નેહડો ( The heart of Gir ) - 15 Ashoksinh Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેહડો ( The heart of Gir ) - 15

ફોરેસ્ટ સાહેબનાં ગયા પછી ડાયરો પાછો પોતપોતાની જગ્યાએ આવી બેસી ગયા. ઘડીક બધા મૌન રહ્યા. પછી એક જુવાન માલધારી ગુસ્સાથી લાલચોળ થઈ બોલ્યો, "બોલો લ્યો... પાછાં કયે સે કે દહેક હજાર વળતર મળશે.આપડે રૂપિયા નહિ ભાળ્યા હોય? પસા હાઠ હજારની ભેંહ હતી. સું આપડે દહ હજારનાં વળતર હારું થઈને વાહે મૂકી દેવી? તમારાં હાવજ્યું અમારાં વાડામાંથી માલ કાઢી ને ખાય જાય તોય વાંક અમારો જ?
તેને શાંત પાડતા રામુ આપા બોલ્યા, " ભાઈ ખમી ખા. તારું જુવાન લોય તપી જાય. પણ ગર્યમાં રેવું હોય તો તપી નય જાવાનું ને હાવજ્યું ફૂરેસ્ટર શાબુનાં નય.હાવજ્યું આપડા સે. ગર્યમાં ફુરેસ્ટેર શાબુ નોતા તેદુનાં આપડે ને હાવજ્યું ભેળાં જ રેવી સી. આપડાં છોરૂડા જેવા માલને હાવજ્યું મારી નાખે તિયારે આપડો જીવ તો બળે પણ એ બચાડાને ય બીજું કાય નો મળ્યું હોય તિયારે જ આપણો માલ ઊપાડે. એટલે ગીરમાં આવું તો પેઢીયુથી હાલ્યું આવે સે. ભાગમાં નો હોય તો માલ ગમે તેમ કરી વયો જાય. જો ને નનાભાઈની એક ભેંહને એરુ આભડી ગયો ને ફાટી નો પડી? કેશવની ભેહ વીહાતા મરી નો ગય? આવું થાય તિયારે કોને દોષ દેવો કે? એટલે આવું તો ગર્યમાં હાલેજ રાખવાનું સે.હાવજ્યુંથી જ આપડે ઉજળા સી. ઈની ઉપર રીહ ધોખો નય રાખવાનો."

આવી બધી વાતો કરી બધા છુટા પડ્યા. આજે આખી રાત રામુઆપાને નીંદર ના આવી. ઘડીક થાય ને તે ભેંસોના વાડે એક હાથમાં ડાંગ અને બીજા હાથમાં ટોર્ચ લઈ આટા માર્યા કરે. કાળી રાત્રિમાં દૂરથી સાવજનો હુંકવાનો અવાજ રાત્રિને વધારે ભેંકાર બનાવતો હતો. સિંહ હુંકે એટલે પાછળ પાછળ શિયાળની લાળી પણ સંભળાતી હતી. નેહડાની આજુબાજુમાં મોટા વૃક્ષોની પાતળી ડાળી પર કાયમ માટે રાત્રિ નિવાસ કરતા મોરલા પણ સિંહ ગર્જના સાંભળી છળી મરતા હતા. રાત્રિની નીરવ શાંતિમાં મોરલાનો ટેહુંક... ટેહુંક.... અવાજ દિશાઓ ચીરતો ગાજી ઊઠતો હતો. આ બધું સાંભળી અશાંત થઈ ગયેલું હરણનું ટોળું પણ બીજા પ્રાણીઓને સાવચેત કરવા તીણા કિવ...કિવ...અવાજ કરી રહ્યુ હતું. નેહડાની પાછળ વહેતી નદીમાં દેડકા ગાન ચાલી રહ્યું હતું.આ ગાનની વચ્ચે મોટાં પિત્તળીયા દેડકાં તેની માદાને રિઝવવા ડ્રાઉ... ડ્રાઉ...નો જાડો સૂર પુરાવી રહ્યાં હતાં.
ગેલાને પણ આજે નીંદર આવતી ન હતી. ઓસરીમાં સુતેલો તે પણ પડખા ફેરવી રહ્યો હતો. તેની નજર સામેથી આજે જોયેલું દ્રશ્ય ખસતું ન હતું. તેની વાલી એદણ્યને ઘડીકમાં સામત હાવજે હતી નહોતી કરી નાખી તે તેને માન્યા માં આવતું ન હતું. તે સૂતો સૂતો વિચારતો હતો કે આ એક ખરાબ સપનું હોય ને સવારે જાગુ ત્યાં એદણ્ય વાડામાં બેઠી બેઠી વાઘોલતી હોય તો કેવું સારું? આ વિચારે વળી તે ઊભો થઈ ગયો ને ખંભે ડાંગ લઈ વાડાનો જાપો ખોલી. વાડામાં આંટો મારી આવ્યો. પણ એદણ્ય જ્યાં રોજે બેસતી તે જગ્યા ખાલી જોઈ. બેઠેલી ભેંસો ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો પછી નિરાશ થઈ વાડા નો જાપો દઈ પાછો આવ્યો. આજે તેને સામતા હાવજ ઉપર ખૂબ ગુસ્સો આવી ગયો. અત્યારે જો સામત હાવજનો ભેટો થાય તો ગેલો એક ડાંગ ફટકારી તેનું ખોપરું ફાડી નાખે તે પાકું હતું.
પછી અચાનક ગેલાનાં મનમાં શું ધુનકી ચડી કે તે નેસનો જાપો અવાજ ન થાય તેમ ખોલી બહાર નીકળી ગયો. પાછું વાળીને જોયું તો રામુ આપા થાકેલા હોવાથી હમણાં જ સુતા હશે. તેના નસકોરા સંભળાતા હતા. કનો પણ રામુ આપાની પડખે ઘસઘસાટ ઊંઘતો હતો. રાજી ઓરડામાં સુતેલી હતી. ગેલાએ ધીમે રહી જાપો ખોલ્યો. બહાર નીકળી ફરી ધીમેથી જાપો બંધ કરી દીધો. તે ખંભે ડાંગ ચડાવી રોજ માલ ચારવા જાય તે રસ્તે ચાલી નીકળ્યો. હાથમાં ટોર્ચ હતી. પરંતુ આજે તેનાં પગમાં આંખો આવી ગઈ હોય તેમ તેને ટોર્ચની જરૂર નહોતી પડતી. રસ્તામાં આડી આવતી નદીના ઠંડા પાણીમાં ખખળ... ખખળ....કરતો તે આગળ નીકળી ગયો. ધોળા દિવસે પણ નરી આંખે ગોતવા મુશ્કેલ થઈ પડે, તેવા ઝાડનાં થડ જેવા રંગનાં તમરા આખું જંગલ ઊંચું લઈ તમ...તમ..તર...તર... અવાજ કરી રહ્યા હતા. રાતના અંધારાનો લાભ લઇ ચારો ચરવા નીકળેલા સસલા જેવા તૃણાહારી પ્રાણીઓ ગેલાનાં દેશી જોડા નો અવાજ સાંભળી ડરીને દૂર ઘાસમાં ભાગી રહ્યા હતા. ચિબરાનો ચિત્કાર જંગલની અંધારી રાતને વધારે ભયંકર બનાવી રહ્યો હતો. ભયમાં સૂતેલા પંખીડાનો ઝાડવાની ડાળીમાંથી ઉડવાનો ફરફરાટ થઈ રહ્યો હતો.
જેમ જેમ ગેલો આગળ વધતો જતો હતો. તેમ તેમ સાવજનો હુંકવાનો અવાજ નજીક આવતો જતો હતો. સિંહના હુંકવાની (ગર્જના) તીવ્રતા એટલી હોય છે કે તે બે ત્રણ ચાર કિલોમીટર સુધી સંભળાય છે. આ પોતાનો વિસ્તાર છે, તેનાં માટે બીજા નર સિંહોને ખબરદાર કરવા તે આવી રીતે હુંકતો હોય છે. આ ગર્જનાથી તે કેટલો તાકાતવાળો છે તેની ખબર બીજા નર સિંહને પડે છે.એનાથી બીજા હરીફ નર સિંહ તેનાં સામ્રાજ્યમાં આવતાં ડરે છે.મિલન સમય દરમ્યાન પણ નર સિંહ આવી રીતે હુંકીને માદાને પોતાની તરફ આકર્ષે છે. ગેલો હવે સાવજની ઘણો નજીક હોય તેવું તેને લાગતું હતું.
હુંકવાનાં અવાજ પરથી ગેલો સમજી ગયો હતો કે આ સામત જ છે. બધાં સિંહની ગર્જનામાં બારીક તફાવત હોય છે.જેને ફોરેસ્ટ ગાર્ડ ને નેહડાનાં માલધારીઓ જ ઓળખી શકે છે.સામતનાં સામ્રાજ્યનો વિસ્તારમાં જ હિરણીયો નેસ આવતો હતો. તેથી ગેલો સામતનો હુંકવાનો અવાજ તરત ઓળખી જતો હતો. ઘણી વખત રાતે સામત નેહડાની પછવાડે નદીએ પાણી પીવા આવે ત્યારે ત્યાં આખી આખી રાત હુંક્યા કરતો હતો. તેથી આ સામત જ છે એ પાકું હતું. અને તે હજી એદણ્યની લાશને છોડીને ગયો નહિ હોય તે પાકું જ હતું. સાવજ જ્યારે શિકાર કરે ત્યારે પહેલા તો ખૂબ ધરાઈને શિકારને ખાઈ લે છે. પછી શિકારની બાજુમાં જ દસથી બાર કલાકની ભરપૂર ઊંઘ ખેંચી લે છે. જાગીને ભૂખ લાગે એટલે પાણી પીને ફરીથી શિકાર આરોગે છે. આમ તે શિકારની જગ્યાએ બે ત્રણ દિવસ રોકાય છે. જ્યાં સુધી સાવજોની હાજરી હોય ત્યાં સુધી મુર્દાખોર શિયાળ, કાગડા કે ઝરખા નો શિકાર ખાવાનો વારો આવતો નથી. આ બધા શિકાર ની આજુબાજુ ટપર્યા કરે ને સાવજોની જવાની રાહ જોઈ રાખે.
ગેલો પથ્થરનાં ઠેબા લેતો આગળ ચાલ્યો જતો હતો. અચાનક તેને હવામાં મરેલા માલ ની દુર્ગંધ આવવા લાગી. થોડો આગળ વધ્યો ત્યાં દુર્ગંધ તીવ્ર થતી ગઈ. હવે ગેલો ઉભો રહી ગયો. ફરતે ફરતે શિયાળવા લાળી કરી રહ્યા હતા. નજીકથી ભટાવરું ભરર....કરતું ઉડ્યું.ગેલા એ ડાંગ ખભે લઈ લીધી. બીજાં હાથે ટોર્ચ ચાલું કરી પ્રકાશ ફેંક્યો. તો એકદમ સામે ચાર આંખો ચમકી ઉઠી. બે મોટી દિવડા જેવડી ને બાજુમાં બે થોડી નાની ચમકી રહી હતી...

ક્રમશઃ...

(ચમકી રહેલી આંખો કોની હશે? શું તે સિંહ હશે? વધું આવતાં હપ્તે..)

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621