બાળક એટલે ફેસીનેશન? Mahendra Sharma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળક એટલે ફેસીનેશન?

બાળક એટલે ફેસીનેશન?

હું મારા બાળપણથી મારા માતૃ પક્ષ એટલે નાની-નાના ના ઘર બાજુ રહ્યો છું. મારા મમ્મી અમદાવાદના અને પપ્પા રાજસ્થનથી અમદાવાદ કામની ખોજમાં આવ્યા, તેઓના લગ્ન પછી અમદાવાદમાં જ એમણે રહેવાનું પસન્દ કર્યું. અહીં મારા નાનાનું ખૂબ મોટું કુટુંબ, 8 ભાઈ અને 2 બેન, 4 પિતરાઈ ભાઈ અને બીજા ઘણા સબંધો અડધા કિલોમીટરની રેન્જમાં જ રહે. એમના ઘરે બાળકો પણ ઓછા નહીં. મમ્મી અને ભાઈ બેનો થઈ નાના ને કુલ 8 સંતાનો. નાના ના બધા ભાઈઓને 5 થી 8 સંતાનો, એમ કુલ થઈને મારા નાનાનું કુટુંબ લગભગ 150 કે 180 માણસોનું હતું જે એક જ વિસ્તારમાં રહેતું.

હવે વાત એમ છે કે હું નાનો હતો ત્યારે મારા મામા માસીઓ મોટા થઈ રહ્યા હતા એટલે પરણવાની ઉંમર થઈ રહી હતી, દર વર્ષે 3 થી 4 લગ્નો આ કુટુંબમાં થાય. એટલે મારે આવતા 10-12 વર્ષમાં લગભગ 30 એક લગ્ન મારે જોવાના હતા. દરેક લગ્નમાં 2 થી 4 ટંકનું ખાવાનું રહે અને અમૂકમાં 8 ટંકનું પણ હોય. એમાં ખાસ વસ્તુ જે મારું ધ્યાન આકર્ષતી એ હતી મુવી કેમેરા.

આ વાત છે 85થી 95ના દસકાની. ત્યારે દુનિયા ફોટો કેમેરાથી મુવી કેમેરા તરફથી વળી રહી હતી . આ વિડ્યો કેમેરાથી લગ્નોમાં શૂટિંગ મને વિશેષ આકર્ષિત કરતું. એમાંય લાંબા કદના કેમેરામેન મુંહમાં પાન અને હાથમાં કેમેરો, એક આંખ બંધ કરીને શુટ કરવું, કોઈ પાણી આપી જાય, કોઈ નાસ્તો પૂછવા આવે, બધું મને ખુબ ફેસીનેટ કરતું.

એથીયે વિશેષ વાત કે એ કે એ કહે એવું વર અને વધુ કરે, એટલે શૂટિંગ માટે બધા પોઝ આપે, અને હજી આગળ, દુલ્હન તૈયાર થાય તયારે પહેલાં એના રૂમમાં કેમેરામેનને એન્ટ્રી મળે. એટલે વર જુએ એ પહેલાં સુંદર દુલ્હનને કેમેરામેન જુએ. નાનપણમાં નવી નવેલી દુલ્હનને જોવાની હરખ રહેતી, અમે બધા બચ્ચા પાર્ટી દુલ્હનના રૂમને શોધીને ત્યાં પહોંચી જઈએ. પણ ત્યાં એન્ટ્રી મળે નહીં, એ રૂમના ચોકીદાર એટલે દુલ્હનના ભાઈ કે કાકા ઘસીને ના પાડી દે, કે અંદર શૂટિંગ ચાલે છે, અંદર નહીં જવું. પછી અમે પાછલા બારણે કે બારીમાંથી શૂટિંગ જોયા કરીએ. દુલ્હન જાત જાતના પોઝ આપે, ચેહરા આગળ બે હાથ લઈએ જય અને બંધ કરે, હાથ ધીરે ધીરે ખોલે. હાથ અને પગની મહેંદી દેખાડે, સ્માઈલ આપીને પોઝ આપે. બે હાથમાં દુલ્હાનો ફોટો દેખાય એ રીતે હાથ બંધ કરે અને ખોલે. આ બધું કેમેરામાં એક કે બે ટેકમાં કેદ થાય.

દુલ્હન એજ પોઝ આપે જે કેમેરા વાળો કહે છે. એટલે આ કેમેરામેન તરફ મારું ગજબનું આકર્ષણ ઉભું થયું. જાણે હમણાં એની પાસેથી કેમેરા લઉં અને દુલ્હનને કહી દઉં કે હવે હું કહું એમ પોઝ આપો. આ ફેસીનેશન એટલું કે ઘણા લગ્નોમાં મેં કેમેરામેન ની જેમ રમકડાનું કેમેરા પકડી આખે આખા લગ્ન શૂટ કર્યા અને મનમાં થયું એક દિવસ સાચે સાચો કેમેરા પકડીશ.

આ લાલસા પુરી થઈ જ્યારે દસમાંના વેકેશનમાં પપ્પાએ પેલા કેમેરામેનને કહ્યું કે મારા દીકરાને વિડ્યો શૂટ શીખવાડ. એ ભાઈ શીખવાડવામાં રસ નહોતા ધરાવતા, એમને લાગ્યું કે આ છોકરો શીખે અને ખરેખર કેમેરો લાવી દે તો મારી કોમ્પિટિશન બની જાય. એટલે એમણે વાત ટાળવા પપ્પાને કહ્યું કે થોડીક દૂર મારો બીજો મિત્ર છે, જો તમે કહો તો ત્યાં ગોઠવી આપું. એમને ખબર હશે કે પપ્પા આ 15 વર્ષના છોકરાને બહુ દૂર નહીં મોકલે. પણ મેં તો જીદ પકડી, કહ્યું મને વાંધો નથી, શીખવા દો મને.એટલે છેવટે પહોંચી ગયો પેલા વિડ્યો ગ્રાફર ભાઈ પાસે.

એ વિડયોગ્રાફર ભાઈ પાસે કામ બહુ નહોતું લાગતું. મને ઓફિસમાં બેસાડી રાખે. થોડા કેમેરાના બટન દુરથી દેખાડે અને એ બટન વિષે સમજાવે, પણ કેમેરા હાથમાં આપે નહીં. મને એક એક દિવસ નિરાશા મળતી, રોજ આ ભાઈને પૂછું કે કાલે જઈશું લગ્નમાં શૂટ કરવા અને આ ભાઈ કહે ખબર નહીં. કેમ કે એને પણ સબ કોન્ટ્રાક્ટમાં કામ મળતું.

છેવટે આ ભાઈને એક ઓર્ડર મળ્યું. બહાર ગામ જવાનું થયું, મમ્મીએ ઘસીને ના પાડી, પપ્પાએ પણ ના પાડી પણ મને આ વિડયોગ્રાફર સાથે બહાર ગામ જવું જ હતું. એટલે હું આ ભાઈ સાથે રાજસ્થાન એક લગ્નના શૂટિંગમાં પહોંચી ગયો. આ મારી પહેલી પ્રોફેશનલ મુસાફરી કહેવાય.

મને કેમેરામેન સાથે લાઈટ પકડવાનું કામ આપ્યું. બહુ સારું નહોતું લાગ્યું પણ મને લાગ્યું કે આ પ્રથમ પગથિયું હશે વિડયોગ્રાફી શીખવા માટે. 2 દિવસ ડે નાઈટ કામ કરવાનું થતું, અને છેલ્લે મને જે દિવસની ઇન્તેજારી હતી એ આવ્યું, એક દિવસ એમણે મેં કેમેરો હાથમાં આપી જ દીધો, એ દિવસ મારા આનંદની કોઈ સીમા નહોતી. સાથે જ પહેલી વખત હાથમાં કેમેરાનો હરખ, એટલે આમ તેમ કેમેરો ફેરવ્યો. જાણે કોઈ સિપાહી ચારે બાજુ રાઇફલ ચલાવતો હોય. 5 મિનિટની જિંદગી ત્યાં પુરી થઈ.એટલામાં તો ભાઈ ગુસ્સે ભરાઈ ગયા. કેમેરો મારી પાસેથી છીનવી લીધો. મને ધમકાવ્યા , ખખડાવ્યા કે કેમેરો નીચે પડી ગયો હોત તો? વર્ષોનું સ્વપ્ન જાણે મારા માટે એક ક્ષણમાં મજાક બની ગયું.

અમે અમદાવાદ પાછા આવ્યા, પછી આ ભાઈને છુટા છવાયા ઓર્ડર મળ્યા પણ મને વિડ્યો કેમેરાને અડવા દીધું નહીં. મારી પાસેથી લાઈટ પકડાવી અને બીજા નાના કામ જેમ કે ગુટખા લાવવા, સિગરેટ લાવવી, ચા લાવવી અને પાવવી એ બધું કરાવ્યું. વેકેશન પૂરું થવામાં હજી 15-20 દિવસ બાકી હતા.

પપ્પાએ મને બોલાવીને પૂછ્યું, કેવું ચાલે છે વિડયોગ્રાફી શીખવાનું? આવડ્યું હોય તો આપણે કેમેરો લઈ આવીએ અને તું શરૂ કર શૂટિંગ. હું બહુ રડ્યો, પપ્પાને આખી હકીકત જણાવી કે પેલા ભાઈ મને કેમેરા પકડવા પણ દેતા નથી, બીજા બધા કામ કરાવે છે, ચા ને ગુટખા લેવા મોકલે છે. પપ્પા ગુસ્સે ભરાયા. એમણે એમના મિત્રને પણ ખખડાવ્યા કે આ બધું કેમ ? છોકરાને મેં શીખવા મોકલેલા, આ લાઈટ પકડવા સુધી ઠીક છે પણ બીજું બધું ઠીક નથી, કાલથી મારો દીકરો નહીં આવે.

આ સમયગાળા દરમ્યાન બે વસ્તુઓની મારા મગજમાં સ્પષ્ટતા થઈ. એક કે વિડયોગ્રાફર ભાઈઓ ખરેખર બહુ સારા માણસો નથી હોતાં. જે મને એમને જોઈને ફેસીનેશન થતું કે આવા બનીએ કે જેથી હું કહું એમ દુલ્હન અને દુલ્હા લગ્નમાં કરે, એવું આ ખરેખર એક જ દિવસનું ખેલ છે, પછી બીજા દિવસે દુલ્હાના બાપાએ શૂટિંગના પૈસા કયારે આપ્યા એ પ્રમાણે વિડયોગ્રાફર વર્તશે. દુલ્હો કે દુલહન જીવનમાં વ્યસ્ત થઈને વિડીયોગ્રાફરને ભૂલી જશે, અને ક્યારેક ક્યાંક આ વિડયોગ્રાફર ભટકાયો તો ઓળખાશે પણ નહીં. મેં મન્દીમાં વિડીયોગ્રાફરને નશાના રવાડે ચડતા પણ જોયા છે. એટલે વિડ્યોગ્રાફર તો મને નથી થવું એ સ્પષ્ટ થયું. બીજી વાત એ સ્પષ્ટ થઈ કે કેમેરા મારું પેશન નથી. મને કલમ અને કમ્પ્યુટરમાં વધુ સારી ફાવટ આવી. એટલે એ બાજુ પ્રયાણ મૂક્યું.

નાનપણમાં આવા ફેસીનેશન થવા સામાન્ય છે, મા બાપના સહકાર અને પ્રોત્સાહનથી આવા ખોટા ફેસીનેશનથી મુક્તિ મળી શકે. એટલે ફરી એક વખત જોરથી અને દિલથી કહીએ...
માતુ દેવો ભવ, પિતૃ દેવો ભવ.

- મહેન્દ્ર શર્મા 12.2.2022