અમે બેંક વાળા - 26. ડો. કાર્તિકેય SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 26. ડો. કાર્તિકેય

26. ડો. કાર્તિકેય

આ પણ મારી ન્યુકલોથ માર્કેટ બ્રાન્ચની વાત છે.આશરે 2006 મે ની.

હું બ્રાન્ચની મધ્યમાં રિવોલ્વિંગ ચેરમાં બેસી પીક અવર્સમાં મારી આસપાસ ઊભેલાં ટોળાંનાં કામો પતાવતો હતો. હું સિનિયર મેનેજર એટલે મેનેજર પછીની વ્યક્તિ. બ્રાન્ચ ચીફ મેનેજરની હતી.

એ વખતે શાળા કોલેજોના એકાઉન્ટ ખોલી તેમાં સ્કોલરશીપ અને શિક્ષકોના પગાર સીધા નાખવાનું શરૂ જ થયેલું એટલે એ એકાઉન્ટ્સ ખોલવા ટ્રેઇન્ડ પીયૂન મૂળજી સ્ફુલની બાલિકાઓને સહી કરવા ને આઈકાર્ડ બતાવવા કહેતો હતો. પાસબુક અને એફડીના કાઉન્ટર પર ભીડ જ ભીડ હતી. ચેક ભરવા લાઈનો હતી. દેકારો મચતો હતો.

એવામાં એક અદ્યતન કપડાંમાં સજ્જ, શાઇનિંગ બ્લ્યુ ટીન્ટ વાળાં ફ્રેમલેસ ચશ્માં પહેરેલા 'સજ્જન' આવ્યા અને મારી સામે હાથ જોડયા. મેં ભીડ વચ્ચે તેમની સામે ડોકું નમાવી નમસ્તે કર્યાં. તેઓ ચુપચાપ એક ખૂણે અદબ વાળી ઊભા. અતિ અગત્યનાં અને નાનાં કામો હતાં તેમને પતાવી એ ભાઈને મારી સામે બેસવા કહયું.

તેઓએ સામે બેસતા પહેલાં મારી સામે ઝુકીને નમસ્તે કર્યું. લોકો બેન્ક ઓફિસરને ગાળો દેતા હોય એ વચ્ચે આ extra politeness સુખદ તો લાગી પણ નવું લાગ્યું. આશ્ચર્ય થયું.

તેમણે ઓળખાણ આપી કે તેઓ સર્જન છે અને તેમનું નામ ડો.કાર્તિકેય છે. તેઓ અહીં પાલડી થી જીવરાજ મહેતા હોસ્પિટલ વચ્ચે પોતાનું નર્સિંગ હોમ ખોલવા માંગે છે અને તે માટે એક કરંટ ખાતું ખોલવા માંગે છે.

મેં તેમને તે દિવસ પુરતું સેવિંગ ખાતું સંભાળતા મરાઠી અધિકારી પાસે મોકલી આપ્યા. મૂળ અધિકારી આજે રજા ઉપર હતા. મેં ડો. સાહેબ સાથે જઈ ઓફિસરને તેમની ઓળખાણ આપી. એ અધિકારી બ્રાન્ચ ડેટા ઓફિસર કે સીસ્ટીમ એડમિનિસ્ટ્રેટર હતા. તેમણે ડો. નાં આઈડી, ક્લિનિક નું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એ પેપર માગ્યાં. હજી મ્યુનિ. માં રજીસ્ટ્રેશન કરવાનું છે ને જગ્યા જસ્ટ ભાડે લીધી છે તેમ કહ્યું. આઈડી માં તેમણે પાસપોર્ટ આપ્યો. એ વખતે આધાર કાર્ડ જેવું ન હતું. ઇલેક્શન કાર્ડ ચોક્કસ હતાં.

ઓફિસરે કહ્યું કે પહેલાં હમણાં સેવિંગ ખાતું ખોલાવો. એ તરત રાજી થઈ ગયા. કહે કે તેઓ જનરલ સર્જન તરીકે રહેશે અને તેમની ગાયનેક પત્ની હોસ્પિટલમાં સ્ત્રીઓના કેસ જોશે. તેમણે કહ્યું કે પેશન્ટ્સ મોટે ભાગે કેશ આપે એ તેઓ રોજ જમા કરાવશે એટલે બ્રાન્ચની ડિપોઝીટ પણ સારી રહેશે.

વાતવાતમાં તેમને ફોર્મ આપી ભરાવતાં અધિકારીએ દયામણું મોં કરી તેમની એક્યુટ એસીડીટીની ફરિયાદ કરી.આ તો બહુ ભલા અને મદદગાર ડો. નીકળ્યા! ઓફિસરની બાજુમાં તેમની ખુરશી ખેંચી પેટ અહીં તહીં દાબ્યું. કહે 'ટિફિનનું જમો છો રોજ?'

અધિકારી મુંબઈથી આવેલા એટલે સાચે ટિફિન બહારનું ખાતા હતા. ડો.એ તેઓ કઈ દવા લે છે એ પૂછ્યું. કોઈક અષ્ટમપષ્ટમ દવા મોઢે કહી કે એ લેજો.

ઓફિસર કહે પ્રિસ્ક્રીપશન? તો તેઓ કહે અહીં ક્યાંથી હોય?

ફોર્મ ભરાયું. સેવિંગ ખાતું તો ખૂલી જવા આવ્યું. તે પહેલાં કેશિયર બહેન સાથે એ અધિકારીએ ડો. ની ઓળખાણ કરાવી. એમની પત્ની ગાયનેક છે અને ક્લિનિક પાલડીમાં હશે એ સાંભળી એ બહેને તો પોતાના કોઈ સગાંની ડીલીવરી એમના ક્લિનિકમાં કરવા વાત કરવા માંડી. 'બહેન ક્યાં છે' એમ પૂછ્યું. ડો. કહે મદ્રાસમાં છે. એનું ક્લિનિક સમેટી અહીં આવશે. એ કેશિયર બહેને પોતાની કોઈ તકલીફ કહી. સાહેબ તો બહુ ભલા! એમણે કોઈ સલાહ તરત જ આપી દીધી. ડૉક્ટર તો ખાસ્સા દસ હજાર ભરવા સ્લીપ ભરવા લાગ્યા. એ વખતે મિનિમમ 1000 થી ખાતું ખુલતું.

ઓફિસરે એમને રોક્યા. કહે રહેણાંકની પ્રુફ બચત ખાતું હોય તો ને કરંટ ખોલો તે વખતે ધંધાની જગ્યાની પ્રુફ 'જસ્ટ ફોર ફોર્માલિટી' (!) જોઈશે એમ કહ્યું. ડો. કહે પાસપોર્ટ છે એ રહેણાંકની તો પ્રુફ છે! તેમણે દસ હજાર લઈ લેવા અત્યંત પોલાઈટ રીતે રિકવેસ્ટ કરી ને મધમીઠું સ્મિત આપ્યું. અધિકારી કહે સાવ સાચી વાત પણ અમદાવાદની પ્રુફ કોઈક તો હશે ને?

કોઈક ચર્ચા બાદ એ ઓફિસરના રૂદીયામાં રામ (ને એ ડો. ની દ્રષ્ટિએ રાવણ) વસ્યા. એ મારી પાસે આવ્યા. મેં કહ્યું આમેય તમારાં શ્રીમતી બે દિવસ પછી આવે જ છે ને? ત્યારે બેયની સહી લઈ ખાતું ખોલીએ. ડો. કહે દસ હજાર પાછા લઈ જવા અઘરા છે. તેઓ હાલ હોટેલમાં રહે છે. મેં હોટલનું એડ્રેસ માગ્યું. તેમનું કાર્ડ અને લોકલ નમ્બર પણ નોંધી લીધો. પૈસા હાલ એવું હોય તો સન્ડ્રિ ડિપોઝીટ માં રાખું એમ સગવડ આપું તેમ કહ્યું. તેઓ એ માટે પણ તૈયાર થઈ ગયા!

મેં સમજાવ્યા કે એકાદ દિવસ હોટેલમાં વાંધો નહીં આવે.

તેમણે તેમનું કાર્ડ આપ્યું અને મારી સામે લળીલળીને ગ્રીટ કરી ગયા.

મેં કાર્ડ જોયું. એપોલો હોસ્પિટલ ચેન્નાઇ. કાર્ડિયાક ડિપાર્ટમેન્ટ. ડો. કાર્તિકેય. આ માણસ કોઈ રીતે મદ્રાસી લાગતો ન હતો. ચેન્નાઈના ડોક્ટર અમદાવાદ નર્સિંગ હોમ શું કામ ખોલે?

તે દિવસે બ્રાન્ચ હેડ ચીફ મેનેજર પણ રજા ઉપર હતા. કદાચ મે મહીનો હતો. ઘણો સ્ટાફ રજા ઉપર હતો.

મેં કોઈક રીતે એપોલો હોસ્પિટલ ફોન કરવા વિચાર્યું. હું ચીફ મેનેજરની કેબિનમાં ગયો. ત્યાં ડિરેક્ટરી ખોલી. અમદાવાદની એપોલોનો નંબર તો ડિરેક્ટરીમાં મળી ગયો. એના રીસેપ્શન પર ફોન કરી ચેન્નાઇ એપોલો નો નંબર મેળવ્યો. એ વખતે બહાર એસ.ટી.ડી. મેનેજરની કેબિનમાંથી જ થતા. મોબાઈલ મારી પાસે મારો પર્સનલ હતો પણ તે વખતે 0 લગાવી બહાર કરો એટલે સારો એવો ચાર્જ લાગે. મેં અમદાવાદ એપોલો એ

આપેલા નમ્બરથી કે કદાચ ચેન્નાઈનો એસટીડી કોડ અને 195 ડાયલ કરી નંબર મેળવેલો. કઈ રીતે એ આજે યાદ નથી. પણ એપોલો હોસ્પિ. ચેન્નાઇનો નંબર સાચો ડાયલ થયેલો.

ત્યાંની રિસેપશ્નીસ્ટને પૂછતાં એણે કહયું કે ત્યાં ડો. કાર્તિકેય નામે કાર્ડિયો સર્જન જરૂર છે પણ અત્યારે સર્જરી કરી રહ્યા હોઈ મળી શકે તેમ નથી.

શું ભગવાનની જેમ તેઓ સર્વવ્યાપી છે? મેં વિચાર્યું. ચેન્નાઇ સર્જરી કરતો માણસ અમદાવાદ બેંકમાં ક્યાંથી?

મેં તરત કહ્યું કે તેમના નામે કોઈ અમદાવાદમાં એકાઉન્ટ ખોલે છે.

બે કલાક પછી સાચા ડો. કાર્તિકેયનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે અમદાવાદના એક મુસ્લિમ પેશન્ટે પોતાને જરૂર પડે તો ફોનથી સલાહ માંગવા કરગરીને નંબર માગેલો અને એણે એ નામ નંબરનું કાર્ડ છપાવી વાપરવા માંડેલું. પોતે અમદાવાદ પોલીસને ચેન્નાઇ પોલીસ દ્વારા જાણ પણ કરેલી.

મને યાદ આવ્યું. એ જ કાર્ડ પર થોડા વખત પહેલાં એક જ્વેલરની શોપમાં એ નામે ખરીદી કરી છેતરવાનો નિષ્ફળ પ્રયત્ન થયેલો. એ વાત છાપાંઓમાં આવેલી.


મેં ચીફ મેનેજર આવતાં એમને વાત કરી.

બીજે દિવસે રૂપાળી મઝાની 'મિસીસ ડો. કાર્તિકેય' પણ સહી કરવા આવી. કેશિયર બહેન પાસે પૈસા ભરતા પહેલાં અમુક છુટા લેવા ગઈ. તેમની ગાયનેક તકલીફો સામેથી પૂછી. દવા પણ કહી ને પોતાને દવાખાને શરૂ થાય એટલે એમનાં સગાંને લઈ જરૂર આવવા કહ્યું. એ પહેલાં આજે કરંટ ખાતું ખોલી આપવા વિનંતી કરી.

મેં પૂછ્યું કે કેટલાક દિવસથી ને કઈ હોટેલમાં તેઓ છે. કલીનીકની ભાડા ચિઠ્ઠી હોય તો આપવા કહ્યું. તેઓ તો અત્યંત નમ્ર બની હોટેલ પર ફોન જોડવા તૈયાર થઇ ગયા.

રૂપાળી 'શ્રીમતી' કહે અત્યારે વેંચનાર બિઝનેસ પર હશે. મેં કહ્યું બસ મોબાઈલ પર વાત કરાવી દો કે જગ્યા ભાડે આપી છે. કાલે લખાણ લઈ બેય પતિ પત્નીની સહી લઈ સો ટકા સીધું કરંટ ખાતું ખોલી દઈશ.

બસ. 'તમે ગ્રાહકોને ટટળાવો છો, બહુ પુઅર સર્વિસ છે, અમે કાંઈ નવરાં નથી, રોજનો વકરો જાય છે, ખાતું કેમ ન ખોલો' વગેરે શરૂ થઈ ગયું.

આજે તો સેવિંગ્સમાં મૂળ અધિકારી આવી ગયેલા. તેમણે વિનયથી પણ મક્કમ રીતે યોગ્ય ડોક્યુમેન્ટ્સ આવે અને ડૉ. કાર્તિકેયની ઓળખની ખાત્રી થાય પછી જ ખાતું ખુલશે એમ કહ્યું.

'તમે સમજો છો શું, હું હેડ ઓફિસ ફરિયાદ કરીશ, હું મોટો સર્જન છું, ભવિષ્યમાં જરૂર પડે તો મદદ કરીશ નહીં..' વગેરે હવે નમ્રતાનો અંચળો ઉતારી અસલી રંગ બતાવતા કહેવા લાગ્યા. હું ચીફ મેનેજર પાસે તેમને લઈ ગયો. ડો. એ તો મેડિકલ કાઉન્સિલનું પ્રેક્ટિસનું તેમના ફોટા વાળું કાર્ડ પણ ધર્યું! મેનેજર ટસના મસ ન થયા. તેમણે ચેન્નાઇ એપોલો સાથે વાત કરાવવા આગ્રહ રાખ્યો.

'ડો. કાર્તિકેય' ટેબલ પર નૉટ્સની થોકડી પછાડી 'તમે લોકો સારા ડિપોઝિટર્સને લાયક નથી' કહેતા 'હમણાં જ તમારા રિજિયોનલ મેનેજરને મળું છું. ચેન્નાઇના રિજી. મેનેજર તો મારા પેશન્ટ છે' અને 'તમારું આવી બન્યું. બહાર બેઠેલા સાહેબની તો ટ્રાન્સફર થઈ સમજો' કહેતા કહે છે ને, 'તુફાન કી ભાંતી આયા, પતઝડ કી ભાંતી ચલા ગયા'.

અમે ખાતું ખોલ્યું નહીં. કોઈ ફોન રિજીયન થી આવ્યો પણ નહીં.

કદાચ પાસપોર્ટનું ચેન્નાઈ નું એડ્રેસ ખોટું હતું. મેડિકલ પ્રેક્ટિસ માટે રાજીસ્ટ્રેશન લેટર હોય. આઈ કાર્ડ નહીં. એ ફોટો ચીપકાવી કોઈ ઝેરોક્સ વાળા પાસે બનાવરાવેલું એમ માનું છું.

થોડા વખત પછી ફરી અખબારોમાં વાંચ્યું કે કોઈ કો - નખાયઓપરેટિવ બેંકમાં ખાતું ખોલી મોટી સંખ્યામાં ડુપ્લીકેટ નોટ્સ, ખાસ તો 500 અને 1000 ની વટાવવા એ જ ડો. કાર્તિકેય ને નામે પ્રયત્ન થયેલો.

માત્ર વિચિત્ર વર્તન, એક્સ્ટ્રા પોલાઈટનેસ અને છેક ચેન્નાઈની હોસ્પિટલના ડોકટર અમદાવાદ શું કામ આવે એ વિચારે જ મને ફોન કરવા પ્રેર્યો અને બેંકની આ અતિ બીઝી અને સેન્સિટિવ ગણાતી બ્રાન્ચ ફ્રોડમાંથી બચી ગઈ.

***