Prayshchit - 40 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 40

પ્રાયશ્ચિત પ્રકરણ 40

કેતનને પપ્પાની વાત સાચી લાગી. એને પણ લાગતું હતું કે પ્રતાપભાઈ વાઘાણી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરી શકાય. છતાં કેતન થોડો પ્રેક્ટીકલ હતો.

ભલે જગદીશભાઈ એમના અનુભવના આધારે પ્રતાપભાઈ વાઘાણી વિશે કેતનને સાવધાન કરતા હોય છતાં કેતન જુદી રીતે વિચારતો હતો. જામનગર જેવા શહેરમાં એ એકલો જ રહેવાનો હતો. આશિષ અંકલની ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે એ કાયમ માટે જામનગરમાં રહેવાના નથી એ કેતન સારી રીતે જાણતો હતો.

પ્રતાપ અંકલને નારાજ કરવા એને પોસાય એમ નહોતું. હા એમના ઉપર નજર રાખવી જરૂરી હતી છતાં કેટલીક બાબતોમાં આંખ આડા કાન કરવા પડે તેમ હતા. ભવિષ્યમાં ગમે ત્યારે એ કામના માણસ હતા.

આટલા મોટા શતચંડી યજ્ઞનું આયોજન પ્રતાપ અંકલ સિવાય શક્ય ન હતું. યજ્ઞની સંપૂર્ણ જવાબદારી પ્રતાપ અંકલે પોતાના માથે લઈ લીધી હતી. બાકી પોતે અહીંયા ક્યાં કોઈને ઓળખતો હતો ? એટલે અત્યારે માલ સામાનની ખરીદી માટે બીજા કોઈ એક્સપર્ટને રોકવાની પપ્પાની સલાહ હાલ પૂરતી અમલમાં મૂકવા જેવી નથી. મારા નસીબમાં જે છે એ કોઈ છીનવી શકવાનું નથી !!

" હવે આપણે સુરત જવાનું કેવી રીતે કરીશું ? " જગદીશભાઈએ સિદ્ધાર્થને પૂછ્યું.

" પપ્પા સુરત તો બે દિવસ પછી પણ જવાશે. આટલે સુધી આવ્યા જ છો તો પછી દ્વારકાધીશનાં દર્શન કરી આવો ને ? સવારે જઈને સાંજે પાછા આવી શકાય એમ છે. આટલું મોટું યાત્રાધામ છે. લોકો કેટલે દૂર દૂરથી આવે છે ? " કેતન બોલ્યો.

" હા કેતનની વાત એકદમ સાચી છે. કાલે આપણે બધાં દર્શન કરી આવીએ. " જયાબેન બોલ્યાં. આમ પણ એ થોડાં ભક્તિભાવ વાળાં હતાં.

" છેવટે જાનકીની પ્રાર્થના દ્વારકાધીશે સાંભળી ખરી !! " કેતને જાનકીની સામે જોઈને કહ્યું.

" જાનકીભાભીની વળી કઈ પ્રાર્થના ? " શિવાની બોલી ઉઠી. એને ભાઈની વાત સમજાઈ નહીં.

" કંઈ નહીં શિવાની બેન. એ તો ખાલી મજાક કરે છે. " જાનકી કેતન કંઈ કહેવા જાય એ પહેલાં બોલી ઉઠી.

" ના હોં ભાભી... તમે ભાઈને અટકાવો નહીં. ભાઈ બોલોને કઈ પ્રાર્થના ? " શિવાનીએ ફરી કેતનને પૂછ્યું.

" અરે એ તો થોડા દિવસ પહેલાં અમે લોકો દ્વારકા ગયેલાં ત્યારે જાનકીએ દ્વારકાધીશ પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરી હતી કે વારંવાર તમારાં દર્શન કરવા આવું એવું સાસરુ મને આપજો. " કેતન બોલ્યો અને સહુ ખડખડાટ હસી પડ્યાં. જાનકી બિચારી બધાં વચ્ચે શરમાઈ ગઈ.

" પપ્પા સુરત જવા માટે હવે ટ્રેઇનનું રિઝર્વેશન તો આટલું જલ્દી નહીં મળે. તમે લોકો પરમ દિવસની બપોરે દોઢની ફ્લાઈટમાં મુંબઈ પહોંચી જાઓ. ત્યાંથી સુરત જવા માટે ઘણી ટ્રેઈન છે. " કેતન બોલ્યો.

" હા એ આઇડિયા સારો છે. તું અત્યારે જ ઓનલાઇન ટિકિટો બુક કરાવી દે. " જગદીશભાઈ બોલ્યા.

" હા એ હું કરી દઉં છું. અને હું એમ વિચારું છું કે કાલે વહેલી સવારે આઠ વાગ્યા સુધીમાં આપણે લોકો દ્વારકા જવા માટે નીકળી જઈએ. ભલે થોડા વહેલા ઉઠવું પડશે બધાંને પરંતુ દર્શન કરીને આપણે એક દોઢ વાગ્યા સુધીમાં તો પાછા પણ આવી જઈશું. વળતી વખતે ગાન્ડ ચેતનામાં જ જમી લઈશું. દક્ષા માસીને કાલે આરામ આપીએ. "

" તને જેમ ઠીક લાગે એમ. અમને તો કોઈ જ વાંધો નથી. દર્શન થઈ જાય એટલે બસ. " જયાબેન બોલ્યાં.

" બસ તો પછી હું મનસુખભાઈ ને સૂચના આપી દઉં છું. " કેતન બોલ્યો અને પછી એણે ૬ જણાંની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી.

" પપ્પા તમે આશિષ અંકલને મળવાનું કહેતા હતા તો પછી આજે બપોર પછી જ મળી લો. આપણા આમંત્રણને માન આપીને એ પરમ દિવસે હવનનાં દર્શન કરવા માટે પાંચ મિનિટ માટે આવ્યા હતા. પોતાના હોદ્દાની રૂએ એમણે જમવાની પહેલેથી જ આપણને ના પાડી હતી. "

" હા એ સારું યાદ કરાવ્યું તેં. હું એને મળ્યા વગર જવાનો પણ નહોતો. આજે ટાઈમ છે તો સાંજે મળી લઈએ. માણસ બહુ કામનો છે. અને તું પાછો જામનગરમાં જ રહે છે એટલે મારે સંબંધ ખાસ સાચવવો પડે. " જગદીશભાઈ બોલ્યા.

કેતન સાંજે ચાર વાગે પપ્પાને લઈને આશિષ અંકલની ઓફિસે પહોંચી ગયો. ઘરના બાકીના સભ્યો ઘરે જ રહ્યા.

" આવો આવો જગદીશભાઈ. " આશિષ અંકલે ઊભા થઇને સ્વાગત કર્યું.

" અરે આપણી વચ્ચે વર્ષોથી તું તારી નો સંબંધ છે આશિષ. અચાનક આ ભાઈનું લટકણીયું શું કામ લગાડ્યું ? " જગદીશભાઈએ હસીને કહ્યું.

" એ વાત પણ સાચી છે પરંતુ તું હવે બહુ મોટો માણસ છે. ૩૦૦ ૪૦૦ કરોડની પાર્ટી છે. વર્ષો પછી મળીએ છીએ. તને જગદીશ કહીને સંબોધું અને તને ગમે કે ના પણ ગમે. " આશિષભાઈ બોલ્યા.

" બસ મારા માટે આવું વિચારી લીધું ? મિત્રતા તો મિત્રતા છે. " જગદીશભાઈ બોલ્યા.

" બોલ હવે શું સેવા કરું તારી ? "

" કાંઈ કરવું નથી. આજે તો ખાલી મળવા જ આવ્યો છું. તે દિવસે તું દર્શન કરવા આવ્યો પરંતુ હું હવનમાં બેઠેલો હતો એટલે આપણી વચ્ચે કોઈ વાતચીત ના થઈ શકી અને તને મળ્યા વગર તો હું સુરત જાઉં જ નહીં. " જગદીશભાઈ બોલ્યા.

જગદીશભાઈ અને આશિષભાઈ બંને કોલેજ મિત્રો હતા. જગદીશ શ્રીમંત પરિવારમાંથી હતો જ્યારે આશિષ ઘણી નબળી આર્થિક સ્થિતિ વાળા મધ્યમવર્ગીય કુટુંબમાંથી હતો. અભ્યાસમાં પહેલેથી જ આશિષ ખૂબ જ હોશિયાર હતો.

આશિષની આવન-જાવન કોલેજના સમયથી જ જગદીશના ઘરે હતી. આશિષના લગ્ન વખતે જગદીશના કહેવાથી જમનાદાસે સારી એવી આર્થિક મદદ આશિષને કરેલી. એમ કહોને કે આશિષના લગ્નનો લગભગ તમામ ખર્ચો જમનાદાસે ઉપાડેલો.

આશિષ થોડાં વર્ષો પછી આઇપીએસ બનીને કમાવા લાગ્યો પછી એણે એ રકમ પાછી વાળવાની કોશિશ કરેલી પરંતુ જગદીશે ધરાર ના પાડેલી. ત્યાર પછી બંનેના સંબંધ ઘણા ગાઢ થયા.

" કેતનનું તું ઘણું ધ્યાન રાખે છે એ જાણીને મને ખરેખર આનંદ થયો છે. સાવ સાચું કહું તો તું અહીંયા હતો એટલે જ મેં જામનગરની પસંદગી કરી. " જગદીશભાઈ બોલ્યા.

" કેતન મારા માટે પણ દીકરા જેવો જ છે. જામનગરમાં આવ્યો ત્યારે સૌથી પહેલાં મને જ મળવા આવ્યો હતો. એક વાત કહેવી પડશે જગદીશ. તારો દીકરો છે મરદ માણસ. આઇપીએસ બનવાનાં બધાં જ લક્ષણ એનામાં છે. આટલા દિવસમાં મેં એને માપી લીધો. " આશિષભાઈએ કેતનની દિલથી પ્રશંસા કરી.

" એ એના દાદા ઉપર ગયો છે. દાદાનાં બધાં લક્ષણ એનામાં ઉતર્યાં છે. મારા પપ્પા પણ એવા જ હતા એકદમ નીડર અને સાહસિક. ક્યાંય પાછા ના પડે. પારકા ઝગડા પોતાના માથે લઈ લે. દરેકની પડખે ઉભા રહે. " જગદીશભાઈ બોલ્યા.

પપ્પાની દાદાવાળી વાત સાંભળીને કેતન થોડો વિચલિત થઈ ગયો. મનમાં તો થયું કે હું એ જ જમનાદાસ છું. પણ આ રહસ્ય ગુપ્ત હતું. દાદાનો આખે આખો સ્વભાવ એનામાં આવ્યો હતો. પરંતુ દાદાએ પૈસાના લોભમાં આવીને જે અપરાધ કરી દીધો હતો એનાથી એમણે કરેલાં તમામ પુણ્ય કર્મો ધોવાઈ ગયાં હતાં.

જગદીશ અને આશિષની મૈત્રીની વાતો લગભગ અડધા કલાક સુધી ચાલી. બંને એ કોલેજના દિવસોને પણ યાદ કરી લીધા. એ દરમિયાન કોલ્ડ્રીંક પણ સર્વ થઈ ગયું.

" ચાલ આશિષ અમે રજા લઈએ. કાલે વહેલી સવારે પાછુ દ્વારકા દર્શન કરવા જવું છે. આખું ફેમિલી ઘરે બેઠું છે. " જગદીશભાઈ એ ઊભા થતાં કહ્યું. કેતન પણ ઊભો થયો.

" તમે આટલા મોટા હવનનું આયોજન કર્યું એ જોઈને બહુ આનંદ થયો. કેતને પણ થોડા સમયમાં ઘણી પ્રગતિ કરી છે. ખબર નથી કઈ શક્તિ એની પાછળ કામ કરે છે. તું એની જરા પણ ચિંતા કરીશ નહીં. " આશિષભાઈએ કહ્યું.

અને જગદીશભાઈની સાથે કેતન પણ બહાર નીકળ્યો. સાંજના પાંચ વાગવા આવ્યા હતા. વરસાદના થોડા થોડા છાંટા પડતા હતા. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું.

" આજે રાત્રે વરસાદ આવવો જોઈએ. જો બહુ વરસાદ આવશે તો દ્વારકા નો પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે કેતન. " જગદીશભાઈ એ ગાડીમાં બેસતાં કહ્યું.

" મારું મન કહે છે કે આપણે દ્વારકા ચોક્કસ જઈશું. દર્શન કરવાની ઇચ્છા જો તીવ્ર હોય તો ઈશ્વર બધાં જ વિઘ્નો દૂર કરે છે. " કેતન આત્મવિશ્વાસથી બોલ્યો. દરરોજ ધ્યાનમાં બેસવાથી એનો વિલ પાવર વધી ગયો હતો.

અને બન્યું પણ એમ જ. રાત્રે એક નાનકડું ઝાપટું આવી ગયું પરંતુ સવારે વાતાવરણ ખુશનુમા હતું. વહેલી સવારે ઊઠીને આઠ વાગ્યે તો બધાં બંને ગાડીઓમાં દ્વારકા જવા માટે નીકળી પણ ગયાં.

સવારે ૧૦:૩૦ વાગ્યે આખા પરિવારે દ્વારકાધીશના ખુબ જ શાંતિથી દર્શન કર્યા ખાસ ભીડ પણ ન હતી. મનસુખ માલવિયા પણ સાથે જ હતો એટલે ગયા વખતે જે ગુગળી બ્રાહ્મણે પૂજા કરાવેલી એ ધનેશભાઈ ભટ્ટને શોધી કાઢીને આખા પરિવાર પાસે પૂજાનો સંકલ્પ કરાવ્યો.

" કેતનભાઇ આ મંદિર ઉપર બાવન ગજની ધજા ચડાવવાનું બહુ જ મહત્વ છે. એકાદ વાર અહીં આવીને દ્વારકાધીશની ધજા તમે ચડાવો. એનાથી બધી ગ્રહબાધા દૂર થાય છે. ધજા ચડાવવા માટે આખા ભારતમાંથી લોકો આવે છે. અહીં કૃષ્ણ ભગવાનની ચેતના સાક્ષાત છે. " ધનેશભાઈ બોલ્યા.

" મારું આ કાર્ડ તમે રાખો. જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે મને અગાઉથી ફોન કરી દેજો. કારણકે ધજા સીવડાવવી પડે છે. " કહીને ધનેશભાઈએ પોતાનું કાર્ડ કેતનને આપ્યું. કેતને ગયા વખતની જેમ જ ભટ્ટજી ને ૫૦૦૦ દક્ષિણા આપી. ભટ્ટજી એ બધાંને આશીર્વાદ આપ્યા.

બીજું તો કંઈ કામ હતું જ નહીં એટલે બધા સભ્યો બજારમાં એક ચક્કર લગાવીને થોડો પ્રસાદ ખરીદીને ગાડીમાં ગોઠવાઈ ગયા અને બંને ગાડીઓ જામનગર તરફ રવાના થઈ.

દ્વારકા છોડ્યા પછી પણ દૂર દૂર સુધી દેખાતી કૃષ્ણ ભગવાનના જગત મંદિરની ફરફરતી ધજા કેતન ને અંદરથી કંઈક દિવ્ય અનુભૂતિ કરાવી રહી હતી !!

હું જરૂર એક દિવસ અહીં આવીને ધજા ચોક્કસ ચડાવીશ. ધજા ચડાવવાનો મંદિરના પૂજારીનો આદેશ કદાચ સ્વામીજીનો સંકેત પણ હોઇ શકે !! ગમે તેમ પણ કેતન ખૂબ ખુશ હતો.

જામનગર માં પ્રવેશ કર્યો ત્યારે લગભગ દોઢ વાગી ગયો હતો. બંને ગાડીઓ ગ્રાન્ડ ચેતના ડાઇનિંગ હોલ તરફ લઈ લીધી. પહેલી વાર આવેલો ત્યારે આશિષ અંકલ ના કહેવાથી પોતાને વીઆઇપી ટ્રીટમેન્ટ મળી હતી એ કેતનને યાદ આવી ગયું.

ના... આ વખતે કોઈ જ ઓળખાણ આપવી નથી. કોઈની પણ આવક ઉપર ઓળખાણની લાત મારવી નથી.

ગ્રાન્ડ ચેતનામાં બધાંએ પ્રવેશ કર્યો. પોણા બે વાગી ગયા હતા એટલે બધાંને ભૂખ પણ લાગી હતી એટલે કોઈપણ જાતની વાતચીત કર્યા વગર ફટાફટ બધાંએ જમવા ઉપર જ ધ્યાન આપ્યું. જમવાનું ખરેખર સ્વાદિષ્ટ હતું.

જમીને કેતનનો પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે લગભગ ત્રણ વાગવા આવ્યા હતા. મુસાફરીનો પણ થાક હતો એટલે એકાદ કલાક આરામ કરવાનો બધાંનો વિચાર હતો.

સાંજે પાંચ વાગે જયેશ ઝવેરી પાંચ લાખનો ચેક લેવા માટે કેતનના ઘરે પહોંચ્યો.

" શેઠ ગઈકાલે વાત થયા મુજબ આજે મારે માવજીભાઈને પાંચ લાખનો ચેક એડવાન્સ પેટે આપવાનો છે. એમને મેં ઓફિસ બતાવી દીધી છે. એમનો કોઈ જાણીતો આર્કિટેક છે એની ડિઝાઈન પ્રમાણે એ ફર્નિચરનું કામ કરશે. " જયેશ બોલ્યો.

" એ સારો નિર્ણય છે. કારણકે મિસ્ત્રીનું કામ માત્ર ફર્નિચર બનાવવાનું છે. પરંતુ આખી ઓફિસનું વિઝન માત્ર આર્કિટેક પાસે જ હોય છે. કોર્પોરેટ ઓફિસનો લુક લાગવો જોઈએ. " કેતને પોતાનો અભિપ્રાય આપ્યો.

" હા શેઠ. માવજીભાઈ પણ એવું જ કહેતા હતા. "

" ચાલો સારી વાત છે. ચેક એમને આપી દો. પરંતુ જ્યારે બિલ અને હિસાબ આપે ત્યારે તમે વોચ જરૂર રાખજો. લખ્યા પ્રમાણે જ મટીરીયલ આવ્યું છે કે નહીં અને ભાવ પણ બરાબર છે કે નહીં એ પણ તપાસ કરી લેવી. આપણે કોઈ કાપકૂપ નથી કરવી પરંતુ આપણી ધ્યાન બહાર કશું ના હોવું જોઈએ. " કેતન બોલ્યો અને એણે ચેક લખી આપ્યો.

" સમજી ગયો શેઠ. ત્રણેય જગ્યાએ જો એમની પાસે જ કામ કરાવીએ તો લાખો રૂપિયાનો હિસાબ થશે. " જયેશ બોલ્યો.

" લાખો નહીં. માલસામાન સાથે કરોડ સુધી આંકડો પહોંચી જશે. સાગના લાકડાનો ભાવ આસમાને છે. " કેતને કહ્યું.

" ભલે શેઠ. તમામ બિલ ઉપર પૂરેપૂરું ધ્યાન આપીશ. ચાલો હું રજા લઉ. " અને જયેશ ઝવેરી બહાર નીકળી ગયો.

જયેશના ગયા પછી નવી હોસ્પિટલ પપ્પા તેમજ ભાઈ-ભાભીને બતાવવાનો પ્રોગ્રામ કેતને બનાવ્યો અને ગાડી લઈને હોસ્પિટલ જવા રવાના થયો. રીનોવેશન નું કામકાજ હજુ ચાલુ હતું એટલે મમ્મી જાનકી અને શિવાનીને ઘરે જ રોકાવાનું કહ્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED