો છે કે એમણે કરેલી એક ખાસ વિધિ આ માટે કારણભૂત છે.હવે સાચું ખોટું તો ભાભા જાણે અને પેલું ભૂત જાણે ! આપણે તો ગામ ભૂત મુક્ત થઈ ગયું એટલે ઘણું !શું કહો છો ગામલોકો.ભૂતને વધુ મોકો મળ્યો હોત ઘણાયને ઘોંકો વાગવાની વકી હતી.પણ ગામની જનતા ઘણી લકી નીકળી એટલે ભૂતનું મોત નક્કી થઈ ગયું. એ પણ મહાન પંડિત અને શાસ્ત્રોના જાણકાર, વેદો અને ઉપનિષદો જેમને કંઠસ્થ છે અને સાક્ષાત સત્યનારાયણ ભગવાને એમને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો હોવાનું કહેવાય છે એવા પુરાણી તરભાશંકરની એકવાર જોરદાર જયજયકાર આ પ્રસંગે કરીને આપણે સૌએ કુતાર્થ થઈ જવુ જોઈએ.બોલો તભાભાભાની જે..."

સભામાંથી સાત આઠ જણે એ જયઘોષ ઝીલ્યો. બાકીના બધા મોં ખુલ્લું રાખીને ભાભાને તાકી રહ્યાં.

પોતાના પડકારને ખાસ પ્રતિભાવ ન મળતા ડોકટરે ભાભા સામે જોયું. ભાભાના ચહેરા પર આનંદની લકીરોના દરિયાઈ મોજા ઊછળી રહ્યાં હતાં.એ જોઈ ડોકટર હસ્યાં.

"ડોકટર અહીં ભાભાના ગુણગાન ગાવાનો કાર્યક્રમ નથી.તમે આ બધું બંધ કરો અને જે કામ માટે ભેગા થયા છીએ એની વાત કરો." વજુશેઠ અકળાયા.

"હવે બે શબ્દ મારા વિશે કહ્યા એમાં તમને શેના મરચાં લાગ્યા છે.ભૂતને મેં કાઢ્યું છે તો એ વાત તો કરવી પડે ને ! ડોકટર તમતમારે આગળ હાંકો." કહી ભાભાએ વજુશેઠ સામે ડોળા કાઢ્યા.

ડોકટરે વજુશેઠને ગણકાર્યા વગર આગળ ચલાવ્યું, "જગતનો નિયમ છે દોસ્તો, સારું કામ થાય એની કદર લોકો કરતા નથી.તમારે લોકોએ તો ભાભાના પગ ધોઈને પાણી પીવું પડે,પણ મહાન પંડિત એવા ભાભા એમ કરવા ન દે.એ જ એમની મહાનતા છે.એટલે હું આ પ્રસંગે હું એમને શબ્દોની અંજલી અર્પિત કરી રહ્યો છું ત્યારે સ્ટેજ પર બેઠેલા એક કહેવાતા સજ્જનને ભાભાની આ પ્રશંસાથી પેટનો દુઃખાવો ઉપડ્યો છે.હું ડોકટર હોવા છતાં એમનો દુ:ખાવો મટાડી શકું એમ નથી.કારણ કે હું તો શરીર શાસ્ત્ર જાણું છું.તેથી જેમના મન મેલા હોય એ તો ઘેલા જ હોય.એમની નીચે ઈર્ષાને કારણે ચાલતા રેલા હોય,ગામમાં એમના બે ચાર ચેલા પણ હોય.આવા લોકોથી જ આપણે ચેતતા રહેવાનું છે.કારણ કે ચેતતો નર સદા સુખી.સરપંચ હોય કે મુખી,ક્યાંકને ક્યાંક બધા છે દુઃખી.પણ દુઃખને જે દૂર કરે એમનો આભાર તો માનવો જ પડે.જો એટલું પણ આપણે ન કરી શકીએ તો આપણે માણસ કહેવાવાને જરાય લાયક નથી.માટે જો મારી સામે બેઠેલા લોકો પોતાને ખરેખર માણસ સમજતા હોય તો બોલો તરભા મારાજની જે..એ...એ....!"

ગામ લોકોને માણસ જાતમાંથી પોતાનું નામ રદ કરવાની ઈચ્છા નહિ હોય.એટલે આ વખતે સભામાંથી બધાએ મોટેથી જય જયકાર કર્યો લોકો એક સાથે બોલી ઉઠ્યાં, " તરભા મારાજનો જેય..."

'હં હવે બરોબર ! મને વિશ્વાસ હતો કે મારી સામે માણસો જ બેઠા છે.ઢોર નથી બેઠા.આજે આપ સૌએ એ સિદ્ધ કરી બતાવ્યું કે આપણે સાવ નગુણા નથી.જે ઉપકાર પણ યાદ ન રાખે એવા સાવ ગયા ગુજરેલા નથી.વળી નથી તમે અક્કલના ઓથમીરો, એટલે જ હું આ ગામને મારી જન્મભૂમિ કરતા પણ અદકેરો પ્રેમ કરું છું.દિલમાં પ્રેમ અને દિમાગમાં રહેમ રાખીને સૌની સેવા કરું છું.એટલે આ પ્રસંગે જો હું કાર્યક્રમનું સંચાલન ન કરતો હોત,તમારી જેમ ગામનો સામાન્ય નાગરિક હોત અને ડોકટર લાભુ રામાણી કોઈ બીજો વ્યક્તિ હોત તો જરૂર હું એનું પણ સન્માન કરત.કારણ જે સેવા કરે છે એ સન્માનનો અધિકારી છે જ છે.તેથી આ પ્રસંગે હું મારું પોતાનું સન્માન થાય એવી ઈચ્છા રાખું તો કંઈ ખોટું નથી.પણ મને સન્માનનો મોહ ક્યારેય રહ્યો નથી.મોહ, માયા, કામ અને ક્રોધ માણસની કબર ખોદતાં હોય છે.એટલે એ સર્વથી પર રહીને નિર્મળ દ્રષ્ટિથી દરેકને જોઉં છું."

ડોકટરની વાત સાંભળીને ભાભા ઉભા થયા.માઇક પાસે આવીને એમણે ડોકટરના હાથમાંથી માઇક લઈને હાક મારી, " બોલો સેવાભાવી દાગતર લાભુ રામાણીનો જેય...!"

ફરી એકવાર ગામલોકોએ પરાણે જયજયકાર કર્યો.ડોકટર ખુશ થઈને ભાભાના ચરણોમાં સહેજ નમ્યા.અને માઇક હાથમાં લીધું.

"એકવાર આપણે મને અને ભાભાને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.ખૂબ જોરથી તાળીઓ પડવી જોઈએ. તાળીઓની ગુંજ દૂર સુધી સંભળાવી જોઈએ.તમારા ઘેર ઘોડિયામાં સુતેલા બાળકો પણ જાગી જવા જોઈએ." કહી ડોકટરે તાળીઓ પાડી.સભાએ પણ કમને તાળીઓ પાડી.

"આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.આ પ્રસંગે ભાભા એક જ એવી વ્યક્તિ છે કે જેમને લાગ્યું કે મારું પણ સન્માન થવું જોઈએ. જો કે મારુ તો અનેક વખત સન્માન થઈ ચૂક્યું છે. રાષ્ટ્રપતિએ મને અનેક એવોર્ડથી સન્માનિત કરેલો છે.આજે પણ વડાપ્રધાનનો ગુજરાતમાં કાર્યક્રમ હોય તો મને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.અનેક મોટા મોટા ઉદ્યોગપતિઓના કાર્યક્રમોમાં હું સ્ટેજ શોભાવી ચુક્યો છું.દરેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પધારવા ખુદ વડાપ્રધાન મને ખુબ વિનંતી કરતા હોય છે પણ હું એમ જ્યારે ને ત્યારે ચાલી નીકળું તો તમારા લોકોની સેવા કેમ થાય.તમને લોકોને કદાચ ખ્યાલ નહિ હોય પણ હમણાં હું ડાયાબીટીસ નામના રોગ પર બહુ મોટું સંશોધન કરી રહ્યો છું.હું ભૂંડનું લીવર માણસના શરીરમાં લગાડવા માટે પ્રયોગ કરી રહ્યો છું.લગભગ એંશી ટકા જેટલી સફળતા મને હાથ લાગી છે.એકાદ વર્ષમાં મને નોબલ પારિતોષિક મળવાનું છે. તમને લોકોને હું ભૂંડનું લીવર ભેટ આપીને મનફાવે એટલું ગળ્યું ખાતા કરી દઈશ...!"

ડોકટરનો બફાટ સાંભળીને સ્ટેજ પર ભાભા સિવાય દરેકના મોં જોવા જેવા હતા.વજુશેઠે હુકમચંદના પડખામાં કોણી મારીને ડોકટરને અટકાવવા ઈશારો કર્યો. હુકમચંદ પણ ગુસ્સે થયો હતો. એ ઉઠીને ડોકટર તરફ આગળ વધ્યા.એ જોઈ ડોકટરે તરત ગિયર બદલ્યો, " મારા પોતના વખાણ કરવા માંગતો નથી એટલે આજના કાર્યક્રમની વાત કરીશ. આ પ્રસંગે આપણે આપણા સરપંચશ્રી હુકમચંદજીની સેવાઓ પર પણ એક નજર નાખવી જોઈએ...!''

"ઘડીક ધીરજ રાખો.ડોકટર હવે મારી વાત કરવાના છે.એ પુરી થાય એટલે તરત હું માઇક લઈ લઈશ.ઘડીક વજન દઈને બેઠા રો.. વજુકાકા..!" પોતાની પ્રશંસા કોને પસંદ ન
હોય ? ડોકટરે કરેલી હુકમચંદની સેવાઓ પર નજર કરવાની વાત સાંભળીને હુકમચંદ તરત બેસી જઈ વજુશેઠ સામે હસી પડ્યો.

હવે ડોકટરને ફરી મોકળું મેદાન મળ્યું હતું. ડોકટરના ભાષણને કારણે ફરી એકવાર સભામાં ભગદોડ થવાની હતી..!

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED