આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૮
હેવાલી મેવાનને દરવાજો ખખડાવ્યા વગર આરપાર થઇને રૂમમાં પ્રવેશતા જોઇ ગભરાઇ ગઇ હતી. તેને એ મેવાન છે એવો ખ્યાલ આવ્યો નહીં. એણે ડર સાથે બાજુમાં મૂકેલી સ્ટીલની ફૂલદાની એના તરફ ફેંકી હતી. રાતના ભેંકાર ભાસતા વાતાવરણમાં ફૂલદાનીના 'ખડિંગ... ખડિંગ' અવાજથી એ પોતે પણ થથરી ગઇ હતી. મેવાનની આ હરકતની એના પર કોઇ અસર થઇ ન હતી. તે નજીક આવ્યો ત્યારે હેવાલી એને જોઇને નવાઇ પામી.
મેવાન શાંત અને સંયત સ્વરે બોલ્યો:'હું મેવાન છું. તારો જન્મોજનમનો સાથી. ભૂલી ગઇ મને? કાલે રાતે જ સપનામાં આપણી વાત થઇ હતી ને?'
'મેવાન! હા, હું તારી જ રાહ જોઇ રહી હતી. પણ તું દરવાજો ખખડાવવાને બદલે સીધો કેવી રીતે અંદર આવી ગયો?' હેવાલી નવાઇથી પૂછી રહી.
'હેવાલી! જો હું તારી સપનાની, અભાનાવસ્થાની મન:સ્થિતિમાં તને મળી શકતો હોઉં તો કોઇપણ પ્રકારના દરવાજા મારા માટે અંતરાયરૂપ બની શકે નહીં. આજે આપણે પહેલી વખત સામસામે વાત કરી રહ્યા છે. હું માનવ રૂપમાં નથી એટલે મારી કેટલીક મર્યાદાઓ છે. એને સન્માન આપીને આપણે આગળનું જીવન જીવવાનું છે...'
'હા મેવાન, આ મર્યાદા બહુ મોટી છે. આપણી સાથે કુદરતે આ કેવો અન્યાય કર્યો કહેવાય. આપણે એક જ નદીના બે કિનારા જેવા છીએ. આપણે એકબીજાના જનમના બીજે પાર મળતા હોય એવું લાગી રહ્યું છે. મારો માનવ જન્મ છે એટલે મને તારી સાથેના અગાઉના જન્મ વિશેની કોઇ વાત યાદ નથી...'
'અમે એટલે જ તમને સાબિતી આપવા ત્રિલોકને ત્યાં મોકલ્યા હતા. આપણો પણ એક માનવ જન્મ હતો એની યાદમાં હું આટલો સમય પસાર કરી શક્યો છું. હવે તને શોધી શક્યો છું ત્યારે એમ લાગે છે કે કાશ! હું પણ માનવ રૂપમાં આવી શક્યો હોત. પણ તેં મારી વાતને માન આપીને મારી સાથે અહીં રાતો ગુજારવાની સંમતિ આપી તેનો અઢળક આનંદ છે. ભલે હું તને સદેહે પ્રેમ કરી શકીશ નહીં પણ પ્રેમની વાતો અને જૂની યાદોથી તને પામવાનો અનુભવ કરીશ...'
'થોડો વિચાર કરું છું તો એમ થાય છે કે ગયા જન્મમાં મેવાન અને શિનામિના લગ્ન થયા હોત તો આ સ્થિતિ કદાચ ઉદભવી ના હોત. તમે બંને જન્મોજનમના બંધનમાં બંધાયા હોત અને પ્રેત સ્વરૂપમાં પણ સાથે જ રહી શક્યા હોત. અમે પણ માનવ રૂપમાં આગળનું જીવન જીવી શક્યા હોત. કદાચ નિયતિને આ મંજૂર ન હતું...'
'હેવાલી...તું સુમિતા તરીકે મારો પ્રેમ હતી. આપણે ગળાડૂબ પ્રેમમાં હતા. અને રણદીપ શિનામિને ભરપૂર ચાહતો હતો. ત્યારે કોઇને કલ્પના ન હતી કે એ માનવ જન્મ થોડા દિવસોનો હશે અને આપણે એક થવા વર્ષોની જ નહીં એક જન્મની રાહ જોવી પડશે. સાચું કહું તો તારા પ્રેમને પામવા માટે હું બહુ ભટક્યો છું. અમને કલ્પના ન હતી કે અમારા જીવનસાથી જ એકબીજા સાથે જોડાયેલા હશે. તમારી બેલડી તોડ્યાનો અફસોસ છે પણ જન્મોજનમના સાથનો કુદરતનો સંકેત પણ આમાં હશે. સાચો પ્રેમ કરનારાને જન્મોજનમનો સાથ મળે છે. હજુ તો તમારા લગ્નજીવનની શરૂઆત જ થઇ હતી અને અમે તમને શોધી કાઢ્યા...'
'જો અમે તમારી વાતને માનવા તૈયાર ના થયા હોત તો...'
હેવાલીના પ્રશ્નએ મેવાનનું મોં સીવી દીધું. હેવાલી તેનો જવાબ સાંભળવા આતુર થઇ ગઇ. તેણે મેવાનની સામે જ જોતા રહીને એક ક્ષણ માટે આંખનું મટકું માર્યું અને બીજી ક્ષણે મેવાન તેની આંખ સામેથી ઓઝલ થઇ ગયો હતો! હેવાલી આંખો ચોળીને આખા રૂમમાં જોઇ રહી પણ મેવાન તો શું એનો પડછાયો પણ ક્યાંય દેખાતો ન હતો. તેણે 'મેવાન' ના નામની બૂમ પાડી. કોઇ પ્રતિસાદ આવ્યો નહીં.
***
'આ શું થયું? હેવાલી સલામત તો હશે ને?' દિયાન ઉપરના માળ પરના અવાજને સાંભળીને બેડ પરથી ઊભો થઇ ગયો. તેનું દિલ તેજ ગતિથી ધડકવા લાગ્યું.
'બહુ ચિંતા થાય છે હેવાલીની...? હવે એને ભૂલી જવાની છે. તારી જન્મોજનમની સાથી શિનામિ તારી સામે ઊભી છે... હવે એનો અને તારો રસ્તો... અલગ છે. આપણે બંને એક જ મંઝિલના મુસાફર છીએ. આપણે હવે પ્રેમને પામવાનો છે...' શિનામિ હવે ગંભીર થઇને બોલી રહી હતી. તેના ચહેરા પરની કટાક્ષભરી મુસ્કાન અત્યારે ગાયબ થઇ ગઇ હતી.
દિયાનને અતિ સુંદર દેખાતી શિનામિનો ડર લાગવા લાગ્યો. તેના મનને હેવાલીની ચિંતા કોરી રહી હતી.
બીજી જ ક્ષણે દિયાને અનુભવ્યું કે તે સતત શિનામિની સામે જ જોઇ રહ્યો છે અને તેના માટે પ્રેમની અનુભતિ થઇ રહી છે. બહાર કાળી અંધારી રાતમાં ધીમા સંગીતના સૂર વહીને તેના કાન પાસે આવી રહ્યા છે. તેના મનમાં રોમાંચનો અનુભવ થઇ રહ્યો છે. હેવાલીનું નામ અને ચહેરો, તેના સાથેની યાદો પણ મનમાંથી નીકળી ગઇ હતી! શિનામિ ફરી મંદ મંદ મુસ્કુરાતી દેખાઇ. દિયાન સમજી ના શક્યો કે તેનું હાસ્ય લોભામણું હતું કે કાતિલ?
ક્રમશ: