Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-13

વાંરવાર યાદ આવતી સાન્વીને વેદાંશ જેમ જેમ ભૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમ તેમ સાન્વી તેને વધારે ને વધારે યાદ આવી રહી હતી. અને તેના જીવનમાં એક ખાલીપો વર્તાઇ રહ્યો હતો. તે સમય સાથે આગળ વધવા પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ તેનું મન તેને પાછો ભૂતકાળમાં લાવીને મૂકી દેતું હતું.


યાદો પણ કેટલી ખતરનાક હોય છે. માણસનો પીછો નથી છોડતી...!!

આપણે ક્રીશાની વાત કરીએ તો... ક્રીશા

ખૂબજ બોલકણી છોકરી છે. કોઈને ન બોલવું હોય તેની સાથે તો પણ બોલવું પડે, તેવું તેનું વર્તન હતું. શિસ્તબદ્ધ રીતે એક ગુજરાતી પટેલ ફેમીલીમાં તેનો ઉછેર થયો હતો એટલે તે સંસ્કારી પણ એટલી જ હતી. થોડા સમય પછી તેને એવું લાગ્યું કે, વેદાંશ સર ખૂબજ ઓછું, કામ પૂરતું જ બોલે છે અને તેને માટે શું કારણ છે તે તેને સમજાયું નહીં પરંતુ તે એકલા અને બધાથી અળગા રહેવાનો પ્રયત્ન કરે છે તે વાત ક્રીશાને ચોક્કસ સમજાઈ ગઈ હતી.


અહીં બેંગ્લોરમાં વરસાદ ગમે ત્યારે આવી જાય એટલે વેદાંશે સૌથી પહેલા તો પોતાને માટે એક કાર ખરીદી લીધી. આઇ-ટ્વેન્ટી ખરીદી ત્યારે તેણે ઓફિસમાં બધાને ખુશ થઇને આઇસ્ક્રીમ પાર્ટી પણ આપી અને ક્રીશાએ તો ત્યારે મજાક પણ કરેલી કે, " ખાલી આઇસ્ક્રીમથી નહિ ચાલે સર, કારમાં લોન્ગ ડ્રાઈવ કરાવવું પડશે. " અને ત્યારે વેદાંશ હસી પડ્યો હતો અને બોલ્યો હતો, " હા, ક્યારેક...!! " ક્રીશાને વેદાંશનો " ક્યારેક " એવો જવાબ ન હતો ગમ્યો પણ તે કંઇ બોલી શકી ન હતી. મનોમન તેને વેદાંશ ખૂબજ ગમતો હતો પણ વેદાંશને એવો કોઈ રસ ન હતો તે ચોક્કસ ક્રીશાને સમજાઈ ગયું હતું.


સામાન્ય રીતે છોકરાઓ, છોકરીઓ સાથે ફ્લર્ટીંગ કરવા મળે તો ચાન્સ છોડતા હોતા નથી. " આ કયા પ્રકારનો છોકરો છે...!! " ક્રીશા વિચારી રહી હતી.


એક દિવસ ઓફિસ મીટીંગ માટે વેદાંશને બહાર જવાનું થયું. પોતે કોઈ દિવસ બેંગ્લોરમાં ક્યાંય ગયો ન હતો એટલે તેને કંઇજ મળે નહિ, તે બસ ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ બીજે ક્યાંય જતો નહિ. કોઈ ઓળખીતું અહીંયા રહેતું પણ નહિ એટલે કોઈના ઘરે જવાનો પણ કોઈ પ્રશ્ન ન હતો.


તેને પોતાની સાથે કોઈપણ એક ઓફિસ કેન્ડીડેટને લઇને જવાનું હતું. એટલે તેણે ક્રીશાને લઇને જવાનું પસંદ કર્યું કારણ કે ક્રીશા ગુજરાતી હતી એટલે રસ્તામાં તેની સાથે તેને વાતચીત થઈ શકે અને પોતે કંટાળી પણ ન જાય.


તેણે ક્રીશાને પોતાની કેબિનમાં બોલાવીને પૂછી લીધું કે રીટર્ન થતાં થોડું લેઇટ થશે તો તેના ઘરે કોઈ પ્રોબ્લેમ તો નહિ થાય ને ?? અને આપણે વાઇડફીલ્ડ જવાનું છે તો તેણે તે જોયેલું તો છે ને ??


ક્રીશાએ હસીને જવાબ આપ્યો કે, " બેંગ્લોરમાં સર તમારે જ્યાં પણ જવું હશે હું તમને લઇ જઈશ, ઇવન સાઉથમાં પણ મેં ઘણુંબધું જોયેલું છે. તમે કહેશો ત્યાં લઇ જઇશ. "


અને બંને વાઇડફીલ્ડ જવા નીકળી ગયા. ક્રીશાને એટલું બધું બોલવા જોઇતું હતું એટલે તે ચૂપ રહી શકે તેમ ન હતી. કંઇકનું કંઇક બોલીને વેદાંશને હસાવી રહી હતી, વેદાંશ સાથે એવી તો ભળી ગઇ હતી કે જાણે વેદાંશને વર્ષોથી ઓળખતી હોય.


વેદાંશે પણ તેને વાત વાતમાં પૂછી લીધું કે ક્રીશા ક્યાં રહે છે અને તેનું ફેમીલી બેગ્રાઉન્ડ શું છે ??


ક્રીશા જણાવે છે કે, " હું જયનગરમાં વર્ષોથી મારા મમ્મી-પપ્પા સાથે રહું છું, અમારો પોતાનો જ ફ્લેટ છે.મારે એક બીજી મારાથી મોટી સીસ્ટર પણ છે. તેના વન મન્થ પછી મેરેજ છે. અમે નડીઆદના વતની છીએ. પપ્પા એન્જીનીયરીંગ ભણવા અહીં આવ્યા હતા અને પછી અહીં જ સારી જોબ મળી ગઇ એટલે અહીં બેંગ્લોરમાં જ સેટલ થઈ ગયા. અને સર તમે ક્યાંના છો..? "


અને વેદાંશ પોતાની શું વાત કરે છે વાંચો આગળના ભાગમાં....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


9/11/2021