“મમ્મી, તમે મમતા અને ગરિમાબેનને
ફોન કરીને કહી દો.”
“ હા,હા... એ
લોકોને જ ફોન લગાડું છું. પછી તારી મમ્મીને પણ ફોન કરીને ખુશખબર
આપી દઈએ. હું વાત કરી લઉં પછી તું તારી મમ્મી સાથે વાત કરી લેજે.
વેવાણને મારે ખુશખબર તો આપવા જોઈએ ને!” બોલતાં
બોલતાં માલિનીબેને ગરિમાને ત્યાં ફોન લગાડયો.
“ હેલો ગરિમા...
જય શ્રીકૃષ્ણ બેટા... કેમ છે?”
“ હા મમ્મી, બસ મજામાં,
બોલ...”
“ બેટા, પર્લનું
સગપણ નક્કી થયું છે.”
“ હેં! શું વાત
કરે છે?? તમે લોકોએ સગપણ નક્કી કરી નાખ્યું ને મને જાણ પણ નથી
કરતી?? અંતરા- વિનીતે તને ના પાડી હતી
અમને કહેવાની??” ગરિમા તાડૂકી.
“ ના, ના ગરિમા... એ તો
અચાનક જ નક્કી થઈ ગયું. શું થયું કે એ લોકો આપણા ઘરે આવ્યા અને
અચાનક જ બધું નક્કી થઈ ગયું. અમનેય નહોતી ખબર કે આટલું જલ્દી
બધું ગોઠવાઈ જશે...”
માલિની બેન સફાઇ આપતાં હતાં.
“ માંની વાત સાંભળી- ન સાંભળી
કરીને ગરિમા બીજા સવાલો પૂછવા લાગી.
“ છોકરો કોણ છે?”
“ પ્રિયાંક નામ છે એનું... પર્લની સાથે જોબ કરે છે એ. વૈષ્ણવ વાણિયા છે. તું આવીશ ને ત્યારે નિરાંતે વાત કરીશ. લે, અંતરા સાથે વાત...” માલિનીબેન હજી તો વાક્ય પૂરું કરે
એ પહેલાં ગરિમાએ ફોન મૂકી દીધો.
માલિની બેન થોડા છોભીલાં પડી ગયાં. અંતરા સામે જોઇને થોથવાતાં
બોલ્યાં...
“ અ.. અ.. ગરિમા થોડી ઉતાવળમાં હતી એટલે પછી નિરાંતે ફોન કરશે...”
અંતરા સમજી ગઈ.તે કંઈ બોલી નહિ.
“એક કામ કર અંતરા... મમતાને પછી ફોન લગાડું છું. એ પણ કામમાં હશે. હજી તારે રસોઈ પણ કરવાની છે ને. તું તારી મમ્મીને ફોન
લગાડ. તેની સાથે વાત કરી લઈએ. પછી તું રસોઈ
કર.”
માલિનીબેનને ડર હતો કે હવે જો મમતા કંઈ આડુંઅવળું બોલશે
તો અત્યારે ખુશીના પ્રસંગે અંતરાનો મૂડ ઓફ્ફ થઈ જશે, એટલે તેમણે
બીજો રસ્તો કાઢ્યો. અંતરા પણ મમ્મી શું કરવા માગે છે તે
બરાબર સમજી ગઈ હતી.. અઠ્યાવીસ વર્ષથી માલિનીબેન સાથે રહીને તેમની
રગેરગથી હવે તે વાકેફ હતી. તે પણ પોતાનો મૂડ ખરાબ કરવા નહોતી
માગતી.
અંતરા તેના કામમાં બિઝી રહી અને માલિનીબેન આખો દિવસ
બધાને ફોન કરવામાં જ વ્યસ્ત રહ્યાં.
મમતા અને ગરિમા બંનેને ફોન કર્યા બાદ કોંગ્રેચ્યુલેશન્સ
કહેવાનું તો દૂર રહ્યું, ઊલટું બંનેને એ વાતનુ ખોટું લાગ્યું કે, 'અચાનક નક્કી કરી નાખ્યું અને અમને
જાણ પણ ન કરી...' દીકરીનું સગપણ નક્કી થયાની ખુશી હવામાં કયાંય
ફૂરરર થઈ ગઈ. અંતરાનું મન બંને નણંદોના વાંધાવચકાથી વ્યથિત થઈ
ગયું.
***
*** ***
સગપણ નક્કી થયાને ત્રણ દિવસ થઈ ગયા. ફોનની રિંગ
વાગી.
“ હેલો, જય
શ્રીકૃષ્ણ. હું નિતા બોલું છું...
પ્રિયાંકની મમ્મી.”
“ જ્ય શ્રીકૃષ્ણ, બોલો,બોલો.. કેમ છો?” અંતરાએ ઉમળકાથી કહ્યું.
“મહારાજ સાથે વાત થઈ મારી. એક મહિના પછી સત્તર જુલાઈનું સગાઈનું મુહુર્ત સારું છે. જો તમને ફાવે તો કાલે સપરિવાર અમારા ઘરે પધારો. એ બહાને
ઘર પણ જોઈ લેવાશે અને સગાઈની બધી વાતો પણ નક્કી થઈ જશે.” નીતાબેને
કહ્યું.
“હા, હા... રૂબરૂ
વાત થાય એ જ બરાબર રહેશે. ઠીક છે, કાલે
અમે આવીશું તમારા ઘરે.”
“ હા, હા.. આવો,
સાંજે છ વાગે ફાવશે? ત્યાં સુઘી પ્રિયાંક પણ ઑફિસેથી
આવી જશે. મારી પર્લને પણ સાથે લઈ આવજો હો...” નિતાબેને અત્યારથી સાસુ તરીકે લાડ લડાવવાનું શરૂ કરી દીધું હતું.
“ હા, હા...
પર્લને પણ લઈ આવશું.” કહીને ફોન મુકાઈ ગયો.
બીજા દિવસે સાંજે આખો રાયચુરા પરીવાર હરિદાસનગરની એ વિંગના
સાતમા માળે પ્રિયાંકના ઘરે બેઠો હતો.
બે બેડરૂમ હોલ કિચનનો ફલેટ આધુનિક ઇન્ટીરિયરથી સજ્જ
હતો. વેસ્ટ ઓપન ગેલેરીમાંથી સૂર્યાસ્ત પહેલાં જે ગુલાબી ઉજાશ પથરાય તે ગુલાબની
જેમ આખા વાતાવરણને ઓર ખુશનુમા બનાવી રહ્યો હતો.
હોલમાં ખૂબ જ ઓછી વસ્તુઓ સાથેની સજાવટ નિતાબેનના સુઘડ
સ્વભાવનો પરિચય આપી રહી હતી.
મહારાજને બોલાવીને પાઉં ભાજી, પુલાવ અને
ગુલાબ જાંબુની વ્યવસ્થા નિતાબેને કરાવી રાખી હતી.
પ્રિયાંક પર્લને તેની બેડરૂમ બતાવવા રૂમમાં લઈ ગયો. એટલે નાનો
ભાઈ વંશ બેઉની ટીખળ કરવા પાછળ પાછળ રૂમમાં ગયો.
“સત્તર જુલાઈનું મુહુર્ત આવ્યું છે.
તે દિવસે રવિવાર પણ છે.. એટલે વાંધો નહિ આવે.. એક મહિનામાં તૈયારી થઈ જશે ને?” નિતાબેને માલિનીબેન
અને અંતરાની સામે જોયું.
“હા, હા... હવે આમ
તો બધું રેડીમેઇડ જ મળી જાય છે. એટલે બહુ ટેન્શન નથી.”
માલિનીબેને કહ્યું.
“અમારા તરફથી પર્લને હાફ સેટ, તેને જે શરારા કે ચણિયા ચોલી,
લેવાં હોય તે લઈ લે. બાકી મેચિંગ બેંગલ્સ, મેક- અપનો સામાન... ને એવું બધું નાનું મોટું પર્લને સાથે લઇ જઈને અમે લઈશું.. હા, એંગેજમેંટ રિંગ માટે મારે પર્લ અને પ્રિયાંક બેઉને લઈ જવા પડશે...”
નિતાબેને પોતાના તરફથી ચોખવટ કરી.
“અમે પ્રિયાંકને હાથનું બ્રેસલેટ અને
ચાંદીનો ગ્લાસ તથા સુટ લઇ આપીશું.. તમારા તરફથી બીજું કાંઈ
આપવાનો રિવાજ હોય તો કહી દેજો.” અંતરાએ ફોળ પાડ્યો.
“અમારામાં લેવડ- દેવડનું કોઇ બંધન નથી. જેની જેવી
સ્થિતિ... એ પ્રમાણે વ્યવહાર કરે. એટલે તમે જરા પણ ચિંતા કરતા
નહિ.” નિતાબેને ધરપત આપી.
હોલ કયો મળે છે એ તપાસ કરવાની છે.. મારા ધ્યાનમાં અમુક હોલ છે તે હું જોઈ લઉં છું. વિનીત ભાઈ, આપણે બંને સાથે જોઈ આવીશું… એટલે વાંધો નહિ.” પ્રણવભાઈએ કહ્યું.
“ઓકે.” વિનીતે હા ભણીને
કહ્યું. “અમારા લગભગ પિંચોતેર જેટલા માણસો થશે.”
“ અમારા પણ અંદાજે એટલા જ થશે.”
પ્રણવભાઈ બોલ્યા.
બધી લેવડ દેવડની વાતો નક્કી કરીને બંને ફેમિલી છૂટા પડ્યાં
ત્યારે વંશે છેલ્લે પર્લને ચીડવતાં કહ્યું,
“ભાભી, ભાઈ રાત્રે
ફોન કરીને ઈરીટેટ કરતો હોય તો મને કહી દેજો... મારી પાસે સુપર્બ
આઈડિયા છે.”
પર્લ શરમાઈ ગઇ. અને પ્રિયાંક વંશને ખિજાવાનો ડોળ કરવા લાગ્યો.
છેલ્લે, બાય... જય શ્રી કૃષ્ણ, કહીને બધા
છૂટા પડ્યાં.
ક્રમશઃ