પ્રેમરંગ. - 3 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 3

પ્રકરણ-૩

મોહિની હવે સેટ પર આવી ચૂકી હતી. મોહિની એ આવતાની સાથે જ આખો સેટ ગજાવી મૂકયો.

"હાય! દિલ! તારી હિરોઈન હવે આવી પહોંચી છે. બોલ હવે આજે તારે મારી પાસે શું કામ કરાવવું છે?" મોહિનીએ આદિલ કુમારની પીઠ પર એક ધબ્બો મારતાં કહ્યું.

"અરે! મોહિની! આ શું કરે છે તું? તને કંઈ શરમ જેવું છે કે નહીં? એક તો તું જાહેરમાં મને દિલ કહીને ન બોલાવ. મને નથી ગમતું. તને ખબર તો છે ને કે મારું નામ આદિલ છે." આદિલ કુમાર એ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.

"અરે યાર દિલ! અરે ના ના..! સોરી સોરી...! આઈ મીન આદિલ! તું તો ખોટું માની ગયો આપણે બંને તો કોલેજકાળથી મિત્રો છીએ. અને મૈત્રીમાં તો મિત્રને પ્રેમથી હુલામણા નામે બોલાવી જ શકાય ને? એની વે આજનો સીન સમજાવી દે. આજે શું કરવાનું છે?"

"આ લે. પહેલાં તો તું આ સ્ક્રિપ્ટ વાંચી લે અને પછી કંઈ પણ પ્રશ્ન થાય તે તું મને પૂછજે. અને હા આજથી તારો મેક અપ પણ બદલવો પડશે." આદિલકુમાર એ હિરોઈનને મનાવવા માટેનું પ્રથમ પગથિયું ચડવાની પહેલ કરતાં કહ્યું.

"કેમ?" મોહિનીને કંઈ સમજ ન પડતાં એણે આદિલ કુમારને પ્રશ્ન કર્યો.

"કારણ કે, આજના એપિસોડથી વાર્તાની અંદર હવે દસ વર્ષનો લીપ આવશે. એટલે તારી ઉંમર પણ દસ વર્ષ વધુ બતાવવાની છે તો એ પ્રમાણે મેકઅપ પણ કરવો પડશે."

"અરે પણ મને પુછયું પણ નહીં કે, હું આટલી મોટી ઉંમરનો રોલ કરવા તૈયાર પણ છું કે નહીં?" મોહિની મોટી ઉંમરના રોલની વાત સાંભળીને ભડકી ઉઠી.

"મોહિની મને યાદ છે ત્યાં સુધી સીરીયલના વાર્તાકાર પ્રેમ કપૂર છે તું નહીં હો! તું તો માત્ર એક કલાકાર છો. તારું કામ માત્ર એટલું જ છે કે જે કંઈ પણ તને કહેવામાં આવે એને તારે પડદા પર તાદ્રશ્ય કરવું. અને તને પૈસા પણ આ જ કામ કરવાના મળે છે. સમજે છે તું આ? મને નથી લાગતું કે, તું એટલી નાસમજ છો કે, માત્ર વધુ ઉંમર જેવી ફાલતું વાત માટે એટલા નખરાં કરે. હું જાણું છું તારે વધારે પૈસા જોઈએ છે એમ કહેને! જા, આપ્યા તને એક લાખ રૂપિયા વધારાના. હવે તો ખુશ ને? પ્રેમ કપૂરને હું વાર્તા લખવાનું અલગથી મૂલ્ય ચૂકવું છું. વાર્તા ને કેમ આગળ વધારવી એ તો વાર્તાકાર જ નક્કી કરશે ને?" આદિલકુમારએ મોહિનીને સત્ય સમજાવતાં કહ્યું.

"પૈસાની વાત નથી. પૈસા તો પેલી કહેવત છે ને કે, હાથનો મેલ છે. અને હા! મારા આ નખરાં કંઈ વધુ પૈસા લેવા માટેના નથી એ તુંસમજી લે જે.. મને ડર માત્ર એક જ વાતનો છે કે, જો આજે હું આવડી દસ વર્ષ મોટી ઉંમરનો રોલ કરીશ તો ભવિષ્યમાં પણ મને આવા જ રોલ મળશે. મને ક્યારેય હીરોઈનનો રોલ જ પછી નહીં મળે. જો એક વખત મારી આ છબિ લોકોના મનમાં અંકિત થઈ ગઈ તો..તો...તો... મને હંમેશા આવા જ રોલ મળશે અને આવા જ રોલ કરવા પડશે એ વાત તું કેમ સમજતો નથી? એક કલાકાર માટે એ પણ એટલું જ જરૂરી છે કે, એ એક જ રોલમાં બંધાઈ ન રહે. એને વૈવિધ્ય સભર રોલ મળતાં રહે." મોહિનીએ પોતાના મનની વ્યથા જણાવતા કહ્યું.

"ચાલ, પૈસાની વાત બાજુ પર મૂકીને તને એક પ્રશ્ન પૂછું, "તને શું લાગે છે એક કલાકાર સારો કલાકાર ક્યારે કહેવાય?" આદિલકુમારએ પૂછ્યું.

"મારી દ્રષ્ટિએ તો એક કલાકાર તો ત્યારે જ સારો કલાકાર કહેવાય કે તેને જે કંઈ પણ કામ આપવામાં આવે એને એ પૂરી પ્રમાણિકતાથી નિભાવે અને પોતાના સો એ સો ટકા આપી અને એને પડદા પર રજૂ કરે. એક કલાકાર ની સફળતા તો એ છે કે એના પોતાના ચાહકો એને દિલથી પસંદ કરે. મારી દ્રષ્ટિએ તો એ જ છે સાચો કલાકાર!" મોહિનીએ આદિલકુમારના પ્રશ્નનો જવાબ આપ્યો.

"જે વાત તું સમજે છે છતાં કેમ જાણે તને સમજાતું જ ન હોય એમ નાસમજ હો એવી વાતો કરે છે? આ જે તું અત્યારે બોલી રહી છો એ જ તો હું તને સમજાવવા માંગું છું મોહિની!"

આદિલ કુમાર બોલ્યા, "તું પણ તારા સો એ સો ટકા આપ અને પૂરી પ્રામાણિકતાથી તારા રોલને ન્યાય આપ. તારે પણ માત્ર હવે એટલું જ કરવાનું છે કે તારા ચાહકો પણ તને પસંદ કરે આ નવા રોલમાં. બાકીનું બધું તું મારા અને પ્રેમ કપૂર પર છોડી દે. એ જ તો છે તારી કલાકાર તરીકેની ખરી સફળતા." આદિલ કુમારએ પોતાની વાત મોહિનીના ગળે ઉતારવાનો પ્રયત્ન કર્યો. અને એમાં એ મહદઅંશે સફળ પણ થઈ ગયા.

મોહિની હવે આ રોલ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.

"પહેલાં આપણે સૂત્રધારનો શોટ લઈ લઈએ. કેમેરામેન! શાહિદ ને બોલાવ. એને કહે કે, આજે પહેલો શોટ એનો લેવાનો છે. આજનો સીન સૂત્રધારથી શરૂ કરવાનો છે."

પ્રેમ કપૂર પણ આદિલકુમારની બાજુમાં આવીને બેઠા. અને શૂટિંગ જોવામાં વ્યસ્ત થયા.

અને સામેના છેડે સીન શરૂ થયો.

સૂત્રધારના રોલમાં શાહિદ એ એન્ટ્રી મારી.

રમણ કરી રહ્યો છે ક્યાંક તો ભ્રમણ.
ક્યાંક તો થઈ રહ્યાં છે મધુના કામણ.
કોઈ તો વેળા આવશે એના મિલનની.
જોવાને એ ઘડી તરસે સૌની પાંપણ!

દર્શકમિત્રો! તમે જાણો છો એમ રમણ અને મધુ છૂટા પડી ગયા. રમણ મધુને છોડીને ચાલી ગયો. કારણ કે, એને લાગતું હતું કે, જીવનમાં પ્રેમ જેવું કંઈ હોતું નથી. એણે મધુના પ્રેમને જરૂરિયાત કહી એને ધુત્કારી કાઢ્યો. અને પોતે ક્યાંક અંધકારની ગર્તામાં ખોવાઈ ગયો. એ દિવસની મુલાકાત પછી એ બંને ક્યારેય ન મળ્યાં.

અને આ બાજુ મધુએ માતાપિતાએ કહ્યું ત્યાં લગ્ન કરી લીધાં. મધુ આજે પોતાના પતિ અને બાળકો સાથે ખૂબ જ સફળ રીતે પોતાની ગૃહસ્થી સંભાળી રહી છે અને એ પોતાની આ નવી જિંદગીથી ખુશ પણ છે. એને હવે રમણ યાદ પણ નથી આવતો.

મધુ અને રમણને અલગ થયાને દસ વર્ષ વીતી ગયા. શું રમણ અને મધુની આ પ્રેમ પરીક્ષા છે?

શું રમણ અને મધુનું પુન:મિલન થશે?

તો ચાલો હું તમને ફરી લઈ જઉં આ "પ્રેમ પરીક્ષા"ની નવી દુનિયામાં.

દસ વર્ષ પછીની આ વાર્તા "પ્રેમપરીક્ષા."

"ઓકે કટ." આદિલ કુમારએ કટ કરવા કહ્યું. સીન પૂરો થઈ ગયો હતો. શાહિદએ સૂત્રધાર તરીકે નો પોતાનો સીન સારી રીતે ભજવ્યો. એક ટેકમાં જ શોટ પૂરો થયો.

આદિલ કુમારે પ્રેમ કપૂર સામે જોઇને પૂછ્યું, "કેવો લાગ્યો સીન! પ્રેમ કપૂર! બરાબર છે ને?"

પણ પ્રેમ કપૂર તો ફરી એકવખત પોતાના ભૂતકાળમાં સરી ગયા હતા.