પ્રેમરંગ. - 5 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 5

પ્રકરણ-૫

પ્રેમ કપૂર સુવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતાં. પણ એમને ઉંઘ આવી જ રહી નહોતી. પરંતુ નિંદ્રા આજે એમનાથી નારાજ હતી. ખૂબ નસીબદાર હોય છે એ લોકો કે, જેમને પૂરતાં પ્રમાણમાં ઊંઘ આવે છે. પણ પ્રેમ કપૂરના નસીબ એટલા સારા પણ નહોતા.

એમની આંખ સામેથી આજે રેશમનો ચેહરો ખસતો જ નહોતો. રેશમ એ એની આંખો પર આજે કબજો કરી લીધો હતો. એના માનસપટ પર રેશમનો ચેહરો એવી રીતે છવાઈ ગયો હતો કે, એને ચારે તરફ રેશમ જ દેખાતી હતી. આંખો ખોલે તો રેશમનો ચેહરો, આંખો બંધ કરે તો પણ રેશમનો ચેહરો જ દેખાતો હતો. રેશમ એને ઉંઘવા જ નહોતી દેતી.

માણસનું મન પણ કેટલું વિચિત્ર હોય છે નહીં! જ્યારે એની પાસે એ ક્ષણ હોય છે ત્યારે એ ક્ષણમાં જીવી નથી શકતો. કયારેક એ ભવિષ્યની ચિંતા કરીને વર્તમાનમાં જીવી નથી શકતો અને કયારેક એ વર્તમાનમાં હોવા છતાં પણ ભૂતકાળમાં જીવતો હોય છે. આ સૃષ્ટિમાં બહુ ઓછા મનુષ્ય એવાં હશે કે, જે વર્તમાનમાં જીવી શકતાં હશે. વર્તમાનમાં જીવવું તો કોઈ પણ માણસ માટે ત્યારે જ શક્ય બને છે જ્યારે એના પર ઈશ્વરની કૃપાનો પ્રસાદ વરસે. બાકી ક્ષણ ક્ષણને આનંદથી જીવવાવાળા મનુષ્ય આ સંસારમાં બહુ જ ઓછા છે. અને પ્રેમ કપૂર પણ કંઈ આમાંથી બાકાત નહોતા. એ પણ વારંવાર પોતાના ભૂતકાળની ગર્તામાં ધકેલાઈ જતાં હતાં અને દુઃખી પણ થતાં હતા.

જે મનુષ્ય હંમેશા ભૂતકાળની વાતોને યાદ કરીને જ જીવ્યા રાખે છે એ મનુષ્ય કદાચ ક્યારેય સુખી થતો નથી. એના દુઃખી થવાનું કોઈ કારણ જ નથી હોતું છતાં પણ એ માત્ર પોતાના ભૂતકાળમાં બનેલી ઘટનાઓને યાદ કરીને વારંવાર દુઃખી થાય છે. અને મોટાભાગના કિસ્સામાં તો એ ખરાબ ઘટનાઓ જ યાદ રાખે છે અથવા એને એ જ યાદ રહે છે.

એમને યાદ આવ્યો રેશમ સાથે વિતાવેલો એ સમય! કેટલો ખૂબસૂરત હતો એ સમય.!

રેશમ અને પ્રેમ! બંને જાણે એકમેક માટે જ ઘડાયેલા હતા. માતા પિતાના પ્રેમને માટે તલસતો પ્રેમ હવે કોલેજમાં આવી ગયો હતો. એ ગુજરાતી સાહિત્યમાં બી.એ. કરી રહ્યો હતો. આમ પણ પ્રેમને સાહિત્ય પ્રત્યે પ્રેમ તો હતો જ અને એણે પોતાના આ સાહિત્ય પ્રેમને જ પોતાનું કેરિયર બનાવવાનું વિચાર્યું હતું. એ ખૂબ મહેનત કરતો અને એની એ મહેનત એને ફળી પણ ખરી. કોલેજના છેલ્લા વર્ષમાં એને ગોલ્ડ મેડલ પણ મળ્યું. એણે આખી યુનિવર્સિટીમાં પહેલો નંબર મેળવ્યો હતો. પ્રેમ હવે ગોલ્ડ મેડાલિસ્ટ બની ગયો હતો. અને એની આ કોલેજના પહેલાં વર્ષથી છેલ્લા વર્ષ સુધીની સફરમાં રેશમ એ હંમેશા એને સાથ આપ્યો હતો.

માતા પિતાના પ્રેમને માટે તરસતો પ્રેમ અંદરથી ખૂબ એકલો હતો એ રેશમની નજર બહાર રહ્યું નહીં. સ્ત્રી પાસે હંમેશા એવી શક્તિ રહેલી હોય છે કે, એ સામેના વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજી જાય છે. કુદરતે એને એવી શક્તિ એટલા માટે આપી છે કે, જેથી એ પોતાનું રક્ષણ કરી શકે. પ્રેમના મનોભાવને રેશમ ખૂબ સારી રીતે સમજી શકતી. પ્રેમ જયારે પોતાની ડાયરીમાં કવિતા લખતો ત્યારે રેશમ હંમેશા એની પાસે આવીને બેસતી. અને એને એની આ એકલતામાં એનો સાથ આપતી. એ એની જોડે વાતો કરતી.

એ કહેતી, "પ્રેમ! તને એક વાત પૂછું? તું હંમેશા તારી જિંદગીથી આટલો બધો ઉદાસ કેમ રહે છે?"

અને પ્રેમ કહેતો, "હું? અને ઉદાસ? કોણે કહ્યું તને? અરે! હું તો ખૂબ ખુશ છું. મને મારી જિંદગીથી કોઈ ફરિયાદ નથી."

"રહેવા દે પ્રેમ! તું ભલે મારાથી સત્ય છુપાવવાનો પ્રયત્ન કરે પણ સત્ય મારી નજરથી છૂપું નહીં રહી શકે. તારો ચેહરો વાંચી શકું છું હું. તારી પાસે બધું જ હોવા છતાં અંદરથી તું ખૂબ એકલો છે." રેશમ એને જવાબ આપતી. અને સ્વગત જ બોલતી, 'એકલા હોવાની પીડા શું હોય છે એ મારાથી વિશેષ કોઈ જાણતું નથી. તારી પાસે તો બધું જ છે પ્રેમ. પણ મારી પાસે? મારી પાસે તો કશું જ નથી.' પણ પોતાની અંગત જિંદગીની આ વાત એ પ્રેમને કદી જણાવવા દેતી નહીં.

પ્રેમની જિંદગીમાં રેશમ પહેલી એવી વ્યક્તિ હતી કે, જે એના હૃદયની વાત ખૂબ સારી રીતે સમજી શકતી. પ્રેમ અને રેશમનો પ્રેમ ક્યાં રંગમાં આકાર લઈ રહ્યો હતો એ વાતથી તો એ વખતે તે બંને જણા પણ અજાણ હતા.

પ્રેમને જ્યારે ગોલ્ડ મેડલ મળ્યું ત્યારે રેશમ જ હતી જે એની સાથે હાજર હતી. રેશમ જાણતી હતી કે, પ્રેમ એને પસંદ કરે છે. પ્રેમ એને ચાહે છે. એને લાગતું હતું કે, પ્રેમ એક દિવસ જરૂર એના પ્રેમનો એકરાર કરશે. અને પ્રેમ પણ મનમાં તો એ વાત જાણતો હતો કે, રેશમ પણ એને પ્રેમ કરે છે.

બંને એકમેકના મનોભાવને સમજતાં હતા પણ બંને ક્યારેય પોતાના પ્રેમનો એકરાર કરી શક્યા નહીં. પ્રેમ પોતાના મનની વાત રેશમને કહી શકયો નહીં અને રેશમ પણ પ્રેમ એના પ્રેમનો એકરાર કરે એની રાહ જ જોતી રહી. કોલેજના છેલ્લા દિવસે બંને એકબીજાથી છુટા પડ્યા અને ફરી ક્યારેય એકબીજાને મળી શક્યાં નહીં.

બંને એકમેકને ખૂબ સારી રીતે સમજતાં હોવા છતાં સંવાદ સાધી શક્યાં નહીં. કેટલાંક સંબંધો માત્ર સંવાદના અભાવે જ અકારણ મૃત્યુ પામે છે. પ્રેમ અને રેશમનો સંબંધ પણ આવી જ રીતે માત્ર સંવાદના અભાવે જ મૃત્યુ પામ્યો હતો. પણ સાથે એક આશા પણ છોડી ગયો હતો કે, ક્યારેક તો બંને મળશે. કોઈક દિવસ તો બંનેનું મિલન થશે!

મોબાઈલની રીંગ એ પ્રેમ કપૂરની વિચારધારા તોડી. એમણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી આદિલ કુમારનો અવાજ આવ્યો. એ બોલ્યા, "પ્રેમ કપૂર! તમે જલ્દી અહીં આવી જાવ. હું તમને લોકેશન મોકલું છું" એટલું કહી એમણે ફોન મુક્યો. ફોનમાં આદિલ કુમાર ખૂબ ગભરાયેલા લાગતાં હતા એ પ્રેમ કપૂરના ધ્યાન બહાર રહ્યું નહીં.

પ્રેમ કપૂર એ પોતાના મેપમાં લોકેશન ઓન કર્યું અને ઝડપથી પોતાની કારમાં આદિલ કુમારએ જે લોકેશન મોકલ્યું હતું ત્યાં પહોંચ્યા.