Apshukan - 1 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 1

ડોરબેલ વાગી. અંતરાએ દરવાજો ખોલ્યો તો સામે પર્લ આંખમાં ચોધાર આંસુ સાથે ઊભી હતી.
“શું થયું પર્લ? તું કેમ રડે છે?” અંતરા આગળ કંઈ પૂછે એ પહેલાં તો પર્લ દોડતી બેડરૂમમાં જતી રહી અને બેડરૂમનો દરવાજો ધડામ કરીને બંધ કરી દીધો.
“પર્લ, પર્લ... શું થયું બેટા? તું કેમ રડે છે? દરવાજો તો ખોલ. શું થયું?” અંતરા બૂમો પાડતી રહી. રૂમની અંદરથી પર્લનો જોરજોરથી રડવાનો અવાજ આવતો હતો. કેટલીયવાર માથાકૂટ કરવા છતાં પર્લ દરવાજો નહોતી ખોલતી. અંતરા ટેન્શનમાં આવી ગઈ.મનમાં કેટલાય વિચારો દોડવા માંડ્યા.
અંતરાએ માલિનીબેનને બૂમ મારી, “મમ્મી, મમ્મી... જુઓને પર્લને શું થયું? કંઈ બોલતી નથી. માત્ર રડ્યા જ કરે છે.”
લાઈટ પિંક કલરની કોટનની સાડી, સફેદ વાળનો મોટો અંબોળો, હાથમાં સોનાની બે બંગડીઓ અને ગળામાં કંઠી, ગોળમટોળ મોઢું અને રૂઆબદાર વ્યક્તિત્વ ધરાવતાં માલિનીબેન પોતાના રૂમમાં હાથમાં તુલસીની માળા ફેરવતાં હતાં ત્યાં જ અંતરાનો અવાજ સાંભળીને માલિનીબેન હાંફળા-ફાંફળા રૂમમાંથી બહાર આવ્યાં. “શું થયું પર્લ? તું કેમ રડે છે? કોઈ સાથે ઝઘડો થયો?”
આ સાંભળતાં જ અંતરાના મનમાં ફાળ પડી. “પર્લ, પ્રિયાંક સાથે તારો કોઈ ઝઘડો થયો છે શું?”
આ સાંભળતાં જ પર્લ વધુ જોરથી રડવા માંડી. એ સાંભળીને અંતરા બોલી.
“મમ્મી, સો ટકા પ્રિયાંક સાથે જ ઝઘડો થયો છે. પર્લ, તને મારા સમ, દરવાજો ખોલ તો. જો મમ્મીના સમ નહિ પાળે ને તો...”
અંતરા આગળ કંઈ બોલે એ પહેલાં તો પર્લે દરવાજો ખોલી નાખ્યો અને બેડ પર સૂઈને પાછી રડવા માંડી.
બ્લેક ક્રોપ ટોપ અને બ્લ્યુ જીન્સમાં સજ્જ, પાતળી કાયા, ગોરો, નાજુક ચહેરો, ખભા સુધીના લાંબા વાળ, જે નીચેથી કર્લ થતા હતા, લાઈટ બ્રાઉન નેઈલ પોલિશ કરેલા લાંબા નખ, પાંચ ફૂટ છ ઈંચ લાંબી પર્લે રડી રડીને પોતાની આંખોનું આય- લાઇનર ગાલ સુધી સ્પ્રેડ કરી નાખ્યું હતું.
“પર્લ, તુ બોલ તો ખરા કે તને શું થયું છે?” ચાલિશી વટાવી ચૂકેલી, જેના ઉપરના વાળમાં સફેદીએ ડોકિયું કરવાની શરૂઆત કરી દીધી હતી, પરપલ કલરની કુર્તીમાં હજી પણ સુંદરતાને અકબંધ જાળવી રાખનાર અંતરા પર્લની બાજુમાં બેઠી અને પર્લના માથા પર હાથ પસરાવતાં પસરાવતાં તેને શાંત કરવાની કોશિશ કરવા લાગી.
માલિનીબેન પાછળ પાછળ રૂમમાં આવ્યાં અને પર્લની બાજુમાં બેઠાં. અંતરા સામે ઈશારો કરીને શું થયું તે જાણવાની કોશિશ કરી. અંતરાએ સામે ઈશારાથી જ ‘કંઈ ખબર નથી પડતી’ તેવું બતાવ્યું.
માલિનીબેન પણ પર્લની પીઠ પર હાથ પસરાવતાં બોલ્યાં, “પર્લ બેટા, શું થયું? તું અમને કહીશ તો ખબર પડશે ને!”
અંતરાએ તેના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધા બાદ પર્લ થોડી શાંત થઈ એટલે બેઠી થઈ. “મમ્મી, શું હું અનલકી છું??”
આ સાંભળીને અંતરાને તમ્મર આવી ગયાં. બધું ૩૬૦ ડિગ્રી ફરતું હોય તેવું લાગ્યું. અંતરા તો જાણે સૂઝ- બુઝ જ ગુમાવી બેઠી. હવે એની હાલત કફોડી થવા માંડી. ‘અપશુકન’ આ શબ્દ જાણે તેના કાનમાં ચારે તરફથી દેકારો કરી રહ્યો હતો!
પર્લ મમ્મીને આવી અવસ્થામાં જોઈને થોડી ડઘાઈ તો ગઈ, પણ હજુ એ પોતાના આઘાતમાંથી બહાર નહોતી આવી એટલે મમ્મીને બીજું કંઈ પૂછવાનું તેને સૂઝ્યું નહિ. ત્યાં તો માલિનીબેને જ પર્લને સામે સવાલ કર્યો, “ આવું કેમ પૂછે છે પર્લ? તને કોઈએ કંઈ કહ્યું શું?”
પર્લ મમ્મી અને દાદી સામે વારાફરતી જોઈને પછી બોલી, “આજે પ્રિયાંક મને પોતાના ઘરે લઈ ગયો હતો. તેનાં મમ્મી- પપ્પાને મળાવવા. ત્યાં એ લોકોએ પહેલાં તો મારી સાથે સારી રીતે વાત કરી, પણ...”
“આગળ તો બોલ... તારી ગાડી પણ પર કેમ અટકી ગઈ?” અંતરા ગુસ્સામાં આવી ગઈ.
ત્યાર બાદ પર્લે જે વાત કરી તે સાંભળીને અંતરાને લાગ્યું કે તેનું મગજ બહેર મારી ગયું છે. કંઈ વિચારવાની કે રિએક્ટ કરવાની શક્તિ જ જાણે તેનામાં રહી નહોતી!
‘અપશુકન’ આ શબ્દો તેને ભૂતકાળમાં જાણે પાછા લઈ ગયા. ૨૬ એપ્રિલ, ૨૦૦૪ નો એ દિવસ...
ક્રમશઃ
**. * ***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED