પ્રેમરંગ. - 13 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 13

પ્રકરણ-૧૩

અંતે એ દિવસ આવી જ પહોંચ્યો જેની બધાં ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બીજા દિવસે ફરી એકવાર ડૉ. અનંત મોહિનીની સારવારમાં લાગી ગયા.

ડૉ. અનંત બોલ્યા, "મોહિની! ભૂતકાળની ઘટનાઓને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમારા માતા પિતા અને તમારી બહેનને યાદ કરો. કયાં છે એ લોકો? શું કરી રહ્યા છે એ લોકો?"

મોહિની હવે ફરી એકવાર ભૂતકાળની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. એ બોલી, "હું અને મારી બહેન અમે બંને ઘરની બહાર આંગણાંમાં રમી રહ્યાં હતાં. અને અમને બંને બહેનોને ખૂબ મજા પણ પડી રહી હતી. પછી રમતા રમતા અચાનક મારી બહેનને તરસ લાગી એટલે એ પાણી પીવા ગઈ. એ પાણી પીને જ્યારે પાછી આવી ત્યારે એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને એ ખૂબ જ રડી રહી હતી. એ વખતની અમારા બંનેની ઉંમર લગભગ સોળ વર્ષની હશે." મોહિની બોલી.

"તો પછી તમે એમને પુછ્યું કે, એ શા માટે આવી રીતે રડી રહી હતી?" ડૉ. અનંતે મોહિનીને ફરી સવાલ કર્યો.

"હા, મેં એને પૂછયું કે, તું શા માટે રડી રહી છે? આવી રીતે આમ અચાનક? એવું તે શું થયું ઘરમાં? કોઈએ કંઈ કહ્યું? બા કે બાપુજીએ તને કંઈ કહ્યું?" મોહિનીને એ વખતે જે કંઈ પણ ઘટનાઓ બની હતી એ બધી જ યાદ આવવા લાગી હતી હવે ધીમેધીમે.

"તો શું કહ્યું તમારી બહેને?" ડૉ. અનંતે ફરી પૂછ્યું.

"એણે જે કંઈ પણ કહ્યું એ હું આજે પણ જયારે સાંભળું છું ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે." મોહિની બોલી.

"એવું તે શું કહ્યું એણે?" ડૉ. અનંતે પૂછ્યું.

"જ્યારે મારી બહેન ઘરમાં પાણી પીવા માટે અંદર ગઈ ત્યારે એણે મારા માતાપિતા વચ્ચે જે કંઈ પણ વાતચીત થઈ રહી હતી એ સાંભળી. અને એ બધું જ સાંભળ્યા પછી... એ પોતાના આંસુને રોકી ન શકી.

મારા પિતા મારી માતાને કહી રહ્યા હતા, "એક તો તું મને દીકરો તો આપી શકી છો નહીં અને તે મને દીકરી આપી અને એ પણ પાછી એકસાથે બબ્બે! અને હવે આજે જ્યારે હું એ મારી બંને દીકરીઓને દીકરો બનાવવા ઈચ્છું છું તો તને શું વાંધો છે?"

મારી મા મારા પિતાને રોકવાનો પ્રયત્ન કરતાં કહી રહી હતી, "એ હું કોઈ દિ' નહીં થવા દઉં. સમજ્યા તમે? મારી દીકરીઓના શરીર જોડે કોઈ પણ પ્રકારના ચેડાં તમને કરવા નહીં દઉં. દીકરીઓના શરીર જોડે તમે કંઈ રીતે ચેડાં કરી શકો? તમને શરમ નથી આવતી? ભગવાને આપણને દીકરીઓ આપી છે તો કંઈક તો સમજી વિચારીને જ આપી હશેને?"

પણ મારા પિતા તો એકના બે થઈ રહ્યા ન હતાં. એ બોલ્યા, "હું હવે આ બંને છોકરીઓને છોકરો બનાવીને જ રહીશ. હું આ બંનેનું સેક્સ ચેઈન્જનું ઓપરેશન કરાવીને જ રહીશ. હું ડૉક્ટર જોડે વાત પણ કરી આવ્યો છું. મેં દીકરીઓના બાપ બનીને બહુ જીવી લીધું. હવે હું દીકરાનો બાપ બનીને જીવવા માંગુ છું. સમાજમાં ઈજ્જત તો દીકરાના મા બાપની જ હોય છે. દીકરીના મા બાપની આપણાં સમાજમાં કોઈ ઈજ્જત હોતી નથી. અને એ માટે મારે જે કંઈ પણ કરવું પડશે એ બધું જ કરીશ. એટલું તું બરાબર સમજી લેજે અને તારી બંને દીકરીઓને પણ સમજાવી દેજે. સમજી? આવતીકાલે એ બંનેને કહી દેજે કે, ઓપરેશન માટે તૈયાર રહે."

એટલું સાંભળતાં જ મારી બહેન ખૂબ ગભરાઈ ગઈ. એ સીધી દોડતી મારી પાસે આવી અને ખૂબ જ રડવા લાગી અને મેં એને જ્યારે કારણ પૂછ્યું ત્યારે એણે પોતે જે કંઈ પણ સાંભળ્યું એ બધું જ એણે મને કહ્યું. એની વાત સાંભળીને મને પણ ડર તો ખૂબ લાગ્યો. પણ સાથે સાથે પિતા પ્રત્યેની જે ઈજ્જત અમારા બંનેના મનમાં હતી એ બધી જ ઉતરી ગઈ.

શું આ આપણો સમાજ છે? દીકરાના મા-બાપ કહેવડાવવાનો આટલો બધો મોહ!! અને આપણે કહીએ છીએ કે, જમાનો બદલાઈ ગયો છે! પણ શું ખરેખર જમાનો બદલાયો છે ખરો? આજે પણ આપણા સમાજમાં આવા દૂષણો છે! આપણે કહીએ છીએ કે, દીકરી અને દીકરો સમાન છે. પણ એ તો માત્ર પુસ્તકો અને ફિલ્મોમાં જ! હકીકતમાં શું છે એ તો જ્યારે આપણી આજુબાજુ નજર કરશો તો દેખાશે કે, આજે પણ લોકો દીકરી કરતાં દીકરાના જન્મ પર વધુ ખુશી અનુભવે છે. અને કોઈ બોલે નહીં પણ મનમાં તો ઈચ્છતાં જ હોય છે કે, પહેલાં ખોળે દીકરો અવતરે તો સારું.

અમને બંનેને સમજમાં નહોતું આવતું કે, આ અમારા જ પિતા છે? જેમની નસોમાં પોતાનું જ લોહી દોડતું હોય એ માણસ આવું કંઈ રીતે વિચારી શકે? કોઈ માણસ આટલી નીચ કક્ષાએ કઈ રીતે ઉતરી આવે!? પણ પછી અમે બંને બહેનોએ નક્કી કર્યું કે, આપણે હવે આ ઘરમાં નહીં રહી શકીએ. સવાર પડે એ પહેલાં જ આપણે આ ઘર છોડી દેવું પડશે. આવા હલકા માણસના ઘરમાં એક ક્ષણ પણ અમારે રહેવું નથી અને અમે બંને એ જેમ નક્કી કર્યું હતું એમ એ રાતે અમે બંને એ ઘર છોડી દીધું. અમારી મા એ જ અમને મદદ કરી અમને બંનેને ભગાડવામાં.

અમે બંને તો મા ને પણ સાથે લઈ જવા માંગતા હતા પણ મા અમારી સાથે આવવા તૈયાર ન થઈ. એ બોલી, "હું હવે કેટલાં વર્ષ?! મારી અડધી જિંદગી તો વીતી ગઈ. પણ તમારે હવે તમારું ભવિષ્ય બનાવવાનું છે. બને તો કોઈ સારા શહેરમાં જજો અને ભણીગણીને હોશિયાર થજો અને પોતાના પગ પર ઉભા રહેજો એવા મારા તમને બંનેને આશીર્વાદ આપું છું. અને સાથે આ મારી બચતના જે કંઈ પણ પૈસા છે એ પણ તમને લોકોને આપું છું. તમને બંનેને કામ આવશે."

"અને એ રાત્રે અમે બંને બહેનો મા ના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળી ગઈ. ક્યાં જઈશું? શું કરીશું? અમને બંનેને કોઈ જ ખબર નહોતી."

એટલું બોલી મોહિની ચૂપ થઈ ગઈ. ડૉ. અનંતે પૂછ્યું, "અને તમારી બહેનનું નામ શું હતું એ તો તમે કહ્યું જ નહીં?"

"રેશમ!" મોહિની બોલી. આ સાંભળીને બહાર વિડીયો રેકોર્ડિંગ જોઈ રહેલા પ્રેમ કપૂરના કાન સરવા થયા.

ડૉ. અનંતે આજનું સેશન અહીં જ પૂરું કર્યું અને બહાર આવ્યા.