એડજસ્ટમેન્ટ નો જાદુ Navneet Marvaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એડજસ્ટમેન્ટ નો જાદુ

એડજસ્ટમેન્ટ નો જાદુ

ચંદનવનમાં રાજા બબ્બર શેર ગઈ ચૂંટણીમાં મહા મહેનતે ફક્ત 3 મતથી જીત્યો. આ વખતે ચીલી પોપટે તેના મિત્ર આલુ હાથીને જીતાડવા મરણીયો પ્રયાસ કર્યો હતો છતાં બબ્બર શેર જ જીતી ગયો અને જંગલનો ફરી પાછો નવા રાજા તરીકે નિયુક્ત થયો.

પરંતુ આ શું ? ચીલીને પોતાની હારનું જરા પણ દુઃખ નથી ! બબ્બર શેર અંદર જ સમસમી ઊઠયો. તેમણે વજીર ગલ્બા શિયાળને બોલાવી, જંગલમાં ચાલતી અનીમલ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ મી. જિરાફ જરીવાલાને બોલાવવા હુકમ કર્યો. રાજાનું તેડું આવતા થોડી જ વારમાં પ્રિન્સિપાલ મી. જિરાફ જરીવાલા રાજા બબ્બર શેર સમક્ષ હાજર થયા.

રાજાએ સીધી જ મુદ્દાની વાત કરી, “જુઓ મીસ્ટર જિરાફ, મને ખબર છે તમે તમારી સ્કૂલમાં અનુશાસનનું ખૂબ જ સારી રીતે પાલન કરો છો અને તેના લીધે તમારી સ્કૂલના વિદ્યાર્થીઓ આસપાસના 15 જંગલોમાં પ્રથમ નંબરે આવે છે. પણ, તમારે મારું એક કામ કરવું પડશે” જિરાફ આગળના બે પગ વાળીને અદબ સાથે બોલ્યું “હુકમ કરો મહારાજ, આપ જે કહેશો એ બધું જ થશે” બબ્બર શેરે ખોંખારો ખાઈને વાત શરુ કરી, “તમારી સ્કૂલમાં ચીલી નામનો વિદ્યાર્થી છે તે મારો દુશ્મન છે. હું ધારું તો તેને સીધો જ અહીં બોલાવીને કેસ પૂરો કરી શકું છું, પરંતુ જંગલમાં હમણાં જ ચૂંટણી પૂરી થઇ છે અને હું મારી યસ કલગી પર ડાઘ લગાડવા નથી માંગતો. માટે તમારે ચીલીને એટલી હદે હેરાન કરવાનો છે કે તે સ્કૂલ જ છોડી દે અને ભણવાનું જ બંધ કરી દે. બોલો થશે ?” જિરાફ થોડો વિહ્વળ બની ગયો પણ, રાજાની આજ્ઞા હતી એટલે કર્યા વગર છૂટકો જ ન હતો. તે તો મહારાજનો હુકમ સર-આંખો પર ચઢાવી સ્કૂલે પાછો ફર્યો.

મી. જિરાફ જરીવાલાએ ચીલીના ક્લાસ ટીચર ઝીબ્રા સરને બોલાવ્યા અને ચીલીને બધી રીતે હેરાન-પરેશાન કરી મૂકવા જણાવ્યું. ઝીબ્રા સરે ક્લાસમાં આવીને તરત જ પેંતરો રચતા જણાવ્યું કે, વિદ્યાર્થી મિત્રો આજથી આપણે બધા પ્રાણીઓ અને પક્ષીઓ બેઠક વ્યવસ્થામાં થોડો ફેરફાર કરીએ છીએ. બધા પોત-પોતાની જગ્યાએથી ઉભા થઇ જાઓ અને બે પ્રાણીઓ વચ્ચે એક પક્ષીએ બેસવાનું છે. તે રીતે ફટાફટ ગોઠવાઈ જાઓ.

ઝીબ્રા સરના આવા આક્રમક વર્તનથી ક્લાસમાં બધા જ વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા. પણ શું થાય !? સરે કહ્યું છે એટલે કરવું તો પડે જ. બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ ઝીબ્રા સરના કહેવા મુજબ ગોઠવાઈ તો ગયા પણ બે પ્રાણી વચ્ચે એક પક્ષીને બેસવામાં બહુ જ મુશ્કેલી પડતી હતી. ત્રણની બેંચમાં બે પ્રાણીઓ વચ્ચે પક્ષીઓ તો સાવ દબાઈ જ જતા હતા. કોઈનું ક્લાસમાં સર શું ભણાવે છે તેના પર ધ્યાન જ નહોતું. બધા એક બીજા ને “ખસ ને ! થોડો તો આઘો ખસ !!” કહ્યા કરતાં હતાં. હા ફક્ત એક જ વિદ્યાર્થી શાંત અને આનંદી લાગતો હતો. તે હતો ચીલી. આમ તો તેની બેંચ પર એક બાજુ તેનો મિત્ર આલુ હાથી હતો અને બીજી બાજુ ડડલી ગેંડો હતો. ચીલી પણ બીજા પક્ષીઓની જેમ બંને પ્રાણીઓ વચ્ચે દબાઈ જાત અથવા તો બન્ને સાથે કચ-કચ કર્યા કરત. પણ ચીલી સમજુ હતો. તેણે તેવું ના કર્યું અને જાતે એડજસ્ટમેન્ટ લીધું, તેણે પોતાનો એક પગ આલુના ખભે રાખ્યો અને બીજો પગ ડડલીના ખભ્ભે અને મોજથી ભણવા લાગ્યો. તેનું ધ્યાન પણ ક્લાસમાં પ્રોપર રહ્યું અને સરે એ દિવસે ક્લાસમાં જે ભણાવ્યું તે બધું જ યાદ રહી ગયું.

જેવો ક્લાસ પૂરો થયો અને ઝીબ્રા સર ક્લાસની બહાર ગયા કે તરત જ બધી બેંચના પ્રાણી-પક્ષીઓ અંદરો અંદર ઝઘડી પડયા. ફક્ત ચીલી, આલુ અને ડડલી જ આનંદમાં હતા. ચીલી તો ચીં.... ચીં... કરીને ગાવા લાગ્યો...

મિત્રોના ખભ્ભા પર પગ રાખી બેસીએ,

ક્લાસમાં ધ્યાન આપી બધું જ શીખીએ.

એડજેસ્ટમેન્ટ લેવાથી શક્તિ વધે,

ભાઈ, એડજસ્ટ થવાથી આનંદ રહે.

ચીં....ચીં.... ! ચીં.....ચીં....!!

બીજા વિદ્યાર્થીઓને તો કંઈ જ ટપ્પો ના પડયો કે આ ચીલી શું કહેવા માંગે છે તે. સ્કૂલ છૂટવાનો બેલ પડયો.

ચીલી તેના મિત્રો આલુ હાથી, કલબલીયો કાચબો અને શેખી સસલા સાથે રમવાનું નક્કી કરી ઘરે પહોંચ્યો. ઘરે જઈ દફતર મૂકીને હજુ તેના મમ્મીને પૂછવા જાય છે કે “મમ્મી હું બહાર રમવા જાઉં ?” તે પહેલા તો ચીલીના મમ્મી વરસી પડયા કે, “તારા બાપા આખો દિવસ આપણા માટે ખાવાનું શોધવા જાય છે, હમણાં વરસાદની સીઝન આવી જશે, હજુ માળાનું સમાર કામ ઘણું બાકી છે, ક્યારે પૂરું થશે !? ચાલને બેટા મને માળો સરખો કરવામાં મદદ કર ને દિકા !” ચીલીને તેના મિત્રો સાથે રમવા જવાની ઘણી ઈચ્છા હતી પરંતુ તેણે નારાજ થવાને બદલે જાતે એડજસ્ટમેન્ટ લઇ લીધું અને મમ્મીને હોંશે હોંશે કામમાં મદદ કરવા લાગ્યો. મમ્મી, ચીલીનું આવું વર્તન જોઈ ખૂબ જ આનંદમાં આવી ગઈ. ચીલી પણ માળો બનાવવા માટે ચાંચમાં ડાળા-ડાંખરા લઈને માળામાં નાખવા લાગ્યો અને ગાવા લાગ્યો...!!

મમ્મીને કામમાં મદદ કરીએ,

મિત્રો સાથે ફરી ક્યારેક રમીશું.

એડજેસ્ટમેન્ટ લેવાથી શક્તિ વધે,

ભાઈ, એડજસ્ટ થવાથી આનંદ રહે.

ચીં....ચીં.... ! ચીં.....ચીં....!!

ચીલીને ભલે આજે રમવા ના મળ્યું પણ મમ્મીને કામમાં મદદ કરવાથી, એડજસ્ટ થવાથી તેને ખૂબ જ આનંદ આવ્યો. સાંજે મમ્મીએ જમવામાં કારેલાનું શાક બનાવ્યું હતું, જે ચીલીને જરા પણ નહોતું ભાવતું પરંતુ ચીલીના પપ્પાને ડાયાબીટીશ હોવાથી ચીલીની મોમ વારંવાર કારેલાનું જ શાક બનાવતી. પણ આ શું ? ચીલી તો મોં મચકોડીને ખાવાનું છોડી દેવાને બદલે થોડું થોડું શાક લઈને ખાવા લાગ્યો અને તેને તો આજે સાથે અથાણું પણ લીધું અને મમ્મીને કોઈ જ ફરિયાદ કર્યા વગર એડજસ્ટમેન્ટ લઇ લીધું. મમ્મી અને પપ્પા બંને ચીલીના એડજસ્ટમેન્ટથી ખૂબ ખુશ થઇ ગયા અને તેઓ પણ ચીલી સાથે ગાવા લાગ્યા....!!

ના ભાવતાં ને ભાવતું કરીએ,

શાક ઓછુ ને અથાણું ખાઈએ.

એડજેસ્ટમેન્ટ લેવાથી શક્તિ વધે,

ભાઈ, એડજસ્ટ થવાથી આનંદ રહે.

ચીં....ચીં.... ! ચીં.....ચીં....!!

બીજા દિવસે ચીલી સ્કૂલે આવ્યો. સ્કૂલના પ્રિન્સિપાલ મી. જિરાફ ઝરીવાલાએ ચીલીના ક્લાસ ટીચર ઝીબ્રા સરને બોલાવીને અહેવાલ માંગ્યો. ઝીબ્રા સરે કહ્યું કે ચીલીને હેરાન કરવાનો પ્રયત્ન કાલે કર્યો હતો પણ ચીલી તો એડજસ્ટમેન્ટ લઇ લે છે અને દુઃખી થતો જ નથી.

મી. જિરાફ ગુસ્સે થઇ ગયા “ઝીબ્રા સર તમે ચીલીને ગમે તે સજા કરો અને તેને દુઃખી કરો. ખબર છે ને તમને બબ્બર શેરનો હુકમ છે” ઝીબ્રા સરે નીચું જોઇને કહ્યું, “જી સર. હું પૂરે પૂરો પ્રયત્ન કરીશ”

ઝીબ્રા સર તેના ક્લાસમાં આવ્યા અને વારાફરતી બધાનું હોમવર્ક ચેક કરવા લાગ્યા. લગભગ બધા જ વિદ્યાર્થીઓ હોમવર્ક કરીને આવ્યા હતા ફક્ત ટીંકુ ટીટોડી, બબલુ બુલબુલ અને ચીલી પોપટ આટલા જ હોમવર્ક નહોતા કરી લાવ્યા. હાં, ચીલી પોપટ પણ ! કારણકે તે તેના મમ્મીને કામમાં મદદ કરતો હતો એટલે હોમવર્ક અધૂરું રહી ગયું હતું. ઝીબ્રા સર તો ચીલીને લાગમાં લેવાની જ પેરવીમાં હતા. તેણે તો ત્રણેવને સજા ફટકારી કે, આખી સ્કૂલને ફરતે 5 રાઉન્ડ મારવાના, જેમાં કોઈએ પાંખોનો ઉપયોગ કરવો નહિ, ચાલીને જ રાઉન્ડ મારવા.

ટીંકુ અને બબલુ તો બે રાઉન્ડમાં જ થાકીને લોથ-પોથ થઇ ગયા અને ઝીબ્રા સરનાં નેગેટીવ બોલવા લાગ્યા. જયારે ચીલી તો શાંતિથી વોક કરતા કરતા રાઉન્ડ મારતો હતો અને આનંદ સાથે ગાતો હતો કે,

આજે તો વોકિંગ થઇ ગયું,

આજે તો કસરત થઇ ગઈ.

એડજેસ્ટમેન્ટ લેવાથી શક્તિ વધે,

ભાઈ, એડજસ્ટ થવાથી આનંદ રહે.

ચીં....ચીં.... ! ચીં.....ચીં....!!

ઝીબ્રા સર ક્લાસ છોડીને જોવા આવ્યા કે આ ચીલી આટલો આનંદમાં કેમ છે !? તેમને પણ આશ્ચર્ય થયું કે આ તો જબરું એડજસ્ટમેન્ટ લઇ લીધું ચીલીએ તો ! સજા ને બદલે વોક કરે છે તેવું સેટ કરી નાખ્યું. વાહ !

ઝીબ્રા સર પ્રિન્સિપાલ મી. જિરાફ સરની ઓફિસમાં ગયા અને આખો વૃતાંત સંભળાવ્યો. પ્રિન્સિપાલ પણ આભા બની ગયા !! તેણે ઝીબ્રા સર ને કહ્યું કે તમે ચીલીની મશ્કરી કરો, તેનું અપમાન કરો ! તેમાં ચીલી કંઈ જ એડજસ્ટમેન્ટ નહિ લઇ શકે.

બીજા દિવસે ક્લાસમાં એક નાની વાતમાં ઝીબ્રા સરે ચીલી પોપટને ખખડાવી નાખ્યો અને આખા ક્લાસ વચ્ચે તેનું અપમાન કરતા કહ્યું. સાવ ડફોળ છો તું પોપટા. મગજમાં ખાલી મરચા જ ભર્યા છે કે શું ? બધા વિદ્યાર્થીઓ જોર જોરથી હસવા લાગ્યા અને ચીલીને ખીજવવા લાગ્યા, ચીલી પોપટો... ચીલી પોપટો...!! ઝીબ્રા સર જતા રહ્યા પણ વિદ્યાર્થીઓ તો મચીં જ પડયા હતા. ચીલી પોપટો... ચીલી પોપટો...!!

પણ આ શું ? ચીલી પણ બધા વિદ્યાર્થીઓ સાથે હસતો હતો, ના તો તેને રડવું આવતું હતું કે ના તો તેને શરમ. તે તો આનંદ થી ગાવા લાગ્યો....

વાહ ભાઈ, નવું નામકરણ થયું આજે,

બધાને હસવાનું બહાનું મળ્યું આજે.

એડજેસ્ટમેન્ટ લેવાથી શક્તિ વધે,

ભાઈ, એડજસ્ટ થવાથી આનંદ રહે.

ચીં....ચીં.... ! ચીં.....ચીં....!!

ચીલી ગાતો જાય અને નાચતો જાય ! તેને ખ્યાલ પણ ના રહ્યો કે તેનું આ ગીત અને નાચ તેના ઝીબ્રા સર અને પ્રિન્સિપાલ સર જોઈ રહ્યા છે. પ્રિન્સિપાલને પણ આશ્ચર્ય થયું કે ચીલી તો ગજબ એડજસ્ટમેન્ટ લે છે. આટલું અપમાન કરવા છતાં, મશ્કરી કરવા છતાં દુઃખી થતો જ નથી !!

મી. જિરાફ જરીવાલાએ બબ્બર શેર પાસે જઈને આખો વૃતાંત સંભળાવ્યો. રાજા બબ્બર શેરને પણ આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે બની શકે !? બબ્બર શેરને બાજુના જંગલના રાજા જબ્બર શેર સાથે જંગલની સરહદ બાબતે મગજમારી ચાલી રહી હતી. એટલે બબ્બર શેરનું દિમાગ તેના કારણે ઠેકાણે નહોતું. તેમાં પાછા આ માઠા સમાચાર મળ્યા. બબ્બર શેરે તપાસ કરી કે વિદ્યાર્થીઓને કઈ એવી વસ્તુ છે કે જેના વગર ના ચાલે !? તો જાણવા મળ્યું કે “મોબાઈલ” યસ, જમ્યા વગર ચાલે પણ મોબાઈલ વગર ના ચાલે. બબ્બર શેરે રાજ્યમાંથી દરેક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ જપ્ત કરાવા માટે હુકમ છોડયો અને તેમના વાલીઓને કડક સૂચના આપી કે તમારા સંતાનને એક અઠવાડિયા સુધી તમારે તમારો મોબાઈલ અડવા પણ નથી આપવાનો.

બીજા જ દિવસથી રાજાની આજ્ઞાનું પાલન થયું. આખા જંગલમાંથી દરેક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ જપ્ત થઇ ગયા. બધા વિદ્યાર્થીઓ એક દિવસ મોબાઈલ વગર માંડ પૂરો કરી શક્યા. બધા ઘરે એકલા એકલા બેસીને કંટાળી ગયા. ના કોઈ સાથે ચેટ કરવાનું, ના ગેમ રમવાની, ના વિડીયો જોવાના ! મોબાઈલ વગર જાણે બધાના શ્વાસ થંભી ગયા !! ફક્ત ચીલી એકલો જ ચીંલ મારતો હતો. એટલે કે મોજ કરતો હતો. એ તો જમીન પર ચાંચથી સરસ મજાનું ડ્રોઈંગ બનાવતો હતો અને ઝાડના રંગબેરંગી ફૂલોને તેમાં મૂકીને કલર પૂરતો હતો. અને સાથે સાથે આનંદથી ગાતો હતો....

નવું નવું શીખીએ છીએ ભાઈ,

ક્રિયેટીવીટી ખીલવીએ છીએ.

એડજેસ્ટમેન્ટ લેવાથી શક્તિ વધે,

ભાઈ, એડજસ્ટ થવાથી આનંદ રહે.

ચીં....ચીં.... ! ચીં.....ચીં....!!

બબ્બર શેર આખા જંગલમાં ફરવા નીકળ્યો અને જોયું કે મોબાઈલ વગર વિદ્યાર્થીઓની શું હાલત થઇ છે !! ફરતા ફરતા બબ્બર શેર ચીલી પોપટ પાસે આવ્યો અને ચીલીને આટલા આનંદ સાથે ગાતો જોઇને પૂછયું કે, ચીલી તને બીજા વિદ્યાર્થીઓની જેમ કંટાળો નથી આવતો મોબાઈલ વગર ? ચીલીએ બહુ સરસ જવાબ આપ્યો, “પ્રણામ મહારાજ, કંટાળો તો આવે પણ જો આપણે એડજસ્ટમેન્ટ લઇ લઈએ તો કંઇક નવું નવું જાણવા મળે, કંટાળો દૂર થઇ જાય અને આનંદ વધી જાય. જુઓને મેં આનંદમાં ને આનંદમાં કેવું સરસ ડ્રોઈંગ બનાવી નાખ્યું”

બબ્બર શેર ચીલીના આ જવાબથી અને તેના ડ્રોઈંગથી ખૂબ ખુશ થઇ ગયો. બબ્બર શેર અનાયાશે જ ચીલી સાથેનું વેર ભૂલી ગયો. તેણે ગળામાંથી સોનાનો હાર કાઢીને ચીલીને ઇનામ આપ્યું અને મનોમન વિચારવા લાગ્યો કે “વાહ, ચીલીના એડજસ્ટમેન્ટ પાવરનું તો કહેવું પડે. આ શક્તિ જેનામાં ખીલી ઉઠે તેને આખા જંગલમાં કોઈ દુઃખી ના કરી શકે” બબ્બર શેરે પણ પાડોશી જંગલના રાજા સાથે સરહદ માટે જે ઝઘડો ચાલતો હતો તેને ચપટી વગાડતાં જ સોલ્વ કરી નાખ્યો. હાસ્તો, એડજસ્ટમેન્ટ લેવાથી જ વળી.

બબ્બર શેરે તાત્કાલિક સભા ભરી, બધા પ્રાણી-પક્ષીઓને બોલાવ્યા અને ફરમાન જાહેર કર્યું કે હવેથી જંગલના દરેક સભ્યો ચીલી પોપટની જેમ દરેક કામમાં અને એકબીજા સાથે એડજસ્ટમેન્ટ લેશે. જો કોઈને એડજસ્ટ થતા ના આવડે તો આપણને ચીલી શીખવશે...!!

આલુ, કલબલીયો અને શેખી તો ચીલીને ખભ્ભે ઊંચકીને નાચવા લાગ્યા અને ગાવા લાગ્યા....

એડજેસ્ટમેન્ટ લેવાથી કોઈને દુઃખ ના રહે,

એડજસ્ટ થવાથી કોઈને ફરિયાદ ના રહે.

એડજેસ્ટમેન્ટ લેવાથી શક્તિ વધે,

ભાઈ, એડજસ્ટ થવાથી આનંદ રહે.

ચીં....ચીં.... ! ચીં.....ચીં....!!

ચીલીના ચીં... ચીં... સાથે બધા પ્રાણી-પક્ષીઓએ સુર પુરાવ્યો અને આખું જંગલ એડજસ્ટમેન્ટના નાદ થી ગાજી ઊઠયું.

“એડજસ્ટ એવરીવ્હેર”