પદમાર્જુન - (ભાગ -૭) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પદમાર્જુન - (ભાગ -૭)

શ્લોક પણ પોતાની કુટિરમાં આડો પડ્યો.પરંતુ આજે નીંદરનાં બદલે પદ્મિનીએ તેની આંખોમાં સ્થાન લઇ લીધું હતું.
બીજે દિવસે સવારે ઉઠીને શ્લોકની આંખો પદ્મિનીને શોધવા લાગી.આખરે તેની શોધ બગીચામાં પુરી થઇ. પદ્મિની બગીચામાં ફુલો ચુંટી રહી હતી. શ્લોકે આજુ-બાજુ જોયું. શારદાદેવી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા અને બહાર પદ્મિની સિવાય બીજું કોઈ દેખાતું નહોતું.

તે પદ્મિની પાસે જઇને ઉભો રહ્યો. પદ્મિનીએ તેની ભુજાઓ સામે જોઇને પૂછ્યું,

“કેમ છે તમારી ભુજાઓમાં?”

“હવે સારું છે.”શ્લોકે કહ્યું.

પદ્મિની ફરીથી ફૂલ ચૂંટવા લાગી.શ્લોક વિચારી રહ્યો હતો કે પોતાના મનમાં ચાલી રહેલા વિચારો પદ્મિની સમક્ષ કેવી રીતે રજૂ કરવા. અંતે તેને શરૂઆત કરી.

“પદ્મિની,મારે તારી સાથે વાત કરવી છે.”

“હા, કહોને.”

શ્લોકે હિંમત એકઠી કરી અને કહ્યું, “પદ્મિની મને તારો સાથ,તારી સાદગી,તારી બધી જ વાતો ગમે છે.”આ સાંભળીને પદ્મિનીએ શ્લોક સામે જોયું.

શ્લોકે પોતાની આંખો બંધ કરી અને કહ્યું, “મને…મને તું ગમવા લાગી છો.”એટલું કહી પદ્મિનીનાં ચહેરા પરના હાવભાવ જોવા શ્લોકે પોતાની આંખો ખોલી.પદ્મિની સ્તબ્ધ બનીને તેની સામે જોઇ રહી હતી.

શ્લોકે પદ્મિનીની આંખોમાં જોયું અને કહ્યું, “પદ્મિની,મેં તારો ચહેરો હજુ સુધી એક વાર પણ નથી જોયો છતાં પણ તારી અંદરની સુંદરતા મારાં હૃદયને સ્પર્શી ગઈ છે. મારું હૃદય હવે તારો સાથ ઝંખે છે. શું તું મારાં હૃદયની આ મનોકામના પૂર્ણ કરીશ?”

પદ્મિનીનાં મનમાં ભૂતકાળનું એક અસ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું, રાત્રીનો સમય, ખળખળ વહેતી નદી,ઉંચા પહાડો,નદી કાંઠે બેથેલ એક યુવતી અને તેની બાજુમાં બેઠેલ એક યુવાન.ધીરે-ધીરે એ ચિત્ર સ્પષ્ટ થવાં લાગ્યું.

“પદ્મિની.”શ્લોકે પદ્મિનીને વિચારોમાં ખોવાયેલી જોઈને કહ્યું.
પદ્મિનીએ શ્લોકની સામે જોયું.શ્લોકને એ આંખો ઘણી લાચાર લાગી.

“શ્લોક, મારે થોડું કામ છે. આપડે પછી મળીયે.”એટલું કહી પદ્મિની ત્યાંથી જતી રહી.

શ્લોકને લાગ્યું કે પદ્મિની શરમાઈને ત્યાંથી ચાલી ગઇ હશે.તેથી તે મુસ્કુરાયો અને પોતાની આંખોમાં સુંદર ભવિષ્યના સપનાઓ સજાવવા લાગ્યો.આ તરફ પદ્મિની પોતાની કુટિરમાં જઈને પોતાનો ભૂતકાળ યાદ કરી રડવા લાગી.

શારદાદેવી પોતાની શિષ્યાઓએ નૃત્ય શીખવાડી પોતાની કુટિરમાં આવ્યાં. શ્લોક જાણે તેમનાં આવવાની રાહ જ જોતો હોય એમ એમને જોઈને સીધો બોલ્યો,

“માતા, મારે તમને એક વાત કહેવી છે.”

“હા પુત્ર, કહે.”

“માતા, મેં તમારું એક કામ ઓછું કરી દીધું છે.”

“કયું કામ પુત્ર?”શારદાદેવીએ આશ્ચર્યથી પૂછ્યું.

“માતા, મેં તમારા માટે પુત્રવધૂ શોધી લીધી છે.”શ્લોકે શરમાઈને કહ્યું.

“કોણ પુત્ર?”શારદાદેવીએ ઉત્સુકતાથી પૂછ્યું.

“માતા, તમે એને ઓળખો છો અને મારી જાણકારી પ્રમાણે તેને પસંદ પણ કરો છો.”

“શ્લોક, પુત્ર આમ પહેલીઓ ન બનાવ.”શારદાદેવીને જાણે એ નામ ખબર જ હોય એ રીતે ખુશ થઈને કહ્યું.

“માતા, જેણે તમારા પુત્રનું મન મોહી લીધું છે એ યુવતી બીજું કોઈ નહીં પરંતુ પદ્મિની છે.”શ્લોકે ઉત્સુકતાથી કહ્યું.

પદ્મિનીનું નામ સાંભળીને શારદાદેવી સ્તબ્ધ થઇ ગયા. તેઓને સમજમાં નહોતું આવતું કે પોતાના પુત્રને શું જવાબ આપવો.એવું ન હતું કે તેઓને પદ્મિની પસંદ નહોતી,પરંતુ જો શ્લોકની વાત માની લે તો છ વર્ષ પહેલાં પોતે આપેલ વચનનું શું?આ વાત વિચારી તેઓ મૂંઝવણમાં પડી ગયા.
“પુત્ર, ભોજનનો સમય થઇ ગયો છે. માટે પહેલાં ભોજન કરી લઈએ.”પોતાની મૂંઝવણને હાલ પૂરતી ટાળવા શારદાદેવી બોલ્યાં.

શ્લોકને માતા પાસેથી આટલાં ઠંડા પ્રતિભાવની અપેક્ષા નહોતી. છતાં પણ શિસ્તમાં કડકપણે માનનારા પોતાના માતાનાં સ્વભાવ વિશે જાણતો હોઈ તે કંઈ ન બોલ્યો.

બીજે દિવસે સવારે શારદાદેવી રોજ કરતાં થોડાંક વહેલાં ઊઠી ગયાં.તેઓ દરરોજની જેમ વૃક્ષ નીચે બેઠા હતાં. થોડી વાર બાદ પદ્મિની સ્નાન કરીને આવી.તેને જોઈને શારદાદેવીએ પૂછ્યું,

“પુત્રી, તું પણ આજે વહેલી ઉઠી ગઈ?”

“હા ગુરુમાં.”પદ્મિની શારદાદેવી પાસે ગઈ અને તેઓને પગે લાગી.

“ખુશ રહે બેટા.”શારદાદેવીએ પદ્મિનીને આશીર્વાદ આપ્યાં અને પોતાની બાજુમાં બેસાડી.

“પુત્રી, મારે શ્લોક વિશે તારી સાથે થોડી ચર્ચા કરવી છે.”શારદાદેવીએ પદ્મિનીનાં હાવભાવ જોતા કહ્યું.

“જી ગુરુમાં, કહો.”પદ્મિનીએ ગુરુમાંની આંખોમાં જોઈને કહ્યું.

“પુત્રી, મારા પુત્ર શ્લોકને તું પસંદ છો અને એ તારી સાથે વિવાહ કરવાં માંગે છે.”

શારદાદેવીની વાત સાંભળીને પદ્મિની ચુપ રહી.તેથી તેઓએ કહ્યું,

“પરંતુ એ શક્ય નથી પુત્રી.એવું નથી કે મને તું પસંદ નથી પરંતુ હું વચને બંધાયેલી છું. વર્ષો પહેલાં મારી સખી જ્યારે પોતાના અંતિમ શ્વાસ લઇ રહી હતી ત્યારે તેણે મારી પાસેથી વચન લીધું હતું કે હું તેની પુત્રી એટલે કે મેઘાનું જીવનભર ધ્યાન રાખું અને તે જ્યારે ઉંમરલાયક થાય ત્યારે તેનાં વિવાહ મારા પુત્ર શ્લોક જોડે કરાવું.”

“તેથી મને માફ કરી દે પુત્રી પરંતુ હું મેઘા અને મારી સ્વર્ગસ્થ સખીને અન્યાય નહીં કરી શકું. પરંતુ હું તારી સાથે અને શ્લોકની ભાવનાઓ સાથે પણ અન્યાય કરવા નથી માંગતી.હવે તું જ મને કહે હું શું કરું?”

પદ્મિની હસી અને કહ્યું, “ગુરુમાં તમે મારા મન પરનો ભાર હળવો કરી દીધો. કારણકે હું મારું હૃદય પહેલા જ બીજા કોઈને આપી ચુકી છું. તેથી મને શ્લોક અને તેની લાગણીઓની બહુ ચિંતા થઈ રહી હતી. પરંતુ શ્લોક માટે મેઘા જેવી સરસ જીવનસંગીની શોધીને તમે મારા મનનો ભાર હળવો કરી દીધો. હવે હું ખુશી-ખુશી આ આશ્રમમાંથી જઇ શકીશ.”

પદ્મિની પોતાના ફેંસલાથી જરા પણ દુઃખી નથી એ સાંભળીને શારદાદેવીને બહુ જ આનંદ થયો પરંતુ પદ્મિની આ આશ્રમ છોડીને જાવ માંગે છે એ જાણીને તેઓ ફરીથી દુઃખી થઈ ગયા અને કહ્યું,

“પુત્રી, શ્લોક સમજદાર છે માટે હું તેને આ વિશે સમજાવી દઇશ અને મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારી વાત ક્યારેય નહીં ટાળે. પરંતુ એ માટે તારે આશ્રમ છોડવાની આવશ્યકતા નથી.”

“નહીં ગુરુમાં, હું શ્લોકનાં કારણે આ આશ્રમ છોડીને નથી જઈ રહી.એ બાબતે તમે નિશ્ચિંત રહો.”

“તો પુત્રી તું ક્યાં કારણોસર આ આશ્રમ છોડવા માંગે છે?”
“તમે તો જાણો છો કે મારી પાસે આશ્રય નથી.તેથી એ વાતથી દુઃખી થવાને બદલે હું એવું માનું છું કે ભગવાને મને સુંદર ભારતવર્ષમાં ભ્રમણ કરવાનો મોકો આપ્યો છે.”પદ્મિનીએ પોતાની આંખોમાં આવી ગયેલ આંસુ લૂછયાં અને ફરીથી કહ્યું,

“ગુરુમાં, ખુબ ટૂંકા સમયમાં જ હું આ આશ્રમ સાથે લાગણીએ બંધાઇ ગઇ છું. જો અત્યારે હું આ આશ્રમ નહીં છોડું તો ભવિષ્યમાં મને જ તકલીફ પડશે અને પછી હું ભારત ભ્રમણનું મારુ સપનું કઇ રીતે પૂરું કરી શકીશ?તેથી મને અહીંથી જવાની આજ્ઞા આપો.”

ગુરુમાંએ પોતાની આંખોમાં આવી ગયેલ આંસુ લૂછયાં અને પદ્મિનીનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું,

“પુત્રી,તું થોડો સમય રાહ જો.ત્યાં સુધીમાં મેઘા અને શ્લોક પણ ઉઠી જાય અને હું નગરમાંથી સૈનિકો બોલાવી લવ જે તને જંગલથી દૂર સુરક્ષિત મૂકી જાય.”

“નહીં ગુરુમાં, એની કોઇ આવશ્યકતા નથી.મને જંગલના રસ્તે ચાલવાની આદત છે અને શ્લોક અને મેઘાની ઉઠવાની રાહ નથી જોવી.કારણકે જો તેઓ ઉઠ્યાં તો મને નહીં જવાં દે.”પદ્મિનીએ લાગણીભીના અવાજે કહ્યું અને શારદાદેવીને પગે લાગી.

“પુત્રી, તું કઇ જગ્યાએ જઇશ?”

“જ્યાં મારી નિયતિ લઇ જાય.”પદ્મિનીએ કહ્યું અને ફરીથી એક નવાં સફર ઉપર નીકળી પડી.પદ્મિનીને સપને પણ કલ્પનાં ન હતી કે આ સફર અત્યાર સુધી જે ભુતકાળથી ભાગતી આવી છે એ ભૂતકાળ તેની સામે લાવી દેશે.