પ્રાયશ્ચિત - 51 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાયશ્ચિત - 51

પ્રાયશ્ચિત પ્રકરણ 51

સમયને પસાર થતાં વાર નથી લાગતી દિવસો ઉપર દિવસો અને પછી મહિના પણ પસાર થઈ જતા હોય છે. દિવાળી ક્યારે આવી ગઈ એ ખબર પણ ના પડી.

કેતનનો બંગલો એકદમ તૈયાર થઈ ગયો હતો. રોયલ ફર્નિચરવાળા મારવાડી મિસ્ત્રીનું ફર્નિચરનું કામ પણ તડામાર ચાલી રહ્યું હતું. મોડી રાત સુધી કારીગરો કામ કરતા હતા. ૧૫ દિવસ પછી સંપૂર્ણ ફર્નિચર બની જવાનું હતું.

કેતને ત્યાંના એક માળીને પણ બંગલા આગળ મેંદીની વાડ બનાવી સુંદર ગાર્ડન તૈયાર કરી દેવાનું કહી દીધું હતું. ગાર્ડનમાં મુકવા માટે એક હીંચકાનો ઓર્ડર પણ જયેશભાઈ દ્વારા આપી દીધો હતો.

આયુર્વેદ ચિકિત્સાલય માટેની ૧૫૦૦૦ ચોરસ ફૂટની ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા ૩ કરોડ ૬૦ લાખમાં ખરીદી લીધી હતી. જયદીપ સોલંકીએ કેતનના આર્કિટેક્ટ દોશીસાહેબને આયુર્વેદ ચિકિત્સાલયની જગ્યા બતાવી દીધી હતી અને કેવી રીતે ડિઝાઈન બનાવવી એ પણ સમજાવી દીધું હતું.

એન્ટ્રીમાં જ એક વિશાળ હોલ ઓ.પી.ડી માટે બનાવવાનો હતો. જેમાં પૂછપરછ માટે એક રિસેપ્શન કાઉન્ટર બનાવવાનું હતું. ઓપીડીના અને એડમિટ કરવાના કેસ કાઢવા માટેની વિંડોવાળી ચેમ્બર પણ બાજુમાં બનાવવાની હતી.

એ પછી ૩ ચેમ્બરો અલગ-અલગ વૈદ્યો માટે હતી. બાકીની ખુલ્લી જગ્યા દર્દીઓને બેસવા માટે હતી. બાજુની ઓફીસ દવાઓ લેવા માટેની હતી જ્યાંથી દર્દીઓ પોતાને લખેલી દવાઓ લઇ શકે. કેતનની સૂચના મુજબ દવાઓ ફ્રી આપવાની હતી.

એ પછીની ઓફિસ મોટો સ્ટોરરૂમ હતો. જ્યાં દવાઓનો સ્ટોક ગોઠવી શકાય. એના પછી પંચકર્મ વિભાગ બનાવવાનો હતો. પંચકર્મ વિભાગ માટે કેટલાંક સાધનો પણ વસાવવાનાં હતાં. એના પછી બે મોટી ઓફિસો પુરુષ વોર્ડની અને સ્ત્રી વોર્ડની બનાવવાની હતી જેમાં પાંચ પાંચ બેડની વ્યવસ્થા રાખવાની હતી.

જયદેવે દોશીસાહેબને આ બધી સમજ આપી હતી. જેથી એ પ્રમાણે ૧૫૦૦૦ ચોરસ ફુટની જગ્યાનું વ્યવસ્થિત પ્લાનિંગ અગાઉથી કરી શકાય અને એ પ્રમાણે દીવાલો બનાવી શકાય. જો કે આયુર્વેદ ચિકિત્સાલય તૈયાર થવામાં હજુ બીજા ત્રણચાર મહિના લાગે તેમ હતા.

કેતનની જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ એકદમ તૈયાર થઈ ગઈ હતી. ઓ.પી.ડી માટે તમામ ચેમ્બરો બની ગઈ હતી. બે ચેમ્બરો વચ્ચે નોન ટ્રાન્સપરન્ટ ગ્લાસનું પાર્ટીશન ફીટ કરવામાં આવ્યું હતું. દરેક ડોક્ટર માટે રીવોલ્વીંગ ચેર ટેબલ બીપી ઇન્સ્ટ્રુમેન્ટ અને વજન કાંટો મૂકવામાં આવ્યા હતા.

પેશન્ટને તપાસવા માટે દરેક ચેમ્બરમાં અલગ બેડની વ્યવસ્થા પણ કરી હતી. દરેક ડોક્ટર માટે અલગ કોમ્પ્યુટર પણ આપવામાં આવ્યું હતું. દરેક ચેમ્બરો એરકન્ડિશન્ડ હતી.

હોલમાં પેશન્ટોને વેઇટિંગમાં બેસવા માટે વ્યવસ્થિત ખુરશીઓ પણ ગોઠવાઈ ગઈ હતી. તમામ માળ ઉપર લેટેસ્ટ ફર્નિચર પણ તૈયાર થઈ ગયું હતું. પેશન્ટો માટે દરેક વોર્ડમાં નવા બેડ આવી ગયા હતા. તમામ લેટેસ્ટ મશીનો ગોઠવાઈ ગયાં હતાં. ઇમેજિંગ સેન્ટર પણ એકદમ તૈયાર થઈ ગયું હતું.

અદ્યતન ઉપકરણોની પેથોલોજી લેબોરેટરી પણ એકદમ તૈયાર હતી. હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ પણ સેટ કરી દીધી હતી. મોટું વોટર કુલર પણ ગોઠવી દીધું હતું. ઓપરેશન થિયેટર પણ એકદમ અદ્યતન બનાવી દીધું હતું.

હોસ્પિટલ લાલ ગ્રેનાઇટ અને માર્બલથી એકદમ કોર્પોરેટ કક્ષાની બનાવી દીધી હતી. એર કન્ડિશન પ્લાન્ટ પણ નાખી દીધો હતો. કેતને હોસ્પિટલ બનાવવામાં ક્યાંય કોઈ કરકસર કરી ન હતી કે કોઈ કચાશ પણ રાખી ન હતી.

આ હોસ્પિટલને આટલી સુંદર બનાવવા માટે દોશીસાહેબનું વિઝન પણ એકદમ મોડર્ન હતું. શહેરની મોંઘામાં મોંઘી હોસ્પિટલ પણ આ હોસ્પિટલને તોલે ના આવે એવી સુંદર આ હોસ્પિટલ બની હતી. ત્રણેય માળનું ફર્નિચર બનાવવા માટે માવજીભાઈ મિસ્ત્રીની સાથે સાથે બીજા બે જાણીતા મિસ્ત્રીને પણ કામ સોંપવામાં આવ્યું હતું.

હોસ્પિટલ ચાલુ કરતાં પહેલાં ૩૦ પ્રકારનાં લાયસન્સ અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાં પડ્યાં હતાં. લાયસન્સ વગેરેની તમામ જવાબદારી કેતનના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નાણાવટી સાહેબે લીધી હતી. એમના સંપર્કો પણ ઊંચા હતા. કેટલીક મદદ શહેરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલે પણ કરી હતી.

ચાલુ હોસ્પિટલને રીનોવેટ કરી નામ બદલીને નવું સ્વરૂપ આપવા માટે જો આટલા બધા લાયસન્સ ફરીથી લેવા પડતાં હોય તો ૩૦૦ બેડની વિશાળ હોસ્પિટલ ઉભી કરવી કેતનના એકલા હાથે ક્યારેય પણ શક્ય ન હતું. એણે એ વિચાર છોડી દીધો એ ખૂબ જ સારો નિર્ણય હતો !!

કેતને હોસ્પિટલ માટે ૩ ફુલ ટાઈમ રેસિડેન્ટ ડોક્ટરો, ૨૦ નર્સો, ,૧૫ વોર્ડબોય, ૧૦ હેલ્પરો, પુરુષ અને સ્ત્રી મળીને ૭ સ્વીપરો અને ૬ સિક્યુરિટી સ્ટાફ માટે તમામ વર્તમાનપત્રોમાં છેલ્લા પાને જ મોટી જાહેરાત કરી હતી.

જમનાદાસ હોસ્પિટલની આ જાહેરાત આખા જામનગરમાં ચર્ચાનો વિષય બની હતી. જરૂરિયાત કરતાં લગભગ ચાર ગણી અરજીઓ આવી હતી . બીજી હોસ્પિટલમાં નોકરી કરતા કેટલાક સ્ટાફે પણ અરજીઓ કરી હતી.

સ્ટાફને પસંદ કરવા માટે ઇન્ટરવ્યુમાં કેતને ઓર્થોપેડિક સર્જન શાહ સાહેબના વડપણ હેઠળ ત્રણ બાહોશ ડોક્ટરોની પેનલ બનાવી હતી. જેમાં ન્યુરો ફિઝિશિયન સુધીર મુનશી અને ગાયનીક સર્જન ભાવેશ લાખાણી હતા. આ ત્રણે જણાએ ડાયેટિશિયન ફિઝિયોથેરાપિસ્ટ ફાર્માસિસ્ટ તેમજ સારામાં સારી નર્સો, સારા વોર્ડબોય, હેલ્પરો, સ્વીપરો તેમ જ સિક્યુરિટી સ્ટાફ વગેરેનું સિલેક્શન કરવાનું હતું.

આ બધા સ્ટાફની સાથે સાથે મશીનો ઓપરેટ કરવાવાળા અનુભવી ટેકનિશિયનો અને પેથોલોજી લેબોરેટરી માટે પણ અનુભવી સ્ટાફ લેવાનો હતો. નર્સો અને ટેકનિશિયનોની પસંદગીમાં બીજી હોસ્પિટલમાં સર્વિસ કરતા અનુભવી સ્ટાફ ને પ્રથમ પસંદગી આપવાની હતી.

લખાએ હેલ્પર તરીકે અને રણમલે સિક્યુરિટી તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ બંને જણાને લઈ લેવાની સૂચના પણ કેતને આપી દીધી હતી. દીપક રામકિશન તિવારીના ઇંગ્લિશ દારૂ ના ધંધામાં જ જોડાઇ ગયો હતો. રિસેપ્શનિસ્ટ તરીકે નીતા મિસ્ત્રીની પસંદગી પણ ફાઇનલ હતી.

૭ નવેમ્બર સુધીમાં તમામ સ્ટાફ ફાઇનલ કરી દેવાનું કેતને ડોક્ટર શાહ સાહેબને સૂચન આપ્યું હતું. ૭ નવેમ્બરે લાભપાંચમ હતી. દિવસ ઘણો ઉત્તમ હતો એટલે એ દિવસે ઔપચારિક ઉદ્ઘાટન કરવાનું હતું. અને હોસ્પિટલની ઓપીડી ૧૩ નવેમ્બરે ચાલુ કરી દેવાની હતી.

૧૩ નવેમ્બરે એકાદશી હતી અને મમ્મી જયાબેનની સૂચના હતી કે એકાદશીનો દિવસ પસંદ કરે તો વધારે સારું. તમામ સ્ટાફને ૧૩ તારીખે ડ્યુટી ઉપર હાજર થઈ જવાની સૂચના અપાઈ ગઈ હતી.

પોતાની હૉસ્પિટલ માટે સારામાં સારા ફિઝિશિયનો અને સર્જનોની નિમણૂક ઊંચા પગારની ઓફર કરીને કેતને પોતે જ કરી દીધી હતી. જૂના બે ડોક્ટરોને બાદ કરતાં બાકીના ડોક્ટરોને ચાલુ રાખ્યા હતા. એક સાઇકિયાટ્રિસ્ટ અને એક પ્લાસ્ટિક સર્જનની નવી ભરતી કરી હતી. ડેન્ટલ વિભાગનો હોસ્પિટલમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

ઇન્દિરા ગાંધી રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની પાસે કેતનની ઓફીસ નવા કોમ્પલેક્સમાં એકદમ તૈયાર થઈ ગઈ હતી. તમામ ફર્નિચર તમામ ચેમ્બરો બની ગઈ હતી. એ ઓફિસ પણ લાભ પાંચમે ચાલુ કરી દેવાનું કેતને નક્કી કરી દીધું હતું. હોસ્પિટલનું ઉદઘાટન કરીને કેતન નવી ઓફિસમાં પ્રવેશ કરવાનો હતો.

જયેશ ઝવેરીએ પણ પોતાના સ્ટાફને ઓફિસ ખોલીને બતાવી દીધી હતી અને કોણે ક્યાં બેસવાનું છે એ પણ નક્કી કરી દીધું હતું. દરેકના ટેબલ ઉપર કોમ્પ્યુટર પર લાગી ગયાં હતાં.

પ્રતાપભાઈની માવજીભાઈ પાસેથી મોટું કમિશન લેવાની ગણતરી ખોટી પડી હતી. કારણ કે તમામ ત્રણ જગ્યાએ માવજીભાઈ એકલા પહોંચી વળે એમ હતા નહીં. એટલે બંગલાનું કામ મારવાડી મિસ્ત્રીને આપવામાં આવ્યું હતું. અને હોસ્પિટલમાં પણ માત્ર એક જ માળનું કામ માવજીભાઈના ભાગે આવ્યું હતું. બીજા અને ત્રીજા માળે બીજા મિસ્ત્રીને કામ સોંપવામાં આવેલું. કારણ કે સમય ઓછો હતો.

જોકે માવજીભાઈનું જે પણ બિલ થયું તે તમામ કેતને પાસ કર્યું હતું અને કોઈપણ જાતની પૂછપરછ કે કાપકૂપ કરી નહોતી એટલે પ્રતાપભાઈ ને કોઈ ફરિયાદ નહોતી. ચાલો જે નસીબમાં હતું એટલું મળ્યું એમ વિચારી સંતોષ માન્યો.

દિવાળીના દિવસે જ બપોરની ફ્લાઈટમાં મુંબઈ અને ત્યાંથી સુરત જવાનો પ્લાન કેતને બનાવી દીધો હતો અને ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી.

સુરત જતાં પહેલાં કેતને ધનતેરસના દિવસે પોતાના સ્ટાફની એક વિશેષ મિટિંગ પોતાના ઘરે ગોઠવી હતી.

" આજે તમને બોલાવવા પાછળનો મારો હેતુ એટલો જ છે કે કાલથી પાંચ દિવસ માટે આપણું મીની દિવાળી વેકેશન રહેશે. લાભપાંચમના દિવસે તો બધા સ્ટાફે હાજર રહેવાનું જ છે. પરંતુ લાભપાંચમના ઉદઘાટન નિમિત્તે આગલા દિવસે જયેશભાઈની સાથે તમામ સ્ટાફની હાજરી પણ જોઈશે. "

"કારણ કે ઉદ્ઘાટન પહેલાં હોસ્પિટલની સાફસફાઈ ફુલહાર તોરણો અને ગોળ ધાણાની પણ વ્યવસ્થા કરવી પડશે. હોસ્પિટલને પણ સજાવવી પડશે. દિવાળી જેવું લાઇટિંગ પણ કરવું પડશે. તમને યોગ્ય લાગે તો બટેટા પૌઆ જેવી નાસ્તાની વ્યવસ્થા પણ ઉદ્ઘાટનના દિવસે તમે કરી શકો." કેતન બોલ્યો.

" એ દિવસે તમામ ડોક્ટરોની સાથે સાથે હોસ્પિટલનો તમામ નવો સ્ટાફ પણ હાજર રહેશે. પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અને સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટની સાથે કલેક્ટર સાતાસાહેબ અને આપણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નાણાવટી સાહેબ પણ હાજરી આપશે. આ કામ આપણા બધાનું છે એટલે ઉદ્ઘાટનના આ પ્રસંગને ખુબ જ સરસ રીતે આપણે ઉજવીએ એવી મારી ઈચ્છા છે. મારો પરિવાર પણ એ દિવસે હાજર રહેશે. "

" શેઠ તમે એની જરા પણ ચિંતા ના કરો. અમે બધા જ ખડે પગે રહીશું. તમામ તૈયારી અમે ત્રીજના દિવસથી જ ચાલુ કરી દઈશું. તમે અને તમારો પરિવાર માત્ર હાજરી આપજો. બાકીનું બધું અમારા ઉપર છોડી દો. " જયેશ ઝવેરી બોલ્યો.

" હા સર... જયેશ સર સાચું કહે છે. અમે બધાં જ બે દિવસ પહેલાંથી તૈયારી ચાલુ કરી દઈશું. " કાજલ બોલી

" ચાલો તમે બધા છો એટલે મને કોઈ ચિંતા નથી. તમારો પોતાનો જ પ્રસંગ છે એમ માનીને બે દિવસ બરાબર મહેનત કરજો. ઉદ્ઘાટન થઈ જાય પછી ઓફિસમાં બીજા પણ બે ત્રણ ક્લાર્ક ની ભરતી આપણે કરીશું. " કેતન બોલ્યો.

" શેઠ મારું બીજું પણ એક સજેશન હતું. આપણને મફત ટિફિન સેવા ચાલુ કર્યા પછી થોડોક કડવો અનુભવ થઈ ગયો છે. જો આપણી હોસ્પિટલ એકદમ મફત સેવાઓ ચાલુ કરી દેશે તો અહીંના લોકો છીંક આવશે તો પણ આ હોસ્પિટલમાં દોડશે. સરકારી હોસ્પિટલમાં ભરતી થયેલા પણ ડિસ્ચાર્જ લઈને અહીંયા ધસારો કરશે. " જયેશ ઝવેરી બોલ્યો.

" શેઠ આટલી લેટેસ્ટ હોસ્પિટલમાં મફત સેવાઓ આપવી એ મને યોગ્ય નથી લાગતું. તમારો ઇરાદો ઘણો જ ઉત્તમ છે શેઠ પણ ખૂબ જ અંધાધૂંધી ફેલાશે અને હોસ્પિટલ પણ નાની પડશે. 'મફત કા ચંદન ઘસ બે લાલિયા' જેવી હાલત થઇ જશે. લોકો હોસ્પિટલની કિંમત નહીં સમજે. સરકારી હોસ્પિટલ બની જશે. " જયેશે કેતનને સાચી સલાહ આપી.

" હા સર.. જયેશ સરની આ વાત પણ બહુ જ સાચી છે. મફત મળતું હોય તો ધનિકો પણ ગરીબ બની જતા હોય છે. મારી પડોશમાં એક ફેમિલી રહે છે એમના દીકરાનો પગાર મહિને બે લાખ રૂપિયા છે. છતાં રેશનીંગ કાર્ડ આજે પણ વાપરે છે અને લાઈનમાં ઉભા રહે છે." કાજલ ગણાત્રા બોલી.

કેતનને પણ એમ લાગ્યું કે વાત વિચારવા જેવી તો છે જ. આટલી સુંદર કોર્પોરેટ હોસ્પિટલ બનાવ્યા પછી ગમે તેવા માણસોનાં ધાડેધાડાં ઉભરાય એ યોગ્ય નથી. હોસ્પિટલની આખી વેલ્યુ ડાઉન થઈ જશે. ગરીબોની સેવા કરવી છે એનો મતલબ એવો પણ નથી કે સંપન્ન લોકો પણ આપણને મૂરખ બનાવી જાય.

" તમારી વાત સાચી છે જયેશભાઈ આપણે શું કરી શકીએ ? " કેતન બોલ્યો.

" આ હોસ્પિટલમાં મફત સારવાર થાય છે એવી કોઈ જ જાહેરાત કરવાની જરૂર નથી. કાયદેસર પ્રમાણિકપણે ડોક્ટરને બતાવવાની ફી લેવાની અને ઓપરેશન નો ચાર્જ પણ લેવાનો. ઓપરેશન માટે એડવાન્સ ડિપોઝિટ નહીં લેવાની. દાખલ થયેલા દર્દીના પરિવારની હાલત ઉપરથી અમુક અંદાજ તો આવી જતો જ હોય છે. " જયેશ બોલ્યો.

" સર એવું પણ થઈ શકે કે પબ્લિક રીલેશન ઓફિસર તરીકે આપણે કોઈ સ્માર્ટ યુવકને એપોઇન્ટમેન્ટ આપીએ જે હોસ્પિટલમાં બધાને ગાઈડ કરે તેમજ રોજ દર્દીઓની ખબર પૂછે. તેના કુટુંબીજનો સાથે પણ ભળીને અને સહાનુભૂતિ બતાવીને એના ઘરની હાલતની સાચી જાણકારી મેળવી શકે. આવી કોશિષ કરવાથી દર્દીની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આપણને આવી જશે. ખરેખર ગરીબ લાગે અને દેવું કરીને સારવાર કરાવતા હોય એવું જાણવા મળે તો એ લોકોને આપણે ફ્રી સારવાર આપવાની. આમ કરવાથી ઘણો ફરક પડી જશે શેઠ. " રાજેશ દવેએ પોતાનો અભિપ્રાય આપ્યો.

" સરસ આઈડિયા આપ્યો છે રાજેશ તેં. તારું જ સિલેક્શન પી.આર.ઓ તરીકે કરી દઈએ. " જયેશ ઝવેરીએ હસતાં હસતાં કહ્યું.

" જયેશભાઈની વાત ખોટી નથી રાજેશ. તને આટલો સરસ વિચાર આવ્યો તો તારાથી બીજો વધુ સારો પી.આર.ઓ અમને કોણ મળે ? તારી પર્સનાલિટી પણ સરસ છે. યુ આર પ્રમોટેડ. " કેતન બોલ્યો.

" કોન્ગ્રેચ્યુલેશન રાજેશ " બાકીના ત્રણ મિત્રો એક સાથે બોલી ઊઠ્યા. .
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)