Prayshchit - 46 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 46

પ્રાયશ્ચિત પ્રકરણ 46

" બોલ હવે તને ગુજરાતી થાળી ફાવશે કે પંજાબી ? ઘરના ખાણામાં તને મજા નહીં આવે એટલે આપણે બહાર જ જઈએ છીએ. નોનવેજ ખાતો હોય તો એ પ્રમાણે લઈ જાઉં. અમેરિકા રહ્યો છે એટલે પૂછું છું. " અસલમ બોલ્યો. બપોરનો એક વાગી ગયો હતો.

" નહીં દોસ્ત ભલે અમેરીકામાં રહ્યો હોઉં પણ ચુસ્ત શાકાહારી છું. પીવાની પણ ટેવ નથી. મારા પપ્પા સ્વામિનારાયણને બહુ જ માને છે. પપ્પાની ચેમ્બરમાં પણ પ્રમુખસ્વામીની મોટી તસવીર એમની પાછળ લગાવેલી છે. જો કે હજુ અમારા ઘરમાં ડુંગળી લસણ ખવાય છે. " કેતન બોલ્યો.

" તું શાકાહારી છે એ મને ખબર છે એટલે જ પૂછું છું. આજે શું જમવું છે ? "

" કોઈ સારા ગુજરાતી ડાઇનિંગ હોલમાં જ જઈએ. સુરતીઓને ગુજરાતી થાળીમાં વધારે રસ પડે. તને તો ખબર જ છે. " કેતન બોલ્યો.

" ઠીક છે તો પછી આપણે ગ્રાન્ડ ઠાકર માં જઈએ. અને હવે તું તારું બધું ટેન્શન છોડી દે. એનો નિકાલ આજે જ થઇ જશે. " અસલમ બોલ્યો.

" તને મળ્યો ત્યારથી જ મારું ટેન્શન તો દૂર થઈ જ ગયું છે. " કેતને હસીને કહ્યું.

" ઈમરાન ગાડી નિકાલ ઓર ગ્રાન્ડ ઠાકર લે લે. " અસલમે ઈમરાનને આદેશ આપ્યો અને બંને મિત્રો ઊભા થયા.

ઈમરાને ઓડી કાર બહાર કાઢી અને બંગલા આગળ ઊભી રાખી. અસલમ અને કેતને એમાં બેઠક લીધી. કેતને જોયું કે અસલમ જેવો ઘરમાંથી બહાર આવ્યો કે ત્યાંથી પસાર થતા બે-ત્રણ લોકોએ એને સલામ કરી અને સાઈડમાં ઊભા રહી ગયા. આ માણસે ખરેખર અહીં આવીને પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. કેતન વિચારી રહ્યો.

ગ્રાન્ડ ઠાકરમાં પણ અસલમનો દબદબો દેખાઈ આવ્યો. ત્યાંના સ્ટાફે એને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી. તે દિવસે આશિષ અંકલના કહેવાથી જામનગરની ગ્રાન્ડ ચેતનામાં પોતાને જે રીતે વીઆઇપી ટ્રીટમેન્ટ મળી હતી એવો જ અનુભવ અસલમ સાથે અહીં પણ થયો.

થાળી ખરેખર સરસ હતી અને વેરાઈટીઝ પણ ઘણી હતી. જમતાં જમતાં બંને મિત્રોએ ભૂતકાળની ઘણી વાતો વાગોળી.

" તારી પેલી ગર્લફ્રેન્ડ જાનકી શું કરે છે ? ક્યાં છે અત્યારે ? તમારું કંઈ આગળ વધ્યું ? " અચાનક યાદ આવતાં અસલમે પૂછ્યું.

" અમારો પ્રેમ સાચો હતો અસલમ. હું કોઈની સાથે વિશ્વાસઘાત નથી કરી શકતો. અમે ડિસેમ્બરમાં લગ્ન કરવાનાં છીએ. " કેતન બોલ્યો.

" યે હુઈ ના બાત !! ધિસ ઈઝ ગ્રેટ ન્યૂઝ " અસલમ બોલ્યો.

" હા અસલમ. જાનકી ખરેખર સારી છોકરી છે અને આ જમાનામાં આવું પાત્ર મળવું મુશ્કેલ છે. હવે તારા વિશે કંઈક વાત કર. " કેતન બોલ્યો.

" હા હવે તને મારો આજનો પરિચય આપી દઉં. તું તો મારો ખાસ મિત્ર છે. મનમાં જ રાખજે. ઇંગ્લીશ દારૂનો મારો મોટો કારોબાર છે. દુબઈમાં પણ સારા કોન્ટેક્ટ ઉભા કર્યા છે. રાજકોટમાં મારું એકચક્રી શાસન ચાલે છે. તમારા જામનગરમાં રામકિશન તિવારી મારો એજન્ટ છે. યુપીમાં હથિયારોનું પણ મારું સેટિંગ છે. ડ્રગ્સની પણ મને ઓફર આવી હતી પરંતુ મેં ના પાડી. માલિકની દયાથી બહુ કમાયો છું. મારું બહુ મોટું નેટવર્ક ચાલે છે. જામનગરમાં ગમે ત્યારે ગમે તેવો પ્રોબ્લેમ થાય તું મને ખાલી ફોન કરી દેજે. મારો એક ફોન જ બસ છે. લોકો તને સલામ કરશે. " અસલમ બોલ્યો.

" તારી લાગણીની હું કદર કરું છું. હું તો સીધે રસ્તે ચાલનારો પ્રમાણિક માણસ છું. લોકોની તકલીફોમાં હંમેશા સાથે ઉભો રહું છું. મેં મારું ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે અને એક મોટી હોસ્પિટલ અત્યારે બનાવી રહ્યો છું. જામનગરની બે મોટી હોસ્પીટલોમાં મફત ટિફિન વ્યવસ્થા પણ મેં ગોઠવી દીધી છે." કેતન બોલ્યો.

" તારા જેવો દોસ્ત મેળવવા બદલ હું પણ ગર્વ અનુભવું છું. બહુ સારું કાર્ય કરી રહ્યો છે. હું તો તને પહેલેથી જ જાણું છું કેતન. " અસલમ ગર્વથી બોલ્યો.

" છતાં તારે લાયક કોઈ કામ હશે તો ચોક્કસ તને ફોન કરી દઈશ. " કેતને કહ્યું.

" આપણે હવે ઘરે જઈએ છીએ. ચાર વાગ્યે ફઝલુને બોલાવ્યો છે. મારો જ માણસ છે ને મારા માટે કામ કરે છે. શાર્પ શૂટર છે. બહુ કામનો માણસ છે. તારી હાજરીમાં જ રાકેશની વાત એને કરું છું. બસ તું જોયા કર. " અસલમ બોલ્યો અને બંને જણા જમીને ઉભા થયા.

કોઈપણ જાતનું બિલ ચૂકવ્યા વગર અસલમ કેતનને લઈને બહાર નીકળ્યો. ઉપરથી કાઉન્ટર ઉપર બેઠેલા ભાઈએ ઊભા થઇને સલામ કરી. પોલીસ અને પાવરને સહુ સલામ કરે છે. કેતન વિચારી રહ્યો.

" કેતન તારે આરામ કરવો હોય તો ઉપર એ.સી. બેડરૂમ છે. હજુ પોણા ત્રણ થયા છે અને ફઝલુ ૪ વાગે આવશે." અસલમે ઘરે આવ્યા પછી કેતનને પૂછ્યું.

" હા તો કલાક આરામ કરી લઉં. " કેતન બોલ્યો એટલે અસલમે ઉપર જઈને બેડરૂમ બતાવી દીધો.

અસલમે મકાનમાં દિલથી પૈસા ખર્ચ્યા હતા. લેટેસ્ટ બેડરૂમ હતો. આખા રૂમમાં મોંઘી કારપેટ પાથરેલી હતી. ડબલ બેડની સામેની દિવાલ ઉપર ફુલ સાઇઝનું ૮૫ ઈંચનું એલઈડી ટીવી હતું. મ્યુઝિક સિસ્ટમ પણ હતી. રૂમ સ્પ્રેના કારણે આખા બેડરૂમમાં મીઠી સુગંધ હતી. ઉપર નાનું ઝુમ્મર હતું.

કેતને એકાદ કલાકની ઉંઘ ખેંચી લીધી. એ જાગ્યો ત્યારે ત્રણ અને ૪૦ મિનિટ થઈ ગઈ હતી. એ ઊભો થયો. એટેચ વોશ રૂમમાં જઈને ફ્રેશ થયો. લેટેસ્ટ પર્ફ્યુમ વોશબેસિન ઉપરના શો કેસ માં ગોઠવેલાં હતાં.

એ નીચે આવ્યો ત્યારે અસલમ સોફા ઉપર બેસીને કોઈની સાથે મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો.

કેતન જેવો નીચે આવ્યો કે તરતજ અસલમે ફોન કટ કરી દીધો.

"ઊંઘ આવી હતી બરાબર ?" અસલમે પૂછ્યું.

" હા ભાઈ. આમ પણ બપોરે એકાદ કલાક આરામ કરવાની મને ટેવ છે. તેં બેડરૂમ ખરેખર દિલથી બનાવ્યો છે. પર્ફ્યુમનો તને બહુ શોખ લાગે છે !!" કેતન બોલ્યો.

" અમારા મુસ્લિમોમાં આમ પણ અત્તર પર્ફ્યુમનો શોખ વધારે હોય છે. મને તો ગાંડો શોખ છે. દુબઈ કે પેરિસ જાઉં ત્યારે સૌથી પહેલાં પર્ફ્યુમ જ ખરીદું. તને શોખ હોય તો મારું આખું કબાટ ભરેલું છે. જેટલાં જોઈએ એટલાં લઇ જા. " અસલમ બોલ્યો.

" નહીં અસલમ મને તો એવો શોખ નથી. એક બે લેડીઝ પરફ્યુમ આપી દેજે જાનકી માટે. " કેતન બોલ્યો.

" માય પ્લેઝર. " અસલમ બોલ્યો અને અંદરના રૂમમાં જઈને ચાર અલગ અલગ પરફ્યુમ એક કેરી બેગમાં મૂકી દીધાં.

" મારા તરફથી ભાભીને ગીફ્ટ. એ પણ યાદ કરશે. બેસ્ટ પર્ફ્યુમ છે આ. " કહીને અસલમે કેરી બેગ કેતનને આપી.

બરાબર ચાર વાગે ઈમરાનની સાથે ફઝલુએ પ્રવેશ કર્યો. ડ્રોઇંગરૂમમાં અસલમની સામે માથું ઝુકાવીને એ ઊભો રહ્યો. ઈમરાનની પરમીશન વગર કોઈ પ્રવેશી શકતું નહીં.

" હુકમ ભાઈજાન " ફઝલુ બોલ્યો.

" બૈઠ " અસલમ બોલ્યો એટલે એ સામેના નાના સોફા ઉપર ટટ્ટાર થઈને બેઠો. છ ફૂટની ઊંચાઈ. લગભગ ૫૦ વર્ષની ઉંમર. કરડાકી વાળો ચહેરો. શરીર સુકલકડી પરંતુ આંખો શિકારી જેવી.

" યે મેરા ખાસ દોસ્ત હૈ. મેરે બડે ભાઈ જૈસા હૈ. જામનગર સે આયા હૈ. વહાં પર રાકેશ વાઘેલા નામ કા એક (ગાળ) ઉસકે પીછે પડા હૈ. ઉસકો ઉઠાના હૈ. મૈં તો ઉસકો ઉડા દેના ચાહતા હું લેકીન ભાઈને ના બોલા. ઉસકે ઓર ભી તીન સાગરીત હૈ. સબકી કુંડલી નિકાલ દે. ઔર મેરે પાસ લે આ " અસલમે આદેશ આપ્યો. કેતને જોયું કે વાત કરતી વખતે અસલમનો આખો ચહેરો બદલાઇ ગયો હતો. એ ખુન્નસથી વાત કરતો હતો.

વાત સાંભળીને ફઝલુના ચહેરા ઉપરથી લોહી ઊડી ગયું. કેતનને એ ઓળખી ગયો હતો. પોતે "ભાઈ" ના ખાસ દોસ્તને મારવાની સોપારી લીધી હતી. એ ધ્રુજી ઉઠ્યો.

" ભાઈ ૨ મિનિટ આપ મેરે સાથ અંદર ચલેંગે પ્લીઝ ? " ફઝલુ બોલ્યો.

અસલમ ઊભો થયો અને અંદરના એક ખાસ રૂમમાં એને લઈ ગયો જ્યાં ખાનગી મીટિંગો થતી હતી.

ફઝલુએ અસલમને પોતાના મોબાઈલમાં કેતનનો વિડીયો જે રાકેશ વાઘેલા એ ફોરવર્ડ કરેલો તે બતાવ્યો.

" ભાઈ ગલતી હો ગઈ. મૂઝે સચમેં પતા નહીં થા કી યે આપકે દોસ્ત હૈં. મુઝે રાકેશને ઉનકો મારનેકી સોપારી દી હૈ. સાત લાખ મે સૌદા હુઆ હૈ. તીન લાખ એડવાન્સ દિયા હૈ મુઝે. બહોત બડા અનર્થ હો જાતા." ફઝલુ ધ્રૂજતો હતો.

હવે અસલમે પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવ્યો. એણે સટ્ટાક દઈને ફઝલુને એક તમાચો ઠોકી દીધો. ફઝલુ એના પગમાં પડી ગયો.

" ભાઈ મુઝે માફ કરો. મેં જાનતા નહી થા. આપ જો બોલો કરુંગા મેં. " ફઝલુ બોલ્યો.

" ભાઈને તો ના બોલા હૈ લેકિન યે ઇન્સાન અબ જિંદા રહેના નહીં ચાહિયે. ઉસને મેરે ભાઈ જૈસે નેક ઇન્સાન કો મારને કી સાજિશ કી હૈ. ભાઈ કો તો બેચારે કો પતા ભી નહીં હૈ. તુ નિકલ જા. ઉસકો કહી બુલા કે ઉડા દે. " અસલમે આદેશ આપી દીધો.

" ભાઈ એક ઔર બાત કહેની થી. રાકેશ કો રામકિશન તિવારીને ભેજા થા. નહીં તો મેં યે કેસ હાથ મેં નહીં લેતા. " ફઝલુ બોલ્યો.

હવે અસલમનો પિત્તો ગયો. પરંતુ અત્યારે તિવારી સાથે વાત કરવાનો સમય ન હતો. કેતન બહાર બેઠો હતો.

" ઠીક હૈ તું જા. મૈને જો બોલા વો કર દે. ઉડા દે સાલે કો. તિવારી કા મેં બાદ મેં દેખ લેતા હું. " અસલમ બોલ્યો.

" જી ભાઈજાન. ખુદા હાફીઝ. " કહીને ફઝલુ ઝડપથી બહાર નીકળી ગયો.

કેતન મારી પાસે આવ્યો એ બહુ સારું થયું. એની ચિંતા વ્યર્થ ન હતી. એ જો ના આવ્યો હોત તો એના જાનને ખતરો હતો. ફઝલુનું નિશાન ખાલી જતું ન હતું. ખરેખર ખુદા એની રક્ષા કરી રહ્યા છે. એણે ભલે ના પાડી પરંતુ હવે એ હરામી ને જીવતો ના રખાય.

અસલમ બહાર આવ્યો અને કેતનની બાજુમાં સોફા પર બેઠો.

" તારું કામ થઈ ગયું. હવે તારે ડરવાની કોઈ જરૂર નથી. આજ પછી તારી કોઈ રેકી પણ નહીં કરે. આખા જામનગરમાં બિન્દાસ્ત ફરી શકે છે. હવે કોઇપણ જાતનો પ્રોબ્લેમ થાય તો મને ખાલી એક ફોન કરી દેજે. તારો ભાઈ તારી સેવામાં હંમેશા હાજર છે. " અસલમ લાગણીથી બોલ્યો.

" આજે તેં મારું ઘણું મોટું ટેન્શન ઓછું કરી દીધું. સામી છાતીએ લડવા માટે હું હંમેશા તૈયાર છું. પણ પીઠ પાછળ વાર કરનારાને કેવી રીતે પહોંચવું !! " કેતન બોલ્યો.

" જ્યાં સુધી હું રાજકોટમાં બેઠો છું ત્યાં સુધી તારે હવે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. મારા ખાસ માણસો જામનગરમાં પણ છે. મારું નેટવર્ક છેક ઓખા સુધી છે. " અસલમ બોલ્યો.

" તું એકવાર હવે જામનગર મારા ઘરે આવ. ત્રણેક મહિનામાં મારો પોતાનો નવો બંગલો પણ તૈયાર થઇ જશે. અને હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પણ તારે હાજર રહેવાનું છે. " કેતને ભાવભીનું આમંત્રણ આપ્યું.

" ચોક્કસ આવીશ. બધું કામ પડતું મૂકીને આવીશ. " અસલમે કહ્યું.

" ચાલ હવે હું રજા લઉં. જામનગર પહોંચતાં રાત પડી જશે." કેતન બોલ્યો અને ઉભો થયો.

" હા આ પર્ફ્યુમ ખાસ ભાભી માટે છે. " અસલમે સોફા ઉપર પડેલી કેરીબેગ ફરી એના હાથમાં પકડાવી.

" હા.... હું નહી વાપરું. " કેતને હસીને કહ્યું અને બહાર નીકળ્યો. અસલમ છેક એની ગાડી સુધી વળાવવા આવ્યો.

કેતનના ગયા પછી અસલમ ઘરમાં આવ્યો અને એણે ઈમરાનને જામનગર રામકિશન તિવારીને ફોન જોડવાનું કહ્યું.

" હલો તિવારી જી.. ઈમરાન બોલ રહા હું. ભાઈ આપ સે બાત કરના ચાહતે હૈ. " કહીને ઈમરાને ફોન બોસ ને આપ્યો.

" અસ્સલામ માલેકુમ ભાઈ. સેવા ફરમાઈએ. " તિવારી બોલ્યો.

" ધંધા બંધ કરનેકા સોચા હે ક્યા ? દો મિનટ લગેગા મુજે. જામનગર કા પુરા કારોબાર દૂસરે કે હાથ મેં ચલા જાયેગા. " અસલમે ગુસ્સાથી કહ્યું.

" અરે ભાઈ મેરી ગલતી કયા હૈ. આજ તક કભી ફરીયાદકા મોકા દિયા હૈ ? " તિવારી બોલ્યો. એને આશ્ચર્ય થયું.

" ઇસી લિયે તો આજતક તુમ ટિકે હો. કિસકી સોપારી દેને તુમને રાકેશકો ફઝલુ કે પાસ ભેજા થા (ગાળ) ? " અસલમ બોલ્યો.

હવે તિવારીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ થથરી ગયો. નક્કી કંઇક મોટો લોચો થયો લાગે છે.

" ભાઈ રાકેશને મુજે પુછા થા જરૂર લેકિન મુજે ઉસને નામ નહીં બતાયા થા. મેં ઐસે કામોંમેં હાથ નહીં ડાલતા તો મૈને ઉસકો ફઝલુભાઈ કા નામ દિયા થા. " તિવારી જાણે કંઇ જાણતો ન હોય એ રીતે બોલ્યો.

" વો મેરા બડા ભાઈ હે. કેતન હૈ નામ ઉસકા. તુમ ભી યાદ રખ લો. અગર ઉસકો કુછ હુઆ તો સબ મારે જાઓગે. ઓર ભી તીન લડકે હૈ. પાતાલ મેં સે ઢૂંઢ લુંગા. " અસલમ બોલ્યો અને ફોન કટ કર્યો.

હવે રામકિશન તિવારી ખરેખર ધ્રૂજી ઊઠ્યો કારણ કે બાકીના ત્રણમાં એનો પોતાનો દીકરો દીપક પણ હતો.

એ અસલમ શેખને બરાબર ઓળખતો હતો. દેખાવે શાંત લાગતો અસલમ ભયંકર ખુન્નસ વાળો અને ક્રૂર પણ હતો. વળી એ પોતાનો બોસ હતો.

રાકેશને મારે સાવધાન કરવો જ પડશે. અત્યારે તો રાત પડી ગઈ છે. પરંતુ સવારે જ એને બોલાવીને ચેતવી દેવો પડશે કે જામનગર છોડી દે અથવા કેતનના પગ પકડી લે.

પરંતુ સવારે એ રાકેશને સાવધાન કરી શક્યો નહીં. સવારે ૯ વાગે એને કોઈ પોલીસે સમાચાર આપ્યા કે રાજકોટ રોડ ઉપરથી ગઈકાલે રાત્રે રાકેશની લાશ મળી આવી છે.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED