પદમાર્જુન - (ભાગ-6) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પદમાર્જુન - (ભાગ-6)

શાંતિ આશ્રમ
શ્લોક પોતાની કુટિરમાં આરામ કરી રહ્યો હતો. શારદાદેવી તેની સામે બેઠા હતા.
“અરે તું લેપ લઇ આવી?”શારદાદેવીએ કહ્યું.
શ્લોકને લાગ્યું કે પદ્મિની લેપ લઈને આવી હશે. તેથી તેણે ઉત્સાહપૂર્વક પાછળ ફરીને જોયું પરંતુ પદ્મિનીનાં બદલે મેઘાને જોઈને તેનો ઉત્સાહ ઘટી ગયો.મેઘાએ શ્લોકનો ઘાવ સ્વચ્છ કરી ફરીથી લેપ લગાવી દીધો.
“ગુરુમાં, બધા આવી ગયા છે.”મેઘાએ કહ્યું.
“પુત્ર શ્લોક, આજનો દિવસ તું આરામ કરજે. હું નગરમાંથી કોઈકને બોલાવી લઇશ કઇ કામ પડશે તો.”શારદાદેવીએ કહ્યું અને તેઓ અને મેઘા કુટિરની બહાર નીકળ્યા.
એકલો પડેલો શ્લોક વિચારવા લાગ્યો, “મેઘાતો મારા બાળપણની સખી છે અને મને તેનો સાથ ગમે છે. છતાં પણ અત્યારે પદ્મિનીનાં બદલે મેઘા લેપ લગાડવા આવી એ મને કેમ નહીં ગમ્યું હોય?શું મને પદ્મિનીની હાજરી ગમવા લાગી હશે?”
શ્લોકનો ઘા ધીરે-ધીરે રુઝાઈ ગયો હતો. તેથી શારદાદેવીએ તેને પોતાની પાસે બોલાવ્યો.
“પુત્ર શ્લોક, આશ્રમમાં આવતી સ્ત્રીઓ માટે થોડીક જડીબુટ્ટીઓની આવશ્યકતા છે. પદ્મિનીને એ વિશે સારું જ્ઞાન છે. માટે તું પદ્મિની અને મેઘા સાથે વનમાં જા અને જરૂરી જડીબુટ્ટી લઇ આવ.”
“જી માતા.”શ્લોકે ખુશ થઈને કહ્યું.
“અને સ્મરણ રહે સૂર્યાસ્ત પહેલાં આશ્રમમાં આવી જજો. કારણકે વનમાં જંગલી પશુઓનો ભય બહુ રહે છે.”શારદાદેવીએ ત્રણેયને સુચના આપતા કહ્યું.
“જી માતા.”
“જી ગુરુમાં.”
ત્રણેય જરૂરી વસ્તુઓ લઇ વન તરફ ગયાં. તેઓએ ધીરે-ધીરે ચાલવાનું શરૂ કર્યું.તેથી જડીબુટ્ટી સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં બપોર થઇ ગઇ. થાકના લીધે ત્રણેયે સારી જગ્યા શોધીને ભોજન કર્યું અને ત્યાર બાદ આરામ કર્યો.
થોડા સમય બાદ પદ્મિની કહેતી ગઈ એ બધી જડીબુટ્ટીઓ એકઠી કરી બધા આશ્રમ તરફ પરત ફર્યા. તેઓ અડધે રસ્તે પહોંચ્યા હશે કે અચાનક શ્લોક ઊભો રહી ગયો અને સામેની ઝાડીઓ તરફ જોવા લાગ્યો.
“શું થયું શ્લોક?”મેઘાએ પૂછ્યું.
“શશશ…”પદ્મિનીએ ઝાળીઓ તરફ જોયું અને મેઘાને ચુપ રહેવાનો ઇશારો કર્યો.
શ્લોક મેઘા અને પદ્મિનીની આગળ ઉભો રહી ગયો અને ઝાડીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું, “ત્યાં કંઇક છે.”
ત્યાં જ એ ઝાળીઓમાંથી એક માદા વાઘ બહાર આવી.તેની શિકારી અને ભૂખી આંખો જોઈને ત્રણેયનાં કપાળ ઉપર પ્રસ્વેદ બિંદુઓ બાજી ગયાં. માદા વાઘને જોઇને મેઘા ખુબ ડરી ગઈ અને આશ્રમ તરફ ભાગવા લાગી.તેને ભાગતી જોઈને શ્લોક જોશથી ચિલ્લાયો,
“મેઘા નહીં.”
પરંતુ ત્યાં સુધીમાં તો મેઘાને ભાગતી જોઈને માદા વાઘે તેની તરફ તરાપ મારી.પણ શ્લોકે સમય સુચકતા વાપરીને મેઘાની તરફ દોડ્યો અને માદા વાઘ જેવો તેનાં પર હુમલો કર્યો કે તરત જ તેનાં આગળના પંજા પકડી લીધા. માદા વાઘ ધાર્યા કરતાં ખુબ વધારે બળવાન હતી. માટે શ્લોકનું તેની સામે ટકી રહેવું મુશ્કેલ હતું.એ જોઈને મેઘા જોશ-જોશથી મદદ માટે બુમો પાડવા લાગી.આ બધામાં શ્લોકની તલવાર પદ્મિનીનાં પગ પાસે પડી ગઈ હતી.
પદ્મિનીએ ધીમેથી નીચે પડેલ તલવાર ઉઠાવી અને દબાતા પગે માદા વાઘ તરફ આગળ વધી. લાગ જોઇને તેણે માદા વાઘનાં પગમાં તલવારથી ઊંડો ચીરો કરી દીધો.તેથી માદા વાઘ શ્લોકને છોડી લંગડાતી-લંગડાતી ઝાળીઓમાં પાછી ચાલી ગઈ.બધાએ હાશકારો અનુભવ્યો.
પદ્મિનીએ શ્લોકને ઉભો થવામાં મદદ કરી.તેની ભુજાઓમાં અમુક જગ્યાએ થોડી ઘણી ખરોચ આવી હતી.પદ્મિનીએ પોતાના થેલામાંથી જડીબુટ્ટી કાઢી તેનાં ઘાવ ઉપર લગાવી દીધી.શ્લોક પદ્મિનીને જોઇ રહ્યો. એ વાતથી અજાણ પદ્મિની મેઘા સામે જોઈને બોલી,
“મેઘા,આવી રીતે કોઇ શિકારી જાનવર અચાનક સામે આવી જાય અને આપણે શસ્ત્રહીન કે એકલા હોય ત્યારે ક્યારેય પણ સીધું ભાગવું નહીં.કારણકે તું ગમે તેટલી ઝડપથી ભાગ છતાં પણ તે તારા પર તરાપ મારી તને પકડી જ લેશે.માટે જાનવરનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરવી અથવા તો તે આપણી તરફ આવે ત્યારે તેની આંખોમાં ધૂળ નાખી દેવી કે અન્ય કોઈ ઉપાય કરવો.”
“મને માફ કરી દો.હું ગભરાઈ ગઇ હતી.”મેઘાએ માફી માંગતા કહ્યું અને પદ્મિનીનાં વખાણ કરતા બોલી,
“પરંતુ પદ્મિની તું ખરેખર અદભુત છો.”
“હા પદ્મિની, ખરેખર તું અદભુત છો. મતલબ કે તું ભોજન પણ ખુબ સરસ બનાવે છે,તારામાં આયુર્વેદનું પણ સારું એવું જ્ઞાન છે અને એટલું જ નહીં પરંતુ તને શસ્ત્રો ચલાવતાં પણ આવડે છે.હવે એવી કોઈ કળા છે જે તને ન આવડતી હોય?”શ્લોકે કહ્યું.
આ સાંભળી પદ્મિની વિચારોમાં ખોવાઈ ગઈ, “મારી સર્વગુણસંપન્ન સખી આપડે જલ્દી મળીશું.”
“પદ્મિની…પદ્મિની…ક્યાં ખોવાઈ ગઇ?”મેઘાએ પદ્મિનીને ઢંઢોળતા પૂછ્યું.
“ક્યાંય નહીં. ચાલો હવે.આપડે સૂર્યાસ્ત સુધીમાં આશ્રમેં પણ પહોંચવાનું છે.”પદ્મિનીએ કહ્યું.
બધા આશ્રમ તરફ ચાલતાં થયા. મેઘા અને પદ્મિની આગળ વાતો કરતી-કરતી ચાલી રહી હતી. શ્લોક સાવધાની પુર્વક ચારે તરફ ધ્યાન રાખી ચાલી રહ્યો હતો.વચ્ચે-વચ્ચે તે ક્યારેક પદ્મિની સામે જોઈ લેતો.થોડાં સમય બાદ બધા આશ્રમે પહોંચ્યા. શ્લોકની ભુજાઓ જોઈને શારદાદેવીએ પૂછ્યું,
“પુત્ર, આ તારી ભુજાઓ પર શું થયું.”
શ્લોકે વનમાં જે કંઇ થયું એ શારદાદેવીને કહ્યું.એ બધું સાંભળી શારદાદેવીએ ચિંતાથી પૂછ્યું,
“તમે બધા કુશળ તો છો ને?”
“હા માતા, અમે બધા કુશળ છીએ. તમે ચિંતિત ન થાઓ.”
એ સાંભળી શારદાદેવીએ રાહતનો શ્વાસ લીધો અને બોલ્યા, “તમે ત્રણેય થાકી ગયા હશો. માટે ભોજન કરી આરામ કરો.”
“જી માતા.”
“જી ગુરુમાં.”
ત્રણેય ભોજન કરી પોત -પોતાની કુટિરમાં ગયાં. મેઘા અને પદ્મિની થાકનાં કારણે જઈને સીધા જ સુઇ ગયા. શ્લોક પણ પોતાની કુટિરમાં આડો પડ્યો.પરંતુ આજે નીંદરનાં બદલે પદ્મિનીએ તેની આંખોમાં સ્થાન લઇ લીધું હતું.