Apshukan - 9 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 9

ઘડિયાળમાં બારના ટકોરા થયા એવા વિનીત, મમતાબેન અને ગરિમાબેને અંતરાની રૂમમાં પગ મૂક્યો.

“ શુ કહી ગયા ડૉકટર? કેમ તાત્કાલિક અમને હોસ્પિટલમાં બોલાવ્યા? હજુ તો મનોજના ટિફિનની રોટલી પણ બનાવવાની બાકી હતી... શિફોનના વાયોલેટ કલરના અનારકલી સ્ટાઈલના ડ્રેસ સાથે સ્લિંગબેગ હલાવતાં હલાવતાં ગરિમા બબડી. સારું થયું મમતા તું માં પાસે જ રોકાઇ ગઇ હતી. નહિ તો સાંતાક્રુઝથી ક્યારે અહીં આવત?” મમતા ચૂથેલા કોટનના બાંધણી ડ્રેસમાં જ આવી ગઈ હતી. તેના વાળ આખા વિખરાયેલા હતા.

ત્યાં જ સિસ્ટર રૂમમાં આવીને બોલી,

“ આપકો ડૉકટર સાહબ બુલા રહે હૈ... જલ્દી ચલો, ઉનકો એક ઇમરજન્સી ઓપરેશન કે લિયે જાના હૈ”

સિસ્ટરની સાથોસાથ મમતા- ગરિમા બહાર નીકળી. વિનીત પણ ઊભો થયો, તરત જ મમતાબેને ટકોર કરી,

“ તું બેસ અહિયાં જ. હું અને ગરિમા સંભાળી લઈશું.”

વિનીત છોભીલો પડી ગયો. જે ઉત્સાહથી ઊભો થયો હતો એટલા જ ઉદાસ ચહેરે પાછો ખુરશી પર પટકાયો. અંતરાએ વિનીતની સામે વેધક નજરે જોયું. જાણે ઈશારો કરતી હોય કે, તું પણ જા સાથે... વિનીતમાં તાકાત નહોતી અંતરાની નજરોને સહન કરવાની. તે નત મસ્તકે બેસી ગયો.

બે સેકન્ડ માટે રૂમમાં શાંતિ છવાયેલી રહી. ફરી સિસ્ટર ભાગતી- ભાગતી આવીને કહી ગઇ,

“ આપકો ડૉક્ટર સાહબ બુલા રહે હૈ, જલ્દી ચલો.”

વિનીત ખુરશી પરથી ઊભો થઈને સીધો ભાગ્યો. અંતરા સામેય ન જોયું.

વિનીત ડોક્ટરની કેબિનમાં ગયો, ત્યારે મમતાબેન અને ગરિમાબેન ખુરસી પર બેઠાં હતાં. ડૉકટર અમિતે વિનીત તરફ જોઈને કહ્યું, “તમે વિનીત છો? જન્મેલી દીકરીના પિતા?”

વિનીતે ડોકટર સામે જોઇને કહ્યું, ‘ યેસ ડોકટર... '

“ જુઓ મિસ્ટર વિનીત , દીકરીના પિતા હોવાને નાતે અને ડિલિવરી પહેલાં તમારી પાસે ફોર્મમાં કરાવેલી સાઈનના હિસાબે દીકરીની જવાબદારી તમારી ગણાય. ઘરના બીજા સભ્યોના નિર્ણય આ બાબતે માનવામાં નહિ આવે." બોલતાં બોલતાં ડોક્ટરે મમતાબેન અને ગરિમાબેન સામે નજર ફેરવી લીધી. "ગઇ કાલે બેબીની ડિલિવરી થઇ છે અને તમે હજી સુધી તેને તેની માં પાસે નથી જવા દીધી? ધીસ ઈઝ રિડીક્યુલસ! તમને આ વાતની જાણ ન હોય તો કહી દઉં કે બાળકના જન્મ બાદ માંનું ફીડિંગ ( ધાવણ) કેટલું જરૂરી અને ઉપયોગી છે? તમે જો બાળકને ફીડિંગ નહિ કરાવવા દો તો માંની બ્રેસ્ટમાં દૂધના ગઠ્ઠા જામી જશે, જે નહિ નીકળે તો માંને બ્રેસ્ટમાં પશ થઈ જશે. નવજાત બાળકને તમે માંના દૂધથી કેટલો સમય વંચિત રાખી શકો? મને એ સમજાતું નથી કે આટલી સરસ તંદુરસ્ત બેબી જન્મી છે. તમને લોકોને શું પ્રોબ્લેમ છે તેને અપનાવવામાં?”

ડોક્ટર હજુ આગળ બોલે એ પહેલાં જ તેમની વાત કાપીને ગરિમાબેને કહી દીધું, "ડોકટર, બેબી છ આંગળીઓ સાથે જન્મી છે. છ આંગળીઓવાળા અપશુકન હોય એટલે અમે તેને અપનાવવા નથી માગતાં...”

“ વોટ રબ્બિશ? બેબી છ આંગળીઓવાળી જન્મી છે તો એ અપશુકનિયાળ હોય? મેડમ, વી આર લિવિંગ ઈન ટવેન્ટી ફર્સ્ટ સેંચુરી... તમે શું આવા જૂના, ઢકિયાનુસી વિચારો થોપીને બેબીના જીવન સાથે ખિલવાડ કરી રહ્યા છો? શુકન- અપશુકન... માય ફૂટ! એમ તો દીકરી જન્મી છે તો તમારા ઘરે લક્ષ્મીજી પધાર્યાં છે. તમે તો લક્ષ્મીજીનું અપમાન કરી રહ્યાં છો? તો તમારા ઘરે લક્ષ્મીજી ક્યાંથી ટકશે? આ વિચાર નહિ આવ્યો તમને?” ડો. અમિત ગરિમા સામે કટાક્ષ નજરે જોઈને બોલ્યા.

મામલો થોડો ગરમ થઇ રહ્યો છે એ જાણીને મમતાબેને ડોક્ટરને ખૂબ જ હળવાશથી કહ્યું,

“ ના, ના ડોક્ટર, એકચ્યુલી, અમને છ આંગળીઓવાળા અમુક લોકોની લાઈફ વિશેના ખરાબ અનુભવો થયા છે એટલે...”

મમતા બેનને તેના જ વાક્યમાં પકડતાં ડોક્ટર અમિતે સામો સવાલ કર્યો, “એટલે?”

“એટલે અમે આ બેબી છ આંગળીઓવાળી છે તો તેને અપનાવતાં ડરીએ છીએ.” મમતાબેને શિફતથી જવાબ આપ્યો.

“બેબીને છ આંગળી છે તો તેની પાછળ હેરીડિટી એક કારણ હોઈ શકે. તમારા ઘરમાં કોઈને છ આંગળીઓ છે?” ડોક્ટર અમિતે પૂછ્યું.

તરત જ બંને બહેનોએ વિનીત તરફ પાછળ ફરીને જોયું.

“ મિસ્ટર વિનીત તમને છ આંગળીઓ છે?”

વિનીતે તરત જ પોતાના હાથની આંગળીઓ બતાવીને ડોક્ટરને હા પાડી.

“ ધેટ્સ સો સિમ્પલ ! બેબીના પપ્પાને છે તો તેને વારસામાં છ આંગળીઓ મળી છે. સો નાઉ વોટ્સ ધ પ્રોબ્લેમ??” ડોક્ટર અમિત થોડા અકળાયેલા હતા. તેમણે થોડીવાર જવાબ માટે રાહ જોઈ. મમતા અને ગરિમા બંને ચૂપ હતા અને વિનીત બંને બહેનોમાંથી કોઈ બોલે તેની રાહ જોઇ રહ્યો હતો.

ડોકટર અમિત સમજી ગયા હતા કે પાસો ફેંકવો જ પડશે.. આ બંને બહેનો એમ માનશે નહી.

“ ... તો પછી મારે પોલીસ કમ્પલેઇન કરવી જ પડશે...” ડૉકટર અમિતે કહ્યું..

પોલીસનું નામ સાંભળતાં જ બંને બહેનોના હાજા ગગડી ગયા. બંનેની આંખો પહોળી થઈ ગઈ. ગરિમા ડોક્ટર સામે એ જ પહોળી આંખો ફાડીને બોલી, “પોલીસ કમ્પલેઇન ?”

ડોકટર અમિતે કહ્યું, “ હા, કારણ કે જો તમે બેબીને સ્વીકારવા ન માગતા હો તો મારે એ જ કરવું પડશે...”

“ ના, ના, ડોક્ટર... પોલીસ કમ્પલેઇન કરવાની જરૂર નથી, તમે અમને દસ મિનિટ આપો... અમે કોઈ નિર્ણય પર આવીને તમને જણાવીએ છીએ.” મમતાએ ડોક્ટરને વિનંતી કરતાં કહ્યું.

“ ઓકે, માત્ર દસ મિનિટ... ત્યાર બાદ મારે એક ઓપરેશન છે... અને હા, જો બેબીને અપનાવવાનો તમારો નિર્ણય ના જ હોય તો મારા સુધી આવવાની જરૂર નથી...સિસ્ટરને જ કહી દેજો... સિસ્ટર પોલીસને જાણ કરી દેશે...” આટલું બોલીને ડોક્ટર અમિત પોતાની ચેર પરથી ઊભા થઈ ગયા...

ક્રમશ:




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED