મોજીસ્તાન - 75 bharat chaklashiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોજીસ્તાન - 75

મોજીસ્તાન (75)

"કેટલો પગાર આપે છે સરકાર તમને ?" બાબાએ પોચા સાહેબને બેસાડીને સવાલ કર્યો.

"કેમ મારા પગાર સાથે આ વાતને શું લેવા દેવા છે ?" પોચાસાહેબ નવાઈ પામ્યા.

''લેવાદેવા ન હોત તો હું આવો સવાલ કરત જ નહીને ! બોલો કેટલા રૂપિયા દર મહિને સાવ મફતમાં ઢસડી લો છો સરકારના ?"

"મફત કંઈ ઢસડી લેતા નથી.બાર વરસની મારી નોકરી છે.આખો દિવસ ગામની અપાળીન્ગ વેજા હાર્યે લમણાઝીંક કરવી પડે છે.આ પરજાને ભણાવવામાં ભેજાનું દહીં થઈ જાય છે સમજ્યો ?"

"મને બધી ખબર છે.તમે કેવાક ભણાવીને ઊંધા વળી ગયા છો ઈ.પગાર કેટલો છે એ ઝટ ભસો એટલે વાત આગળ ચાલે."

"અત્યારે ચાલીસ હજાર હાથમાં આવે છે.દર મહિને ખાતામાં જમા થઈ જાય છે.બોલ્ય હવે શું છે તારે ?" પોચા સાહેબે ખિજાઈને કહ્યું.

"તો હવેથી દર મહિને રઘલાને અને ચંચાને ત્રણ ત્રણ અને હબાને ચાર હજાર તમારે આપવાના રહેશે. અને અત્યાર સુધી તમે આ ત્રણેય પાસે લખમણિયાનો રોલ મફતમાં કરાવ્યો એના પચ્ચીસ પચ્ચીસ હજાર ત્રણ દિવસમાં આપી દેવા પડશે.આખો મામલો હું જાણી ગયો છું એટલે તમારું આ રહસ્ય છૂપું રાખવાના ચાર્જ તરીકે મને અત્યારે માત્ર એક લાખ આપી દેશો તોય ચાલશે.આગળ ઉપર મારે જો જરૂર પડશે તો હું બીજા માંગીશ પણ એ તો જરૂર પડે ત્યારે જ હોં ! એટલે મુંજાતા નહિ.તો બોલો લખમણિયાઓ બરાબર ન્યાય થયો કે નહિ ?''

"એકદમ બરોબર થયો સે બાબાકાકા.અમને એકદમ મંજુર છે.પણ અમનેય અત્યારે થોડાક રોકડા અપાવો તો વધુ હારું પડે.."રઘલો તરત જ તાળી પાડીને બોલ્યો.પોચા સાહેબનું મોઢું જોવા જેવું થઈ ગયું હતું.

"એમ કરો અત્યારે આ ત્રણેયને ખાલી દસ દસ હજાર આપી દો..બીજા પછી એ લોકોને ક્યારેક જરૂર પડે તો આપજો.ગામમાં તમારી જયજયકાર કરશે બિચારા !" કહી બાબો હસ્યો.

બાબાની વાત સાંભળીને પેલા ત્રણેય રાજી થઈને ખખડયા.

"વાહ બાબાલાલ વાહ, હાળું અમને તો આવો આયડયા જ નો આયો..!'' કહી હબાએ બાબાનો વાંહો થાબડીને ઉમેર્યું, "તમતમારે જેટલા પાનમાવા ખાવા હોય એટલા ખાઈ જજો.તમારી જ દુજન હમજજો હેહેહે..!"

"ભૂંડણીનાવ તમે હમજો છો શું તમારા મનમાં ? એક ફૂટી કોડીય હું દેવાનો નથી..હાલી શું નીકળ્યા છો ! મને ખાલી માસ્તર સમજવાની ભૂલ નો કરતા.તમારી છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દશ..!'' પોચાસાહેબે ખુરશીમાંથી ઉભા થઈને બરાડો પાડ્યો.

"તો એમ વાત છે ? મારી પાસે એનો પણ રસ્તો છે.મારી વાત માની લો તો સારું છે, નહિતર હું જે કરીશ એ જોઈને તમે મારા પગમાં પડીને કરગરશો.જો અત્યારે નહિ માનો તો આ બધી રકમ ડબલ થઈ જાશે.બોલો સારું તમારું.. આટલામાં પતાવવું છે કે આગળ વધવું છે ?" બાબો પણ ઉભો થઈ ગયો.

બાબાની મોટી આંખોમાં અડગ વિશ્વાસ જોઈ પોચા સાહેબ વિચારમાં પડ્યા.

"હું ન માનું તો તું શું કરી લઈશ ?"

"એ તો નથી માનવના એમ હવે બોલો એટલે તરત ખબર પડશે.."બાબાએ કહ્યું.પેલા ત્રણેયને પણ હવે મજા આવતી હતી.

"પણ તું કહે તો ખરો..હું એક રૂપીયોય ન આપું તો તું કરી શું લેવાનો છો ?"

"હું અહી આવ્યો અને તમે મને કોથળામાં પૂર્યો ત્યારે તમને ખબર હતી કે પરિસ્થિતિ તમારા કાબુ બહાર જતી રહેશે ? તમેં આ ત્રણેયને પાલતું કુત્તાઓ બનાવી દીધા હતા એ તમને ભોંકવા જ નહીં, કરડવા પણ તૈયાર થઈ જશે એવી કલ્પના પણ હતી ? એટલે સમજી જાવ તો. સારું નહિતર ન થવાનું થઈ જશે.એવડી મોટી ખોટ જશે તમને કે તમારી બધી જ મિલકત અને મૂડી આપી દેશો તો પણ તમે બચી નહિ શકો.મારી પાસે જડબેસલાક યોજનનાઓ હોય છે એનો પ્રત્યક્ષ પુરાવો તો તમને આપ્યો. હજી વધુ ઊંડું ઉતરવું જ હોય તો ઠીક છે, જેવી તમારી મરજી." કહી બાબાએ અવળું ફરીને પેલા ટીબોલો મિત્રો તમે મારી સાથે છો ને ?"

"પગથી માથા સુધી તમારી હાર્યે જ છવી બાપા. તમે તો રૂપિયા અપાવશો આ પોસા માસ્તરે તો મફતમાં જ લીધે રાખી..!" રઘલો બોલ્યો.

"પણ તું શું કરવાનો છો એ તો કે ? આટલા બધા રૂપિયા મારે કેમ કરીને દેવા..?" પોચા સાહેબ હવે પોચા પડતા જણાયા.

"તમને મંજુર હોય તો બોલો.અને મંજુર ન હોય તો પણ કંઈ વાંધો નથી. તમારે ડબ્બલ આપવાની ઈચ્છા હોય તો એમ કરો..!''

પોચા સાહેબ બાબાને તાકી રહ્યાં. પછી એકાએક પોક મૂકી..

"બાબા..આ..મારી ભૂલ થઈ..મને માફ કરી દે..હવે હું આવું કોઈ દિવસ નહિ કરું..ઉં..ઉં...ઉં..!"

"માફ કરી દીધા છે એટલે જ હું સમાધાન કરી રહ્યો છું.તમે કાગળ પેન કાઢીને હું લખાવું એમ લખી આપો એટલે આપણે સૌ ઘેર જઈએ.. જો તમે બે જ મિનિટમાં કાગળ પેન નહિ કાઢો તો હું મારો બીજો પ્લાન અમલમાં મુકીશ. રોદણા રોવાનું બંધ કરો પોચા સાહેબ..!" બાબાએ કડક થઈને કહ્યું.

પોચાસાહેબ પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નહોતો.પૈસા આપવાની ના કહીને વધુ જોખમ લેવાની હિંમત હવે રહી નહોતી.બાબો જે રીતે કહી રહ્યો હતો એ જોઈએ એમને બાબો ખતરનાક લાગી રહ્યો હતો.

"બોલ ભાઈ શું લખવાનું છે મારે ?" ખોટા આંસુ લૂછીને પોચા સાહેબ બોલ્યા.

"આજની તારીખ અને સમય લખીને હું કહું એ મુજબ લખો" કહી બાબાએ ફોન કાઢીને પોચા સાહેબના ઓફિસના ફોટા પાડવાનું શરૂ કર્યું. લખમણિયાનો ડ્રેસ રઘલાને પહેરાવીને એનું શૂટિંગ પણ કરી લીધું.પોચા સાહેબ મોં વકાસીને તાકી રહ્યાં.

બાબાએ પોચા સાહેબ પાસે પોતાની ઈચ્છા મુજબનું એકરારનામું લખાવીને સહી કરાવી અને એ એકરારનામું પોચા સાહેબ પાસે વંચાવ્યું. પોચા સાહેબના વાંચનનું સંપૂર્ણ રેકોર્ડિંગ પણ બાબાએ એના ફોનમાં કરી લીધું.

"હું આ ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક છું,મારુ નામ પોપટલાલ છે. ગામ મને પોચા સાહેબ તરીકે ઓળખે છે.આ ગામમાં છેલ્લા થોડા વખતથી જે લખમણિયા નામનું ભૂત ઉભું થયું છે એ કોઈ ભૂત નથી.મેં જ ગામના ત્રણ યુવાનો હબો,રઘલો અને ચંદુ ઉર્ફે ચંચાને ભોળવીને લખમણિયાનું પાત્ર ભજવવા કહ્યું હતું.મારો ઈરાદો ગામમાં ભય ફેલાવવાનો અને લખમણિયા દ્વારા લોકોને માર મારવાનો હતો. મારો આ ગુન્હો હું કબૂલ કરું છું.આજની રાત્રે તભાભાભાના પુત્ર બાબાલાલે અમને રંગેહાથ પકડી પાડ્યા છે.હું મારો ગુન્હો કબૂલ કરું છું અને હવે પછી ક્યારેય આવું કોઈ કાર્ય કરીશ નહિ એની હું ખાત્રી આપું છું.બાબાલાલની તમામ શરતો મને કબૂલ મંજુર છે.ગામલોકો મને માફ કરશો.હું બે હાથ જોડીને આપ સૌની ફરીફરીને માફી માંગુ છું.હું ગામના ગરીબ બાળકોને મફત ટ્યુશન આપીશ અને અભણલોકો માટે રાત્રીશાળા શરૂ કરીશ. આ રીતે મેં કરેલા આ પાપનું પ્રાયશ્ચિત કરીશ.
મારા ત્રણેય સાગરીતોને હું દસ દસ હજાર રોકડા અને દર મહિને ત્રણ ત્રણ હજાર પગાર પણ આપવાનું સ્વીકારી રહ્યોં છું.અને બાબાલાલે ગામની ભલાઈ માટે જીવના જોખમે મને પકડ્યો છે એના ઈનામરૂપે બાબાલાલને હું રાજીખુશીથી રૂપિયા એકલાખ આપવા માંગુ છું.આ બધું હું કોઈના દબાણ કે ધાક ધમકીને કારણે નહિ પણ રાજીખુશીથી કરી રહ્યો છું.મેં કરેલા પાપનો મને ખુબ જ પસ્તાવો થવાથી હું મારી મેળે મારી સજા સ્વીકારી રહ્યો છું.

લિ.. પાપી આત્મા, પોચા માસ્તર.

પોચાસાહેબને હવે સચોસાચ રડવું આવી રહ્યું હતું.ગળગળા સાદે એ બોલ્યા,

"હરામખોર બાબલા, હવે તો તારા મોઢામાંથી ફાટય કે મેં તારી શરત માન્ય ન રાખી હોત તો તું શું કરત ?"

"તો તમારા આ ત્રણ પ્યાદા કે જેઓ હવે મારા ઈશારે નાચી રહ્યાં છે એમની પાસે તમને અત્યારે જ લખમણિયાનો ડ્રેસ પહેરાવીને હું તમને ગામમાં લઈ જાત. ગામલોકોને ભેગા કરીને તમને ઢોર માર મરાવડાવેત.કદાચ ગામ તમને સચોસાચ ભૂત સમજીને જીવતા સળગાવી પણ દેત.બોલો તમે કરેલો સોદો ફાયદાનો છે કે ખોટનો ?" કહી બાબો હસ્યો.

પોચા સાહેબ નીચું જોઈ ગયા. પછી આ વાત તભાભાભાને પણ નહીં કહેવાનું વચન લઈ તેમણે બાબાની શરતો મંજુર રાખી. બીજા દિવસે પૈસા આપી દેવાનું પોચા સાહેબે કહ્યું એટલે બાબો ઉઠ્યો.અને લખમણિયા ભૂતના પ્રકરણ પર કાયમ માટે પડદો પડી ગયો.

*

તખુભા સાજા થઈને ઘેર આવી ગયા એટલે એમની ડેલીમાં ડાયરો જામતો હતો.આમેય એમની ખબર કાઢવા ગામના અને આજુબાજુના ગામના લોકો ઉમટી પડ્યા હતાં.તખુભા એમના સગાવહાલામાં બહુ મોટી આબરૂ ધરાવતા હોવાથી આખો દિવસ ડેલીમાં ચા પાણી અને કહુંબો પણ ઘૂંટાતો રહેતો.

થોડા દિવસો પછી મહેમાનો ઓછા થવા માંડ્યા એટલે હુકમચંદ,તભાભાભા,રવજી-સવજી,વજુશેઠ,પોચા સાહેબ અને ડોકટર લાભુ રામાણી વગેરે આગેવાનો તખુભા પાસે આવીને બેઠા.છેલ્લા પંદર દિવસથી લખમણીયાનું ભૂત દેખાયું નહોતું.

જાદવ,ભીમો,ખીમો અને ચંચો પણ તખુભાની ડેલીમાં આગેવાનોની સેવામાં ઉપસ્થિત થયા હતા.

"તભાભાભા, આ ભૂત પલીતમાં હું તો માનતો જ નો'તો પણ મારું બેટું ઈ રાતે નજરોનજર જોયું હો. મારા પડખામાં હાળાએ પાટું ઠોકયું.તે હું તમને ઈમ પૂછું છું કે આનો કોઈ ઉપાય તમે કર્યો કે નહીં.સવજીની વાડીએ ભજીયાના પોગ્રામની પથારી ફેરવી નાંખી'તી નહિ ? તમને બધાને વારાફરતી આંટી ગયો મારો હાળો.." કહી તખુભા હસ્યાં.

"હવે એ લખમણિયો ક્યારેય નહીં આવે.મેં એની વિધિ કરી નાંખી છે.એના આત્માને મોક્ષ મળે એ માટે ત્રણ રાત મેં પ્રેતાત્મા મોક્ષ મંત્રના દસલાખ જાપ કર્યા છે.આ માટે પાંચ કિલો ગાયનું ઘી હોમીને હવન પણ કરી નાંખ્યો છે એટલે હાલ પૂરતો લખમણિયાનો મોક્ષ થઈ ગયો છે.પણ હજી કાચા દોરે જ મેં એને બાંધ્યો છે.એકદમ નિવારણ કરવા માટે મોટો યજ્ઞ કરવો પડે એમ છે."તભાભાભાએ એકદમ ગંભીર થઈને કહ્યું.

ડાયરો અહોભાવથી ભાભા સામે તાકી રહ્યો. પોચા સાહેબને સાવ બણગાં ફૂંકતા ભાભા પર ગુસ્સો તો ઘણો આવતો હતો પણ કંઈ થઈ શકે એમ નહોતું.બાબાએ એમની બોલતી બંધ કરી દીધી હતી.એમણે ચંચા સામે જોયુ તો એણે પોચા સાહેબને આંખ મારી.

"તમને પ્રેતાત્મામોક્ષ નિવારણ આવડતું હતું તો પહેલા કેમ નો કર્યું.ગામ અખાની પથારી ફેરવી નાખી પછી તમને હવન કરવાનું હુજયું ? સૌ પરથમ તમારી વાંહે જ થીયું'તું ને ?" હુકમચંદે જરાક ખીજવાઈને કહ્યું.

"એમ મનફાવે ત્યારે એવી વિધિ નો થાય.દેવોની આજ્ઞા લેવી પડે, હું કાંય ભૂતની વિધિ કરનારો કોઈ તાંત્રિક નથી તે તરત નિવારણ કરું.તમને લોકોને આવી બાબતમાં કંઈ સમજણ ન પડે.મેં ભૂતને કાઢી મૂક્યું છે એ મહત્વનું છે. જો એક મહિના સુધી ક્યાંય કોઈને ભટકાઈ ન જાય તો સમજજો કે કાયમ માટે ગયું. મેં યમરાજને ભળાવી દીધું છે એટલે લગભગ તો હવે ગયું જ સમજો છતાં એણે એક મહિનાનો સમય માગ્યો છે.હજી એક મોટો હવન કરીને સો બ્રાહ્મણને જમાડવા પડશે.જો એક મહિનામાં આ વિધિ થઈ જાય તો પછી કોઈ ચિંતા નહિ. આપણે ગામમાં ફાળો કરાવવો પડશે કારણ કે ખર્ચ ઘણો આવશે.આમાં બ્રહ્મણનો ફાળો લઈ શકાતો નથી નહિતર હું એકલો જ આપી દેત..! કારણ કે હું જીવું છું ત્યાં લગી આ ગામ માથે કોઈ આફત આવવા નહિ દવ.પણ ગામના દરેક માણસનો ફાળો હોય તો જ આ વિધિ કામ કરે, નહિતર ફેલ જાય.જો હવે લખમણિયો પાછો આવશે તો એની શક્તિ ડબલ થઈ જશે.એટલે યજ્ઞ તો કરવો જ પડશે..!"

ડાયરામાં સોપો પડી ગયો.હુકમચંદ અને તખુભાને હજી હમણાં જ લીધેલા કહુંબાનો નશો ઉતરવા લાગ્યો.વજુશેઠ અને રવજી સવજી પણ ગભરાયા હતા.

"તભાભાભા, તમે આ ભૂતની વિધિ બહુ અઘરી કરી નાખી હોય એવું તમને નથી લાગતું ? તમે એમ કહ્યું કે યમરાજને ભળાવ્યો છે ઈ બહુ ગળે નો ઉતર્યું હો..!" પોચા સાહેબથી હવે ન રહેવાયું. પોચા સાહેબ પોતે જ આ ખેલ કરતા હતા એ બાબો જાણી ગયો હતો પણ એણે આ વાત ગુપ્ત રાખવાનું વચન આપ્યું હતું.એટલે પોચા સાહેબ ભાભાને અટકાવી શક્યા.

તભાભાભાએ પોચા સાહેબ સામે ડોળા કાઢ્યા. બાબાએ એમને કહ્યું હતું કે લખમણિયો એ કોઈ ભૂત નથી. ગામના કેટલાંક માણસો જ આ ભૂત પ્રકરણમાં સામેલ છે.પણ કોણ કોણ છે એના નામ બાબાએ આપ્યા નહોતા.બાબાએ કહ્યું તેમ પંદર દિવસથી ભૂત થયું પણ નહોતું.એટલે ભાભાને વિશ્વાસ બેસી ગયો હતો કે બાબાએ એ લોકોને પકડી પાડ્યા હોવા જોઈએ.ભાભા હવે ગામમાં યજ્ઞ કરીને પોતે ભૂત નિવારણ પણ કરી શકતા હોવાનું સિદ્ધ કરવાની તક જવા દેવા માંગતા નહોતા.

(ક્રમશ :)