આ જનમની પેલે પાર - ૧૦ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ જનમની પેલે પાર - ૧૦

આ જનમની પેલે પાર

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦

હેવાલી ડરીને દિયાનની પાછળ લપાઇ ગઇ. તેને સામે ઊભેલા માણસનો ચહેરો બિહામણો લાગ્યો. દિયાનના દિલની ધડકન પણ વધી ગઇ હતી. એ માણસની એક જ આંખ હતી. એ પણ કાચની હોય એમ ચમકી રહી હતી. બીજી આંખમાં ખાડો હતો. એના ચહેરા પરની ચામડી પણ દાઝીને ઝુલસી ગઇ હોય એમ લબડી રહી હતી. ચહેરા મર જાણે માંસનો લોચો લગાવ્યો હતો. અજાણ્યા માણસના ભયાનક ચહેરાને જોઇને બંને ડરી ગયા હતા. દિયાન હિંમત રાખીને એ માણસ સામે જોઇને પૂછવા લાગ્યો:'અડસઢ મહોલ્લો આ જ છે?'

એ વિચિત્ર મોંવાળા માણસે બંને તરફ એક આંખથી નજર નાખીને જોયું. તેઓ અજણ્યા પ્રાણી હોય એમ એમની સામે જોઇ જ રહ્યો. એની એક આંખની નજરથી બંને ભયભીત થઇ ગયા. એમને થયું કે ખોટી જગ્યાએ આવી ગયા છે. એ માણસે જવાબ આપવાને બદલે હસવાનું શરૂ કર્યું ત્યારે બંનેના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. કોઇ પાગલ માણસ હોવાનો ભય એમના દિલને કોરી રહ્યો. તેનો વિચિત્ર દેખાવ અને વર્તણૂક રહસ્યમય લાગી રહી હતી.

'તમે...તમે કોણ છો?' દિયાને હેવાલીનો હાથ મજબૂતીથી પકડીને પૂછ્યું.

'તમે તમારી વાત કરો...તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો?' પેલા માણસે અવાજમાં કરડાકી રાખીને પૂછ્યું. દિયાન અને હેવાલીનું એના ઘર પાસે આવવું જાણે એને ગમ્યું ન હતું. અહીં કોઇ આવતું હોય એમ લાગતું પણ ન હતું.

હેવાલીના તો મોતિયા જ મરી ગયા હતા. દિયાન સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં બોલ્યો:'હું..હું દિયાન છું. આ મારી પત્ની છે. અમે અડસઢ મહોલ્લામાં એક-બે જણને મળવા આવ્યા છે.'

'અહીં તો વર્ષોથી કોઇ રહેતું નથી. તમે છેલ્લે ક્યારે આવ્યા હતા?' પેલા માણસે પોતાનો પરિચય આપવાનું ટાળીને સવાલ પૂછ્યો.

'અમે...પહેલી વખત આવ્યા છે....' દિયાને સાચું કહી દીધું.

પેલો માણસ ફરી ડરામણું હસતાં બોલ્યો:'તમને અહીં કોણે મોકલ્યા છે?'

દિયાનને થયું કે એ સપનામાં આવતાં મેવાન અને શિનામી વિશે કંઇ કહેશે તો વાત વણસી જશે. વચ્ચેનો રસ્તો વિચારીને તે બોલ્યો:'મારો મિત્ર મેવાન અહીં રહેતો હતો. એણે મને વર્ષો પહેલાં સરનામું આપ્યું હતું. આજે આ તરફ નીકળ્યો એટલે થયું કે એ હોય તો એને મળતા જઇએ... તમે એના વિશે કંઇ જાણો છો?'

'મેવાન...?' બોલીને એ માણસ વિચારવા લાગ્યો.

'હા, મેવાન જયરામ સંતાણી...એનું આ જ સરનામું છે...અડસઢ મહોલ્લો...તમને ખ્યાલ છે?' દિયાન એ માણસને યાદ કરાવવા મથી રહ્યો.

'હં...મેવાન તો નામ યાદ આવતું નથી...પણ જયરામ નામ સાંભળેલું લાગે છે...' એ માણસને થોડું યાદ આવવા લાગ્યું હતું એ જાણીને દિયાનને આશા જાગી. સાચી જગ્યાએ આવ્યા હોય એવું લાગ્યું.

દિયાનને એના ચહેરાને જોવાનો ડર લાગતો હતો છતાં એની સામે આશાથી જોઇ રહ્યો.

એ માણસ થોડીવાર આંખ બંધ રાખીને વિચાર કરતો રહ્યો. પછી બોલ્યો:'જયરામ સંતાણી અહીં રહેતો હતો ખરો...હા, એ તો મરી ગયો હતો...'

'અને...અને એનો છોકરો મેવાન પછી ક્યાં ગયો?' દિયાનને મેવાનની કડી મળતી લાગી.

'એનો છોકરો...હં... મેવાન જ નામ હશે. એના તો પછી લગ્ન થયા હતા...'

'હા, એ જ...એ જ... એ પછી ક્યાં ગયો? એના લગ્ન કોની સાથે થયા હતા?' દિયાન ઉત્સુક્તાથી પૂછવા લાગ્યો.

'મેવાનના લગ્ન? હા, યોગેનની છોકરી...હં... યોગેન વાલાણીની છોકરી સાથે... નામ એનું શિનામી હતું...' પેલા માણસે શિનામીનું નામ આપીને બંનેને ચમકાવી દીધા.

દિયાન અને હેવાલીને થયું કે શિનામીનું નામ એમણે આપ્યું જ નથી. મેવાન અને શિનામી એકબીજા સાથે લગ્નથી જોડાયેલા હતા.

'હા...એ જ... એ લોકો અત્યારે ક્યાં છે?' દિયાનને થયું કે તે બહુ જલદી મેવાન અને શિનામીને મળી શકશે.

'એમને જોયાને તો ઘણાં વર્ષો વીતી ગયા. મારા ખ્યાલથી તો બંનેના એક અકસ્માતમાં મોત થયા હતા...' પેલો માણસ યાદ કરીને બોલી રહ્યો.

'શું?' દિયાન અને હેવાલી જાણે ચીસ પાડતાં હોય એમ સાથે બોલ્યા.

ક્રમશ: