Apshukan - 6 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 6

વિચાર કરતાં કરતાં જ અંતરા બેડ પર લાંબી પડી. 'વિનીતને મનાવવો સહેલો છે, પણ મમતાબેન અને ગરિમાબેન? એમને કેવી રીતે
મનાવીશ?'
અંતરા ફરી ભૂતકાળમાં સરી પડી. પહેલેથી જ આ બંને નણંદોનું ઘરમાં રાજ ચાલે. મમતાબેન મોટાં અને ગરિમા બેન નાનાં. સાસુના વધુપડતા લાડ, ચાગ અને દીકરીની બધી જ વાતોમાં હા એ હા કરવાની જીદને કારણે આ બંને નણંદો સ્વભાવે જીદ્દી અને બોલવામાં આકરા બની ગયાં હતાં. જયારે આ ત્રણેય ભેગા થાય ત્યારે સસરાનું તો કંઈ જ ન ચાલે.
સસરાના નાના ભાઈ ભગવાનદાસ સાથે પપ્પાને ખૂબ જ લગાવ હતો. બંને ભાઈઓ વીસ વર્ષ સાથે રહ્યા હતા. એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ, પણ માલિની બેન અને તેમની દેરાણી જયાબેન વચ્ચે ક્યારેય દેરાણી- જેઠાણીનો પ્રેમ પાંગર્યો જ નહિ. નાની- નાની વાતમાં કલેહ- કંકાસ થયા જ કરતા, જેની અસર બંને ભાઈઓની લાગણી પર તો થઈ જ, સાથોસાથ બંને ભાઈઓનાં સંતાનો પર પણ થઈ.
માધવદાસને બે દીકરીઓ મમતા અને ગરિમા, ભગવાનદાસને એક જ દીકરો રાજેશ. માલિની બેનને પોતાને દીકરો ન હોવાનો અફસોસ ધીરે ધીરે રાજેશ પ્રત્યેની કડવાશમાં બદલાઇ ગયો. એટલું જ નહિ, આખો દિવસ દીકરીઓ પાસે રાજેશનું વાંકું બોલીને તેમના મનમાં ઈર્ષ્યાનાં બીજ જાણ્યે- અજાણ્યે માલિનીબેને રોપી જ દીધાં હતાં, એટલે નાનપણથી જ મમતા અને ગરિમા બંને રાજેશ પર દરેક વાતે દાદાગીરી જ કરતી. પછી તો એવું બનવા માંડ્યું કે દેર- દેરાણીના નામે જ્યારે જ્યારે માલિની બેન પતિ સાથે ઝઘડો કરે ત્યારે ત્યારે મમતા અને ગરિમા પણ માંનો સાથ પુરાવે...બસ, પછી તો કહેવાનું જ શું હોય? ધીરે ધીરે માધવદાસ પર મમતા અને ગરિમા બંને હાવિ થવા લાગી. પપ્પાને દરેક વાતે ખોટા પાડવા, તેમને વાતે વાતે ટોક્યા કરવા અને મ્હેણાં મારવામાં બંને દીકરીઓ માધવદાસની નજરમાંથી ઊતરવા માંડી. એક પિતા તરીકે દીકરી પર જે પ્રેમ હોવો જોઈએ તે ક્યાંય ઊડીને છૂ થઈ ગયો!! માધવદાસનું ઘરમાં ખુલ્લા દિલે અભિવ્યક્ત થવાનું ધીરે ધીરે ઓછું થતું ગયું.
બંને ભાઈઓ અલગ થઈ ગયાં. ભગવાનદાસનું દેહાંત થયું. ક્રમશઃ મમતા, ગરિમા અને રાજેશનાં લગ્ન થઈ ગયાં. ઈશ્વરની કૃપાથી બંને બહેનોને સાસરું ખૂબ જ સારું મળ્યું. સામેવાળા બંને પરિવાર સ્વભાવે ખૂબ સરળ, કોઇ જાતની ખટપટ નહિ. રાજેશની પત્ની પ્રીતિ પણ સ્વભાવે ખૂબ જ પ્રેમાળ હતી. જયાબેન અને ઘરને સરસ રીતે સંભાળી રહી હતી, જ્યારે મમતા અને ગરિમાએ સાસરામાં પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું. મમતાનું સાસરું સાંતાક્રુઝમાં હતું. પતિ મલય એકનો એક દીકરો ચાર્ટર્ડ એકાઉ્ટન્ટ હતો. દેખાવે પણ હેન્ડસમ, તેના હાઇટ, બોડી આકર્ષક હતા.
નોકરી નક્કી થતાં જ મલયનું મમતા માટે માંગુ આવ્યું. મમતા બી.કોમ. ભણી હતી. પણ ખાસ દેખાવડી નહોતી. સ્વભાવે થોડી આળસુ એટલે પોતાના શરીરની કાળજી જોઇએ તેવી રાખતી નહોતી. લઘર વઘર રહેતી. મલયનાં માતા પિતાને છોકરી ખૂબ જ આશાવાદી કે જોબ કરતી નહોતી જોઈતી. સીધી સાદી જ જોઈતી હતી. ઘર સંભાળે અને મલયનું ધ્યાન રાખે તેવી જોઈતી હતી.
મલય- મમતાનું નક્કી થઇ ગયું. શરૂઆતમાં તો મમતા શાંત સ્વભાવની લાગતી હતી. બધા ખુશ હતા, પણ ધીરે ધીરે મમતાએ સાસુ- સસરાની જરૂરિયાતોને નજરઅંદાજ કરવાનું શરૂ કરી દીધું. મમતા – મલયને એક દીકરો થયો, કુણાલ. પછી તો મમતા પોતાના મોજશોખ અને કુણાલના લાડ પૂરા કરવામાં વ્યસ્ત રહેવા લાગી. સાસુ- સસરા પર મમતાની દાદાગીરી દિવસે દિવસે વધવા લાગી હતી.
ગરિમાનાં લગ્ન મનોજ સાથે થયાં. ગરિમા ખૂબ જ સુંદર દેખાતી. તેને બધું અપ ટુ ડેટ જ જોઇએ. કપડાં, મેક અપ, શૂઝ, બધું જ. કપડામાં જરા અમસ્તી ક્રીઝ ન જોઇએ. તેના વાળ ખૂબ જ લાંબા અને સુંદર હતા. તેનો એકલીનો આખો વોર્ડરોબ લેટેસ્ટ ફેશનના કપડાંથી ખીચોખીચ ભરેલો હતો, છતાં તેનું મન ભરાતું નહિ. દર મહિને કંઈક ને કંઈક નવું ખરીદે જ. શૂઝ, સેન્ડલ, ચપ્પલનો આખો શુ- રેક ગરિમાના જોડાથી જ હકડેઠઠ ભરેલો રહેતો.
મનોજ પહેલી નજરે જ ગરિમાના સૌંદર્યમાં મોહી પડ્યો. તે પોતે સાધારણ દેખાવનો હતો. મનોજ એકનો એક દીકરો હતો, અને તેનો ટુર્સ ટ્રાવેલ્સનો ધંધો ખૂબ જ સારો ચાલતો હતો. માં – દીકરો એકલાં જ હતાં અને પૈસે ટકે સુખી હતાં એટલે ગરિમાને મનોજ દેખાવે ગમ્યો નહોતો, છતાં હા પાડી દીધી હતી. એ વિચારે કે આગળ પાછળ કોઈ નથી, એટલે મારા બધાં મોજશોખ હું પૂરાં કરી શકીશ.
ગરિમાનું સાસરું બોરીવલીમાં હતું. મનોજના પિતાનો મનોજ નાનો હતો ત્યારે જ સ્વર્ગવાસ થઈ ગયો હતો, ત્યારે મનોજના મમ્મી પ્રજ્ઞાબહેને પતિના ધંધાની અને દીકરા મનોજને મોટો કરવાની જવાબદારી એકલા હાથે સંભાળી લીધી હતી. હા, પ્રજ્ઞા બહેનનાં માતાજી અને ભાઈનો તેમને સારો એવો સપોર્ટ રહ્યો. એટલે ધંધા સાથે મનોજને મોટો કરવામાં પ્રજ્ઞાબહેનને બહુ અડચણો ન આવી. પતિને નાની ઉંમરે ગુમાવી દેવાને લીધે પ્રજ્ઞાબહેન ઉંમર કરતાં જલ્દી પીઢ થઈ ગયાં હતાં. સ્વભાવે પહેલેથી જ શાંત પ્રજ્ઞાબહેને જિંદગી સામે બહુ સવાલો નહોતા કર્યા. જીવન જેવું મળ્યું, જેવા સંજોગો આવ્યા, તેમાં ખુશી ખુશી જીવવાની કોશિશ કરી હતી. મનોજનું ગરિમા સાથે ગોઠવાયું ત્યારે પણ પ્રજ્ઞાબહેને બહુ સવાલ- જવાબ નહોતા કર્યા. મનોજને ગમે છે એટલે તેમને ગમે છે, કહીને તરત જ લગ્ન નકકી કરી નાખ્યાં હતાં. ગરિમાને બહુ બોલવા જોઈએ, પણ મનોજ અને પ્રજ્ઞાબહેન બંને મૂંગાં. શરૂઆતમાં તો ગરિમા શરમાતી હતી, પણ જેમ જેમ સાસરામાં જૂની થઈ તેમ તે વધુ બોલવા લાગી, સાથોસાથ મનોજના મોઢામાં આંગળા નાખીને તેને પણ બોલાવતી.
ગરિમા અને પ્રજ્ઞા બહેન તદ્દન અલગ દિશાઓ. પ્રજ્ઞાબહેનને સવારે વહેલા ઊઠીને ન્હાઈ,ધોઈ, પૂજા પાઠ કરીને પહેલાં રસોઈ ચડાવી લેવાની આદત, જયારે ગરિમા મનોજ ઓફિસે મોડો જતો હોવાથી સવારે મોડી ઊઠે, ન્હાયા ધોયા વગર જ રસોઈ કરી લે. પ્રજ્ઞા બહેનને ગરિમાની આ આદત જરાય ગમતી નહિ, પણ પછી પોતે મનોમન વિચારતા કે, 'બધાને થોડી મારા જેવી આદત હોય? હશે, ગરિમા ભલે સૂતી.’ એમ વિચારીને પ્રજ્ઞાબહેન પોતે સવારે વહેલા ઊઠી, ન્હાઈ, ધોઈને રસોઈ ચડાવી દે. ખાલી રોટલી બાકી રાખે. મનોજના જવા પહેલાં ગરમ રોટલી ઉતારી દે. ગરિમા મોડી ઊઠે, પછી રસોડામાં મનોજ માટે ઘાય ઘાય કરતી રોટલી કરવા આવે. શાક- દાળના ઢાંકણાં ખોલે અને મોં મચકોડીને બોલે,
“મમ્મી, તમે શાકમાં કંઈ મસાલો કર્યો છે કે નહિ? સાવ ફિક્કુ લાગે છે...”
પ્રજ્ઞાબહેન ખૂબ જ શાંતિથી જવાબ આપે, “બધો મસાલો કર્યો છે. મનોજને બહુ તીખું ખાવાની આદત નથી.”
આ સાંભળે એટલે તરત જ છણકો કરીને ગરિમા બોલે, “મનોજને હવે આવું ફિક્કું શાક ભાવતું નથી. મારી સાથે જમે છે એટલે મનોજને પણ મારી જેમ હવે તીખું શાક જ ભાવે છે. અત્યારે તો મેં ઉપરથી મસાલો કર્યો છે હવે કાલથી તમે શાક તીખું બનાવજો.”
પ્રજ્ઞાબહેન ચૂપચાપ સાંભળી લે. મનોજના ઓફિસ જવાના સમયે ઘરમાં કંકાસ થાય એ તેમને ગમતું નહિ, કારણ કે, પોતે આ બધું સંભાળી ચૂક્યાં છે એટલે જાણે છે કે દિવસ ઊગે એટલે માથા પર કેટલું કામનું ટેન્શન હોય? એવામાં મનોજ જો ઘરનો આ કંકાસ સાંભળીને ઓફિસે જાય તો એમાં તેનો દિવસ કેવો જાય? ગરિમા પ્રજ્ઞાબહેનનો આ સ્વભાવ બરાબર જાણી ગઇ હતી એટલે તે ધરાર મનોજના ઓફિસ જવાના સમયે જ કોઇ ને કોઇ વાતે કલેહ કરવાનું ચૂકતી નહિ.
“ચલો, ઊઠો, સ્નાન કરને કા ટાઇમ હૈ.” સવારે છ વાગ્યાની ડયૂટી પર ચોખ્ખીચણાક લાલ બોર્ડર વાળી વ્હાઈટ સાડી પહેરેલી માઉશી આવીને અંતરાને ઉઠાડી ગઇ. અંતરાનું માથું થોડું ભારે લાગતું હતું. રાતે મોડે સુધી એ જાગી રહી હતી. “ગરમ પાની બાથરૂમ મેં રખા હૈ, સ્નાન કર લો” માઉશી બોલી
અંતરા ન્હાઈને બહાર આવી ત્યારે પણ માઉશી રૂમમાં જ હતી.
“તારા ઘરેથી ચા- નાસ્તો હજુ આવ્યો નથી, તો ત્યાં સુધી તું પાછી સૂઈ જા.” કહીને માઉશી રૂમમાંથી ગઇ.
અંતરાએ દીવાલ પર લટકેલી ઘડિયાળ સામે જોયું તો હજી તો સાડા છ વાગ્યા હતા. 'આજે તો મારી દીકરીને મારી પાસે લઇને જ જંપીશ' મનમાં દ્રઢ નિર્ધાર કરીને તે બેડ પર લાંબી પડી. ક્યારે પાછી તેની આંખ લાગી ગઈ તેને ખબર જ ન પડી.
ક્રમશઃ
*** ***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED