Premrang - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 12

પ્રકરણ-૧૨

પ્રેમ કપૂર હવે હોસ્પિટલમાં આવી પહોંચ્યા. હોસ્પિટલમાં આદિલ કુમાર, શાહિદ, ડૉ. રાકેશ અને ડૉ. અનંત બધા જ હાજર હતા. પ્રેમ કપૂર પણ જ્યાં બધા હતા ત્યાં જ આવી પહોંચ્યા. બધાનાં મનમાં અત્યારે અનેક પ્રકારના પ્રશ્નો રમી રહ્યા હતા. અને આજે એ દિવસ હતો કે, જ્યારે બધાં લોકોને કદાચ પોતાના પ્રશ્નોના ઉત્તર મળવાના હતા.

મોહિની અત્યારે પોતાના બેડ પર સુતી હતી. ડૉ. અનંત બોલ્યા, "અત્યારે હવે તમે બધાં લોકો બહાર જાઓ. હું જ્યારે મોહિનીને હિપ્નોટાઈઝ કરું ત્યારે અહીં વધુ લોકો હાજર ન રહે તો વધુ સારું. જો વધુ લોકો અહીં હાજર હોય તો એની કદાચ મોહિની પર વિપરીત અસર પણ પડી શકે છે. અને આમ પણ એ જે કંઈ પણ બોલશે એ બધાંનું જ વિડીયો રેકોર્ડિંગ થશે. એટલે તમે લોકો ચિંતા ન કરો એ જે કંઈ પણ કહેશે એ બધું જ હંમેશા માટે રેકોર્ડમાં રહેશે."

"ડૉ. રાકેશ! તમે બધાંને બહાર લઈ જાવ પ્લીઝ. અહીં વધારે લોકોનું હોવું મોહિનીને ડિસ્ટર્બ પણ કરી શકે છે. મારી રીક્વેસ્ટ છે પ્લીઝ!" ડૉ. અનંત બોલ્યા.

"અરે! ડૉક્ટર સાહેબ! તમે લોકો ચિંતા ન કરો અમે લોકો જાતે જ બહાર ચાલ્યા જઈએ છીએ. અને આમ પણ અમને તમારા પર પૂરો ભરોસો છે. સર! વિશ્વાસ પર તો આ દુનિયા ટકેલી છે. અને પેશન્ટનો ડૉકટર પર વિશ્વાસ હોવો તો ખૂબ જ જરૂરી છે. જો પેશન્ટ એકવાર ડૉક્ટર પર વિશ્વાસ મૂકી દે તો પછી એ ઝડપથી સાજો થઈ જાય છે. જ્યાં વિશ્વાસ નથી એ સંબંધ ક્યારેય ટકી શકતો નથી. પછી એ ડૉક્ટરનો અને પેશન્ટનો સંબંધ હોય કે પછી બીજો કોઈ પણ સંબંધ હોય. વિશ્વાસ પર તો આ દુનિયા કાયમ છે. વિશ્વાસ જ છે કે જે એક માણસને બીજા માણસથી જોડે છે. વિશ્વાસ સિવાય આ દુનિયામાં બીજું છે પણ શું?" આદિલ કુમાર બોલ્યા.

બધાં લોકો હવે ડૉ. અનંત પર વિશ્વાસ રાખીને રૂમની બહાર નીકળી ગયા. બધાને હવે ડૉ. અનંત પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો. બધા હવે મોહિનીને ડૉ. અનંતના ભરોસે મૂકીને રૂમની બહાર નીકળી ગયા હતા.

ડૉ. અનંત એ હવે મોહિનીનો ઈલાજ શરૂ કર્યો. ડૉ. અનંત હવે ધીમે ધીમે મોહિનીને પોતાના ભૂતકાળમાં લઈ જવાનો ખૂબ જ સાવચેતીથી પ્રયત્ન કરવા લાગ્યા. એ બોલ્યા, "મોહિની! ધીમે ધીમે આંખો બંધ કરો અને પોતાના બાળપણમાં જવાનો પ્રયાસ કરો અને બાળપણની એ ઘટનાઓને યાદ કરવાનો પ્રયત્ન કરો જે તમને આનંદ આપે.

મોહિનીએ આંખો બંધ કરી. એ ધીમે ધીમે ડૉ. અનંતના વશમાં આવી રહી હતી. ડૉ. અનંતની વશીકરણ વિદ્યા એને બરાબર વશમાં લઈ રહી હતી.એના ચહેરા પરના ભાવ પણ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યા હતા. સીસીટીવી કેમેરા હવે ચાલુ થઈ ગયો હતો. એ રૂમમાં જે કંઈપણ ચર્ચા થશે એ બધું જ હવે આ કેમેરામાં કેદ થઈ જવાનું હતું. અને એનાથી એના ઈલાજમાં મદદ મળવાની હતી.

*****

આ બાજુ પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંને મોહિનીની ચિંતામાં આમથી તેમ આંટા મારી રહ્યાં હતાં. બંનેને ક્યાંય ચેન પડતું નહોતું. બંનેને મોહિનીની ખૂબ જ ચિંતા થઈ રહી હતી.

આપણે જેને પ્રેમ કરતાં હોઈએ એ જો મુશ્કેલીમાં હોય તો આપણે પણ એની ચિંતામાં કેવા અડધાં અડધાં થઈ જઈએ છીએ! તો અહીં તો પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંને જ પ્રેમમાં પડેલા હતા. આદિલ કુમાર તો મોહિનીના પ્રેમમાં હતાં જ. અને પ્રેમ કપૂર રેશમના! પ્રેમ કપૂરને મન તો હવે મોહિની જ રેશમ બની ચૂકી હતી અને એ પણ એક અદમ્ય આકર્ષણ મોહિની તરફ અનુભવવા લાગ્યા હતા. પણ મનને મનાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા કે, જેને એ રેશમ સમજે છે એ હકીકતમાં તો મોહિની છે. શા માટે એને મોહિની પ્રત્યે આકર્ષણ થઈ રહ્યું છે? એ ખુદ સમજી શકતા નહોતા. એનું એક મન એને કહી રહ્યું હતું કે, મોહિની તો આદિલ કુમાર ને પ્રેમ કરે છે અને આદિલકુમાર પણ મોહિનીને ચાહે છે તો હું આ બંને વચ્ચે કઈ રીતે આવી શકું? અને બીજું મન કહી રહ્યું હતું કે, એ જેને પ્રેમ કરે છે એ તો રેશમ છે. મોહિની નહીં. અને રેશમ તો મને ચાહે છે ને? અને હું પણ તો રેશમને પ્રેમ કરું છું. આવી અનેક દુવિધાઓથી એમનું મન અત્યારે ઘેરાયેલું હતું.

એમના આંતરમનમાં અત્યારે એક ભયાનક દ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. પણ આ યુદ્ધમાં ન તો એને કોઈ રીતે જીત પ્રાપ્ત થઈ રહી હતી કે ન તો એ હાર માની શકતા હતા. અને ન તો એ યુદ્ધને વિરામ આપી શકતાં હતા.

****
મોહિની હવે ધીરે ધીરે પોતાના ભૂતકાળમાં જવા લાગી હતી. થોડીવાર એના ચહેરા પર હાસ્ય આવી જતું તો ક્યારેક એના ચેહરા પર ગ્લાનિ છવાઈ જતી.

ડૉ. અનંત બોલ્યા, "મોહિની! તમે હવે બાળક બની ગયા છો. કોણ કોણ છે તમારા પરિવારમાં? માતા પિતા ભાઈ બહેન? કોણ?

મોહિની બોલી, "હું, મારી મા અને બાપુજી. અને મારી એક જોડકી બહેન. ચાર જણાનો અમારો પરિવાર છે. અમે બધાં એકબીજા જોડે બહુ જ ખુશ છીએ. હું અને મારી બહેન અમે બંને રમી રહ્યા હતા. કેવી ખુશ હતી અમે બંને બહેનો. પણ..પછી...એટલું જ એ બોલી અને મોહિનીને ફરી વાર શ્વાસ ચડવા લાગ્યો. મોહિનીની આવી હાલત જોઈને ડૉ. અનંતે એને ત્યાંથી જ પાછી વાળી.

એ બહાર આવ્યા અને આવીને બધાંને કહ્યું, "અત્યારે હવે મોહિની વધુ નહીં બોલી શકે. એને હવે શ્વાસ ચડવા લાગ્યો છે એટલે હવે આ સેશન વધુ આગળ વધારવું મને અત્યારે યોગ્ય નથી લાગતું. એના મગજને હવે વધુ પ્રેશર આપવું ઠીક નથી. અત્યારે હવે એને આરામ કરવા દેજો. બાકીનું સેશન હવે આપણે આવતી કાલે આગળ વધારવું પડશે."

બધાં હવે બીજા દિવસની રાહ જોવા લાગ્યા.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED