ભાણાને માતાજી આગળ બેઠેલો જોઈ ગેલો એ તરફ ચાલ્યો .ભેંસોનું ખાડું લઈ ગેલો જંગલમાં ચરાવવા જાય એ પહેલા આઈ ખોડલને માથું નમાવીને જ જાય. એ તેનો રોજિંદો ક્રમ હતો. આઇ ખોડલ પાસે માંગવાનું પણ કંઈ ઝાઝું નહીં,બસ એટલું જ માંગે.
" હે.... માવડી મારા માલ ઢોર ને જંગલી જનાવરથી રખોપાં કરજે."
ગેલાનાં દેશી જોડાનાં ઠહર...ઠહર..અવાજ સાંભળી કનો ઊભો થઈ ગયો .
માતાજીનાં ઓટલે જઈ ગેલાએ કનાની આંખોમા જોયું તો ભોળીને મોટી મોટી આંખોમા ઝળઝળીયાં હતાં.ગેલો જોડા ઓટલા આગળ ઉતારી કના પાસે ગયો. તેણે કનાને પડખે લીધો,તેનાં વાંકડિયા વાળમાં આંગળા ફેરવવા લાગ્યો.ગેલો ભાવુક થઈ ગયો,કશું બોલી ના શક્યો.કનાની આંખોના ઝળઝળીયાં મોતી બની માતાજી આગળ ખરી પડ્યાં.
ઘડીભર બંને મૌન રહ્યાં. ગેલાએ સ્વસ્થ થઈ,ખોંખારો ખાઈને ગળે બાઝી ગયેલો ડૂમો દૂર કર્યો.મોઢે કૃત્રિમ સ્મિત લાવી,આંખના ખૂણા લૂછી બોલ્યો,
" એલા ભાણુભા, આજયે તો ભરકડામાં ઉઠી જ્યાં લાગો સો! ને ઊઠીને માતાજીને ઓટલે ય પોકી જ્યાં.ખરું કેવાય!"
કનો કશું બોલ્યો નહીં. ફક્ત હકારમાં માથું હલાવ્યું. કનો ગેલાની બહેનનો ભાણિયો હતો. ગેલાની બહેન આશલીનાં લગન કાઠીયાવાડનાં આજાવડ ગામે થયેલા હતા. આમ, તો નેહડાનાં લોકો દીકરીઓની લેવડદેવડનાં મામલામાં પોતાના વિસ્તાર બહાર વધારે વિશ્વાસ ના કરે. ગીરના ગામડામાંથી દીકરીઓ લાવે ને આજુબાજુના ગામડામાં ને નેહડામાં જ દિકરીયું આપે.એટલે અહીંની જીવનશૈલી અને રહેણીકરણી થી પરિચિત હોય.
આશલી પહેલેથી જ નસીબની ફૂટેલી હતી. તેના લગ્ન ૧૫ વર્ષની વયે ગીરની બાજૂનાં ગામડામાં થયેલા હતા. અહીં રિવાજ મુજબ આશલીને હજી બે વર્ષ પછી આણું મૂકવાની હતી. તેને આણું મૂકે તે પહેલાં જ તેનો ઘરવાળો એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. હવે આવી લગ્ન થઈ ગયેલી છોકરીને કોણ લઇ જાય? આટલા પંથકમાં તો આશલી સાથે કોઈ વિવાહ કરવાં તૈયાર થાય તેમ નહોતું.આમ ને આમ બે વર્ષ નીકળી ગયાં. સગાનાં સગા વચ્ચે પડી દોડા દોડી કરી ગીરથી બસો કિલોમીટર દૂર કાઠિયાવાડમાં આશલીનું ઘરઘરણું કરાવ્યું .
નસીબની ફૂટેલી આશલીને બીજા લગ્ન પછીએકાદ વર્ષ તો બધું બરાબર ચાલ્યું. પરંતુ પછી તેનો ઘરવાળો સાજણ તેનો અસલ રંગ બતાવવા લાગ્યો. કઈ ધંધો કરે નહીં ને આખો દાડો રખડ્યા કરે. રાતે આશલીને મારકૂટ કરે .બિચારી દુઃખની મારી ગમે તેમ પડી રહેતી. સમય જતાં તેણે એક કાનુડા જેવા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ કનો રાખ્યું. કનો વાને ધોળિયો, વાળ વાંકડિયા, ભોળી ભોળી લાંબી પાંપણો વાળી મોટી આંખો. આશલીને હવે કનાને સહારે જિંદગી જીવવા જેવી લાગી. નહીંતર તેના ઘરવાળાથી કંટાળીને તેણે એક વાર કેરોસીન પણ છાંટયું હતું. હવે તે પોતાનાં પુત્રને મોટો કરતી જાય ને ભવિષ્યનાં સપનાં જોતી જાય.
આશલીનાં સાસુ સસરા ખૂબ ભલા માણસો હતા. તે આશલીને ખૂબ સાચવતા હતા.તે ત્રણેય આખો દિવસ ગાયો, ભેસોનાં વાસિદા,નીરણ પાણી,દોવાનુ કામ કર્યા કરતાં.દૂધ સવાર સાંજ ડેરીમાં ભરી દેતાં તેમાંથી જે પૈસા આવતા એનાથી ઘરનું ગુજરાન ચલાવતાં. પણ પેલો આટાલાલ સુધરવાનું નામ નહોતો લેતો.
અહીંથી કંટાળે ત્યારે આશલી, કનાને લઈ પાંચ દાડા પોતાના પિયર ગીર હિરણીયા નેસ રોકાઈ જાતી. અહીં પોતાના મા-બાપ અને ભાઈ પાસે આંસુડા પાડી હળવી થતી. તેઓ "કાલ ભાણિયો મોટો થઈ તારા દી' વાળશે"એવું સાંત્વન આપી આશલીને ફરી સાસરે જવાં સમજાવી દેતાં.
આમને આમ એક દાયકો હાલ્યો ગ્યો. કનો કનૈયા કુંવર જેવો થઈ ગયો. પણ સાજણ તો રોજ ને રોજ બગડવા લાગ્યો. હવે તો તે દારૂ પણ પીવા લાગ્યો. આશલી પર થતા અત્યાચારમાં હવે તેના સાસુ-સસરા વચ્ચે પડે તો આ રાક્ષસ તેને પણ લમધારતો. કનો છાનોમાનો એક ખૂણામાં લપાઈને બેસી રહેતો અને આ બધું જોઈ રડ્યા કરતો.
એ ગોઝારા દિવસે, સાંજના પાંચેક વાગ્યા હશે. હજી ગેલો માલ ચારીને આવ્યો નહોતો. ગીરનાં ધૂળિયા રસ્તે ડમરી ઉડાડતી એક સફેદ મોટર આવી રહી હતી. મોટર હિરણીયા નેસમાં ગેલાનાં આંગણે આવીને ઉભી રહી. સામેથી જંગલની કેડી પર ભેંસો ખાણની ને પાડરુની લાલચે ધૂળ ઉડાડતી દોડતી આવી રહી હતી. ધૂળની ડમરીની વચ્ચે ગેલો ખભે ડાંગ લઈ ધીમી ચાલે આવી રહ્યો હતો.
પાંચ હાથ પૂરો અને મજબૂત બાંધો.મેલું થઈ ગયેલું લાંબી સાળનું પેરણ ને જોળા વાળો ચોરણો પહેર્યો છે.માથે ભૂરી લૂંગીનો ફેટો બાંધ્યો છે.આખો દિવસ માલની પાછળ રજળપાટ કરીને અને માલ દોય દોયને જીમમાં જતાં બોડી બિલ્ડર જેવું કસાયેલું શરીર છે. અણિયાળુ નાક ને થોડી વધી ગયેલી દાઢી ગેલાની મર્દાનગીમાં વધારો કરે છે.વજનદાર જોડાને લીધે ગેલાની ચાલ લચકદાર થઈ ગઈ છે. ગેલો નેહડે આવી પહોંચ્યો.નેહડા આગળ ઉભેલી મોટર જોઈ ગેલાનાં મનમાં ફાળ પડી....
( મોટર કોની હશે? અહી નેહડે કેમ આવી હશે? એ બધું જાણવા વાચતા રહો "નેહડો (The heart of Gir) " નો હવે પછીનો ભાગ.)
લેખક: અશોકસિંહ એ. ટાંક
મો. નં.૯૪૨૮૮૧૦૬૨૧
(આપના અભિપ્રાય અને સ્ટાર રેટિંગ આપવાં વિનંતી.)