"તું રાજમહેલ ન રોકાણો?"ગુરુ તપનનાં એક શિષ્યે તે યુવાનને પૂછ્યું.આ જોઈને ગુરુ તપને પોતાના શિષ્ય સામે ગુસ્સાથી જોયું અને તે યુવાન તરફ જોઈને કહ્યું,
"પુત્ર શાશ્વત, તું આજે મારા આશ્રમમાં જ રોકાઇ જજે અને મને સ્પર્ધાનું આયોજન કરવામાં મદદ કરજે."
"હા ગુરુદેવ,હું માત્ર રાજકુમાર વિદ્યુતને પ્રોત્સાહિત કરવા માટે અને તમને આયોજનમાં સહાયતા કરવા માટે જ સારંગગઢ આવ્યો છું."શાશ્વતે કહ્યું અને બધાને ફરીથી પ્રણામ કરી સ્પર્ધાનું આયોજન કરવામાં લાગી ગયો.
"મિત્ર તપન,તું તારું કાર્ય પૂરું કરી લે ત્યાં સુધીમાં અમે આશ્રમ જોઇ લઇએ."ગુરુ સંદીપે કહ્યું અને બધાને લઇને આશ્રમ જોવા ગયાં.તેઓનાં ગયા બાદ ગુરુ તપને પોતાના શિષ્યને નારાજગીથી કહ્યું,
"પુત્ર,તું હવે જઇ શકે છે.તારે આયોજનમાં મદદ કરવાની જરૂર નથી."
"પરંતુ ગુરુજી,શાશ્વત પણ સારંગગઢનો રહેવાસી જ હતો એટલે મેં એમ કહ્યું હતું."
"પુત્ર,તું પણ જાણે છે કે એનો ગુસ્સો વ્યાજબી છે અને તારાથી એનાં પર કટાક્ષ કરી ભુલ થઇ છે.તેથી દંડ સ્વરૂપે હું તને આયોજન કરવામાંથી મુક્ત કરું છું."
...
સૂર્યોદય થતાં જ તપોવન આશ્રમનાં ક્રીડાંગણમાં એક પછી એક ગુરુઓ અને શિષ્યો આવવાં લાગ્યાં.ગુરુ તપન દ્વારા આ સ્પર્ધાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આસપાસનાં રાજ્યોમાંથી રાજાઓ આ સ્પર્ધાનું નિરીક્ષણ કરવાં આવ્યાં હતાં.તપોવન સારંગગઢની સીમાથી થોડે દુર આવેલ આશ્રમ હતો.પરંતુ આ આશ્રમ સારંગગઢનો જ એક ભાગ હોવાથી સારંગગઢની પ્રજા પણ આ પ્રતિયોગીતા જોવા ઉમટી પડી હતી.ત્યાંની પ્રજાની ઉત્સુકતાનું એક અન્ય કારણ હતું,સારંગગઢનાં પુર્વ રાજા યુવરાજસિંહનો નાનો પુત્ર વિદ્યુત.
વિદ્યુત ગુરુ તપનનો શિષ્ય હતો અને આ વર્ષે એ પણ આ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો.થોડાં સમય બાદ તે પોતાનાં ગુરુ તપન અને શાશ્વત સાથે ક્રીડાંગણમાં પ્રવેશ્યો.તેઓને જોતાં જ સારંગગઢની પ્રજા 'રાજકુમાર વિદ્યુતની જય ' , 'ગુરુશ્રી તપનની જય ' નો પોકાર કરી વિદ્યુતનો ઉત્સાહ વધારવા લાગી.ગુરુ તપને દુર ઉભેલા અર્જુન તરફ જોઈને કહ્યું કે, "વિદ્યુત, આ અર્જુન છે.તારો સૌથી મોટો પ્રતિસ્પર્ધી."
ગુરુ તપનની વાત સાંભળીને વિદ્યુત અને શાશ્વત બંનેએ અર્જુન તરફ જોયું.અર્જુન પણ પોતાના પ્રતિસ્પર્ધી વિદ્યુતનું અવલોકન કરી રહ્યો હતો પરંતુ બરાબર એ જ સમયે દુષ્યંતે તેને બોલાવ્યો તેથી અર્જુનનું ધ્યાન તેની તરફ જોઈ રહેલ વિદ્યુત તરફ ન ગયું.
ગુરુ તપને આવીને આશ્રમમાં ઉપસ્થિત બધાનું સ્વાગત કર્યું અને ત્યાર બાદ સ્પર્ધા વિશે માહિતી આપતાં કહ્યું,
"સૌપ્રથમ હું આ પ્રતિયોગીતામાં ભાગ લેનાર બધા જ રાજકુમારોને શુભેચ્છા પાઠવું છું. આ વર્ષે,આ સ્પર્ધા પાંચ ભાગમાં થશે.પહેલાં ત્રણ ભાગમાં બે-બે રાજકુમારો વચ્ચે હરીફાઈ થશે.એમાં જે પાંચ રાજકુમારોનો વિજયથશે એ ચોથા ભાગમાં પહોંચશે.અંતે,જે બે રાજકુમારો વિજયી થઇને પાંચમા ભાગમાં પહોંચશે તેમની વચ્ચે હરીફાઇ થશે અંતિમ ભાગમાં.તેમાં જે રાજકુમાર વિજયી થશે તેને મળશે બિરુદ 'યોદ્ધા'નું અને તેનાં ગુરુને આવનારી સ્પર્ધાનું આયોજન કરવાની તક."
ગુરુ તપન સ્પર્ધા વિશે માહિતી આપી રહ્યાં હતાં ત્યારે તેમનો એક શિષ્ય તેમની પાસે આવ્યો અને તેઓનાં કાનમાં કંઇક કહ્યું. તેની વાત સાંભળીને ગુરુ તપન પોતાના શિષ્યને ચર્ચાનો દોર હાથમાં આપ્યો.
“મહાનુભવો,સારંગગઢનાં પુર્વ મહાન રાજા શ્રી યુવરાજસિંહનાં જ્યેષ્ઠ પુત્ર, ગુરુ તપનનાં પુર્વ શિષ્ય, સાત વર્ષ પૂર્વે યોજાયેલી યોદ્ધા પ્રતિયોગીતાનાં વિજેતા, સારંગગઢનાં રાજા શ્રી સારંગ પધારી રહ્યા છે.”
ક્રીડાંગણમાં એક રથ આવીને ઉભો રહ્યો. તેમાંથી દુષ્યંત કરતાં એકાદ વર્ષ મોટો સારંગગઢનો રાજા સારંગ નીચે ઉતર્યો.તેનાં ક્રીડાંગણમાં દાખલ થતાં જ શોરબકોર કરી રહેલ પ્રજા શાંત થઈ ગઈ.બધા એકી અવાજે બોલવાં લાગ્યા,
“મહારાજ સારંગની જય.”
“મહારાજ સારંગની જય.”
પહોળો ખભો, મજબુત ભુજાઓ,ચહેરા પર એક પ્રકારની કરડાકી સારંગનાં વ્યક્તિત્વને અનેરું બનાવતાં હતાં. તેણે પોતાની જગ્યા પર બેસી બધા સામે નજર ફેરવી.તેની નજર શાશ્વત સામે અટકી.તે બંનેએ એકબીજા સામે ધારદાર નજરે જોયું.જે અર્જુનથી છૂપું ન રહ્યું.માત્ર ઉત્સુકતાનાં લીધે તેણે પોતાની બાજુમાં રહેલ શોર્યસિંહ જેને તે દાદા કહી સંબોધતો તેઓને પૂછ્યું,
“દાદા, જ્યારે સારંગગઢનાં પુર્વ રાજા સ્વર્ગીય યુવરાજસિંહનો નાનો પુત્ર વિદ્યુત ક્રીડાંગણમાં આવ્યો ત્યારે બધી પ્રજાએ તેનું ઉત્સાહથી સ્વાગત કર્યું જ્યારે મહારાજ સારંગનાં સ્વાગતમાં ઉત્સાહની સાથે-સાથે ડર કેમ?”
“પુત્ર, મહારાજ સારંગ બહુ કડક રાજવી છે.કદાચિત તેનાં કારણે પ્રજામાં થોડો-ઘણો ડર હોય.”
“આજની આ સ્પર્ધા શરૂ થાય છે.”ગુરુ તપને જોશ સાથે કહ્યું.
અર્જુને સારંગ પરથી હાલ પુરતું ધ્યાન હટાવી શોર્યસિંહ,ગુરુ સંદીપ અને દુષ્યંતનાં આશીર્વાદ લીધાં.બાકી બધા ભાઈઓને ગળે મળી અર્જુન મેદાનમાં ગયો.
સ્પર્ધાની શરૂઆત થઈ. પ્રથમ ત્રણ ભાગ પુર્ણ થયાં જેમાં અર્જુન, વિદ્યુત અને અન્ય ત્રણ રાજકુમારો વિજયી થયાં. ત્યાર બાદ શરૂ થયો ચોથો ભાગ.ગુરુ તપને તેના વિશે માહિતી આપતાં કહ્યું,
રાજકુમારો,અહીં તમારી સમક્ષ બે લોલક રાખવામાં આવ્યાં છે.તેને હું જુદી-જુદી ગતિ આપી, અલગ-અલગ દિશામાં દોલન કરાવીશ.તમને બધાને ચોક્કસ રંગના બે તિર આપવામાં આવશે. જે બે રાજકુમારો માત્ર બે તિર વડે જ આ બંને લોલકને ભેદવામાં સફળ રહેશે તે આગળનાં ભાગમાં પહોંચશે.”એટલું કહી ગુરુ તપને બંને દોલકોને ગતિ આપી અને હાથ વડે ઇશારો કરી પાંચેય રાજકુમારને તિર ચલાવવાનું કહ્યું.