પ્રાયશ્ચિત - 54 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રાયશ્ચિત - 54

પ્રાયશ્ચિત પ્રકરણ - 54

સવારે ૯:૩૫ સુધીમાં તો હોસ્પિટલમાં તમામ આમંત્રિત મહેમાનો આવી ગયા હતા. જે પણ લોકો ઉદ્ઘાટન સમયે આવ્યા એ બધા જ આ હોસ્પિટલ જોઈને ચકિત થઈ ગયા. આખા જામનગરમાં આવી સુંદર હાય ફાય હોસ્પિટલ એક પણ ન હતી.

કેતને પૈસા ખર્ચવામાં પાછું વળીને જોયું ન હતું. એની જિંદગીનું આ એક સપનું હતું. હોસ્પિટલ પણ એટલી બધી શણગારી હતી અને તબલાંની સાથે શરણાઈના સુર પણ એટલા તો મધુર હતા કે આવનાર સૌ મુગ્ધ થઈ ગયા.

કેતનને બધા માત્ર નામથી ઓળખતા હતા. પરંતુ આજે તમામ ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને મહેમાનો ઉત્સાહથી થનગનતા આ નવયુવાનને પહેલી જ વાર જોતા હતા. કેતન સાવલિયા ગ્રે સ્યુટ માં ખુબ જ આકર્ષક લાગતો હતો. અને આવડી મોટી આ હોસ્પિટલનો આ યુવાન માલિક છે એ વિચારીને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.

અસલમ શેખ પણ એમાં બાકાત ન હતો. હોસ્પિટલ જોઈને એ ખરેખર અંજાઈ ગયો હતો. એક અજાણ્યા ગામમાં આટલા ટૂંકા સમયમાં એણે પોતાનું નામ બનાવી દીધું હતું. એણે દિલથી કેતનને અભિનંદન આપ્યા. બંને મિત્રો ભેટી પડ્યા. બ્લુ શેરવાનીમાં અસલમ પણ સુંદર લાગતો હતો.

જાનકી એને ઓળખતી હતી અને તાજેતરની ઘટનાથી એ વાકેફ હતી એટલે એણે બાજુમાં જઈને અસલમનો દિલથી આભાર માન્યો.

આશિષ અંકલે દિલથી કેતનને આશીર્વાદ આપ્યા અને હોસ્પિટલની પણ ખુબ જ પ્રશંસા કરી. એમણે જગદીશભાઈની બાજુમાં બેઠક લીધી.

જામનગરના કલેકટર સાતા સાહેબે પણ હોસ્પીટલની ખુબ જ પ્રશંસા કરી અને કેતનને અભિનંદન પણ આપ્યા.

" સોરી સાહેબ મેં ૩૦૦ બેડની હોસ્પિટલ માટે તમને થોડી તકલીફ આપેલી પરંતુ આવડી મોટી હોસ્પિટલ બનાવવા માટે જાત જાતનાં લાયસન્સો લેવાની જે માયાજાળ હતી એના કારણે જ મેં વિચાર માંડી વાળ્યો. દરેક સાહેબોની ખુશામત કરવાનું મારા લોહીમાં નથી. "

" એમાં તમારે દિલગીર થવાની કોઈ જરૂર નથી કેતનભાઇ. લાયસન્સરાજ ની આ એક સિસ્ટમ છે અને જેને ફાવે એને જ ફાવે. આશિષભાઈએ મને બધી વાત કરેલી. " સાતા સાહેબ બોલ્યા.

પ્રતાપભાઈ પણ આજે હોસ્પિટલ જોઈને ચક્કર ખાઈ ગયા. એમને કલ્પના પણ ન હતી કે હોસ્પિટલ આટલી બધી સુંદર બનશે. હોસ્પિટલમાં ગ્રેનાઇટનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. અંદરની ડિઝાઇન પણ દોશી સાહેબે અદભુત બનાવી હતી. એમણે અને વેદિકાએ કેતનને અભિનંદન આપ્યાં. છેલ્લે નીતા મિસ્ત્રીએ પણ કેતન પાસે જઈને અભિનંદન આપ્યા.

લખા અને રણમલે આ સમારંભમાં અસલમ શેખની હાજરી જોઈ. કેતન અને અસલમ બંને ભેટી પડ્યા એ દ્રશ્ય પણ જોયું ત્યારે એમને સમજાઈ ગયું કે રાકેશે કેતન સાહેબને ઓળખવામાં કેટલી મોટી ભૂલ કરી હતી !! આપણે એમાં સામેલ હતા તો પણ એમણે માફ કરી દીધા એટલું જ નહીં આટલી સરસ હોસ્પિટલમાં નોકરી પણ આપી. આ માણસનું દિલ કેટલી ઊંચાઇ ઉપર છે !!

તમામ મહેમાનો આવી ગયા હતા અને હોસ્પિટલમાં લગાવેલી મોટી ઘડિયાળમાં કાંટા ૯:૪૫ નો ટાઈમ બતાવતા હતા એટલે કેતન ઊભો થયો. શાસ્ત્રીજીને ઈશારો કર્યો એટલે એ પણ દીપ પ્રાગટ્ય માટે કેતનની પાસે પહોંચી ગયા.

એમણે કેતનના પરિવારને દીપ પાસે બોલાવી લીધો. કેતન જગદીશભાઈ સિદ્ધાર્થ જયાબેન જાનકી દીપની ફરતે ગોઠવાઈ ગયાં. રેવતી અને શિવાની બાજુમાં ઊભા રહ્યાં. કુલ પાંચ દીવા પ્રગટાવવાના હતા.

શાસ્ત્રીજીની સુચના મુજબ કેતન એક દીપક પ્રગટાવે એ પછી જગદીશભાઈ જયાબેન સિદ્ધાર્થ અને જાનકીએ બીજા દીપક ક્રમમાં પ્રગટાવવાના હતા.

શાસ્ત્રીજીએ મીણબત્તી પ્રગટાવીને કેતન ના હાથમાં આપી અને એક દીપક પ્રગટાવવાનું કહ્યું. તમામ આમંત્રિત ડોક્ટરો અને મહેમાનો પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા. શરણાઈ વાદન બંધ થયું.

શાસ્ત્રીજીએ વેદોક્ત મંત્રોચ્ચાર ચાલુ કર્યા.

आ नो भद्रा क्रतवो यंतु......
स्वस्ति नः इंद्रो वृद्धश्रवा: .....
भद्रं करणेभिः श्रुणुयाम ...

તમામ પાંચ સભ્યોએ દીપ પ્રાગટ્ય કર્યું ત્યારે શાસ્ત્રીજી હાથમાં રહેલા ચોખા યજમાનો ઉપર આશીર્વાદ રૂપે વરસાવી રહ્યા હતા !

જયેશ ઝવેરીએ રોકેલા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરની સાથે સાથે ન્યૂઝ ચેનલવાળાએ પણ સુંદર રીતે ઉદ્ઘાટનનું કવરેજ કર્યું. આ એક યાદગાર પ્રસંગ હતો.

તમામ ડોક્ટરો નર્સો અને આમંત્રિત મહેમાનોએ તાળીઓથી દીપ પ્રાગટ્યને વધાવી લીધું. સહુ પોતપોતાની જગ્યાએ બેસી ગયા.

કાજલ ગણાત્રા ઊભી થઈ અને માઇક પાસે જઈને એનાઉન્સમેન્ટ કર્યું.

" કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ આપ સહુ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરે છે. આપ સહુએ અમારા આમંત્રણને માન આપીને આ પ્રસંગને શોભાવ્યો એ બદલ અમે સૌ આપના આભારી છીએ.

હવે કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાન મેનેજિંગ ટ્રસ્ટી અને આ હોસ્પિટલના માલિક શ્રી કેતન સાવલિયા આપ સૌને સંબોધન કરશે. એ પછી આપણા સૌથી સિનિયર ડોક્ટર શાહ સાહેબ બે શબ્દો કહેશે. "

કેતન ઊભો થયો. એની પર્સનાલીટી આજે ખૂબ જ નીખરી હતી અને એ ખૂબ જ સોહામણો લાગતો હતો. ફોટોગ્રાફર વીડિયોગ્રાફર અને ન્યૂઝ ચેનલવાળા એ પોતાની પોઝિશન લઈ લીધી.

" આમંત્રિત મહેમાનો, મારા સૌ વડીલો, લોકોને નવી જિંદગી આપનારા આદરણીય ડોક્ટરો, માનનીય આશિષ અંકલ તેમજ આ પ્રસંગ આટલો સુંદર બન્યો છે એના માટે જવાબદાર મારો મહેનતુ સ્ટાફ ..... આપ સૌનું આજે હું હૃદય પૂર્વક અભિવાદન કરું છું. "

" સુરત મારું વતન છે પપ્પા ડાયમંડના બિઝનેસમાં છે. ગર્ભશ્રીમંત છું અને ખાધેપીધે સુખી છું. નાની ઉંમરમાં જસેવાની લગની લાગી છે. ઈશ્વરની કોઈ અકળ ઇચ્છાથી જામનગરને કર્મભૂમી બનાવી છે. બંને સરકારી હોસ્પિટલમાં મફત ટિફિન સેવાથી શરૂઆત કરી છે. "

"પરંતુ ગરીબ દર્દીઓની સેવા એ મારો મુખ્ય હેતુ છે. લાલપુર રોડ ઉપર ૩૦૦ બેડની હોસ્પિટલ બનાવવાનું વિચાર્યું હતું પરંતુ તે માટે લેવાં પડતાં ૭૦ થી ૮૦ લાયસન્સોનું લીસ્ટ જોઈને જ ચક્કર આવી ગયા." (તમામ શ્રોતાઓ હસી પડ્યા )

" ઈશ્વરની ઈચ્છા કંઈક જુદી જ હશે તો અચાનક આ હોસ્પિટલ ખરીદી લેવાની મને તક મળી ગઈ. દેખાવ ભલે કોર્પોરેટ હોસ્પિટલ જેવો હોય પણ જામનગર શહેર અને જિલ્લાના તમામ ગરીબ લોકો માટે આ હોસ્પિટલ હંમેશા ખુલ્લી રહેશે." ( શ્રોતાઓની તાળીઓ )

" તમામ લેટેસ્ટ મશીનો સાધનો અને ઉપકરણો આપણે આ હોસ્પિટલમાં વસાવી દીધાં છે. દાખલ થયેલા દરદીએ ક્યાંય પણ બહાર જવું નહીં પડે. ચુનંદા ડોક્ટરોની પસંદગી આપણે કરી છે. મારું એક જ સપનું છે કે અહીં આવેલા તમામ દર્દીઓ હસતા હસતા ઘરે જાય. ગરીબ દર્દીઓને અહીં પ્રથમ પસંદગી આપવામાં આવશે. "

" હોસ્પિટલની જગ્યા મર્યાદિત હોવાથી કેન્સર ઓફથેલમોલોજી અને ડેન્ટલ વિભાગ આપણે બાકાત રાખ્યો છે. ૧૩મી નવેમ્બરથી આપણી આ હોસ્પિટલમાં ઓપીડી વિભાગ ચાલુ થઇ જશે અને દર્દીઓને એડમિશન પણ અપાશે."

" મારી તમામ ડોક્ટરોને અને નર્સોને બે હાથ જોડીને વિનંતી છે કે પોતાની પર્સનલ હોસ્પિટલ સમજીને તમે દર્દીઓની સેવા કરો. ઈશ્વરે તમને એક મોકો આપ્યો છે તો દરેક દર્દીમાં વ્યક્તિગત રસ લઈને એમને હસતા કરી દો. તમારી આ હોસ્પિટલમાં કોઈ પણ ફરિયાદ હોય ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો. બસ આનાથી વધારે મારે કંઈ જ કહેવાનું નથી."

" માનનીય શાહ સાહેબનું સંબોધન પૂરું થાય એટલે ગોળ ધાણા અને આઈસ્ક્રીમ લઈને જ બધાએ જવાનું છે. "

તમામ ડોક્ટરો નર્સો અને આમંત્રિત મહેમાનોએ કેતનના વક્તવ્યને તાળીઓથી વધાવી લીધું.

એ પછી ઓર્થોપેડિક સર્જન શાહ સાહેબ ઉભા થયા.

" આપણા આ હોસ્પિટલના માલિક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કેતનભાઈ સાહેબે ઘણું બધું કહી દીધું છે. હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ તરીકે મારી આપ સૌને એટલી જ વિનંતી છે કે ૧૩ તારીખ થી તમામ ડોક્ટર મિત્રો અને સ્ટાફ સવારે ૯ વાગ્યાથી જ હાજર થઈ જાય. એ દિવસે જ તમામને ડ્યુટીની વહેચણી કરવામાં આવશે. હોસ્પિટલ ચોવીસ કલાક ચાલુ રહેશે. "

" ત્રણ રેસિડેન્ટ ડોક્ટરો આપણે નીમ્યા છે. ઈમરજન્સી સેવા પણ મળશે. શ્રી કેતનભાઈ સાહેબનું સપનું આપણે પૂરું કરીએ અને આ હોસ્પિટલનું નામ આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામે એવો પ્રયત્ન આપણે સહુ સાથે મળીને કરીએ. તમામ મહેમાનોનો હું આભાર માનું છું. "

" તમામ નર્સિંગ સ્ટાફ વોર્ડબોયઝ હેલ્પરો, સિક્યોરિટીઝ અને સ્વિપર સ્ટાફને વિનંતી કે ફંકશન પતે પછી આપણે અહીં એક મીટિંગ રાખી છે જેમાં હાજર રહેવું. આપણે ડ્યૂટીની વહેચણી કરવાની છે. " કહીને શાહ સાહેબ પોતાની બેઠક ઉપર બેસી ગયા.

અગાઉથી નક્કી કરેલા પ્રોગ્રામ પ્રમાણે જ સ્ટાફના ત્રણેય છોકરાઓએ ગોળ ધાણા ની પ્લેટો લઈને શુકનના ગોળ ધાણા મહેમાનોને વહેંચવાનું ચાલુ કર્યું. એ પછી આઇસક્રીમના કાઉન્ટર ઉપરથી રાજેશ વિવેક પ્રશાંત અને કાજલે આઈસ્ક્રીમના પેપર બાઉલ સર્વ કરવાના ચાલુ કરી દીધા.

તમામ ડૉક્ટરોએ ઊભા થઇને એક પછી એક આવીને કેતન જોડે હાથ મિલાવ્યા. તમામ નર્સો પણ લાઈનમાં ઉભી રહી અને એક પછી એક આવીને કેતનને નમસ્કાર કરી ગઈ. આઈસક્રીમ પછી પણ અભિવાદનનો આ કાર્યક્રમ અડધો કલાક ચાલ્યો.

આશિષ અંકલે કેતનના વક્તવ્યના ખુબ જ વખાણ કર્યા. " કોઈ દૈવી શક્તિ જ તારી પાસે આ બધું કરાવી રહી છે કેતન. જામનગરમાં આવીને છ સાત મહિનાના આટલા ટૂંકા સમયમાં આટલી સરસ હોસ્પીટલ બનાવવી એ ઈશ્વર કૃપા સિવાય શક્ય જ નથી. "

" હા આશિષ તારી વાત એકદમ સાચી છે. હોસ્પિટલ જોઈને હું પોતે પણ માની ના શક્યો કે આ કેતનની હોસ્પિટલ છે !!" જગદીશભાઈ બોલ્યા.

" કેતન તેં વેદિકા અને જયદેવ માટે થઈને આયુર્વેદ ચિકિત્સાલયનો જે વિચાર કર્યો એ બદલ હું તારો દિલથી આભાર માનું છું. વેદિકાએ મને બધી જ વાત કરી છે. " પ્રતાપભાઈ કેતન પાસે જઈને બોલ્યા.

" અંકલ હું પોતે આયુર્વેદને બહુ જ માનું છું. આટલી મોટી મેડિકલ હોસ્પિટલ માટે હું જો વિચારતો હોઉં તો આયુર્વેદને કેવી રીતે ભૂલી શકું ? હું તો હોમિયોપથી માટે પણ આયોજન કરી શકું પરંતુ લોકોમાં હોમિયોપથી વિશે હજુ એટલી જાગૃતિ નથી આવી. " કેતન બોલ્યો.

" ખરેખર તારા વિચારો ઘણા જ ઉમદા છે. મારે લાયક કોઈપણ કામકાજ હોય તો અડધી રાત્રે મને ફોન કરજે. " પ્રતાપ અંકલ બોલ્યા.

" જી અંકલ. થોડા દિવસોમાં જ હવે હું એરપોર્ટ રોડ ઉપર મારા નવા બંગલામાં શિફ્ટ થઈ જઈશ. ત્યાં પણ નવચંડી કરાવવાનો વિચાર છે. " કેતન બોલ્યો.

" હા..હા... ચોક્કસ. વાસ્તુનો હવન કરાવવો જ જોઈએ. બધી વ્યવસ્થા થઈ જશે. જ્યારે નક્કી કરે ત્યારે મને કહેજે." પ્રતાપ અંકલ બોલ્યા.

ઉદ્ઘાટન સમારંભ પૂરો થયો એટલે તમામ આમંત્રિત મહેમાનો અને ડોક્ટરોને ત્રણ માળની આખી હોસ્પીટલ જોવાની કેતને બધાને વિનંતી કરી.

દરેક વિભાગો લેટેસ્ટ બનાવ્યા હતા. તમામ મશીનો અને સાધનો પણ નવાં અને લેટેસ્ટ હતાં. તમામ બેડ પણ નવા હતા. દરેક વોર્ડ એરકન્ડિશન્ડ બનાવ્યો હતો. સાથે સાથે પંખાની વ્યવસ્થા પણ કરી હતી. પેથોલોજી લેબોરેટરી પણ એકદમ લેટેસ્ટ હતી. દરેક માળ ઉપર લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ પણ સરસ બનાવ્યા હતા.

ચોથા માળે કલેકટર અને પોલીસની પરમિશન લઇને અડધા ભાગમાં શેડ બનાવ્યો હતો અને ત્યાં આખું કિચન બનાવ્યું હતું જેથી દર્દીઓ માટે ચા દૂધ કૉફી અને સુપાચ્ય ભોજનની વ્યવસ્થા થઈ શકે. એના માટે એક સારો રસોઈયો અને બે છોકરાઓ પણ તૈયાર કરી દીધા હતા.

આખી હોસ્પિટલનું ચક્કર મારીને તમામ મહેમાનો ખુશ થઈ ગયા અને આટલી સુંદર હોસ્પિટલ બનાવવા માટે બધા આમંત્રિતોએ આર્કિટેક્ટ કમ ઇન્ટિરિયર ડિઝાઇનર દોશી સાહેબને અભિનંદન આપ્યા.

" ખરેખર તો આ અભિનંદનના સાચા અધિકારી કેતન સાહેબ પોતે જ છે. આ હોસ્પિટલમાં મારું પોતાનું વિઝન ચોક્કસ છે પરંતુ કેતનભાઇએ કોઈપણ જાતની કચાશ નહીં રાખવાનું અને ક્યાંય પણ કોઈ સમાધાન નહીં કરવાનું મને સૂચન કરેલું અને બ્લેન્ક ચેક આપેલા." દોશી સાહેબ બોલ્યા.

એક પછી એક મહેમાનો અને ડોક્ટરો ફરી કેતનને અભિનંદન આપી વિદાય થવા લાગ્યા. છેલ્લે કેતનનો પરિવાર શાહ સાહેબ જયેશ અને એનો સ્ટાફ, મનસુખ અને હોસ્પિટલનો નવો ભરતી કરેલો તમામ સ્ટાફ હોસ્પિટલમાં જ રોકાયા.

૨૦ નર્સો, ,૧૫ વોર્ડબોય, ૧૦ હેલ્પરો, પુરુષ અને સ્ત્રી મળીને ૭ સ્વીપરો અને ૬ સિક્યુરિટી સ્ટાફ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. આ તમામને શાહ સાહેબે એક સાઇડ માં ભેગા કર્યા.

" જુઓ ૧૩ તારીખે આપણી હોસ્પિટલ ફુલટાઈમ ચાલુ થઈ જાય છે. સ્ટાફને આપણે ૩ શિફ્ટમાં વહેંચી દેવો પડશે.
સવારે ૮ થી સાંજના ૪ નું (એ) ગ્રુપ, બપોરે ૧૨ થી રાત્રિના ૮ નું (બી) ગ્રુપ અને રાત્રિના ૮ થી સવારના ૮ નું (સી) ગ્રુપ. રેસિડેન્ટ ડોક્ટરો પણ આ ત્રણ ગ્રુપમાં વહેંચાઈ જશે. "

" રાતપાળી વાળા સી ગ્રુપને ૧૨ કલાકની ડ્યુટી આવશે. જો કે સી ગ્રુપ સ્ટાફને રાત્રે ૧ થી ૫ કામનું ભારણ ઘણું ઓછું રહેશે. છતાં જાગતા રહીને ડ્યુટી તો બજાવવી જ પડશે. " શાહ સાહેબ બોલ્યા.

" પગાર તમામ નર્સિંગ સ્ટાફનો ૪૦૦૦૦ એક સરખો જ રહેશે. વોર્ડ બોયઝ, હેલ્પરો, સ્વીપર સ્ટાફ અને સિક્યોરિટીઝ ની ડ્યુટી પણ એ જ પ્રમાણે ત્રણ ગ્રુપમાં રહેશે. તમે લોકો અંદર અંદર વિચારી લો અને પછી રિસેપ્શન કાઉન્ટર ઉપર જે રજીસ્ટર પડ્યું છે એમાં તમારું નામ અને તમે કયા ગ્રુપમાં કામ કરવા માંગો છો એ ગ્રુપ લખી દો."

" ૧૨ તારીખે બપોરે ૧૨ વાગે ફરી બધાંએ અહીંયા હાજર રહેવાનું છે. તે દિવસે દરેકની ડ્યુટી ફાઇનલ કરવામાં આવશે અને યુનિફોર્મ પણ આપવામાં આવશે. આ સિવાય કોઈના મનમાં કોઈ સવાલ હોય તો પણ મને પૂછી શકો છો"
શાહ સાહેબ બોલ્યા

પરંતુ કોઈને કોઈ સવાલ પૂછવા જેવો હતો જ નહીં. ખૂબ જ સુંદર રીતે આયોજન થયું હતું. પગાર પણ ખૂબ જ સારો મળતો હતો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

રેટ કરો અને રિવ્યુ આપો

Dr. Pruthvi Gohel

Dr. Pruthvi Gohel માતૃભારતી ચકાસાયેલ 2 અઠવાડિયા પહેલા

Patel Vijay

Patel Vijay 4 અઠવાડિયા પહેલા

Hemal Desai

Hemal Desai 1 માસ પહેલા

MAYURI PATEL

MAYURI PATEL 3 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 3 માસ પહેલા