જીવન સાથી - 34 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 34

પૂજન ખૂબજ સારા ઘરનો છોકરો હતો તે આન્યાની પરિસ્થિતિ બરાબર સમજી ગયો હતો.

પૂજન તેમજ આન્યા બંને કારમાં ગોઠવાઈ ગયા પછી પૂજને આન્યાને તેના ઘરનું એડ્રેસ પૂછ્યું અને જીપીએસ ચાલુ કરી તેમાં એડ્રેસ નાંખી દીધું.

કારમાં બેઠા પછી આન્યાથી રડી પડાયું એટલે તેને એકદમ રડતી જોઈને પૂજને કાર રસ્તામાં જ અટકાવી દીધી અને બાજુમાં પડેલી પાણીની બોટલ ખોલીને તેણે આન્યા તરફ ધરી અને તે આન્યાને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યો.

પણ આન્યા સાથે આજે જે બન્યું હતું તે વાતથી જ તે ધ્રુજી ઉઠી હતી અને તે યાદ આવતાં જ તે વધારે જોરથી રડવા લાગી.

પૂજને આન્યાને ખૂબજ પ્રેમથી અને શાંતિથી સમજાવી અને શાંત પાડી અને બંને જણાં આન્યાના ઘર તરફ જવા માટે નીકળી ગયા.

રસ્તામાં આન્યા પૂજનને સ્મિતની ફરિયાદ કરતાં કહેતી હતી કે, " મને ખબર જ નહોતી કે સ્મિત ડ્રીંક પણ કરે છે અને આ ટાઈપનો છોકરો છે તેમજ તેના બધા ફ્રેન્ડસ પણ આવા હશે અને તેની ફ્રેન્ડસ જે છોકરીઓ હતી તે પણ આવી હોઈ શકે છે તેવી તો મેં કલ્પના શુધ્ધા પણ કરી ન હતી. મને ખબર હોત કે સ્મિતની બર્થડે પાર્ટીમાં આ બધું થવાનું છે તો હું આવત જ નહીં.

અને તમારા જેવી વ્યક્તિ જેમણે બિલકુલ ડ્રીંક નહતું કર્યું તે ત્યાં હાજર હતી તો તમે મને મૂકી ગયા નહીંતો મને ત્યાંથી એટલે બધે દૂરથી મને ઘરે મૂકવા કોણ આવત ? અને તમે હતા તો હું બચી પણ શકી નહીં તો હું જબ્બર ફસાઈ ગઈ હોત. ખરેખર તમે મને બચાવી લીધી. થેન્ક યુ સો મચ. હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

પૂજન: ના ના, એમાં તમારે મને થેન્ક યુ, બેન્ક યુ કહેવાની જરૂર નથી એ તો મારી ફરજ હતી જે મેં પૂરી કરી છે.

અને આન્યાની આ વાત સાંભળીને પૂજન પણ વિચારે છે કે, આન્યાની વાત બિલકુલ સાચી છે. તેના જેવી સીધીસાદી છોકરી જેને આવી કંઈ ખબર જ ન હોય તો તે ખોટી ફસાઈ જાય અને તેની સાથે કંઈપણ અનર્થ થઈ શકે છે. અને આમ વિચારતાં વિચારતાં તે બોલ્યો કે, " આન્યા ખરેખર તું હજી ઘણી નાદાન છે તારું આ પહેલું વર્ષ છે એટલે તને કદાચ કોલેજમાં અને કોલેજના સ્ટુડન્ટ્સની આવી પાર્ટીઓમાં શું થતું હોય છે તેની કદાચ ખબર પણ નહીં હોય. કોલેજના બધાજ સ્ટુડન્ટ્ને સીધા સાદા માની લેવાની ભૂલ તું કદી ન કરતી અને તને જો આ બધું ન જ ગમતું હોય તો આવી કોઈ પણ ફક્ત કોલેજના સ્ટુડન્ટ્સની પાર્ટીમાં જવાનું તારે મોકુફ જ રાખવું અથવા જવું હોય તો સાથે તારી કોઈ વિશ્વાસુ ફ્રેન્ડ હોય તો જ જવાનું ગોઠવવું મારી આ વાત ખાસ ધ્યાનમાં રાખજે. "

પૂજનની સમજણભરી ડાહી વાતોથી આન્યાને ઘણી રાહત લાગી અને કોલેજના માહોલની આખીયે વાત તેની સમજમાં આવી ગઈ અને પોતે આજે વગર વિચાર્યે જે પાર્ટીમાં આવી ગઈ તે પોતાની ભયંકર ભૂલ પણ તેને સમજાઈ ગઈ.
તેણે આજે મનોમન નક્કી કરી લીધું કે હવે પછીની કોઈપણ આવી પાર્ટીમાં તે જશે નહિ અને જશે તો તેનું આખું કોઈ વિશ્વાસુ ગૃપ હશે તો જ જશે. આમ આન્યાને કોલેજનું પહેલું પગથિયું ચઢતાં ચઢતાં જ શીખ મળી ગઈ હતી.

આ બધી ચર્ચા કરતાં કરતાં ક્યારે આન્યાનું ઘર આવી ગયું તેની ખબર જ ન પડી અને પૂજને આન્યાનું ધ્યાન દોર્યું કે, " તારું ઘર આવી ગયું આન્યા "
આન્યાએ ફરીથી પૂજનનો ખૂબ ખૂબ આભાર માન્યો અને પૂજને પણ તેને કહ્યું કે, તારા જેવી સીધીસાદી છોકરીની કંપની મને ખૂબ ગમી હવે ફરી તું ક્યારે મળે છે. બાય ધ વે હું સ્મિતને મળવા માટે અવાર-નવાર તમારી કોલેજમાં આવતો જ હોઉં છું. "

આન્યાએ પણ સ્માઈલ સાથે જવાબ આપ્યો કે, " બસ તો પછી હું તો કોલેજમાં જ હોઉં છું એટલે આપણે મળવાનું થશે જ, ચલો તો બાય મળીએ પછી ક્યારેક.. " અને આટલી વાતચીત કરીને બંને છૂટાં પડ્યાં.

આન્યા પોતાની મોમને હું લેઈટ રિટર્ન થઈશ તેમ કહીને જ ગઈ હતી અને તેને વહેલી ઘરે પાછી આવેલી જોઈને મોમે તરત જ આન્યાને પૂછ્યું કે, " તું લેઈટ આવવાની હતી અને વહેલી કેમ આવી ગઈ ? "

આન્યાની નજર સમક્ષ પોતાની સાથે પાર્ટીમાં જે બન્યું હતું તે દ્રશ્ય તાદ્રશ્ય થઈ ગયું પરંતુ મોમને આ બધું કઈરીતે કહેવું તે વિચાર માત્રથી તેનાં હોઠ બીડાઈ ગયા કારણ કે, મોમને આ વાત કર્યા પછી ઘરમાં કેવું વાતાવરણ સર્જાશે..! અને પછી તો ક્યારેય આ રીતે ઘરમાંથી નીકળી નહીં શકાય.. તે વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠી અને તેના હોઠ સીવાયેલા જ રહ્યા તે માત્ર એટલું જ બોલી શકી કે, " બસ વહેલી પાર્ટી પુરી થઈ ગઈ મોમ " અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. આજે તેને ઊંઘ પણ આવવાની ન હતી અને તે મનોમન વિચારી રહી હતી કે, " ક્યારે કોલેજ જવું અને ક્યારે સ્મિત ઉપર આ બધીજ ભડાસ કાઢું ? અને તે સમસમી રહી...
હવે બીજે દિવસે કોલેજમાં આન્યા સ્મિતને કયા શબ્દોમાં ખખડાવે છે... તે આપણે આગળના ભાગમાં જોઈશું.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/2/22