ભાગ-૬
સાંજે છ વાગ્યે સ્ટાફ જતો રહ્યો હતો પણ રોહન અને રોશની બન્ને હજુ કામ કરી રહ્યા હતા. સાતેક વાગ્યે કાશ્મીરા મીટીંગ પુરી કરીને આવી ત્યાં તેણે બન્નેને કામ કરતા જોયા, રોશનીની છબી તો બહુ સારી હતી પણ સાથે સાથે રોહનને પણ એકાગ્રતાથી કામ કરતો જોઇ કાશ્મીરાના ચહેરા પર ખુશીના ભાવ અંકિત થયા વિના રહ્યા નહી.
કામ પુરુ થતા રોહન ઘર જવા નીકળી ગયો. ઘરે પહોંચી તેણે પોતાના મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરી બધા સમાચાર આપી દીધા. પહેલા જ દિવસે ખુબ કામ કર્યા બાદ રોહનને ખુબ થાક જણાતો હતો આથી જલ્દીથી જમી તે સુઇ ગયો. કામના ભારણથી તે ક્યારે ઊંઘી ગયો તેની પોતાને ખુદને ખબર ન પડી.
બીજા દિવસે વહેલુ પહોંચવાની ઇચ્છાને કારણે રોહન વહેલો ઉઠી ગયો,
“ઓહ નો, હજુ તો ચાર જ વાગ્યા છે,” ઘડિયાળમાં જોતા તે બબડ્યો અને ફોન લઇ બેડ પર આડો પડ્યો. ફેસબુકના અપડેટ્સ જોતો હત્ઓ ત્યાં તેણે જોયુ કે રોશનીની ફ્રેન્ડ રીકવેસ્ટ હતી. ફટાફટ તેણે રોશનીની રીકવેસ્ટ સ્વિકારી લીધી. થોડી વાર મિત્રોના અપડેટ્સ જોયા અને બાદમાં તે ફ્રેશ થવા જતો રહ્યો. રૂટીન મુજબ કસરત કરી નાહી ધોઇ ફ્રેશ થઇ ગયો અને ઓફીસ જવા તૈયાર થઇ વહેલો જ નીકળી ગયો. ઓફીસ પહોંચી તેણે જોયુ કે હજુ કોઇ આવ્યુ ન હતુ. રોહન તો પોતાની ચેમ્બરમાં પહોંચી ગયો અને ત્યાં જઇ જોયુ તો તે ચકિત થઇ ગયો. “હાય રોશની, હેપ્પી ટુ સી યુ હીઅર.” રોહને રોશનીને જોતા કહ્યુ. “હાય રોહન, તુ પણ આજે ખુબ વહેલો આવી ગયો???” “યા, પણ તમે તો અહી મારી પહેલા આવી ગયા? ઇઝ એવરીથીંગ ઓલરાઇટ?” “હાસ્તો, કાલની એડવર્ટાઇઝમેન્ટ તો મેડમને ખુબ પસંદ આવી છે અને હવે તેને ગ્રાહકો સુધી પહોંચતી કરવાની છે તો ફાઇનલ ટચ આપવા માટે વહેલી આવી ગઇ. નથીંગ સીરીયસ.” “તો મને કોલ કરી કહી દેવુ હતુ ને, એક સે ભલે દો.” બોલતો રોહન બાજુની ખુરશી પર બેસી કામ કરવા લાગ્યો. રોશનીને પણ રોહનની કંપની ખુબ પસંદ હતી. આમ પણ રોહનની પર્શનાલીટી હતી જ આકર્ષક કે છોકરીઓ તેની દિવાની બની જ જતી. રોહન એકધ્યાને રોશનીની મદદ કરવા લાગ્યો અને રોશની પણ પોતાનુ ધ્યાન કામ તરફ કેન્દ્રીત કરવા લાગી. ધીમે ધીમે રોહનના કામની કદર થવા લાગી. ઓફીસમાં આવેલા નવા કર્મચારીઓમાં રોહનનું નામ મોખરે રહેવા લાગ્યુ.
હવે બસ રોહનની જોબ પર ફાઇનલ મહોર લાગવાની બાકી હતી. ૩૦ ડિસેમ્બરના રોજ બધા ઓફીસ કર્મચારીઓને ન્યુ યર પાર્ટીનુ આમંત્રણ કાશ્મીરા દ્વારા મળી ગયુ હતુ અને એ જ પાર્ટીમાં સિલેક્ટેડ ન્યુ ઓફિસ એમ્પ્લોઇનું એનાઉન્સ થવાનુ હતુ. બધા ખુબ આતુર હતા ન્યુ યર પાર્ટી માટે. “હાય રોશની, આઇ વોન્ટ યોર હેલ્પ. વીલ યુ પ્લીઝ હેલ્પ મી?” રોહને ઓફીસેથી આવ્યા બાદ રોશનીને ફોન કર્યો. “રોહન, ટેન્શનમાં લાગે છે તુ, શું થયુ? શું હેલ્પ કરી શકુ બોલ તારી?” રોશનીએ પુછ્યુ. “ખન્ના ગૃપ દ્વારા આયોજીત પાર્ટીમાં હું પહેલી વખત આવી રહ્યો છું તો મને એ સમજાતુ નથી કે હું શું પહેરું. તુ તો આવી પાર્ટીમાં જતી હશે,તો પ્લીઝ મને ગાઇડ કર કે હું શું પહેરું?” આ સાંભળી રોશની ખડખડાટ હસવા લાગી.
“અરે યાર, મને હેલ્પ કરવાને બદલે મારી મજાક ઉડાવે છે. ઇટ્સ નોટ ગુડ યાર.” “સોરી સોરી સોરી, યાર મારો તારી મજાક ઉડાવવાનો કોઇ ઇરાદો ન હતો પણ તે પ્રશ્ન જ એવો કર્યો કે હું હસવાનુ રોકી શકી નહી.” બોલતા વળી રોશની હસી પડી. “વેરી ફન્ની, ઠીક છે ચાલ હુ ફોન રાખુ છું.” “અરે વેઇટ યાર, તુ તો ગુસ્સે થઇ ગયો. આઇ વીલ ગાઇડ યુ. પ્લીઝ ડોન્ટ કટ ધ ફોન.” રોશનીએ રોહનને કહ્યુ અને તેને ગાઇડ કરવા લાગી.
“થેન્ક્સ અ લોટ રોશની, યુ આર સો સ્વીટ.” રોહન ખુશીથી ઉછળવા લાગ્યો. “બસ કર બસ હવે. ચલ કાલે મળીએ પાર્ટીમાં.” “ઓ.કે. બાય” રોહને ફોન કટ કરી દીધો. આ બાજુ રોશની પણ ખુબ ખુશ હતી, મનોમન રોશની રોહનને પસંદ કરવા લાગી હતી પણ રોહન તેને સીનીયર તરીકે જ માનતો હતો, ભલે બન્ને વચ્ચે મિત્રતાના સબંધ હતા પરંતુ રોહને એક ભેદરેખા જરૂર બનાવી રાખી હતી કારણ કે આખરે તો રોશની તેની સીનીયર હતી.
*******
કંપનીના માલીક મિસ્ટર ખન્નાના ફાર્મહાઉસ પર પાર્ટીનું આયોજન થયુ હતુ. વિશાળ જગ્યામાં અને દિલ્હીથી બહાર આવેલું શ્રીમાન ખન્નાનું ફાર્મહાઉસ અંદરથી જોવુ એ પણ એક અનેરો લહાવો હતો. સાંજે આઠ વાગ્યે પાર્ટી શરૂ થવાની હતી. બધા કર્મચારીઓને શ્રીમાન ખન્નાની સમયપાબંદી બાબતે ખ્યાલ હતો જ એટલે અહી પાર્ટીમાં પણ સમય પર આવવા લાગ્યા હતા.
“ઓહ માય ગોડ, આજે જ મોડુ થઇ ગયુ મારે. હવે કઇ રીતે પહોંચીશ હું પાર્ટીમાં સમયસર.” પોતાના ઘરની નીચે ઉભી રોશની ચિંતામાં ડુબેલી હતી ત્યાં ફોનની રીંગ વાગી. રોશનીએ જોયુ તો રોહનનો ફોન હતો. “યા રોહન, પહોંચી ગયો તુ પાર્ટીમાં???” રોશનીએ ઉત્તાવળથી પુછી લીધુ. “નહી તો, હું બસ ઘરેથી નીકળું જ છું. મે તો બસ એ પુછવા માટે કોલ કર્યો કે તુ પહોંચી ગઇ કે નહી?” “નહી યાર, હું તો ટેક્સીની રાહ જોઉ છું પણ આજે જ મારા નસીબ માઠા છે કે કોઇ ટેક્સી મળી જ રહી નથી. “ઓહ, સો સેડ, તો હવે પાર્ટીમાં આવવાનુ કેન્સલ???” રોહને મજાક કરતા પુછ્યુ. “મારી મદદ કરવાને બદલે મજાક ઉડાવે છે? આવતી કાલે ઓફીસે, જો તારી કેવી સર્વીસ કરું છું.”
“ઓહ મેડમ, ગુસ્સો ન કરો. જસ્ટ વેઇટ ફાઇવ મિનિટ, આઇ વીલ બી ધેર.” કહી રોહને ફોન કટ કરી નાખ્યો અને રોશનીના ઘરની દિશામાં પોતાની બાઇક હંકારી કાઢી. પાંચ જ મિનિટમાં રોહન રોશનીના ઘરે આવી ગયો અને રોશનીની બાજુમાં પોતાની બાઇક સ્ટોપ કરી દીધી. , “બંદા હાજીર હૈ મેડમ.” લાઇટ પીન્ક સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ તથા મેચીંગ લોન્ગ ઇઅરીંગ્સ અને હળવુ પરફ્યુમ, એ બધુ રોશનીની ખુબસુરતીમાં વધારો કરી રહ્યુ હતુ. રોહન તો બસ રોશનીને જોઇ જ રહ્યો અને આ બાજુ બ્લેક શ્યુટમાં સજ્જ થયેલા રોહન સામેથી રોશનીની નજર હટતી ન હતી. બન્ને એકબીજાને અપલક નજરે જોઇ રહ્યા હતા.
“જવુ છે પાર્ટીમાં કે પછી અહી જ ઉભા રહેવાની ઇચ્છા છે?” રોશનીએ ચપટી વગાડતા કહ્યુ અને રોહન ધ્યાનમગ્ન અવસ્થામાંથી બહાર આવી ગયો.
“ચલો બેસી જાઓ મેડમ.”
“હવે મેડમ મેડમ બોલવાનું રહેવા દે અને ડાહ્યો થઇ બાઇક ચલાવ.” પાછળથી હળવો ધબ્બો મારતા રોશની બોલી.
“ઓ.કે. બાબા ઓ.કે. લેટ્સ ગો.” બોલતા રોહને બાઇક સ્ટાર્ટ કરી અને પવન સાથે વાત કરતી બાઇક પાર્ટી સ્થળની દિશામાં આગળ વધવા લાગી. “થેન્ક્સ રોહન, આજે તુ ન આવ્યો હોત તો મારુ તો પાર્ટીમાં આવવાનુ કેન્સલ જ હતુ.” રોશનીએ આભાર વ્યક્ત કરતા કહ્યુ. “ઇટ્સ માય ડ્યુટી રોશની મેડમ.” “આ શું મેડમ મેડમ ચાલુ કર્યુ છે? હું રોશની છું. મારુ નામ લેતા ડર લાગે છે?” બનાવટી ગુસ્સો કરતા રોશની રોહન પર બગડી પડી. “સોરી સોરી, હવે રોશની મેડમ કહીશ.” રોહને મજાકને વધુ ખેંચતા કહ્યુ. “તુ સુધરવાનો નથી લાગતો, મારુ ચાલે તો ઓફીસમાં કાયમી તને તો ન જ કરું.” “અરે....... અરે.......... સોરી યાર, કાશ્મીરા મેડમને મારી સીફારીશ કરજે પ્લીઝ. આ જોબ મારા માટે ખાસ જરૂરી છે.”
“એક શરત પર મેડમને સીફારીશ કરીશ, જો તુ આ મેડમ મેડમ કહેવાનુ બંધ કરે તો.”
“હા શ્યોર, આ તો ફોર્માલીટી કરતો હતો, કદાચ તને ન ગમે તો??? બાકી મને પણ તને મેડમ કહેવુ ગમતુ નથી.” “તો પાક્કુ આજે તો સીફારીશ કરીશ જ.” રોશની બોલતા બોલતા હસી પડી. વાતો વાતોમાં બન્ને ક્યારે ખન્ના સાહેબના ફાર્મહાઉસ પહોંચી ગયા તેની બન્ને માંથી કોઇને ખબર ન રહી. રોહને બાઇકના સાઇડ ગ્લાસમાં જોઇ તેના વાળને વ્યવસ્થિત કર્યા અને રોશની પણ પર્શમાંથી મીરર કાઢી પોતાની સુંદરતાને નીહાળવા લાગી. “લુકીંગ સો બ્યુટીફુલ રોશની.” પાછળ ઉભેલા રોહને હળવેકથી રોશનીને કહ્યુ અને અંદર જવા નીકળી ગયો. આ સાંભળી રોશનીના ચહેરા પર અનેરી ખુશી ફરી વળી. શરમાતા ચહેરે તે પણ અંદર જવા નીકળી ગઇ. “વાઉ યાર, સો બીગ ફાર્મહાઉસ. આખા ફાર્મહાઉસને પોતાની નજરમાં કેદ કરતો રોહન તેના મિત્ર સાથે વાત કરવા લાગ્યો. રોશની પણ અન્ય લેડીઝ એમ્પ્લોઇ સાથે વાતો કરવામાં મશગુલ બની ગઇ. વાતો કરતી વખતે પણ અવારનવાર તેનુ ધ્યાન રોહન તરફ ખેંચાઇ જતુ હતુ એ ધ્યાન તેની સાથે વાત કરતી તેની સહકર્મચારીઓની ધ્યાન બહાર રહ્યુ નહી.
અંદરનો નજારો જોઇને રોહન ચકિત થઇ ગયો. ભવ્ય હોલમાં રહેલી નાનામાં નાની વસ્તુઓથી માંડી ભવ્ય ઝુમ્મર સુધીની તમામ વસ્તુઓ ઇમ્પોર્ટેડ દેખાઇ રહી હતી. આલીશાન હોલને અનેરી રીતે શણગારવામાં આવ્યો હતો. રોહનની નજર તો બસ બધુ નીહાળવામાં જ હતી. “યાર, લુકીંગ સો હેન્ડસમ. આજે બધા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર તુ છે યાર.” મનોજે રોહનની પીઠ થપથપાવતા કહ્યુ. “થેન્ક્સ યાર, બસ આજે થનારી એનાઉન્સમાં મારુ નામ આવી જાય તો ખુશીમાં ચાર ચાંદ લાગી જાય.”
“હા યાર, એ વાતાનું ટેન્શન તો મને પણ છે.” મનોજ બોલી રહ્યો હતો પણ રોહનનું ધ્યાન ક્યાંક બીજે જ હતુ. મનોજે એ દિશામાં નજર ફેરવી તો જાણ્યુ કે ઉપરથી કાશ્મીરા નીચે આવી રહી હતી. “હેવી વર્કડ લોંગ ગાઉન, ખુલ્લા લહેરાતા વાળ, પ્રસંગને અનુરૂપ હેવી મેક અપ, કિંમતી ડાઇમન્ડ ઇઅરીંગ્સ અને મેચીંગ બ્રેસલેટ, હાઇ હીલ સેન્ડલમાં સજ્જ કાશ્મીરા નીચે આવી રહી હતી ત્યારે હર કોઇનુ ધ્યાન બસ તેના તરફ જ હતુ. તેની આભા જોઇ હર કોઇના મનમાં એક જ ઉદ્દ્ગાર નીકળી જતો હતો...”વાઉ, વ્હોટ અ બ્યુટી.” “યાર મનોજ, મેડ્મને ભગવાને નિરાંતની પળોમાં ઘાટ ઘડ્યો હશે નહી? શું સુંદરતા છે યાર.” રોહને કાશ્મીરા સામે એકીનજરે જોઇ રહેતા મનોજને કહ્યુ. “હા યાર, કુદરતે ઘડેલા જુજ બેનમુન કળા છે કાશ્મીરા મેડમ.” “બસ કર હવે, કોઇ સાંભળી જશે તો લેવા ના દેવા થઇ પડશે.”
કાશ્મીરા આવનાર આમંત્રીતોને આવકારી રહી હતી. સાથે સાથે મિસ્ટર શ્રોફ સાથે ચર્ચા પણ કરી લેતી હતી. તેના પિતાજી એક ખાસ મીટીંગ સબબ અમેરીકા ગયા હોવાથી આજે હોસ્ટ કાશ્મીરા જ હતી. અનેક બીઝનેશમેન, ઉદ્યોગપતિઓ, જાણીતા અભીનેતાઓ તથા અભીનેંત્રીઓ, રાજકારણીઓ એવી અનેક હસ્તીઓ આ પાર્ટીમાં નજરે ચડી રહી હતી. “હાય,.....................”
“ઓ હાય, મને તો ડરાવી જ દીધી તે.” અચાનક રોહને રોશનીને બોલાવી ત્યારે ડરી ગયેલી રોશનીએ ડરતા કહ્યુ. “હું જોંઉ છું કે ક્યારની તમારી નજર કોઇને શોધી રહી છે.” રોહને પુછ્યુ. “નહી તો, નથીંગ લાઇક ધેટ.” ડરતા ડરતા રોશનીએ કહ્યુ. “નો....નો......નો...............આઇ ક્નો, સમથીંગ સ્પેશીયલ લાઇક ધેટ, ટેલ મી યાર.” રોહને હળવાશથી કહ્યુ. “એવુ કાંઇ નથી, જસ્ટ એન્જોય ધ પાર્ટી” “ઓ.કે. મેડમ. કોલ્ડ ડ્રીન્ક્સ પ્લીઝ.” બોલતા રોહને વેઇટર પાસેથી કોલ્ડ ડ્રીન્ક્સ મંગાવી રોશનીને સર્વ કર્યુ. “થેન્ક્સ.”
“નો ફોર્માલીટી પ્લીઝ.” રોહને કહ્યુ. બન્ને વાતોમાં મશગુલ હતા ત્યાં જ કાશ્મીરા મેડમ સ્ટેજ પર આવતા દેખાયા. “ગુડ ઇવનીંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. આઇ વુડ લાઇક ટુ થેન્ક યુ ઓલ ટુ કમ ઇન ધ પાર્ટી.” કાશ્મીરાના વાર્મ વેલકમની સાથે જ બુલંદ સ્વરે તાલીઓનો ગડગડાટ થવા લાગ્યો. “આજે ન્યુ યર પાર્ટીના આનંદની સાથે એક બીજી ખુશખબર પણ અહીથી મળવાની છે, આજે ખન્ના ઇન્ડસ્ટ્રીઝમાં અમુક લોકોના નામ કાયમીના માટે જોડાવાના છે. તમને લોકોને ખબર જ હશે કે ખન્ના ઇન્ડસ્ટ્રીઝના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન થોડા કડક છે છતા પણ એક માસની ટ્રેનીંગ બાદ આજે જે ત્રણ કર્મચારીઓએ પોતાનુ આગવુ સ્થાન આ કંપનીમાં મેળવ્યુ છે તેના નામ એનાઉન્સ કરવા માટે હું સુબ્રતો રોયને સ્ટેજ પર આમંત્રીત કરું છું, વેલકમ મિ. રોય.” પડછંદ શૈલીમાં પોતાની વાતને વહેતી મુક્યા બાદ કાશ્મીરાએ માઇક સુબ્રતો રોયને આપ્યુ. “ગુડ ઇવનીંગ ટુ ઓલ ઓફ યુ. હું કાશ્મીરા મેડમનો આભારી છું કે તેમણે મને સિલેક્શન કમિટિનો હેડ બનાવ્યો અને તેમણે આપેલા માર્ગદર્શન મુજબ આજે ત્રણ નામ અમે લોકોએ પસંદ કર્યા છે, જે હું અહીથી એનાઉન્સ કરવાની પરવાનગી માંગુ છું.” બોલતા સુબ્રતો રોયે કાશ્મીરાની પરવાનગી માંગી અને કાશ્મીરાએ આંખના ઇશારે રજામંદી આપી દીધી. “કાશ............ મારુ નામ ફાઇનલ યાદીમાં આવી જાય.” રોશનીએ જોયુ કે રોહન આંખ બંધ કરી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. “તથાસ્તુ વત્સ.” રોશનીના શબ્દ સાંભળતા જ રોહન ચમકી ગયો અને અચાનક તેની આંખ ખુલી ગઇ. “યા વત્સ તથાસ્તુ, તારી બધી મનોકામના સફળ થાઓ.” “અરે રોશની, જો તારા શબ્દો સાચા રહે તો આઇ વીલ ગીવ યુ અ ગ્રાન્ડ ટ્રીટ.” “રીઅલી???? તો જોઇ લેજે મારા શબ્દો સાચા જ ઠરવાના છે. ચલ હવે આગળ, આમ પાછળ રહેવાની કાંઇ જરૂર નથી.” કહેતા રોશનીએ રોહનનો હાથ પકડ્યો અને તેને આગળ દોરી ગઇ. “સૌથી પહેલુ નામ, કે જે ખન્ના ગૃપ સાથે જોડાવા જઇ રહ્યુ છે તે છે, મીસ રંજીતા દાસ.” પહેલુ નામ જાહેર થતા જ તાળીઓનો ગડગડાટ શરૂ થઇ ગયો. “મીસ દાસ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. મીસ રંજીતા કામમાં ખુબ મહેનતુ છે. છેલ્લા એક માસથી તે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં શ્રીમાન મહેરા સાથે કામ કરે છે અને ઝીણી ઝીણી ભૂલોને પણ તે સુધારી લે છે. એક કામ હાથમાં લીધા બાદ તે પુર્ણ ન થાય ત્યાં સુધી તે ખુરશી છોડી પાણી પીવા પણ ઉભા થતા નથી. વેલકમ મીસ દાસ. આપનુ સ્વાગત છે ખન્ના ગૃપમાં.” કાશ્મીરાએ રંજીતાને પરમેનન્ટ લેટર અને ફુલનો ગુલદસ્તો આપી તેને આવકારી.
“બીજુ નામ કે જે ખન્ન્ના ગૃપ સાથે જોડાવાનુ છે મિસ્ટર ઉદય પટેલ. મિસ્ટર પટેલ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.” તાળીઓના ગડગડાટ વચ્ચે ઉદય સ્ટેજ પર આવતો દેખાયો. કાશ્મીરાએ તેને પણ અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો અને શુભેચ્છાઓ પાઠવી. “ત્રીજુ અને આખરી નામ કે જે.......”
“એક્સક્યુઝ મી મિસ્ટર રોય. આઇ વુડ લાઇક ટુ સે સમથીંગ.” કાશ્મીરાએ સુબ્રતો રોયને બોલતા અટકાવ્યા. “સોરી ટુ ડીસ્ટર્બ યુ મિસ્ટર રોય, પણ ત્રીજુ નામ હું એનાઉન્સ કરવા માંગુ છું.”
વધુ આવતા અંકે