રાધીએ કનાને ખંભો જાલી તેની તરફ ફેરવ્યો, "હે કના તું ભણી-ગણીને ફુરેસ્ટર શાબ થઈ જાને! તુ ફુરેસ્ટર શાબ થયને આયા ને આયા રે.અમારું,હાવજ્યું ને ગર્યનું ધેન રાખ્ય.તું ફુરેસ્ટર શાબ હો તો અમને કોયની કનડગત નો રિયે."
કનો કહે, " હા ઈ હાચુ મને ય હવે આયા ગીરમાં બવ ગોઠી ગ્યું સે. મારે હવે કાઠિયાવાડમાં જાવું જ નથી."ઘડીક ખળખળ પડતા પાણી સામે જોઇ રહ્યો પછી ઉદાસ વદને બોલ્યો, "રાધી તને ખબર સે? મારી મા મરી ગઈ સે. મારો બાપ ઈને બવ મારતો'તો. મારી મા મને કાયમ કેતી'તી હું મરી જાઉં તો તું મામાને ઘરે ગીરમાં હાલ્યો જાજે. ગીર તો માનો ખોળો સે, ઈ તને હાસ્વી લેહે." પછી કનો ડેમ પરથી પડતા પાણીનાં વેગને લીધે નીચે ગોળ ગોળ ફરતી પાણીની ભમરી ને જોઈ રહ્યો. " હાસુ કવ રાધી, મને હવે આજાવડ જાવાનું મન જ નથી થાતું. મા વિન્યા મને ન્યા નો ગોઠે.ને હવે ન્યાં મા કેદીએ આવવાની નથી."
એટલું બોલતા કનાની નિર્દોષ આંખો ભરાઈ આવી ને ઝરણાં વહેવા લાગ્યાં. રાધી કનાને સાંભળી રહી હતી. તેનું ધ્યાન વહેતા પાણી તરફ જ હતું. તે એક હાથનો ટેકો લઇ બેઠી હતી. કનો ઘડીક કશું બોલ્યો નહીં. કનાનું ગરમ ગરમ આંસુ રાધીનાં હાથ ઉપર પડયું. એ જોઈ રાધીએ કના તરફ જોયું તો કનાની આંખમાંથી શ્રાવણ ભાદરવો ચાલ્યા જતા હતા. રાધી તરત ઊભી થઈ તેણે તેની ચુંદડીથી કનાનાં આંસુ લૂછી નાખ્યા. તેનો હાથ પકડી ઊભો કર્યો. તેને લઈ હિરણ નદીનાં છીછરાં કાંઠે ઉતરી વહેતા પાણીમાંથી તાજા તેલ જેવા પાણીનો ખોબો ભરી કનાનાં મોઢે ધર્યો. કનાએ રાધીનાં ખોબામાંથી ઘટ...ઘટ કરતું પાણી પીધું. ઠંડું પાણી પીવાથી કનાને તાજગી મળી. ગળે બાઝેલો ડૂમો નીચે ઉતરી ગયો. કનો રાધી સામે જોઈ મુસ્કુરાયો.
રાધી કહેવા લાગી, "પીવું હે વધુ? "
કનાએ માથું હલાવી ના પાડી.
" અમારા ગર્યની હિરણ નદીનું પાણી પીશને તોય તું કોયથી પાસો નય પડય. તને ખબર હે? મારા અમુઆતા કેતા'તા હીરણ નદીમાં મોર્ય ક્યાંક હાવજે ય પાણી પીધા હંહે! એટલે હાવજ્યુંનાં એઠાં પાણી પિયને ગરયનાં માણહ ય હાવજયુ જેવા બાદુર થાય."
કનાની આંખમાંથી ઉદાસી ગાયબ થઈ ગઈ. તેણે નવાઈ ભરી દ્રષ્ટિ કરી રાધીને પૂછ્યું, " આયા નદીએ હાવજ્યું પાણી પીવા આવે?"
" હા... લે. તું રોજ્ય માલ સારવા આવીશ એટલે તને આયા આપડે ઊભા ન્યા હાવજ્યું પાણી પીતાં ને કાંઠે બેઠાં જોવાં મળી જાહે."
કનાની આંખમાં થોડો ડર દેખાયો. " તે ઈ આપણ ને કાય કરે નય?"
" આપડે સાળો નો લેવી તો કાય નો કરે. કેદિક હું તને હાવજ્યું હારે ભેટો કરાવીશ."
બંને બાળ ગોવાળને પાણીમાં ઉતરેલા જોઈ રામુ આપાને ચિંતા થઈ તેણે ચુંગીમાંથી બળેલી તમાકુ ચુંગી મોટાં પથ્થર સાથે ઠપકારીને ઠલવી નાખી. પછી દેવતો સળગતો નથી ને! તેની ખાતરી કરવા તેના પર પોતાનો જોડો પહેરેલ પગ ફેરવી દીધો. જંગલમાં અને તેમાંય ગીરનાં જંગલમાં આ વાતનું બહુ ધ્યાન રાખવું પડે. કેમકે ગીરનું જંગલ શુષ્ક પાનખર પ્રકારનું છે. જેથી ઉનાળામાં આ જંગલ સૂકું ભઠ્ઠ થઈ જાય છે. સુકાયેલું ઘાસ અને પાંદડાં પેટ્રોલ જેવુ જ્વલનશીલ હોય છે. એક નાનો તણખો પણ જંગલમાં આગ ફેલાવી દે છે. અને જંગલની આગ કેટલાય સરિસૃપો, કીટકો, જનાવરો અને પંખીઓ સાથે કેટલાય વૃક્ષોને ભરખી જાય છે. તેથી માલધારી ભૂલથી પણ ક્યાંય તણખો પાડતાં નથી.
રામુ આપાએ ચુંગી પહેરણના ખિસ્સામાં મૂકી, બાળ ગોવાળીયાને હાક્લો માર્યો, "હવે આણીકોર્ય હાલ્યા આવો. હમડે દી આથમી જાહે એટલે નિયા જનાવર આવવા માંડશે."
કનોને રાધી રામુ આપા ભેળા ચાલવા લાગ્યા. હિરણનો કાંઠો ચડી ટેકરીના રસ્તો બંને ચડવા લાગ્યાં.કનાને રાધીની વાતો સાંભળવી બહુ ગમતી.
રાધીએ કહ્યું, "રામુ આપા આપડો આ કાઠીયાવાડી ભણી-ગણીને ફુરેસ્ટર સાહેબ થાય તો કેવું હારું!"
" માળુ ઈ હાસું હો છોડી તારું. આપડા કના શાબ ફુરેસ્ટર થાય તો માલધારીને નેહડા ખાલી નો કરવા પડે."
પછી ઘડીક વિચારીને, " પણ ફુરેસ્ટર થાય તયે ઇનેય સરકારના નીમ પરમાણે કામ કરવું પડે. નકર બધા ફુરેસ્ટર શાબ આપડા દશ્મણ થોડા સે? ઈ બસારા નીમમાં જે આવતું હોય ઈ કામ કરે."
રાધી ગુસ્સે થઈને, "એવા નીમ કેવા? હાવજ્યું દેખાડે કોક ને મોટરું ધોડે આપડા નેહડે?"
રાધી કાય બોલી નહિ. પરંતુ તેના મોઢા ઉપર હજી ગુસ્સો હતો.
કનાને કંઈ સમજાયું નહીં. એટલે તેણે પ્રશ્ન કર્યો." લે હાવજ્યું જોવાં ઈ ગનો સે? હાવજ્યું જોવી તો ફોરેસ્ટર સાબ કેમ પકડી લે? તું તો હમડે કેતિ'તીને આયા હિરણ નદીએ રોજ હાવજ્યું પાણી પીવા આવે.આપડે ઈને જોશું તો આપણને ય પકડી જાહે ?"
રામુ આપા, " ના ભાણાભાઈ એમ કોય નો પકડી જાય. તમ તમારે બિવોમાં. આપડે તો રોજે હાવજ્યુંનો ભેટો થાય. આપણને કોઈ કાંય નો કરે.ઇતો બાર્યનાં માણહો સાનામાના રાતે આવીને કાયદા તોડી હાવજ્યુંને મારણ આલી બોલાવે. પૈસાવાળા માણહો પૈસા આલી હાવજ્યું જોવાં આવે"
કનાને વળી સમજાયું નહિ" તે હે આપા! રાત્યે હાવજ્યું જોવી તો ફોરેસ્ટર સાબ્ય પકડી જાય?"
રામુ આપા ભોળું હસી પડ્યાં, " ના વાલા, ઈમ નો પકડે.પણ હાવજ્યુંને આમ હેરાન નો કરાય એવો નીમ સે. એટલે બારનાં માણા જંગલમાં પરમીટ વગર આવે તો ઈની માથે ગનો દાખલ થાય?".
આમ વાતું કરતાં કરતાં બધાં ગોવાળિયા માલઢોર ચરાવતાં ત્યાં પહોંચી ગયાં. સુરજદાદા ડુંગરાની ઓથાણે જાવામાં હતાં. જાણે તેનો વજન વધી ગયો હોય તેમ ઝડપથી ડુંગરની ઓથણે આથમવા લાગ્યાં. ગોવાળિયા એ વાંભ કરી ગાયો, ભેંસો ભેગી કરી,કેડીએ ચડાવી.રામુ આપા બધી ગાયો,ભેંસોને ઓળખે. તેણે આજુબાજુ નજર કરી તેને તેની એક ભેંસ ઓછી હોય તેવું લાગ્યું. બિજા ભેંસુનાં ખાડામાં પણ નજર કરી તો પણ તેની એક ભેંસ ના દેખાણી.
" હે અલ્યા ગેલા આપડી એદણ્ય નથ દેખાતી જો તો જોયે વાહે રઈ ગઈ લાગે છે.ઈ સેજ એવી એદી ને આળહુ ગમે તીયારે વાહે જ હોય. એટલે જ ઈનુ નામ એદણ્ય પાડ્યુ છે. "
ગેલો એદણ્યને ગોતવા ટેકરીનો ઢોળાવ ઉતરી આઘેરેક ચાલ્યો, " હિ.....હો...હિ...હો " હાક્લા કરતો જાય છે,ગોવાળનો આ હાકલો સાંભળે એટલે ગમે ત્યાં હોય ભેંસ સામે રણકે. પરંતુ હાંકલાનો જવાબ ન મળતાં ગેલાને ચિંતા થઈ તે ફરી જોરથી " હિ......હો....હિ...હો..." હાંકલા કરતો ઝડપથી ટેકરીનો ઢાળ ઉતરવા લાગ્યો.ટેકરી પર થોરનાં ઢુવાં ઉગેલાં હતાં.મોટાં મોટાં થોરનાં ઝુંડની આડશમાં દૂર સુધી જોઇ શકાય તેમ ન હતું. ગેલો લાકડી પછાડતો પથ્થરને ઠેબા મારતો થોરનાં ઝુંડની આડશે નજર દોડાવતો આગળ ચાલી રહ્યો હતો. મનમાં બબડતો જતો હતો,
" આ મારી હાળી એદણ્ય ક્યાં જઈ હહે?
એવામાં સામેનું દ્રશ્ય જોઇ ગેલાનાં મોઢામાંથી ચીસ નિકળી ગઈ.
[ગેલાએ એવું શું જોયું કે તેની ચીસ નીકળી ગઈ? જાણવા માટે વાંચો હવે પછીનો ભાગ]