Prayshchit - 63 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 63

પ્રાયશ્ચિત પ્રકરણ - 63

જાનકીને વોર્ડમાં આવેલી જોઈને તમામ નર્સો અને બીજો સ્ટાફ આ નવાં મેડમને ઓળખી ગયા.

" વેલકમ.. મેમ "

તમામ નર્સોએ એક પછી એક જાનકીનું વેલકમ કર્યું. ટેબલ ઉપર બેઠેલો રેસિડેન્ટ ડોક્ટર ધવલ કાપડિયા પણ ઉભો થઈને જાનકી મેડમની પાસે આવ્યો અને વેલકમ કર્યું.

" થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ !! કોઈ તકલીફ તો નથી ને ? " જાનકી હસીને બોલી.

" નહીં મેમ. વી ઓલ આર હેપ્પી. " બધા વતી એક નર્સ સૃષ્ટિએ જવાબ આપ્યો.

" ચાલો પેશન્ટોનો એક રાઉન્ડ લઈ લઉં. " કહીને જાનકીએ તમામ દર્દીઓની વારાફરતી ખબર પૂછી. નર્સ જાનકીને સમજાવતી રહી.

" મેમ પેશન્ટ ડિસ્ચાર્જ થાય પછી બેડશીટ તો બદલાઈ જાય છે પરંતુ બદલવા માટે ધાબળા હજુ ઓછા પડે છે. " સૃષ્ટિને યાદ આવ્યું એટલે બોલી.

" અમે સુરતમાં નવા ગરમ ધાબળાનો ઓર્ડર આપ્યો જ છે. કાલ સુધીમાં આવી જશે. જેની પાસે સ્ટોક રહે છે એ હેડ નર્સ કોણ છે ? " જાનકીએ પૂછ્યું.

" મોનિકાબેન જોષીપુરા છે મેમ. પહેલા માળે જ બેસે છે. " સૃષ્ટિ બોલી.

" ઠીક છે એમની સાથે હું વાત કરી લઈશ. " જાનકી બોલી અને નીચે ઉતરી.

પહેલા માળે એ મોનિકાને મળી. મોનિકા જોષીપુરા હેડ નર્સ હતી અને તમામ સ્ટોકની ઇન્ચાર્જ હતી. એને કોઈ પેશન્ટ તપાસવાનું ન હતું પરંતુ તમામ સ્ટોકનો હિસાબ રાખવાનો હતો. દવાઓ અને ઈન્જેકશનો પણ એના ચાર્જમાં હતા. ડોક્ટરો વિઝિટમાં પોતાના પેશન્ટોને જે દવા ઇન્જેક્શન લખી આપે એ દવા તથા ઈન્જેકશન દરેક વોર્ડમાં રોજેરોજ મોનિકાએ મોકલવાનાં રહેતાં. એક ફૂલ ટાઈમ હેલ્પર એમની મદદમાં હતો.

જે સ્ટોક ખૂટે એનું ઇન્ડેન્ટ બનાવવાનું હતું અને કેતનની ઓફિસે વિવેકને મોકલવાનું રહેતું. વિવેક દવાઓના હોલસેલ માર્કેટ માંથી જરૂરી તમામ દવાઓ અને ઈન્જેકશન ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચાડી દેતો. આ ઉપરાંત દરેક વોર્ડમાં સ્વચ્છતા રાખવાની જવાબદારી પણ એમની હતી. જો કે સ્વચ્છતામાં રાજેશ પણ ધ્યાન રાખતો હતો.

" નમસ્કાર મેમ " જાનકીને જોઈને મોનિકા બોલી. મોનિકાની ઉંમર ૪૦ ૪૨ જેવી લાગતી હતી. એને પંદર વર્ષનો નર્સિંગનો અનુભવ હતો.

" નમસ્કાર.... જુઓ મોનિકાબેન ગરમ ધાબળાનો ઓર્ડર અમે સુરતથી આપેલો જ છે અને કાલ સુધીમાં પાર્સલ આવી જશે. તમારે હોસ્પિટલ માટે કેટલા ધાબળાની જરૂર છે તે ગણતરી કરીને આજે વિવેક ને ફોન ઉપર કહી દેજો એટલે હોસ્પિટલમાં હું પરમ દિવસે પહોંચાડી દઈશ. "

" અને બીજી એક વાત. આ હોસ્પિટલમાં આરોગ્યની બાબતમાં કોઈપણ જાતનું સમાધાન આપણે કરવાનું નથી. એક પેશન્ટ ડિસ્ચાર્જ લઈ લે એટલે તમામ બેડશીટ, પિલો કવર અને ઓઢવા માટેના કામળા વોશિંગ માટે આપી જ દેવાના. તમે આ નિયમને સ્ટ્રીક્ટલી ફોલો કરજો. સ્વચ્છતા પણ તમારે જોવાની છે એટલે સ્વિપર પાસેથી તમારે બરાબર કામ લેવું પડશે." જાનકીએ કહ્યું.

" જી મેમ. ત્રણે માળ ઉપર દિવસમાં ત્રણવાર કચરા-પોતાં આપણે કરાવીએ છીએ અને રાત્રે પણ થાય છે. તમામ સ્વીપર દિલ દઈને કામ કરે છે. અને આ બાબતમાં શાહ સાહેબ પણ ઘણા સ્ટ્રીકટ છે. "

"ઓકે... ફાઇન. તમે ગરમ કામળાની ગણતરી કરી લેજો આજે. "

" જી.. મેમ " મોનિકા બોલી.

જાનકી ત્યાંથી કેતનની ચેમ્બરમાં ગઈ.

" વોર્ડમાં રાઉન્ડ લઈ લીધો. ધાબળા ઓછા પડે છે. તમે ઓર્ડર આપ્યો એ સારું કર્યું. " કહીને જાનકી કેતનની સામેની ખુરશીમાં બેઠી.

" ચાલો સાહેબ હું રજા લઉં મારે પણ પેશન્ટ લાઇનમાં છે " શાહ સાહેબ બોલ્યા.

" અમે પણ નીકળીએ જ છીએ. અમારે અહીં બીજું કંઈ કામ નથી. ગરમ ધાબળાનો ઓર્ડર આપ્યો છે. કાલ સુધીમાં પાર્સલ આવી જશે. " કેતને કહ્યું.

" હા શિયાળો ચાલુ થઇ ગયો છે એટલે ગરમ ધાબળાનો સ્ટોક તો જોઈએ જ. " શાહ સાહેબે કેતનની વાતને અનુમોદન આપ્યું.

" બેડશીટ, પીલો કવર, ધાબળા વગેરેનો વોશિંગ કોન્ટ્રાક્ટ આપણે કોને આપેલો છે ? " કેતને પૂછ્યું.

" અહીંની એક જાણીતી લોન્ડ્રીને આપણે કોન્ટ્રાક્ટ આપ્યો છે અને રોજ એ ધોવાનાં તમામ કપડાં પોતાની વાનમાં વોશિંગ માટે લઈ જાય છે. " શાહ સાહેબ બોલ્યા.

" ઓકે. સરસ. અને મેડિકલ વેસ્ટ માટે આપણે બધી વ્યવસ્થા કરેલી જ છે ને ?" કેતને પૂછ્યું.

" હા એના માટે મ્યુનીસીપાલીટી તરફથી એક ગાડી રોજ આવે છે અને તમામ વેસ્ટ આપણે આપી દઈએ છીએ. " શાહ સાહેબ બોલ્યા.

" ચાલો સરસ." કહીને કેતન ઊભો થયો. જાનકી પણ ઊભી થઈ.

" મનસુખભાઈ ગાડીને આપણી ઓફિસે લઇ લો. " ગાડીમાં બેસતાં જ કેતને સૂચના આપી.

" કેતન મારી ઈચ્છા હોસ્પિટલમાં જ બેસવાની છે. મને આજે ખરેખર ત્યાં બહુ જ મજા આવી. તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસજો. હું તો હોસ્પિટલ જ સંભાળીશ. મને પબ્લિક ઇન્ટરેકશનમાં વધારે મજા આવે છે. "

" નો પ્રોબ્લેમ... એઝ યુ વિશ. " કેતને હસીને કહ્યું.

" ઓફિસમાં આખો દિવસ પસાર કરવો એના કરતાં દર્દીઓની સંભાળ રાખવી લોકો સાથે વાતચીત કરતા રહેવું એમાં મને વધારે રસ પડે છે. " જાનકી બોલી.

" જાનકી હું પણ વધારે સમય હોસ્પિટલમાં જ બેસવાનો છું. તું ચિંતા ના કર કારણ કે ઓફિસમાં રોજ બે કલાકની જ હાજરી આપવાનો છું. મારું પણ ઓફિસમાં કંઈ કામ નથી હોતું. જયેશ કાબેલ માણસ છે અને એ બધું સંભાળે જ છે. ટ્રસ્ટની ઓફિસ છે એટલે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારે રોજ એકાદ વાર ત્યાં હાજરી આપવી જોઈએ એટલે હું ત્યાં બે કલાક હાજરી આપીશ. કરોડોનો વહીવટ છે. સ્ટાફના ભરોસે બધું છોડી ના દેવાય. આપણી નજર તો હોવી જ જોઈએ. " કેતને જાનકીને સમજાવ્યું.

" તમારી વાત સાચી છે કેતન. " જાનકી બોલી.

" અને તું એક ગાડી લઈ લે. ડ્રાઇવિંગ તો તને આવડે છે ને ? " કેતને પૂછ્યું.

" હા બાબા...પાક્કું આવડે છે. લાયસન્સ પણ છે. "

" બસ તો પછી એક નાની ગાડી તું લઈ લે. તારે જ્યારે જ્યાં બેસવું હોય ત્યાં એકલી જઈ શકે. મનસુખભાઈ થોડા દિવસ અહીંના રસ્તાઓનો તને પરિચય કરાવી દેશે એ પછી ગાડી લઈ લઈએ. ખાસ કરીને ઓફિસનો હોસ્પિટલનો અને આપણા ઘરનો રસ્તો તને બરાબર ખબર હોવી જોઈએ. " કેતન બોલ્યો.

" હા મને કોઈ જ ઉતાવળ નથી. " જાનકી બોલી.

ઓફિસ કોમ્પ્લેક્સ આવી ગયું એટલે બંને જણાં ઉતરીને સીધાં ઓફિસમાં ગયાં.

" આવો શેઠ... નમસ્તે મેડમ. " જયેશ બોલ્યો.

" તમે લોકો પછી જમી આવ્યા કે નહીં સવારે ? " કેતને પૂછ્યું.

" હા શેઠ અમે લોકો ગ્રાન્ડ ચેતનામાં ગયા હતા. " બધા વતી જયેશે જવાબ આપ્યો.

બધો સ્ટાફ ઉભો થઇ ગયો હતો એને જાનકીએ બેસવાનું કહ્યું. કેતન અને જાનકી પોતાની ચેમ્બરમાં ગયાં.

" મેડમ સવારે તો ઘરચોળામાં અલગ જ લાગતાં હતાં. અત્યારે જીન્સ કુર્તી માં સાવ ડિફરેન્ટ લાગે છે. " અદિતિએ ધીમે રહીને કાજલ ને કહ્યું.

" મેડમ ખૂબ જ રૂપાળાં છે એટલે કોઈપણ ડ્રેસ એમને શોભે છે. જો કે સાડી સરસ લાગતી હતી. " કાજલ બોલી.

"જયેશભાઈ જરા અહીં આવો તો." કેતન બોલ્યો.

" જી.. શેઠ " જયેશ ચેમ્બરમાં ગયો.

"સૌથી પહેલાં તો આપણી ઓફિસમાં એક લેન્ડલાઈન ફોન કનેક્શન લઈ લો. તત્કાલ ક્વોટામાં જ લઈ લો. મેઇન ફોન કનેક્શન અદિતિના ટેબલ ઉપર મુકાવી દેજો. બધા ફોન એ રિસીવ કરશે. સાથે બધા ટેબલ ઉપર ઇન્ટરકોમ કનેક્શન આપી દેજો. ઓફિસમાં એક બઝર પણ મુકાવી દો. જેથી મારે બૂમ ના મારવી પડે " કેતને આદેશ આપ્યો.

" જી... શેઠ. કાલે જ ટેલિફોન એક્સચેન્જમાં અરજી આપી દઉં છું. બઝર પણ ફીટ કરાવી દઉં છું." જયેશ બોલ્યો.

" મેં સુરતમાં પપ્પાને ૨૦૦ ગરમ ધાબળા પરચેઝ કરીને મને મોકલવાનું કહ્યું છે. આવતીકાલે આંગડિયામાં આવી જશે. તમારો નંબર જ લખાવેલો છે અને આ ઓફિસનું એડ્રેસ આપ્યું છે. તમારી ઉપર કદાચ ફોન આવશે તો તમે મંગાવી લેજો. એમાંથી ૭૦ થી ૮૦ ધાબળા તો તમારે હોસ્પિટલમાં પહોંચાડવાના છે. " કેતને કહ્યું.

" એક મિનિટ સાહેબ... હોસ્પિટલમાં મોનિકાબેન સાથે મારે વાત થઈ ગઈ છે. મોનિકાબેન આજે સાંજે વિવેકને ફોન કરીને કહી દેશે કે એક્ઝેટ કેટલા કામળા ની હોસ્પિટલમાં જરૂર છે. " વચ્ચે જાનકી બોલી.

" હા વાંધો નહીં મોનિકાબેન જે કહે તે પ્રમાણે આપણે ધાબળા હોસ્પિટલમાં પહોંચાડી દઇશું. " જયેશ બોલ્યો.

" મોનિકાબેન જે કહે એના કરતાં બીજા ૧૦ વધારે મોકલજો. શિયાળાની ઠંડી સિઝન છે. થોડા ધાબળા સ્પેર રાખવા સારા. " કેતને સલાહ આપી.

" જી... શેઠ. " જયેશ બોલ્યો.

" અને બાકીના ધાબળા આપણે ગરીબોને વહેંચવા છે. એટલે જામનગરમાં સાવ ગરીબોની વસ્તી હોય અથવા ફૂટપાથ ઉપર પડયા રહેતા હોય એવા લોકોને આપણે શોધવા છે. તમે અને મનસુખભાઈ મોડી રાત્રે જામનગરમાં એક રાઉન્ડ લગાવો અને ફૂટપાથ ઉપર ગરીબ અથવા ભિખારી લોકો સુતા હોય એવી જગ્યાઓ શોધી કાઢો. જેથી બીજા દિવસે આપણે તે જ વિસ્તારમાં જઇને ગરમ ધાબળા ઓઢાડી આવીએ. સંખ્યા વધારે હશે તો બીજો ઓર્ડર આપીશું. "

" વાહ સાહેબ વાહ. મને પણ તમે પુણ્યમાં ભાગીદાર બનાવી રહ્યા છો. આજે રાત્રે જ હું અને મનસુખભાઈ મોડી રાતે આખા જામનગરનું ચક્કર મારી આવીશું. " જયેશ ઉત્સાહથી બોલ્યો.

" ચાલો હવે અમે નીકળીએ છીએ. તમે લોકો પણ હવે નીકળો. " કેતને જયેશને કહ્યું.

એ લોકો ઉભા થયા ત્યાં જ વિવેક કાનાણી કેતનની ચેમ્બરમાં આવ્યો.

" સર મોનિકાબેનનો હોસ્પિટલથી ફોન હતો. ટોટલ ૬૬ કામળાની હોસ્પિટલમાં જરૂર છે એમ કહ્યું. " વિવેક બોલ્યો.

" આ સમાચાર તારે કોને આપવાના છે ? મને કે જયેશભાઈ ને ? " કેતને પૂછ્યું.

" જી સર... જયેશ સર ને ! "

" ધેન હાઉ યુ કેન એન્ટર માય ચેમ્બર એન્ડ ધેટ ટુ વિધાઉટ માય પરમિશન ? " કેતન સહેજ ગુસ્સે થયો. સ્ટાફના બધા પણ સ્તબ્ધ થઈ ગયા.

" આઈ એમ સોરી સર.. એક્સ્ટ્રીમલી સોરી. " વિવેક બૉસના ગુસ્સાને જોઈ એકદમ ટેન્શનમાં આવી ગયો.

" યુ કેન ગો " કેતને કહ્યું.

" જયેશભાઈ કાલે પાર્સલ આવી જાય એટલે તમે ૮૦ ધાબળા હોસ્પિટલમાં પહોંચાડી દેજો. " કેતન બોલ્યો.

" જી.. શેઠ. તરત જ પહોંચાડી દઈશ. " જયેશ બોલ્યો. એણે પણ પહેલીવાર કેતન શેઠનો ગુસ્સો જોયો.

" અને તમે સ્ટાફને સુચના આપી દો કે પરમિશન લીધા વિના ચેમ્બરમાં ઘૂસી ના આવે. ગમે તેવું કામ હોય અંદર આવતા પહેલાં પરમિશન લેવી પડે એ એક શિષ્ટાચાર છે. ઓફિસ ડેકોરમ મેન્ટેન થવું જ જોઈએ. "

" જી શેઠ... ફરી આવી ભૂલ ક્યારેય પણ નહીં થાય. એ મને સમાચાર આપવા આવ્યો હતો પરંતુ હું બહાર નીકળું ત્યાં સુધી એણે રાહ જોવી જોઈતી હતી. " જયેશ બોલ્યો.

" ઠીક છે. " કહીને કેતન સડસડાટ બહાર નીકળી ગયો. જાનકી પણ એની પાછળ પાછળ નીકળી.

વિવેક કાનાણી ખરેખર ટેન્શનમાં આવી ગયો હતો. ૫૦,૦૦૦ની નોકરી મળી હતી. શેઠ મને કાઢી ના મૂકે તો સારું. મારે એકદમ ઉતાવળ કરીને ચેમ્બરમાં દોડી જવાની જરૂર ન હતી.

કેતન અને જાનકી નીચે ઉતરી ગયા પછી જયેશ ઝવેરીએ બધા સ્ટાફને કડક સૂચના આપી.

" જુઓ આજે કેતન શેઠ કેટલા ગુસ્સે થયા ? આપણા બધાના એ બૉસ છે. કરોડોની હોસ્પિટલના માલિક છે. પોતે અબજોપતિ છે. આજ પછી કોઈએ પણ શેઠની ચેમ્બરમાં એમની રજા લીધા સિવાય જવું નહીં. ઓફિસ ડેકોરમ તો બધાએ મેન્ટેન કરવું જ પડે. "

" અને તારે વિવેક.... મોનિકાબેન ના સમાચાર આપવાની આટલી ઉતાવળ ક્યાં હતી કે તું મને સમાચાર આપવા માટે શેઠની ચેમ્બરમાં દોડી આવ્યો ? " જયેશ બોલ્યો.

" સોરી સર. પ્લીઝ તમે જરા સંભાળી લેજો ને ? હું તો ડરી ગયો છું કે મારી જોબ ના જાય. હું વધુ પડતા ઉત્સાહમાં તમને સમાચાર આપવા બૉસની ચેમ્બરમાં દોડી આવ્યો. " વિવેક હાથ જોડીને બોલ્યો.

" તું ચિંતા કર મા. હવેથી ધ્યાન રાખજે. શેઠનું દિલ ઉદાર છે. અત્યારે ૫૦૦૦૦ પગાર કોઈ પ્રાઈવેટમાં આપે છે ? એ કોઈ દિવસ કોઈનું પણ ખરાબ નહીં કરે. અમેરિકામાં રહેલા છે એટલે ડિસિપ્લીન માં બહુ માને છે. " જયેશ બોલતો ગયો.

" તમે લોકો હજુ નવા નવા છો. તમે બધા દિલથી કામ કરો. તમને સોંપાયેલું કામ પૂરી નિષ્ઠાથી કરો અને શેઠ ના દિલમાં જગા બનાવો. તમારે હજુ ઘણું શીખવાનું છે. કેતન શેઠ ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે. એમની નજર બધાની ઉપર હોય છે. "

" અને અદિતિ ટેલીફોન લેન્ડલાઈન માટે કાલે અરજી આપવાનો છું. તારા ટેબલ ઉપર જ મેઇન ફોન રહેશે અને બીજા બધાના ટેબલ ઉપર ઇન્ટરકોમ આવી જશે. "

" તમે લોકો હવે કોમ્પ્યુટર લોગ આઉટ કરી દો. આજનો સમય પૂરો થઈ ગયો. " જયેશ બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED