પ્રાયશ્ચિત - 66 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રાયશ્ચિત - 66

પ્રાયશ્ચિત પ્રકરણ 66

એટલામાં ઇમરાન ચા લઈને આવી ગયો એટલે વાતચીતમાં બ્રેક આવી ગયો.

" જો તારી ખરેખર ઈચ્છા હોય અસલમ તો આપણે મુંબઈ એક ચકકર લગાવવું પડશે. કારણકે બધી વાતો ફોન ઉપર ફાઇનલ ના થાય. પેમેન્ટની ટર્મ્સ અને કન્ડિશન નક્કી કરવી પડે. હું વચ્ચે છું એટલે તારું કામ થઈ જ જશે છતાં તારે સમજી લેવું જરૂરી છે. આ ધંધો તારે સંભાળવાનો છે માટે. " કેતન બોલ્યો.

" તને જ્યારે પણ ટાઈમ હોય ત્યારે આપણે જઈ આવીએ. મારું તો સાધુ તો ચલતા ભલા જેવું છે. હું તો ગમે ત્યારે તારી સાથે મુંબઈ આવવા તૈયાર છું. " કેતને કહ્યું.

" હું તો અત્યારે પણ તૈયાર જ છું કેતન. પરંતુ આટલી મોટી હોસ્પિટલનું સંચાલન તું કરી રહ્યો છે એટલે સમય તો તારે જ નક્કી કરવો પડે. તું રાજકોટ આવી જા અને અહીંથી આપણે ફ્લાઈટમાં જઈશું. જાનકી ભાભીને પણ સાથે લઈ લઈએ એટલે એ પણ પિયરમાં મમ્મી પપ્પાને મળી લે. " અસલમે કહ્યું.

" હા જાનકી તો સાથે આવવાની જ છે. એ બિચારી એકલી જામનગર શું કામ રહે ? " કેતન બોલ્યો.

" અને ગોડાઉનની મને કોઈ ચિંતા નથી. મારી પાસે ઘણી બધી જગ્યાઓ છે. સારો પગાર આપીએ તો ફાર્માસિસ્ટ પણ ઘણા મળી જશે. " અસલમે કહ્યું.

" કાલબાદેવી જવાનું છે એટલે આપણે ફોર્ટ એરિયામાં જ કોઈ હોટલ બુક કરાવવી પડશે. કાલબાદેવી એરિયામાં એક બે હોટલો છે પણ આપણા લેવલની નથી. " કેતન બોલ્યો.

" તારે કંઈ જ કરવાની જરૂર નથી કેતન. મરીન ડ્રાઈવ ઉપર 'ધી ઓબેરોય' સારામાં સારી હોટલ છે. ઘણી વાર હું ત્યાં રોકાયેલો છુ. સ્ટાફ પણ મને ઓળખે છે. અને જમવા માટે સમ્રાટ રેસ્ટોરન્ટ પણ ત્યાંથી બહુ દૂર નથી. બેસ્ટ ફૂડ જમવા મળશે " અસલમ બોલ્યો.

" ચાલો તો પછી એમ જ કરીએ. હું મુંબઈ વાત કરીને આખો પ્રોગ્રામ સેટ કરું છું અને તેને ફોન કરું છું" કેતને કહ્યું.

" ચાલો તો હવે અમે નીકળીએ. રાજકોટ આવ્યો છું તો રામકૃષ્ણ મિશનમાં દર્શન પણ કરી લઉં. કારણકે સ્વામી વિવેકાનંદ તો મારા આદર્શ છે અને એમના જ માર્ગે ચાલું છું. સંસારી સાધુ બની ગયો છું. જનસેવા એ જ પ્રભુસેવાના ઉપદેશને મેં માથે ચડાવ્યો છે. " કેતન ખુમારીથી બોલ્યો.

" તારી આ ફિલોસોફી મને કંઈ સમજાતી નથી પરંતુ તારા વિચારો મને ચોક્કસ ગમે છે. ઓલ ધ બેસ્ટ કેતન !! " અસલમ બોલ્યો.

" ભાભી તમે અંદર આવો અને તમારું મનપસંદ કોઇપણ પર્ફ્યુમ પસંદ કરી લો. પર્ફ્યુમનો મને જબરદસ્ત શોખ છે. " કહીને અસલમ અંદર ગયો.

જાનકી પણ પાછળ પાછળ અંદર ગઈ અને બે-ત્રણ પર્ફ્યુમ પસંદ કર્યાં. એ જ વખતે અસલમની બેગમ મુનીરા પણ ત્યાં આવી અને એક મોંઘો ડ્રેસ જાનકીના હાથમાં મૂક્યો. ડ્રેસ અદભુત હતો. એની કિંમત ૧૦ હજારથી ઓછી નહીં હોય.

" અરે ભાભી આટલી મોંઘી ગિફ્ટ આપવાની કોઈ જરૂર નથી. આ પર્ફ્યુમ એ પણ તમારી ગિફ્ટ જ છે. " જાનકી બોલી.

" નહીં ભાભીજાન... યે શાદી કા તોહફા હૈ. ઇસકો મના નહીં કરતે. આપકે યે દેવરજીને હી આપ કે લિયે પસંદ કિયા હૈ. આપ લોગ આને વાલે થે તો કલ હી ઉન્હોને ઓર્ડર દે કે મંગવાયા થા. " મુનીરા બોલી.

જાનકીએ બહાર ડ્રોઈંગ રૂમમાં આવીને ગિફ્ટની કેતનને વાત કરી.

" અરે અસલમ લગ્નમાં તું મુંબઈ આવ્યો ત્યારે જાનકીને સોનાનું બ્રેસ્લેટ તેં ગિફ્ટ કરેલું જ છે. વારંવાર ગિફ્ટ આપવાની થોડી હોય ? " કેતન બોલ્યો.

" લગ્ન કર્યા પછી પહેલીવાર તું સજોડે મારા ઘરે આવ્યો છે. ભાભીને ખાલી હાથે થોડાં જવા દેવાય ? " અસલમ બોલ્યો.

એ પછી બધાંની રજા લઈને કેતન અને જાનકી અસલમના ઘરેથી નીકળીને યાજ્ઞિક રોડ ઉપર શ્રી રામકૃષ્ણ મિશનમાં દર્શન માટે પહોંચી ગયાં. સાડા પાંચ વાગ્યા હતા એટલે દર્શનાર્થીઓનો પ્રવાહ પણ ચાલુ હતો. ઘણા લોકો ત્યાં અંદર ધ્યાનમાં બેઠા હતા.

કેતન અને જાનકીએ શ્રીરામકૃષ્ણદેવ ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સાચા હૃદયથી પોતાના પાછલા જન્મનાં કર્મોની માફી માગી. એ પછી મંદિરની પ્રદક્ષિણા ફરીને બંને સ્વામીજીને મળ્યા અને આશીર્વાદ લીધા.

બીજું તો કંઈ કામ હતું નહીં એટલે ગાડી જામનગર રોડ તરફ લીધી. અસલમના ઘરે આવવાનું હતું એટલે જાણીજોઈને મનસુખ માલવિયાને સાથે લીધો ન હતો. અને ગાડી પોતે જ ચલાવી હતી.

જામનગર ઘરે પહોંચ્યા ત્યારે સાંજના સાડાસાત થઈ ગયા હતા. ડિસેમ્બર ના દિવસો હતા એટલે રાત જલ્દી પડી જતી હતી અને સાડા સાત વાગ્યે પણ રાતના નવ વાગ્યા જેવું વાતાવરણ હતું.

રસોઈ તૈયાર જ હતી એટલે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ બંને જણાં જમવા બેસી ગયાં. જમવામાં આજે દક્ષાબેને હાંડવો બનાવ્યો હતો. સાથે ચા મૂકી હતી.

" અસલમભાઈનું મકાન જોયું ? અંદરથી તો જાણે રાજમહેલ જોઈ લો ! શ્રીમંત મુસ્લિમોના મકાનોની અંદરની ડિઝાઇન આખી અલગ ટાઇપની હોય છે. મુગલાઈ ટચ હોય છે. ગોળ દરવાજા, ઊંચી ઊંચી દિવાલો, વિન્ડોમાં રંગબેરંગી ગ્લાસ.... બધું કંઈક અલગ જ લાગે " રાત્રે બેડરૂમમાં જાનકી બોલી. એ વખતે કેતન લેપટોપ ઉપર કંઈક ટાઈપ કરી રહ્યો હતો.

" તને ખ્યાલ નહીં હોય પણ અસલમ હવે ' ભાઈ ' બની ગયો છે. અને એનું રાજકોટમાં બહુ જ વર્ચસ્વ છે. આખા સૌરાષ્ટ્રમાં એનું નેટવર્ક છે અને એનો અનુભવ મેં પણ કરી લીધો છે. પોલીસ પણ એમનું કંઈ જ કરી શકતી નથી. પૈસાની જ બધી બોલબાલા છે. "

" જો કે અસલમ એક માણસ તરીકે ખાનદાન છે અને બહુ જ કામનો છે. એણે મારી જિંદગી બચાવી છે એટલે હું એને પૈસા કમાવાની આ તક આપી રહ્યો છું. દવાઓના કરોડોના ધંધામાં બીજા લોકો લાખો રૂપિયા કમાઈ લે એના કરતાં અસલમ જેવો દોસ્ત કમાય એ જ મારી ભાવના છે. " કેતન બોલ્યો.

" તમે કેતન સાચું જ વિચાર્યું છે. એમણે તમારા માટે આટલું બધું કર્યું છે તો આ લાભ એમને મળે તો એ રીતે પણ તમારા ઉપરનું એમનું ઋણ પૂરું થશે. " જાનકી બોલી.

" હવે મુંબઈ જવાનું ક્યારે વિચારો છો સાહેબ ? " જાનકીએ વિષય બદલ્યો.

" કેમ ? પિયર જવાની બહુ તાલાવેલી થઈ છે મેડમ ? " કેતને હસીને પૂછ્યું.

" પિયર જવાનું કોને ના ગમે સાહેબ ?"

" જો... તને જ્યારે પણ મમ્મી પપ્પાની યાદ આવે ત્યારે તું ગમે ત્યારે એકલી પણ જઈ શકે છે ડાર્લિંગ !! મારા તરફથી કોઇ રોકટોક નથી. જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ તું ત્યાં રહી પણ શકે છે. " કેતને લાગણીથી કહ્યું.

" હું તમને ક્યાં નથી ઓળખતી કેતન ? હું તો ખાલી મજાક કરું છું. અત્યાર સુધીની આખી જિંદગી મમ્મી-પપ્પાની સાથે જ રહી છું ને ? હવે તમને છોડીને ક્યાંય જવાની નથી. " જાનકીએ લાડથી જવાબ આપ્યો.

" બે દિવસ પછી મુંબઈનો પ્રોગ્રામ બનાવું છું. આજે ૧૮ તારીખ થઇ. આપણે ૨૧ તારીખે રાજકોટ થઈને મુંબઈ જઈએ. " કેતને કહ્યું.

" તને બીજી એક સાચી વાત કહું જાનકી ? આટલો મોટો બિઝનેસ અસલમને આપવાનું કારણ એને મારે સારા માર્ગે લઈ જવો છે. બુટલેગરનો ધંધો એ સારો ધંધો નથી. એ એક એવી લાઈન છે જાનકી કે એના ઘણા ફાંટા પડે છે. " કેતન બોલ્યો.

" કાલ ઊઠીને એ હથિયારો સપ્લાય કરવાના ધંધામાં પણ રસ લે કારણ કે એણે મને એક વખત ઈશારો કર્યો હતો. એને યુપીની એક ગેરકાયદે હથિયારો બનાવનારી ફેક્ટરીનો પણ સંપર્ક છે. એકવાર સારી લાઈન એના હાથમાં આવશે તો ધીમે ધીમે એ આ બધામાંથી બહાર આવી જશે. " કેતને કહ્યું.

" અસલમનો પરિચય પણ સ્વામીજીની કૃપાથી થયો હતો એટલે અસલમને સાચા માર્ગે વાળવો એ પણ કદાચ સ્વામીજીની પોતાની ઇચ્છા હોય ! " કેતન બોલ્યો.

" અસલમ પોતે કાબેલ માણસ છે. એના પોતાના કોન્ટેક્ટ પણ ઘણા ઊંચા છે. એ ધારે તો એના સંપર્કોનો ઉપયોગ કરીને ઘણી બધી હોસ્પિટલોમાં હોલસેલ મેડીસીન્સ અને ગ્લુકોઝ સેલાઇન ના બાટલા સપ્લાય કરી શકે. ખાલી સોકસ એટલે કે રબરનાં હાથ મોજાંનો જ ઇન્ડિયામાં કરોડોનો બિઝનેસ છે. હું ફ્રી હોઉં ત્યારે લેપટોપમાં અને મોબાઇલમાં આજ બધું રિસર્ચ કરતો હોઉં છું. " કેતન બોલ્યો.

" હંમેશા ધંધો ધંધાને શીખવાડે છે. ૨૫ કરોડમાંથી ૫૦ કરોડનું ટર્નઓવર થતાં પણ વાર નથી લાગતી. દાદાજી જે કમાણી મૂકી ગયા એ રફ ડાયમંડના બિઝનેસમાં પપ્પાએ પોતાના બુદ્ધિ બળથી ૨૦૦ ૩૦૦ કરોડ સુધી પહોંચાડી." કેતન ગર્વપૂર્વક બોલ્યો.

" હું ગમે એટલા પૈસા વાપરું તો પણ ખૂટે એમ નથી. દવાઓ બધી ફ્રી આપીશ તો પણ મને બહુ ફરક નહીં પડે જાનકી. "

" અને આપણો વારસદાર જે પણ આવે એને ગર્ભમાંથી જ સારા સંસ્કાર આપવાના. સારું વાંચન કરવાનું. ઈશ્વર ચિંતન કરવાનું. જેથી એક શ્રેષ્ઠ બાળક અવતરે. દીકરો હોય કે દીકરી મને કોઈ ફરક નથી પડતો પણ મારો આ સેવાયજ્ઞ એ ચાલુ રાખે. " કેતન જાણે કે એક જુદી જ અવસ્થામાં પહોંચી ગયો.

" તને ખબર છે જાનકી ? રોજ સવારે ધ્યાનમાં બેસું છું ત્યારે તારા ગર્ભમાં પ્રવેશવા માટે શ્રેષ્ઠ આત્માને આમંત્રણ આપું છું. રોજ એવી ભાવના કરું છું કે કોઈ પવિત્ર આત્મા આપણા ઘરે જન્મ લઈ રહ્યો છે. " કેતન ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.

" વાહ તમે તો હવે સંતાનનાં પણ સપનાં જોવા લાગ્યા. બહુ ઉતાવળ આવી છે સાહેબ ? " જાનકી લાડથી બોલી.

" જરા પણ નહીં... જસ્ટ વાત કરું છું. પ્રારબ્ધમાં લખ્યું હોય ત્યારે જ સંતાનનો જન્મ થાય. આપણા હાથમાં કશું જ નથી. " કેતન હવે નોર્મલ થયો.

" ચાલો હવે સુઈ જાઓ. સાડા દસ વાગ્યા. " જાનકી બોલી.

બે દિવસ રૂટિન કાર્યોમાં પસાર થઈ ગયા. એ બે દિવસમાં હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ પણ આવી ગઈ.

" જયેશભાઈ આવતીકાલે સવારે મુંબઈ જાઉં છું. કદાચ બે ત્રણ દિવસ પણ થઈ જાય. તમે જરા બધું સંભાળી લેજો " કેતને જયેશને કહ્યું.

" અહીંની કોઈપણ જાતની ચિંતા તમે કરશો નહીં શેઠ. તમે આરામથી જઈ આવો. મેડિકલ સ્ટોરનું બાંધકામ પણ આવતી કાલથી ચાલુ થઇ જશે "

બીજા દિવસે સવારે કેતન અને જાનકી વહેલાં ઉઠી ગયાં. નાહી ધોઈને તૈયાર થઈ ગયાં. જાનકીએ ચા બનાવી દીધી. ગઈકાલે રાત્રે દક્ષામાસીએ મેથીનાં થેપલાં બનાવી રાખ્યાં હતાં. એટલે ચા સાથે થેપલાંનો નાસ્તો કરી લીધો.

સવારે આઠ વાગે રાજકોટ જવા નીકળી જવાનું હતું અને ગાડી અસલમના ઘરે મૂકી સવારે ૧૧ વાગ્યે એરપોર્ટ પહોંચી જવાનું હતું. ૧૨:૧૦ ની ઈન્ડિગોની મુંબઈની ફ્લાઈટ હતી.

કેતને ગઈકાલે રાત્રે અસલમ જોડે પણ વાત કરી લીધી હતી અને એણે ત્રણ ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. કેતન અને અસલમ મુંબઈ પહોંચીને હોટલમાં જમવાના હતા જ્યારે જાનકીએ મમ્મી સાથે વાત કરી લીધી હતી અને એ ઘરે પહોંચીને જમવાની હતી.

કેતને આગલા દિવસે તેના મિત્ર વિનોદ માવાણી સાથે પણ સંપૂર્ણ ચર્ચા કરી લીધી હતી અને અસલમને સૌરાષ્ટ્રની એજન્સી આપવાનું પણ નક્કી કરી લીધું હતું. વિનોદ માવાણી કેતનને ઓળખતો હતો. પેમેન્ટની કોઈ ચિંતા હતી જ નહીં અને ધંધાનો સરસ વિસ્તાર થઈ રહ્યો હતો એટલે વિનોદ માવાણી તો ઉલ્ટાનો ખુશ હતો.

રસ્તામાં આજે ટ્રાફિક વધારે હતો એટલે લગભગ પોણા દસ વાગે કેતન અસલમના ઘરે પહોંચી ગયો. ત્યાં પણ થોડો ચા નાસ્તો કરીને એ લોકો નીકળી ગયા અને ૧૧ વાગ્યે એરપોર્ટ ઉપર પણ પહોંચી ગયા.

ફ્લાઈટ મુંબઈ લેન્ડ થઈ ત્યારે બપોરનો સવા વાગી ગયો હતો. સામાન તો ખાસ હતો જ નહીં એટલે એ લોકોએ ટેક્સીમાં જવાના બદલે વિલેપાર્લે સ્ટેશન થી ફાસ્ટ ટ્રેન પકડવાનું પસંદ કર્યું.

ફર્સ્ટ ક્લાસની ટિકિટમાં જાનકી દાદર ઉતરી ગઈ જ્યારે કેતન અને અસલમ ચર્ચગેટ ઉતર્યા. ત્યાંથી ટેક્સી કરીને નરીમાન પોઈન્ટ બાજુ હોટલ ઓબેરોય પહોંચી ગયા.

રિઝર્વેશન કરેલું જ હતું એટલે કાઉન્ટર ઉપરથી ચાવી લઈને પાંચમા માળે પોતાના સ્યુટમાં પહોંચી ગયા. કેતનને આ હોટેલ ગમી. એરીયા પણ ખૂબ જ સુંદર હતો.

કેતને ફ્રેશ થઈને વિનોદ માવાણીને ફોન કરી દીધો. સાંજે ચાર વાગ્યે ઓબેરોય હોટલમાં જ આવી જવાનું માવાણીને કહી દીધું.

જમવાનું બાકી હતું એટલે કેતન અને અસલમ નીચે ઉતર્યા અને ટેક્સી કરીને દસ જ મિનિટમાં ચર્ચગેટ એરિયામાં આવેલી સમ્રાટ રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)