પ્રેમની ક્ષિતિજ - 30 Khyati Thanki નિશબ્દા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની ક્ષિતિજ - 30


અદ્વિતીય આનંદ અને અકલ્પનીય પીડા..... માનવીના અંતરમનના સૌથી મોટા એવા બે ભાવ જેના માટે ઈશ્વર ઘટનાઓને કારણ તરીકે આપણા જીવનમાં સ્થાન આપે છે.

મૌસમ અને આલય પ્રેમની અદભુત ક્ષણોને માણવા ના મિજાજમાં હતા, ત્યાં કેટીના મૃત્યુનું દુઃખ બંનેના મનને ડામાડોળ કરી નાખે છે. કેટીનું મૃત્યુ મૌસમ માટે કદાચ ફરીથી એકલતાની ગર્તામાં ધકેલીનારુ હતું.

ઉર્વીશભાઈ વિરાજબેનને પણ ત્યાં બોલાવી લે છે મૌસમને સંભાળવા માટે. આલય કેટીના ફેમિલી ફ્રેન્ડ તરીકે પ્રેસમીડિયા તથા બધાને જાણ કરે છે.

મૌસમને વિદાય કરવાના સપના જોતો કેટી પોતે જ વિદાય લઈ લે છે. મૌસમ માટે અસહ્ય હતું આલય તેને પોતાની સાથે સ્મશાને આવવા કહે છે, પરંતુ મૌસમ ખરાબ સ્મૃતિઓને જાણે દૂરથી જ ધકેલી દેવા માંગે છે. કેટીની વિદાય પછી મૌસમ એકલી પડે છે અને લેખાને ફોન લગાડે છે.

લેખા મોસમનું નામ સ્ક્રીન પર વાંચી ખુશ થઈ જાય છે, " આજે તો શું કહેવાય?

આટલું સાંભળતા જ મૌસમ કંઇ બોલી નથી શકતી અને છુટ્ટા મોંએ રડવા લાગે છે.લેખા પણ ગભરાઈ જાય છે, મૌસમના મોઢેથી આ આઘાતજનક સમાચાર સાંભળતા તે પણ દુઃખી થઈ જાય છે." મૌસમ.... મૌસમ... પ્લીઝ રડમા હું જેમ બને તેમ વહેલી તકે તારી પાસે આવવાનો પ્રયત્ન કરું છું.

મૌસમ જાણે પોતાની ઉપર કંટ્રોલ નથી કરી શકતી," હા લેખા પ્લીઝ આવી જા."

લેખા મૌસમનો ફોન કટ કરે છે ત્યાં જ નિર્ભયનો ફોન આવે છે. "હેલો, હા લેખા એક ખરાબ સમાચાર છે."

લેખા સામેથી જ કહે છે હા, નિર્ભય હમણાં મૌસમ સાથે જ વાત કરી મારે જેમ બને તેમ વહેલી તકે તેની પાસે જવું છે."

નિર્ભય અને લેખા બે દિવસ પછી મૌસમ પાસે જવાનું નક્કી કરે છે.

લેખા આવી જશે એ વિચારથી જ મૌસમ થોડી સ્વસ્થ થઇ જાય છે. મમ્મીના ફોટા સામે બેસી જાણે ભૂતકાળમાં ખોવાઈ જાય છે. સમય જાણે તેની આકરી કસોટી લેવા જ સ્થિર થયો છે.

સ્મશાનેથી આવી ઉર્વીશભાઈ આલયને આજે ત્યાં જ રોકાઈ જવાનું કહીને વિરાજબેનને લઈ નીકળી જાય છે.

મૌસમ પોતાના રૂમમાં જ પુરાયેલી હતી. આલય તેને જમવા બોલાવે છે, થોડું ખાઈ લેવા સમજાવે છે પરંતુ તે માનતી નથી. આલય જમવાની થાળી મોસમના રૂમમાં જ લઈ આવે છે. પોતાના સમ આપી થોડું ખાઈ લેવા કહે છે.
અને પોતાના હાથે જ જમાડે છે.

મૌસમ જમતી હોય ત્યાં જ કેટીના વકીલનો ફોન આવે છે. કેટીની વસિયત વિશે મૌસમને જણાવે છે તેની સાથે કેટીએ એક પત્ર પણ લખેલો હોય છે. મૌસમ તેને બે ત્રણ દિવસ પછી આવવાનું કહે છે. આલય વાત બદલાવવા કહે છે," જો મૌસમ અંકલનું તારી સાથે કદાચ એટલું જ સાથે રહેવાનું લખ્યું હશે, અને તું કહે છે તે પ્રમાણે તેની છેલ્લી ઈચ્છા તું બધું સંભાળી લે તેવી હતી તો હવે તારે તેની ઈચ્છા પૂરી કરવા માટે ઘરની સાથે સાથે તારા અને તારા પપ્પાના સપનાને પણ પૂરું કરવાના છે.

આલયની વાત સાંભળીને મૌસમને પણ તે વાસ્તવિકતાનો વિચાર આવવા લાગે છે. રાત્રે મોડું થઈ ગયું હોય છે આલય મૌસમને સુઈ જવા સમજાવે છે, અને પોતે પણ બહાર જાય છે, મૌસમ તેને પોતાના રૂમમાં જ સુઈ જવાનું કહે છે,

આલય ત્યાં જ સોફા પર આંખોં બંધ કરી લંબાવે છે. મોસમ તેના કબાટમાંથી જુના ફોટાઓનો આલ્બમ કાઢે છે. પોતાના નાનપણના મમ્મી પપ્પા સાથેના ફોટાઓ જોઈ ફરી પાછી ઉદાસ થઈ જાય છે. આલય આ બધું જોઈને મૌસમ પાસે આવે છે, " પ્લીઝ મોસમ હવે વધારે વિચાર ન કર તારી તબિયત પર અસર થશે."

" આલય આજે મારો આખો પરિવાર પૂરો થઈ ગયો."

"કોઈ પૂરું નથી થયું .તારી સૌથી નજીક હું છું મારા મમ્મી પપ્પા એ તારા મમ્મી પપ્પા જ છે. હું પણ માનું છું કે આ દુઃખ તારા માટે અસહ્ય છે પરંતુ આમ રડવાથી આ દુઃખ મટી જવાનું નથી પરંતુ આમાંથી બહાર નીકળવાના ઉકેલ તરફ વિચાર મોસમ."

"સોરી આલય હું પણ મારા દુઃખથી તને પણ દુઃખી કરું છું"

" જરા પણ નહીં હું તને એટલે સમજાવું છું કે મારા માટે તું પણ એટલી જ મહત્વની છો. આલય તેના માથામાં હાથ ફેરવે છે, મૌસમ આલયના ખોળામાં માથું રાખી સુઈ જાય છે. સુતેલી માસુમ મોસમને જોઇને આલયની આંખમાં પાણી આવી જાય છે. તેનું એક આંસુ મૌસમના ગાલ પર પડે છે. મોસમ સહસા જાગી જાય છે. અને ઊભી થઈ આલયને આલિંગે છે. આજે બંને વચ્ચેનું મૌન બોલતું હતું.

બંને વચ્ચે મનની એકતા તો હતી જ આજે તન પણ જાણે એકબીજાની વાતો સાંભળતું હતું. મૌસમ આલયને પોતાના સ્પર્શથી જાણે આમંત્રે છે. આલય મોસમને અળગી કરવા પ્રયત્ન કરે છે,"પ્લીઝ મોસમ આ અત્યારે યોગ્ય ન કહેવાય." મોસમ વધારેને વધારે નજીક આવતી જાય છે અને કહે છે, "મારા માટે આ જ સમય યોગ્ય છે મારે અત્યારે તારી સૌથી વધારે જરૂર છે આલય, ડેડ ના મૃત્યુ પછી મને સમય પર જરાય ભરોસો નથી રહ્યો, હું હવે ભવિષ્યની શક્યતા ઉપર આધાર રાખવા નથી માંગતી મારા માટે વર્તમાન જ વાસ્તવિકતા અને સત્ય છે."

આલય તેને સમજાવે છે," હું તારી વાત સમજુ છું મૌસમ, પરંતુ આપણું ભાવિ હવે નિશ્ચિત છે અને હું તને વફાદાર જ રહેવાનો છું."

મૌસમ પણ જાણે આજે જીદે ચડી હતી," તારી વફાદારી પર શંકા નથી, પરંતુ મારે મારા પ્રણયને વફાદાર રહેવું છે, કાલે સવારે શું થવાનું છે હું જાણતી નથી, પરંતુ અત્યારનો સમય મારો છે અને મારો આ સમય હું તને આપવા માંગું છું પ્લીઝ આલય તારી મૌસમનો સ્વીકાર કરી લે."

પુરુષ અને પ્રકૃતિ જાણે એકમેક માટે જ સર્જાયા છે. આજે આલયે પોતાની વફાદારી સાબિત કરવાની હતી.
મૌસમના પ્રેમમાં જાણે આલય આલય ન રહ્યો. સમય વહેતો રહ્યો,રાત વહેતી રહી.મૌસમ અને આલય એક થઈ ગયા. સવારે ઉઠતાં જ આલય જાણે ચિંતામાં પડી ગયો પોતે કાંઈ ખોટું તો નથી કર્યું ને? તે વિચાર આવતા જ પસ્તાવો થવા લાગ્યો. પરંતુ મૌસમ ના મુખ પર પરમ સુખનો આનંદ જોઇ જે થયું તે કદાચ ઈશ્વરની ઈચ્છા હશે એમ સમજી તૈયાર થવા માટે ઉભો થયો.

થોડીવાર પછી મૌસમ ઊઠે છે. આલયને શોધે છે, ત્યાં જ આલય આવે છે " બધુ બરાબર મૌસમ?"

" હા"

"સોરી ડિયર, પણ મારે કંટ્રોલ કરવાની જરૂર હતી."

"તને તારી વફાદારી પર પસ્તાવો થાય છે?"

" એવું નથી પણ હજી આપણા લગ્ન થયા નથી અને આમ આવી રીતે યોગ્ય ન કહેવાય."

" મારા માટે વફાદારી અને પ્રેમ એ જ લગ્ન છે."

" પરંતુ આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં આ યોગ્ય નથી"

"મારો સમાજ એટલે હું અને તું બસ."

" તું બહુ ભોળી છો મૌસમ."

" અને તું બહુ પ્રેમાળ."

"ચાલ હું થોડીવાર ઘરે જઈ આવું? મમ્મી રાહ જોતા હશે."

" તું જઈ શકે આલય હું તને બાંધીશ નહીં." આલય જાય છે. મૌસમ મનમાં જ બોલે છે ,"મારે તને મુક્ત કરી દેવો છે આલય, મારી સઘળી જવાબદારીઓમાંથી અને મારા આવનારા દુઃખોમાંથી."

આલયના ગયા પછી તે તરત જ વકીલને ફોન લગાડે છે, હા, અંકલ તમે કાલે શું કહેતા હતા?, અતુલ અંકલ કાલ સવારની ફ્લાઈટમાં આવે છે, મારી એવી ઈચ્છા છે તે જ્યારે તમે વીલ વાંચો ત્યારે આપણે કંપનીના સીઈઓ પણ હાજર રહે."

મૌસમ વકીલ સાથે કાલની મિટિંગ ફિક્સ કરે છે અને ગઈકાલ વકીલ સાથે થયેલી વાતચીત મનમાં ફરીથી યાદ કરે છે. મોસમ ને કાલે જ વકીલે વિલ વિશે જણાવી દીધું હતું પરંતુ તે આ અંગે આલય સાથે વાત કરવા માંગતી ન હતી. કારણ કે કેટીનું વિલ બંનેની દિશા અલગ અલગ કરી નાખવાની વેતરણમાં હતું.

શા માટે મોસમ પોતાના પ્રણયને વફાદાર રહેવા માંગતી હતી?

શું હશે કેટી નું વિલ?

જાણવા માટે વાંચતા રહો.... પ્રેમની ક્ષિતિજ...

(ક્રમશ)