હું નાનો હતો ત્યારે તહેવારો જુદી રીતે ઉજવાતા. આ વાત કરું શું 80થી 90ના દાયકાની, જ્યારે હું હજી બાળક અને કિશોર અવસ્થાની વચ્ચેની ઉંમરને માણી રહ્યો હતો. સ્કૂલના મિત્રો જુદા અને પાડોશી મિત્રો જુદા હતા. પાડોશી મિત્રોમાં ઘણાં સગા વ્હાલાં અને બીજા બહુ વ્હાલા એવા લંગોટિયા મિત્રો.
એક પછી એક તહેવારોમાં બાળકો અને વડીલોની ભાગીદારી રહેતી. તહેવારો બહુ દિવસીય રહેતાં અને દરેક તહેવારે બહુ બધી પ્રવૃતિઓ રહેતી.
અમે સિંધી હિન્દૂ છીએ એટલે અમે બધા જ હિન્દૂ તહેવારો સાથે સિંધી વિશેષ તહેવારો પણ ઉજવીએ. ઘણાં ગુજરાતી મિત્રો સિંધીને એક ધર્મ માને છે એમને કહેવાનું કે ધર્મ અમારો હિન્દૂ જ છે પણ અમે સિંધ પ્રાંતના અને સિંધુ નદીનાં કાંઠેથી આવ્યા હોઈ અમારા ઇષ્ટ દેવ દરિયાલાલ એટલે ઝૂલેલાલ , તેઓ વરુણદેવ એટલે જળના દેવના અવતાર છે.
મારા દાદા ભારત પાકિસ્તાન વિભાજન પછી ભારત આવ્યાં અને મારા પિતાએ અમદાવાદને કર્મભૂમિ બનાવી. બસ ત્યાર પછી અમે અહીંના જ છીએ,.સિંધી વિસ્તારમાં રહીએ એટલે મોટાભાગે પાડોશીઓની પણ એજ કથા હોય, પોતાનાં પગ મજબૂત કરવાના સંઘર્ષમાં અમે આખું વર્ષ વ્યસ્ત હોઈએ, એટલે તહેવારોમાં સુખ શોધીએ અને મજા કરીએ.
હવે વાત કરીએ અમારા તહેવારોની ઉજવણીની જે નાનપણમાં થતી.
લોહરી
આ તહેવાર ઉત્તર ભારતમાં પ્રચલિત છે અને સિંધીઓ પણ આ તહેવાર ગુજરાતમાં રહીને ઉજવે છે. કારણકે અહીં આગને અર્ચના કરી પૂજન કરાય છે. લોહરીને માતા તરીકે પૂજાય છે.
અમે મિત્રોની ટોળકી 10 દિવસ પહેલાંથી આ તહેવારની તૈયારી કરતાં. અગ્નિ માટે લાકડા ભેગા કરવાની જવાબદારી અને પ્રસાદ માટે અન્ન કે પૈસા ભેગા કરવાની જવાબદારી અમારી. રોજ સાંજે કંતાનના ઝોલા બનાવી બે બે ની ટીમમાં એક એક ગલીમાં જઈએ અને એક એક બારણું ખખડાવીએ. મોટાભાગે બધા વડીલો અમને ઓળખે એટલે દાનમાં લાકડીઓ કે ઘરમાં જુના ફર્નિચરની પ્લાય, કે તૂટેલી ખુરશીઓના પાયા આપે. કોઈ રોકડ એક બે રૂપિયાના સિક્કા યો કોઈ પ્રસાદ માટે રેવડી કે સાકરીયા આપે. બધું અમે અમારા કેપટનના ઘરે મુક્તા થઈએ. લોહરીને દિવસે સવારથી જ બધા એક બીજાને કહેતા થઈએ કે ગલીના નાકે મળીએ. સાંજ પડે એટલે બધા દાતાઓ ને નિમંત્રણ આપતા થઈએ કે આવજો રાત્રે 10 વાગે લોહરી કરીશું. કોઈ થાળી વેલણ તો કોઈ ડોલક લાવે, કોઈ શંખ તો કોઈ ઘંટડી લાવે. પછી યોગ્ય સમયે પૂજા કરીને અગ્નિને આહ્વાન કરીએ, શંખ ઘંટડી વાગે, થાળી વેલણ વાગે, ડોલક વાગે, માતા લોહરીની જય જયકાર થાય. પછી અગ્નિની પરિક્રમા થાય, પ્રસાદ વહેંચાય , ગીતો ગવાય અને બધા મજાથી પ્રસાદ ખાતા ખાતા ઘરે જાય. અમે તો મોઢા જઈએ. લોહરીની બીજી સવાર એટલે ઉત્તરાયણ. સવારે ઉત્તરાયણની તૈયારીઓ કેવી એમ પૂછીને , કિનના બાંધવા સાથે બેસીએ અને સવારે 4 વાગે ઘરે જઈએ.
શિવરાત્રી
આ તહેવાર પણ આપણી બાળ ટોળકી માટે અઠવાડિયું પહેલાં જ શરૂ થઈ જાય. એક કાર્યકારી મુલાકાત ગોઠવાય. ઉંમરમાં મોટા મિત્રો આયોજન કરે અને કામ સોંપે અને નાના મિત્રો કામ હાથમાં લઈને આગળ વધે. સૌથી પહેલું કામ પથ્થરો ભેગા કરવા, કે જેથી મહાદેવ માટે કૈલાશ પર્વત બનાવી શકાય. અનાજની ખાલી કોથળીઓ લઈને નાના મોટા અને મધ્યમ માપના પથ્થરો ભેગા થાય. કપ્તાનના ઘરે એક જગ્યાએ ફળિયામાં પથ્થરો ભેગા થાય. સગા સંબંધીઓ પાસેથી ફાળો ઉગરાવીએ. રંગબેરીગી કાગળ અને દોરીઓ ખરીદીએ. એક જૂથ રંગીન પટ્ટીઓ બનાવે અને ગલીના એ ભાગમાં ઉપર લટકાવે જ્યાં કૈલાશ પર મહાદેવ બિરાજશે અને બીજો જૂથ પથ્થરો લઈને કૈલાશ બનાવે. પછી ચૂનો લગાવી પર્વતને સફેદી આપીએ. કપ્તાન ડોકટર કપાસ લાવે અને બરફની જેમ કૈલાશ પર પાથરે. જરીનો છટકાવ કરી કૈલાશ ચમકદાર બને. નંદીને બેસાડીએ અને છેલ્લે મહાદેવની મૂર્તિ અને શિવલિંગ કોકના ઘરેથી આવી જાય અને ગોઠવાઈ જાય. આ બધું શિવરાત્રીના આગલા દિવસે રાત સુધી પતાવી દઈએ. રાત્રે કોઈ જાનવર આ બગાડે નહીં એટલે વારા ફરતી પહેરો આપીએ. સવાર પડે એટલે આરતી થાય અને કૈલાશને દર્શન માટે ખુલ્લો મુકાય. એક મિત્રના ઘરેથી પ્રસાદી તૈયાર થઈને આવે. પાડોશીઓ અને સગા સંબંધીઓ દર્શન કરવા આવે. ટેપ પર ભજન ચલાવાય અને પ્રસાદ વિતરણ માટે એક એક મિત્ર સેવા આપે. મજાનો દિવસ જાય. થાકીને સાંજે ઘરે જઈએ અને ઊંઘી જઈએ.
હોળી
હોળી અમારા માટે અનેરો પ્રસંગ. અહીં કોઈ માનપૂર્વક ગુલાલ છાંટવાની માવજત નહીં, બસ રંગ એવા લગાવીએ કે માણસ ઓળખાય નહીં. અને ઓળખાય તો એ આપણી ટોળકી નહીં. 5 કે 10 દિવસ પહેલાં કામ કાજ શરૂ કરીએ. ગલીના ચોકમાં ભેગા થવું, દરેક જુદા જુદા અસ્ત વ્યસ્ત વસ્ત્રો, લાકડીઓને વસ્ત્રો પહેરાવી ચાડિયો બનાવીએ, રાત્રે જોર જોરથી બુમો પાડી અલગ અલગ ગલીઓમાં જવું અને અમારાથી નાના છોકરાવ ને બીવડાવવું અને રંગમાં રંગીન કરી દેવું. ફુગ્ગાઓમાં પાણી ભરી આવતા જતા લોકો પર છુપાઈને હવાઈ હુમલા કરવા અને મોજ કરવી. હોળીના દિવસે પણ એક ટોળકી લેફ્ટ અને બીજી રાઈટ બાજુ પહેરો કરે અને આવતા જતા લોકો પર ફુગ્ગાઓ અને કલરથી હુમલા કરે. થોડી થોડી વારમાં સ્કોર પૂછીએ, કે કેટલાને રંગી દીધા. કાદવ કીચડ વગેરેથી એક ભાગ તૈયાર રાખીએ અને શિકારને એમાં ઘસડીને લાવીએ.
અમુક વખતે ઘમાસાણ ઝગડા થાય, બીજી ગલીની બહેનો એમના છોકરાને લઈને અમારી મમ્મીઓ પાસે આવે કે જો તમારા છોકરાએ આ કર્યું અને મમ્મી સાવ ફરી જાય, કહે કે આ કલરમાં કઈ રીતે છોકરા તમે ઓળખી કાઢ્યા, અમારા છોકરા તો ગલી બહાર જાય નહીં. બસ બપોર પછી સાથે ફુવારાના પાઈપના પાણીથી નહાઈ ઘરે જવું.
દશેરા
આ દિવસની તૈયારીઓ 2 કે 3 દિવસ પહેલાં કરીએ. ફાળો ઉઘરાવીએ. પછી પૂંઠા અને રંગ બેરંગી કાગળ લાવીએ. એક પૂંઠા પર કાગળ લગાવી એની ઉપર રાવણનું મૂંહ દોરીએ, મૂંછો બનાવીએ, કુંડલ પહેરાવીએ. પછી ગરદન અને ધઢ બને, પછી ટાંગો બને. દરેક ભાગમાં સૂકી ઘાસ નાંખી ફટાકડા ભરીએ. રાવણને બોંમ્બની માળા પહેરાવીએ. નાભિમાં ચકરી ગોઠવીએ.
રાવણ તૈયાર થાય એટલે એને વ્યવસ્થિત ગલીના મધ્યમાં ઉભા કરીને બાંધીએ. પડે નહીં એટલે આજુ બાજુ દોરીઓથી જમીન સુધી દોરી બાંધીએ.
પછી ચોક પાવડરથી બાઉન્ડરી લાઈન બને એટલે નાના છોકરાવ આગળ જાય નહીં. બસ આ બધું તૈયાર થાય એટલે બધા વાડીલોને કહેવા જઈએ કે આવો રાવણ દહન જોવા. બધા ભેગા થાય, જય શ્રી રામના નારા સાથે એક હિંમતવાન સભ્ય રાવણનને નજીકથી આગ ચાંપે. કોઈ એક વડીલને મહેમાન બનાવી એમના હાથે પણ દહન કરાવીએ. રાવણ દહન વખતે ફટાકડા ફૂટે એટલે અમે ફટાકડાના નામ લઈએ, જો લક્ષ્મી બૉમ્બ ફૂટ્યો, જો સુતળી બૉમ્બ ફૂટ્યો, જો આ લવિંગયા ફૂટ્યા....
છેલ્લે બુંદી અને સેવનો પ્રસાદ કરીએ, બધાને વહેંચીને છેલ્લે અમે ટોળકી વાળા ખાઈએ.
આવા તહેવાર હવે કદાચ ભૂતકાળ બન્યા છે. હાલમાં આપણે ઉજવતી વખતે ફોર્મલિટી કરીએ છીએ અને પાછા ઘરે જઈએ છીએ.
- મહેન્દ્ર શર્મા 28.12.2021