પ્રેમરંગ. - 4 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમરંગ. - 4

પ્રકરણ-૪

પ્રેમ કપૂર ફરી એક વખત પોતાના ભૂતકાળની સફરમાં ચાલ્યા ગયા હતા.

માતા પિતાના પ્રેમ અને એમના સમયને પામવા માટે તરસતો નાનકડો પ્રેમ હવે ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. સમયની સાથે સાથે પ્રેમની ડાયરીના પાનાઓ પરનું લખાણ પણ આગળ વધી રહ્યું હતું. પ્રેમ એ હવે પોતાના જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. એ હવે સમજી ગયો હતો કે, મારા માતા પિતા મને ક્યારેય સમય આપી શકશે નહીં. અને પોતાના આ જીવનથી એ ખુશ તો નહોતો પણ હંમેશા ખુશ રહેવાનો પ્રયત્ન કરતો. એના માટે હવે એની ડાયરી જ જીવન હતી. એ હવે હંમેશા માટે પોતાની કાલ્પનિક દુનિયામાં ખુશ રહેતા શીખી ગયો હતો.

એવા સંતાનો કે, જેમને એમના માતા પિતા પોતાનો સમય નથી આપી શકતાં અથવા એવા માતા પિતા કે જે એમની પોતાની અંગત જિંદગીની તકલીફોને પોતાના બાળક પર હાવી થવા દે છે એમના બાળકો હંમેશા પોતાનો રસ્તો શોધી જ લે છે. અથવા તો એમ કહીએ કે, જે બાળકોના જીવનમાં આવી તકલીફો આવે છે એવા બાળકો હંમેશા જીવનમાં કંઈક અલગ કરે છે. કુદરત જ્યારે કંઈક છીનવી લે છે ત્યારે સામે કંઈક આપે પણ છે. કુદરતનો હંમેશાથી હિંદીમાં પેલી કહેવત છે ને કે, એક હાથ સે દો ઔર એક હાથ સે લો. એ જ સિદ્ધાંત રહ્યો છે.

પ્રેમ પણ કુદરતના આ સિદ્ધાંતથી બાકાત નહોતો રહ્યો. પ્રેમના જીવનમાં કદાચ એના માતા પિતાના પ્રેમનો રંગ તો નહોતો પણ કુદરતે એની કલ્પનાની દુનિયામાં પ્રેમનાં અનેક રંગો ભર્યા હતા. અને એના આ રંગો પ્રેમની ડાયરીમાં છલકી રહ્યા હતા. પ્રેમએ એની ડાયરી માં કવિતા લખી હતી.

જેના ગર્ભમાં નવ મહિના સર્જન થયું,
એના સ્નેહનું કદી ન વિસર્જન થયું.
દુઃખ કદી ના સ્પર્શે એવી એ માતાને,
જેના દેહ થકી મારા આ દેહનું સર્જન થયું.

જેની છત્રછાયા હેઠળ મારો ઉછેર થયો,
જેમના અસ્તિત્વ વિના હું વેરવિખેર થયો.
મારા જીવનનો આધારસ્તંભ બન્યા જે પિતા,
જેમના સ્નેહના ભંડારથી હું કુબેર થયો.

જીવનરૂપી શિક્ષણના પાઠ ભણાવ્યાં જેણે,
ક્યારેક હસાવ્યા ને ક્યારેક રડાવ્યા જેણે,
બાળક થકી જેનું જીવન છે હર્યું ભર્યું.
ખુશનસીબ એ બાળક, જેને છે માતા પિતા રે..

આવી હતી પ્રેમની કલ્પનાની દુનિયા. પણ પેલાં એક હાથેથી લઈને એક હાથથી દેવાના કુદરતના સિદ્ધાંતની જેમ એક દિવસ એવો પણ આવ્યો કે, પ્રેમની જિંદગીમાં પણ પ્રેમનાં રંગો પુરાયાં. પ્રેમની જિંદગીમાં રેશમ આવી.

હા રેશમ! ખૂબ સુંદર હતી રેશમ. રેશમ એના નામની જેમ જ રેશમી હતી. એની ચામડી ખૂબ નાજુક અને મુલાયમ હતી. એના ઢીંચણ સુધી પહોંચતા કાળા લાંબા રેશમી વાળ! પગમાં પાયલ પહેરીને એ જ્યારે ચાલતી તો એના રણકારનો અવાજ સાંભળીને લોકોના દિલના તાર પણ રણઝણી ઉઠતાં. એની પાતળી કમર, એના શરીરના વળાંકો જોઈને લાગતું કે, કુદરતે એને ઘડવામાં કોઈ કસર જ બાકી રાખી નહોતી. ઈશ્વર એ એને ખૂબ શાંતિથી અને પૂરતો સમય લઈને એને ઘડી હશે. અને આવી આ મુલાયમ રેશમ એક દિવસ પ્રેમના જીવનમાં આવી. રેશમ એ પ્રેમના જીવનમાં પ્રવેશ તો કર્યો એટલું જ નહીં પણ રેશમ એ પ્રેમના બેરંગ જીવનમાં રેશમી રંગો પણ પૂર્યા. આજે ફરી એક વખત પ્રેમને રેશમ યાદ આવી ગઈ.

પ્રેમના અનેક રેશમી રંગો પૂરાયા જીવનમાં.
મારા શ્વેત જીવનમાં થયું પ્રિઝમનું આગમન.
ને રચાયું પછી તો જીવનમાં મારા મેઘધનુષ.
સપ્તરંગી રંગે રંગાયું જીવન ને થયું શ્વેતગમન.

ફરી એકવાર પ્રેમની ડાયરીના પાનાં પર મેઘધનુષની રંગોળી રચાઈ. પણ આ વખતે માત્ર એની કાલ્પનિક દુનિયામાં જ રંગોળી નહોતી રચાઈ. એના જીવનમાં પણ મેઘધનુષ રચાયું હતું.

"અરે પ્રેમ કપૂર? ફરી ક્યાં ખોવાઈ ગયા છો?"

આદિલકુમારએ ફરી એક વખત પ્રેમ કપૂર ને તંદ્રાવસ્થામાંથી જગાડ્યા, "તમને પૂછું છું પ્રેમ કપૂર! સીન કેવો લાગ્યો? બરાબર છે ને? મેં તમારી વાર્તાને બરાબર ન્યાય આપ્યો છે ને?" આદિલ કુમારએ ફરી એક વખત પૂછ્યું.

"હે. હં..હં..હં. હા, હા, સીન તો બહુ સારી રીતે ભજવ્યો છે શાહિદએ." પ્રેમ કપૂર એ જવાબ આપ્યો.

પ્રેમ કપૂર હજુ આદિલ કુમારને જવાબ આપી જ રહ્યાં હતાં ત્યાં જ સીરિયલની હિરોઈન મોહિની પ્રેમ કપૂર પાસે આવી અને બોલી, "કપૂર સાહેબ, હું તમારાથી ખૂબ જ નારાજ છું."
"કેમ? મેં દસ વર્ષનો લીપ લઈને વાર્તા લખી એટલે?" પ્રેમ કપૂર સમજી જ ગયાં હતાં કે, મોહિની આ જ વાતથી નારાજ હતી, એટલે મોહિનીના મનનો પ્રશ્ન મોહિનીની પહેલાં એમણે જાતે જ પૂછી નાખ્યો.

"હા, એ જ તો. એ જ તો હું કહેવા માંગતી હતી. પણ તમને કંઈ રીતે ખબર પડી મારા મનની વાત?" મોહિની એ પૂછ્યું.

"કેમ! હું પણ તારી જેમ એક કલાકાર જ છું અને કલાકારની વાતને કલાકાર ના સમજે તો બીજું કોણ સમજે? આમ જોઈએ તો આપણે બંને કલાકાર જ છીએ ફરક માત્ર એટલો જ છે કે, હું કાગળ પરનો કલાકાર છું ને તું પડદા પરની કલાકારા છો." પ્રેમ કપૂર બોલ્યા.

"હા, સર. વાત તો તમારી બિલકુલ સાચી છે." મોહિની બોલી, "સાહેબ, એક વાત કહું?"

"હા, હા કહે." પ્રેમ કપૂર બોલ્યા.

એટલે મોહિની એ પોતાના વિચાર રજૂ કરતાં કહ્યું, "તમે કલાકારની વાત કરી છે એટલે મને વિચાર આવ્યો કે, આજે તમને એક વાત કહું. આમ જોઈએ તો દુનિયામાં દરેક માણસ એક કલાકાર જ છે ને! આ સૃષ્ટિમાં એવો કોઈ મનુષ્ય નહીં હોય કે જેણે પોતાના જીવનના કોઈ ને કોઈ તબક્કે તો જરૂર કોઈ કલા કરી હશે. દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કોઈ તબક્કો એવો આવે જ છે કે જ્યારે એણે પોતાની કલાનું પ્રદર્શન કરવું જ પડે છે અને માણસ ખુશી ખુશી એ કરે પણ છે. પણ કોઈની કલા પડદા સુધી પહોંચે છે ને સમાજમાં નામના મળે છે અને કોઈની કલા એના પોતાના સુધી જ સીમિત રહી જાય છે. પણ દિલથી તો દરેક મનુષ્ય એક કલાકાર જ છે."

"વાહ મોહિની! શું વાત કહી છે આજે તે તો! દિલ ખુશ થઈ ગયું મારું. આને તો હું જરૂર મારી ડાયરીમાં નોંધીશ." એટલું કહીને પ્રેમ કપૂર એ પોતાની ડાયરીમાં આ વાત લખી અને નીચે નોંધ પણ લખી, પ્રેમ પરીક્ષાના શૂટિંગ દરમિયાન મોહિની એ કહેલી વાત."

પ્રેમ કપૂરની આ હંમેશની આદત હતી. એ બીજા કોઈની કહેલી વાત પણ જો એમને ગમી જાય તો તે એ વ્યક્તિના નામ સાથે એ વાતને પણ પોતાની ડાયરી માં જરૂર ટપકાંવતાં.

ડાયરીમાં લખીને એમણે ડાયરી બંધ કરી.

આજનું શુટિંગ પુરું થઈ ગયું હતું એટલે પ્રેમ કપૂર ઘરે આવ્યા. એમણે સૂવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો.

એમની આંખ સામેથી આજે રેશમનો ચહેરો આજે હટતો જ નહોતો.